છત્તીસગઢ હાઇકોર્ટે તાજેતરમાં આપેલો એક ચુકાદો ચર્ચામાં છે. કોર્ટે કાંકેર જિલ્લાનાં આઠ ગામોમાં જનજાતીય સમુદાયને બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવવાથી રોકવા માટે લગાવેલાં હોર્ડિંગને ગેરકાયદેસર ઠેરવવાનો ઇનકાર કરી દીધો અને ધર્માંતરણ પર પણ ટિપ્પણીઓ કરી હતી.
વિષય એવો છે કે કાંકેરનાં અમુક ગામડાંમાં સ્થાનિકોએ ધર્માંતરણ વિરુદ્ધ બેનર અને હોર્ડિંગ લગાવ્યાં હતાં, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ‘પાસ્ટરનું ધર્માંતરણ કરાવવું વર્જિત છે.’ આ હોર્ડિંગ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે આ હોર્ડિંગ દ્વારા પાદરીઓ અને ધર્માંતરિત ખ્રિસ્તીઓના ગામમાં પ્રવેશ પર રોક લગાવવામાં આવ્યો છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવે છે, જેથી હોર્ડિંગને ગેરબંધારણીય ઠેરવીને હટાવવામાં આવે.
આ અરજી કાંકેરની જ એક વ્યક્તિએ દાખલ કરી હતી અને તેમાં ખ્રિસ્તીઓને અન્ય ગ્રામજનોથી અલગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમાં પંચાયત વિભાગ પર પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે પંચાયતે ‘હમારી પરંપરા, હમારી વિરાસત’ નામથી એક પ્રસ્તાવ પસાર કરવાનો નિર્દેશ આપ્યો હતો, જેથી ગામમાં પાદરીઓ અને ખ્રિસ્તીઓના પ્રવેશ પર રોક લગાવી શકાય.
મામલો કોર્ટમાં ગયા બાદ હાઇકોર્ટની બે જજની બેન્ચે તેની ઉપર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે પંચાયત વિભાગનો ઠરાવ, બેનરો કે હોર્ડિંગમાં ખ્રિસ્તી પંથ વિરુદ્ધ કશું જ લખવામાં આવ્યું નથી અને ઠેરવ્યું કે સંબંધિત ગ્રામસભામાં સ્થાનિક જનજાતિઓ અને સ્થાનીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે સાવચેતીના ભાગરૂપે હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે.
કોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાની ટિપ્પણીઓમાં સ્પષ્ટ તરીકે કહ્યું કે સામૂહિક ધર્માંતરણ સામાજિક સદ્ભાવનાને પણ અસર કરે છે અને જનજાતીય સમુદાયની સાંસ્કૃતિક ઓળખની પણ વિરુદ્ધ છે. સમાજસેવાની આડમાં મિશનરીઓ ભોળા લોકોને ભરમાવે એ ચલાવી શકાય નહીં.
કોર્ટે કહ્યું, “ભારતમાં મિશનરી ગતિવિધિઓ અંગ્રેજ શાસન સમયથી ચાલતી આવી છે, જ્યારે ખ્રિસ્તી સંગઠનોએ શાળા, હોસ્પિટલો અને અન્ય સંસ્થાઓ સ્થાપિત કર્યાં હતાં. શરૂઆતમાં સામાજિક ઉત્થાન, સાક્ષરતા અને સ્વાસ્થ્ય સેવાઓ માટે આ સંસ્થાઓ ખોલવામાં આવી પરંતુ પછીથી સમય જતાં અમુક મિશનરી સમૂહોએ આ મંચનો ઉપયોગ ધર્માંતરણ માટે કરવાનો શરૂ કરી દીધો. આર્થિક અને સામાજિક રીતે વંચિત વર્ગો, વિશેષ રૂપે અનુસૂચિત જનજાતિઓ અને અનુસૂચિત જાતિઓમાં જુદા-જુદા વાયદાઓ કરીને ધીમે-ધીમે ધર્માંતરણ કરાવવામાં આવ્યું.”
