કેનેડામાં (Canada) રહેતા 20 વર્ષીય પાકિસ્તાની (Pakistani) શખ્સ મોહમ્મદ શાહઝેબ ખાનનું (Muhammad Shahzeb Khan) અમેરિકામાં પ્રત્યાર્પણ (Extradited to America) કરવામાં આવ્યું છે. ખાન પર ન્યૂયોર્કના બ્રુકલીનમાં (Brooklyn) યહૂદી કેન્દ્ર પર સામૂહિક ગોળીબારની યોજના ઘડવાનો આરોપ છે. આ ઘટના ISISથી પ્રેરિત હોવાનું મનાય છે અને USના ન્યાય વિભાગ તેમજ ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને (FBI) આને ગંભીર આતંકવાદી ષડયંત્ર તરીકે ગણાવ્યું છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય આતંકવાદના જોખમો અને તેની સામે વૈશ્વિક સ્તરે સંકલિત પ્રયાસોની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, શાહઝેબ ખાને 2024ના નવેમ્બરથી ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સ દ્વારા ISISના સમર્થનમાં પ્રચાર શરૂ કર્યો હતો. તેણે બ્રુકલીનમાં યહૂદી ચબાડ કેન્દ્રને નિશાન બનાવીને સામૂહિક હુમલાની યોજના ઘડી હતી, જેનો હેતુ મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો. ખાને આ હુમલા માટે હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને બૉમ્બ બનાવવાની યોજના બનાવી હતી. તેની યોજનામાં ખાસ કરીને યહૂદી સમુદાયને નિશાન બનાવવાનો ઈરાદો હતો, જે નફરતથી પ્રેરિત હોવાનું USના અધિકારીઓએ જણાવ્યું છે.
ખાને ISISના આદેશોનું પાલન કરવાનો ઈરાદો રાખ્યો હતો અને તેણે હુમલાની તૈયારી માટે વિસ્તૃત યોજનાઓ ઘડી હતી. તેણે કેનેડાથી USમાં પ્રવેશવાની અને બ્રુકલીનમાં હુમલો કરવાની યોજના બનાવી હતી. આ ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે FBI, કેનેડિયન રોયલ માઉન્ટેડ પોલીસ (RCMP) અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ખાનની ઓનલાઈન પ્રવૃત્તિઓ અને તેના ષડયંત્રની વિગતો સામે આવી, જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી.
ધરપકડ અને પ્રત્યાર્પણ
મોહમ્મદ શાહઝેબ ખાનની ધરપકડ 4 સપ્ટેમ્બર 2024ના રોજ કેનેડામાં કરવામાં આવી હતી. ત્યારબાદ તેની USમાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. USના ન્યાય વિભાગે ખાન પર આતંકવાદી ગુનાઓના આરોપો લગાવ્યા છે, જેમાં ISISને સમર્થન આપવું, હથિયારોનો ગેરકાયદેસર ઉપયોગ અને સામૂહિક હુમલાની યોજના ઘડવાનો સમાવેશ થાય છે. હવે તેને USની કોર્ટમાં હાજર કરવામાં આવશે, જ્યાં તેની સામે કડક કાનૂની કાર્યવાહી થવાની સંભાવના છે.
FBIના ડિરેક્ટર કાશ પટેલે આ ઘટના અંગે જણાવ્યું કે, “મુખ્ય સમાચાર… આજે બપોરે, કેનેડામાં રહેતા પાકિસ્તાની નાગરિક મોહમ્મદ શાહઝેબ ખાનને ISISને સહાય પૂરી પાડવા અને આતંકવાદી કૃત્યો કરવાનો પ્રયાસ કરવાના આરોપસર યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યો. ગયા વર્ષે ખાને કથિત રીતે કેનેડાથી ન્યૂયોર્ક મુસાફરી કરવાની અને બ્રુકલિનમાં એક યહૂદી કેન્દ્રમાં ISISના સમર્થનમાં સામૂહિક ગોળીબાર કરવાની યોજના બનાવી હતી.”
Major news… earlier this afternoon, Muhammad Shahzeb Khan, a Pakistani citizen residing in Canada, was extradited to the United States on charges of attempting to provide material support to ISIS and attempting to commit acts of terrorism.
— FBI Director Kash Patel (@FBIDirectorKash) June 10, 2025
In the fall of last year, Khan…
તેમણે વધુમાં જણાવ્યું કે, “ખાને કથિત રીતે 7 ઑક્ટોબર, 2024ના રોજ તેના હુમલાની યોજના બનાવી હતી – જે ઇઝરાયલમાં હમાસ આતંકવાદી હુમલાની એક વર્ષગાંઠ છે. સદભાગ્યે, FBI ટીમો અને અમારા સાથીઓના શ્રેષ્ઠ કાર્યે તે યોજનાઓનો પર્દાફાશ કર્યો અને તેને સફળ થતા રોકી લીધી. ખાનની 4 સપ્ટેમ્બર, 2024ના રોજ કેનેડિયન અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી. તે હવે યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યો છે અને અમેરિકન ન્યાયનો સામનો કરશે.”
આ હુમલાનું નિશાન બ્રુકલીનનું યહૂદી ચબાડ કેન્દ્ર હતું, જે યહૂદી સમુદાયનું એક મહત્વનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. US એટર્ની જનરલે જણાવ્યું કે આ હુમલો નફરતથી પ્રેરિત હતો અને તેનો ઉદ્દેશ યહૂદી સમુદાયમાં ભય અને અસ્થિરતા ફેલાવવાનો હતો. આ ઘટનાએ યહૂદી સમુદાયો પર વધી રહેલા હુમલાઓ અને ધાર્મિક નફરતના મુદ્દાઓને ફરી એકવાર ચર્ચામાં લાવ્યા છે.