Tuesday, April 22, 2025
More
    હોમપેજદેશ'દેશને જરૂર છે UCCની': અબ્દુલના સંપત્તિ વિવાદ કેસમાં કર્ણાટક હાઇકોર્ટ, કહ્યું- મજહબ...

    ‘દેશને જરૂર છે UCCની’: અબ્દુલના સંપત્તિ વિવાદ કેસમાં કર્ણાટક હાઇકોર્ટ, કહ્યું- મજહબ આધારિત કાયદાથી મહિલાઓ સાથે થાય છે ભેદભાવ

    કોર્ટે કહ્યું કે, "બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર. આંબેડકરે તેમના સૌથી શાનદાર ભાષણોમાંના એકમાં સમાન નાગરિક સંહિતાની તરફેણમાં દલીલ કરી છે."

    - Advertisement -

    કર્ણાટક હાઇકોર્ટે (Karnataka High Court) શુક્રવારે (4 એપ્રિલ, 2025) સંસદ અને રાજ્ય વિધાનસભાઓને સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા માટે તમામ પ્રયાસો કરવાનો આગ્રહ કર્યો છે. કોર્ટે કહ્યું છે કે, બંધારણના અનુચ્છેદ 44 હેઠળ સમાન નાગરિક સંહિતા પર કાયદો ઘડવાથી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સમાવિષ્ટ ઉદ્દેશ્યો અને આકાંક્ષાઓ ખરેખર સાકાર થશે.

    ન્યાયાધીશ હંચતે સંજીવકુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, સમાન નાગરિક સંહિતાનો અમલ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરશે, તમામ જાતિઓ અને ધર્મોમાં સમાનતાને પ્રોત્સાહન મળશે અને ભાઈચારા દ્વારા વ્યક્તિગત ગૌરવ જાળવી શકાશે. કોર્ટે કહ્યું કે, બંધારણ મુજબ ભારતમાં બધી મહિલાઓ નાગરિક તરીકે સમાન છે, પરંતુ પર્સનલ લૉ તેમની સાથે ભેદભાવ કરે છે.

    કોર્ટે કહ્યું છે કે, ધર્મના આધારે બનેલા પર્સનલ લૉ મહિલાઓને ભેદભાવ તરફ દોરી જાય છે. હિંદુ કાયદા હેઠળ પુત્રીને પુત્ર જેટલો જ જન્મસિદ્ધ અધિકાર છે અને પત્નીને તેના પતિ જેટલો જ દરજ્જો છે. જોકે, મુસ્લિમ કાયદા હેઠળ આવી સમાનતા અસ્તિત્વમાં હોય તેવું લાગતું નથી. તેથી, કોર્ટે કાયદા સમક્ષ સમાનતા સુનિશ્ચિત કરવા માટે સમાન નાગરિક સંહિતાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

    - Advertisement -

    કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ હંચતે સંજીવકુમારે સમાન નાગરિક સંહિતા કાયદા પર બંધારણ સભાની દલીલ કરી હતી . તેમણે કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતા બંધારણ સભામાં પણ વિવાદનો વિષય હતો. જસ્ટિસ સંજીવકુમારે કહ્યું હતું કે, બંધારણ સભાના કેટલાક સભ્યોએ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપ્યું હતું અને કેટલાક સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો.

    અગાઉના કેસોનો પણ કર્યો ઉલ્લેખ

    કોર્ટે કહ્યું કે, “બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. બી.આર. આંબેડકરે તેમના સૌથી શાનદાર ભાષણોમાંના એકમાં સમાન નાગરિક સંહિતાની તરફેણમાં દલીલ કરી છે.” કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ સંજીવકુમારે વધુમાં જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ટી. કૃષ્ણમાચારી અને મૌલાના હસરત મોહાની જેવા અગ્રણી નેતાઓએ સમાન નાગરિક સંહિતાને સમર્થન આપ્યું હતું.

    આ ઉપરાંત, કોર્ટે સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમાંના મુખ્ય કેસોમાં મોહમ્મદ અહેમદ ખાન વિરુદ્ધ શાહ બાનો બેગમ અને અન્ય (1985), સરલા મુદગલ (શ્રીમતી) અને અન્ય વિરુદ્ધ ભારત સંઘ અને અન્ય (1995) અને જોન વલ્લમટ્ટમ અને અન્ય વિરુદ્ધ ભારત સંઘનો (2003) સમાવેશ થાય છે. આ નિર્ણયોમાં સુપ્રીમ કોર્ટે સંસદને સમાન નાગરિક સંહિતા પર કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું.

    શું હતો કેસ?

    વાસ્તવમાં, કર્ણાટક હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી. અબ્દુલ બશીર ખાન નામના વ્યક્તિના મૃત્યુ પછી તેમના કાયદેસર વારસદારો વચ્ચે મિલકતના વિભાજન અંગે વિવાદ ઉભો થયો. અબ્દુલ બશીરે તેમના મૃત્યુ પહેલાં કોઈ વસિયત લખી ન હતી. તેઓ તેમની પાછળ ઘણી અચલ સંપત્તિઓ પણ છોડી ગયા હતા, જેમાંથી કેટલીક પૂર્વજોની હતી અને કેટલીક તેમણે હસ્તગત કરી હતી.

    અબ્દુલ બશીરના મૃત્યુ પછી તેમના બાળકોમાં તેમની મિલકતના વિભાજન અંગે મતભેદો ઉભા થયા હતા. પુત્રી શહનાઝ બેગમના મૃત્યુ પછી તેમનું પ્રતિનિધિત્વ તેમના પતિ સિરાજુદ્દીન મક્કી (પ્રતિવાદી) દ્વારા કરવામાં આવ્યું હતું. મક્કીએ આરોપ લગાવ્યો હતો કે, તેમને મિલકત વિભાજનમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને તેમને તેમનો વાજબી હિસ્સો આપવામાં આવ્યો ન હતો. આ અંગે મક્કીએ બેંગ્લોર સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

    નવેમ્બર 2019માં ટ્રાયલ કોર્ટે ઠેરવ્યું હતું કે, વિચારાધીન ત્રણ મિલકતો સંયુક્ત પરિવારની મિલકતનો ભાગ છે અને શહનાઝ બેગમ તેમાં પાંચમા ભાગ માટે હકદાર છે. જોકે, ટ્રાયલ કોર્ટે અન્ય મિલકતોને વિભાજન યોગ્ય જાહેર કરી ન હતી. ટ્રાયલ કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ અબ્દુલ બશીરના બે પુત્રો – સમીઉલ્લા ખાન અને નુરુલ્લા ખાન અને પુત્રી રાહત જાને (અપીલકર્તા) કર્ણાટક હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

    અહીં, સિરાજુદ્દીન મક્કીએ નીચલી કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં પોતાનો હિસ્સો વધારવા અથવા અગાઉના આદેશમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી હતી. હાઇકોર્ટે બંને પક્ષોની અરજીઓ સ્વીકારીને અપીલ અને વાંધા અરજી બંનેની એકસાથે સુનાવણી કરી હતી. બધી દલીલો સાંભળ્યા પછી, હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં