અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં ગામકૂવો મેવાતીની ચાલીની સામેના ભાગમાં આવેલા પૌરાણિક મંદિરો તોડીને ગેરકાયદે બિલ્ડિંગ બાંધી દીધું હોવાની સ્થાનિક કોર્પોરેશનમાં અનેકો ફરિયાદ કરાઈ હતી. આરોપ છે કે આ વિસ્તારમાં અશાંતધારો લાગુ છે, તેમ છતાં પૌરાણિક મંદિરની ઉપર જ મુસ્લિમોને ફ્લેટ બનાવવા માટેની પરવાનગી આપી દેવાઈ હતી અને બે મંદિરો તોડીને ફ્લેટ પણ બનાવવામાં આવ્યા હતા. હાલ ત્યાં એક મંદિર છે અને તેની ઉપર મુસ્લિમ સમુદાયના લોકો ફ્લેટ બનાવીને રહે છે. સ્થાનિક હિંદુઓએ મહાનગરપાલિકાથી લઈને કલેકટર કચેરી સુધી ફરિયાદ કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી.
ત્યારબાદ ગાંધીનગર ખાતે આ વિવાદની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે જાણવા મળી રહ્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલે પોતે સંજ્ઞાન લઈને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક હિંદુઓને આશા છે કે સરકાર તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદે ઊભા થયેલા ફ્લેટ્સ અને બિલ્ડિંગને ધરાશાયી કરે અને મંદિરને મુક્ત કરે. ઑપઇન્ડિયાની ટીમે સ્થળ પર જઈને તપાસ પણ કરી હતી અને સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી.
નોંધનીય છે કે 2016માં પૌરાણિક જોગણી માતાના મંદિરનાં શિખર પર ફ્લેટ્સ બનાવવા માટેની મ્યુનિસિપાલિટીએ મંજૂરી આપી દીધી હતી. સાકીર અહેમદ નામના બિલ્ડરે બિલ્ડિંગ બનાવવા માટેનો પ્લાન કોર્પોરેશનમાં મૂક્યો હતો, જેને AMCએ મંજૂર પણ કરી દીધો હતો. તે સમયે પણ સ્થાનિક હિંદુઓએ ભારે વિરોધ કર્યો હતો, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જોકે, હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
‘મંદિરો પર ફ્લેટ બાંધવાને લઈને વર્ષોથી અમે લડી રહ્યા હતા’- સ્થાનિક
ઑપઇન્ડિયાએ સ્થળ પર પહોંચીને વિગતો મેળવવા માટેનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન સ્થાનિકો સાથે વાતચીત કરી હતી. ગેરકાયદે ઊભી કરવામાં આવેલી બિલ્ડિંગનું નામ ‘કબીર હાઇટ્સ’ છે અને તેમાં તમામ ફ્લેટોમાં મુસ્લિમ પરિવારો રહે છે. એક સ્થાનિક વ્યક્તિએ વાતચીત દરમિયાન જણાવ્યું છે કે મુખ્યમંત્રીનો આદેશ લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. તેમણે આગળ એવું પણ કહ્યું છે કે તેઓ વર્ષોથી આ મંદિર માટે તેના પર બનેલા ગેરકાયદે ફ્લેટને લઈને લડત આપી રહ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો અને ફરિયાદો કરી હોવા છતાં તેનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું.
અન્ય એક સ્થાનિકે કહ્યું કે, ઘણા વર્ષો પહેલાં આ સ્થળ પર ગામનો કૂવો હતો, તેથી તે વિસ્તારને ગામકૂવો કહેવામાં આવે છે. ગામના કૂવા પર માતાજીનું મંદિર હતું અને સમય જતાં આ મંદિર પર ખોટી રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. તેમણે માંગણી દર્શાવતા કહ્યું કે આ બાંધકામને સંપૂર્ણપણે દૂર કરી દેવું જોઈએ. દાણીલીમડાના ભાજપ પ્રમુખે પણ આ ઘટનાને લઈને ઑપઇન્ડિયા સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, લાંબા સમયથી આ વિસ્તારમાં ચર્ચા, સંઘર્ષ અને અરજીઓનો સમય ચાલી રહ્યો હતો, ઘણી જગ્યાએ સ્થાનિકોએ અરજી પણ કરી હતી અને હવે તેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યા છે. તેમણે આગળ એવું પણ કહ્યું છે કે મુખ્યમંત્રીના આદેશ બાદ એવું લાગી રહ્યું છે કે સ્થાનિક હિંદુઓ અને મંદિરને ચોક્કસ ન્યાય મળશે. આ દરમિયાન સ્થાનિકોએ ભૂપેન્દ્ર પટેલ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
નોંધવા જેવું છે કે બિલ્ડિંગની વચ્ચે મંદિરનું શિખર પણ પહેલાં દ્રશ્યમાન હતું, પણ હવે છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગ બહાર એવી રીતે બોર્ડ મારી દેવાયું છે કે શિખર ઢંકાઈ જાય. તે સિવાય જાળી મારીને મંદિરની ઓળખને છુપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું પણ વિડીયોમાં જોઈ શકાય છે.


