અમેરિકાની (USA) હ્યુસ્ટન યુનિવર્સિટીમાં (Houston University) ‘લિવ્ડ હિંદુ રિલિજિયન‘ (Lived Hindu Religion) નામનો એક કોર્સ આજકાલ ચર્ચામાં છે. ભારતીય-અમેરિકન વિદ્યાર્થીએ આ કોર્સ સામે હિંદુફોબિયા (Hinduphobia) એટલે કે હિંદુવિરોધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, યુનિવર્સિટીએ લૉન્ચ કરેલો આ કોર્સ હિંદુફોબિક છે અને હિંદુ ધર્મને ખોટી રીતે રજૂ કરે છે તથા ભારતની રાજકીય પરિસ્થિતિને વિકૃત રીતે પ્રસ્તુત કરે છે.
બીજી તરફ યુનિવર્સિટીએ તેનો બચાવ કરતા કહ્યું છે કે, આ અભ્યાસક્રમ શૈક્ષણિક સ્વતંત્રતાનો એક ભાગ છે અને તેમાં કોઈપણ ધર્મ સામે કોઈ ભેદભાવ નથી કરવામાં આવ્યો. આ વિવાદે સોશિયલ મીડિયાથી લઈને અખબારો સુધી હોબાળો મચાવ્યો છે. ભારતમાં પણ આ વિરોધનું વંટોળ પહોંચ્યું છે અને સોશિયલ મીડિયા પર તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
ALERT: A Hindu student at @UHouston is reported to be in a class wherein the Professor is delegitimizing Hindu identity, linking it to politics and religious extremism.
— Hindu On Campus (@hinduoncampus) March 19, 2025
>90% of Muslims and other minority groups see themselves as proud to be Indian (Source: Pew Research Center)… pic.twitter.com/j6nBIQdbSG
ભારતીય-અમેરિકન વિદ્યાર્થી વસંત ભટ્ટે આરોપ લગાવ્યો છે કે, કોર્સ શીખવતા પ્રોફેસર આરોન માઈકલ ઉલરે હિંદુ ધર્મને એક ‘વસાહતી ઢાંચો’ ગણાવે છે, ન કે પ્રાચીન અને જીવંત પરંપરા. ભટ્ટના મતે, પ્રોફેસર કહે છે કે ‘હિંદુ’ શબ્દ તાજેતરનો છે અને જૂના ગ્રંથોમાં જોવા મળતો નથી. આ અભ્યાસક્રમમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, હિંદુ રાષ્ટ્રવાદીઓ દ્વારા હિંદુત્વ અથવા ‘હિંદુ-નેસ’નો ઉપયોગ અન્ય મજહબો, ખાસ કરીને ઇસ્લામને બદનામ કરવા માટે કરવામાં આવે છે.
ભટ્ટે કોર્સનો એક ભાગ શેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “હિંદુ શબ્દ નવો છે, ગ્રંથોમાં જોવા મળતો નથી. હિંદુત્વ એ શબ્દ છે જેનો ઉપયોગ હિંદુ રાષ્ટ્રવાદીઓ પોતાની ઓળખ માટે કરે છે.” આ સાંભળીને ભટ્ટ અને ઘણા હિંદુ વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા. તેમનું માનવું છે કે, આ તેમની આસ્થા પર સીધો હુમલો છે.
વધુમાં, કોર્સમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘હિંદુ કટ્ટરપંથી’ ગણાવવામાં આવ્યા છે અને ભારતને હિંદુ રાષ્ટ્રવાદી દેશ ગણાવવામાં આવ્યો છે. તે સિવાય ભારત પર લઘુમતીઓ સામે અત્યાચારનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. ભટ્ટે તેને ‘બૌદ્ધિક રીતે પોકળ’ અને ‘હિંદુફોબિક’ ગણાવ્યું છે. આ ઘટના બાદ કોલેજ ઑફ લિબરલ આર્ટસ એન્ડ સોશિયલ સાયન્સના ડીન સામે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીએ આપી સ્પષ્ટતા
ભારે વિરોધ થયા બાદ આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. હ્યુસ્ટન યુનિવર્સિટીએ એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, તે શૈક્ષણિક સ્વતંત્રતાને મહત્વ આપે છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, ‘લિવ્ડ હિંદુ રિલિજિયન’ કોર્સ ધાર્મિક અભ્યાસના શૈક્ષણિક માળખા પર આધારિત છે. યુનિવર્સિટીનું કહેવું છે કે ‘ફન્ડામેન્ટલિઝમ’ જેવા શબ્દોનો ઉપયોગ વિશ્લેષણ માટે થાય છે, કોઈ ધર્મને બદનામ કરવા માટે નહીં.
નિવેદનમાં કહેવામાં આવ્યું કે, “ધાર્મિક અભ્યાસમાં ‘ફન્ડામેન્ટલિઝમ’ એ એવી વિચારધારાનો ઉલ્લેખ કરે છે, જે ધર્મના ‘સાચા’ સ્વરૂપને જાળવી રાખવાનો દાવો કરે છે. તે કોઈ ટીકા નથી, પરંતુ ધર્મના વિકાસને સમજવાનો એક માર્ગ છે.” યુનિવર્સિટીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે, આ અભ્યાસક્રમ ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદના ઉદયને વર્તમાન ઘટનાઓ સાથે જોડે છે, પરંતુ તે હિંદુ ધર્મની ટીકા નથી.
આ કોર્ટ તૈયાર કરનારા પ્રોફેસર ઉલરે પણ સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે, અભ્યાસક્રમમાં હિંદુ ધર્મને એકરૂપ દર્શાવવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે, “મેં ક્યારેય હિંદુ ધર્મને વસાહતી માળખું કે લઘુમતીઓ પર જુલમનું સાધન કહ્યું નથી. આ અભ્યાસક્રમ હિંદુ ધર્મની ઐતિહાસિક જટિલતા અને સમૃદ્ધિ દર્શાવે છે.” ઉલરેએ એમ પણ કહ્યું કે, તેમના નિવેદનોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ કહ્યું છે કે, તે વિદ્યાર્થીઓની ફરિયાદોને ગંભીરતાથી લે છે અને આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.