કોર્ટે અવલોકનમાં નોંધ્યું કે ખ્રિસ્તી મિશનરીઓએ ગરીબ અને નિરક્ષર લોકોને ખાસ કરીને ગેરકાયદેસર ધર્માંતરણ માટે ટાર્ગેટ કર્યાં હતાં અને તેનાથી સમાજમાં વિભાજન અને સાંસ્કૃતિક દબાણ સર્જાય છે.
કોર્ટે કહ્યું, “ખ્રિસ્તી મિશનરીઓ પર અવારનવાર નિરક્ષર અને ગરીબ જનજાતિય પરિવારોનું આર્થિક સહાય, મફત શિક્ષણ, સારવાર અને રોજગારની લાલચે ધર્માંતરણ કરાવવાના આરોપ લાગતા રહ્યા છે. આ બધું સ્વેચ્છાએ સ્વીકારવામાં આવેલી આસ્થાની વિરુદ્ધ છે અને સાંસ્કૃતિક દબાણ સમાન છે. આ પ્રક્રિયાએ જનજાતીય સમુદાયો વચ્ચે એક સામાજિક વિભાજનને પણ જન્મ આપ્યો છે. પરંપરાઓ તૂટી રહી છે અને ગામોમાં ધ્રુવીકરણ થઈ રહ્યું છે, જેનાથી તણાવ, સામાજિક બહિષ્કાર અને હિંસક ઘર્ષણના પણ સમાચારો આવતા રહે છે.”
હાઇકોર્ટે અરજીમાં લગાવવામાં આવેલા એ આરોપો પણ ફગાવી દીધા કે હોર્ડિંગથી ખ્રિસ્તીઓ સાથે ભેદભાવ થયો છે. કોર્ટે કહ્યું, “એવું કોઈ પ્રમાણ રેકર્ડ પર ઉપલબ્ધ નથી, જેનાથી જાણવા મળે કે પત્ર કોઈ પણ ધાર્મિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે.” કોર્ટે કહ્યું કે હોર્ડિંગમાં પણ એવું કશું જ નથી જેનાથી ખ્રિસ્તીઓ પ્રત્યે ભેદભાવ થયાનું ઉજાગર થયું હોય. હોર્ડિંગમાં માત્ર અમુક પાદરીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેમની ઉપર ધર્માંતરણને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.
‘ધર્માંતરણથી સેક્યુલર ફેબ્રિકને નુકસાન થઈ શકે’
હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ 25 હેઠળ આપવામાં આવેલો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર પૂર્ણ નથી અને સ્થાનીય વ્યવસ્થા, નૈતિકતા અને સ્વાસ્થ્ય સાથે પણ સંબંધિત છે. આ અધિકારના દુરુપયોગની સંભાવનાને જોતાં જ અનેક રાજ્ય સરકારોએ ધર્માંતરણવિરોધી કાયદો બનાવ્યો છે. કોર્ટે એ પણ જણાવ્યું કે છેતરપિંડી કે ગેરકાયદેસર તરીકે કરાવવામાં આવતા ધર્માંતરણથી દેશના સેક્યુલર ફેબ્રિકને નુકસાન થઈ શકે છે.
કોર્ટે ઉમેર્યું કે સ્વૈચ્છિક ધર્માંતરણ વ્યક્તિના વિવેક પર આધારિત છે. જ્યારે લાલચ આપીને કે ફોસલાવીને ધર્માંતરણ કરાવવામાં આવે તો આસ્થા અને સ્વતંત્રતા બંનેને અસર થાય છે. અમુક મિશનરીઓ પ્રલોભન દ્વારા ધર્મ પરિવર્તન કરાવતી હોવાનું કહેવાય છે, જે માત્ર ધર્મ જ નહીં પરંતુ સમાજ માટે પણ હાનિકારક છે. ભારતની એકતા અને સાંસ્કૃતિક સમાનતા માટે પણ જોખમી છે. કોર્ટે કહ્યું કે, તેનો ઉપાય અસહિષ્ણુતામાં નહીં પરંતુ એ સુનિશ્ચિત કરવામાં નિહિત છે કે આસ્થા વિશ્વાસનો વિષય જ રહે, મજબૂરીનો નહીં.


