જામનગરમાં (Jamnagar) ફરી દબાણ હટાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ફરી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) હાથ ધરાઈ છે. મેગા ડિમોલિશન (Mega Demolition) હેઠળ 300થી વધુ મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. તે સિવાય કેટલાક મજહબી બાંધકામોને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. એક ગેરકાયદે દરગાહમાં (Dargah) અનેક વૈભવી વસ્તુઓ મળી આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં જામનગરના SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 લાખ સ્ક્વેર ફૂટની જમીન પર ગેરકાયદે મજહબી બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તે જમીનની કિંમત અંદાજે ₹193.57 કરોડ હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, મજહબી બાંધકામોએ છેલ્લા 25-30 વર્ષોથી ગેરકાયદે સરકારી જમીનો પર કબજો કરી રાખ્યો હતો.
Jamnagar (Gujarat): Illegal Mosques/Dargahs were built on government land. Gujarat govt demolished all of them and freed approximately 11,000 sq. ft. of gvt land from encroachment…@sanghaviharsh @Bhupendrapbjp 👏🏻 pic.twitter.com/zfsSmTq422
— Mr Sinha (@MrSinha_) June 14, 2025
પોલીસ અધિકારીએ ઉમેર્યું કે, વાઘેર વાડો, બચુનગર વિસ્તાર જેવા સ્થળોએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે દરગાહ અને મસ્જિદ બનાવવામાં આવી હતી. જે બાદ JMC (જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન) અને જામનગર પોલીસે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું અને ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અધિકારીએ એ પણ જણાવ્યું છે કે, રંગમતી નદી કિનારે આવેલા 300થી વધુ ગેરકાયદે મકાનો અને 7થી 8 જેટલા મજહબી બાંધકામો ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે.
આલીશાન દરગાહમાં દેખાઈ વૈભવી વસ્તુઓ, પોલીસ તપાસ શરૂ
આ સાથે જ ડિમોલિશન દરમિયાન સરકારી જગ્યા પર ઊભા કરાયેલા મજહબી બાંધકામોની તપાસ પણ કરવામાં આવી હતી. જેમાં એક દરગાહને શંકાના દાયરામાં રાખવામાં આવી છે. કારણ કે, તે મસ્જિદ વિશાળ જગ્યામાં ફેલાયેલી હતી અને આલીશાન હતી. વધુમાં તેની અંદર પણ ઘણી વૈભવી વસ્તુઓ મળી આવી છે. પોલીસ પ્રશાસને તેનો વિડીયો પણ રેકોર્ડ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, દરગાહમાં વૈભવી બાથટબ અને ચોરબારી જેવા રૂમો પણ છે. તે રૂમો અને આવી વૈભવી વસ્તુઓને લઈને દરગાહ શંકાના દાયરામાં રાખવામાં આવી છે.

વધુમાં દરગાહને કોઈ ફંડિંગ મળી રહ્યું હોવાની પણ શંકા સેવાઈ રહી છે. કારણ કે, દરગાહનું બાંધકામ આલીશાન જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત મહેલોમાં હોય તેવા બાથટબ પણ જોવા મળી રહ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આ તમામ બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તે વિશેની તપાસ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
મસ્જિદમાં કોઈ રકમ સ્વીકારવાની મનાઈ હોવા છતાં ઊભી થઈ ગઈ લક્ઝરિયસ સુવિધા
જામનગર પોલીસે વધુમાં જણાવ્યું છે કે, જામનગરના બચુનગર વિસ્તારમાં અંદાજે 11,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેની અંદર SP પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ નિરીક્ષણ કરવા માટે ગઈ હતી. તે દરમિયાન અંદર લક્ઝરિયસ સુવિધાઓ વગેરે જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી. આ ઉપરાંત આ સ્થળે કોઈપણ પ્રકારના પૈસા સ્વીકારવામાં આવતા નથી, તેવી લેખિત જાહેરાત કરાયેલી છે. તેમ છતાં આટલા મોટા લક્ઝરિયસ બાંધકામ માટે ફંડ ક્યાંથી આવ્યું હશે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ દરગાહનું નામ ‘યા મિસ્કીને નવાઝ’ છે.

આ દરગાહમાં કોઈપણ પ્રકારના પેટી-પટારા રાખવામાં આવ્યા નથી, તેમજ અહીં પૈસા રાખવાની પણ મનાઈ છે. આ ઉપરાંત દરગાહમાં એવું પણ લખાયેલું છે કે, “શહેનશાહના દરબારમાં માત્ર ભીખ માંગવા આવે છે, પરંતુ ભીખ દેવા નહીં.” વધુમાં ત્યાં કોઈપણ પ્રકારની રકમ સ્વીકારવામાં આવતી ન હોવાનું પણ લખવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને અન્ય પોલીસ ટુકડીએ નિરીક્ષણ કર્યું હતું, જે દરમિયાન દરગાહમાં અનેક વૈભવી સુવિધાઓ પણ જોવા મળી હતી. કલરફુલ અને આકર્ષક ટાઇલ્સ અને માર્બલ જડેલા સંખ્યાબંધ રૂમ પણ જોવા મળ્યા હતા.

દરગાહથી અલગ સ્પેશિયલ રૂમ બનાવેલો હતો, જેમાં અત્યાધુનિક સ્વિમિંગ બાથટબ પણ બનાવેલો જોવા મળ્યો હતો. આ બાથટબવાળા રૂમના દરવાજા પર અલગથી નોટિસ પણ લગાવેલી હતી. જેમાં કહેવાયું હતું કે, તે રૂમમાં બહારના વ્યક્તિઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. ઉપરાંત વિશેષ સૂચના પણ લખવામાં આવી હતી કે, આ રૂમની અંદર રજા સિવાય કોઈપણ વ્યક્તિએ આવવાની મનાઈ છે. તે સિવાય એક સૂત્ર એવું પણ લખેલું હતું કે ‘યાદ હૈ તો આબાદ હૈ, ભૂલ ગયે તો બરબાદ હૈ.’ હાલમાં દરગાહનો મૂંઝાવર ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે.
ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં હિંદુ કાર્યકર્તા યુવરાજ સોલંકીએ જણાવ્યું છે કે, દરગાહમાં અનેક વૈભવી વસ્તુઓ જોવા મળી હોવાથી તે શંકા ઊભી કરે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, દરગાહમાં ચોરબારી જેવા રૂમ અને બાથટબ વગેરેની કોઈ જરૂર જણાતી નથી. તેમ છતાં આલીશાન બાંધકામમાં આ બધુ હતું. તેમણે દરગાહને કોઈ બહારી ફંડિંગ મળે છે કે કેમ તે વિશેની શંકા સેવી હતી અને યોગ્ય તપાસની માંગણી કરી હતી. જોકે, જામનગર પોલીસે આ મામલે તપાસ ચાલી રહી હોવાની પુષ્ટિ કરી છે.