થોડા સમય પહેલાં જામનગરમાં (Jamnagar) ગેંગરેપની એક ઘટના સામે આવી હતી. જેમાં ઘરકામ કરવા આવતી યુવતી પર હુસૈન શેખ, હમીરખાન અને ફૈઝલ નામના આરોપીઓએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે હવે આ કેસના મુખ્ય આરોપી હુસૈન શેખની ગેરકાયદેસર માલિકીનાં 4 મકાનો પર બુલડોઝર (Bulldozer Action) ફેરવી દેવામાં આવ્યું છે. હુસૈને ગેરકાયદેસર રીતે કબજો કરીને આ બાંધકામ ઉભા કરી દીધાં હતાં. બીજી તરફ શહેરના કુખ્યાત બુટલેગરના કબજામાંથી પણ તંત્રએ કરોડોની જમીન મુક્ત કરાવી હતી.
Buldozer action by Gujarat gvt in Jamnagar.
— Mr Sinha (@MrSinha_) January 5, 2025
Administration demolished illegal structures belonging to illegal liquor mafia Hussain Gulmamad Shaikh. He is also accused in a gang r*pe case.
Well done @Bhupendrapbjp @sanghaviharsh 👏🏻 pic.twitter.com/VBOJMeRAwc
ઉલ્લેખનીય છે કે જામનગર ગેંગરેપનો મુખ્ય આરોપી હુસૈન શેખ હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. તેણે નદીના પટમાં સરકારી જમીન દબાવીને એકસાથે 4 મકાનો બાંધી દીધાં હતાં. જામનગર પ્રશાસને તપાસ કરતાં સામે આવ્યું હતું કે કુખ્યાત હુસૈને 1800 ફૂટ જગ્યામાં 2400 ફૂટ ગેરકાયદે બાંધકામ કરીને કરોડોની જમીન દબાવી રાખી છે. ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરીને મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.
નોંધવું જોઈએ કે હુસૈન શેખ હાલ સામુહિક બળાત્કાર કેસમાં જેલમાં બંધ છે, પરંતુ તેની સામે ડ્રગ્સ, ગેરકાયદેસર હથિયાર સહિત અનેક ગુના દાખલ છે. ગુનાખોરી સહિત તે વીજચોરી સાથે પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું હતું. તેની અને તેના બે મિત્રોની ગેંગ રેપ મામલે ધરપકડ બાદ ચાલેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તે જુદાં-જુદાં મકાનોમાં વીજળી વાપરવા માટે સીધા થાંભલા સાથે ગેરકાયદેસર જોડાણ કરી દેતો હતો. આ ખુલાસા બાદ વીજ કંપનીએ પોલીસને સાથે રાખીને તેના ઘરનું કનેક્શન પણ કાપી નાખ્યું હતું.
ગૌચર જમીન પર ઉભું કર્યું હતું ફાર્મ હાઉસ
નોંધનીય છે કે હુસૈને પીડિત યુવતીને જે ફાર્મ હાઉસ પર લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો, તે પણ ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ઉભું કરવામાં આવ્યું હતું. આ મામલે મહેસૂલ વિભાગને ધ્યાન દોરવામાં આવતાં વિભાગે જગ્યા ખાલી કરવાની નોટિસ ફટકારી હતી. જોકે તેમ છતાં કોઈ જ પ્રતિક્રિયા ન મળતાં પોલીસે અને પ્રશાસને થોડા સમય પહેલાં જ ત્યાં બુલડોઝર ફેરવીને કરોડોના ભાવની 11 વીઘાં જમીન ખાલી કરાવી હતી. આ દરમિયાન તેણે ખોટા દસ્તાવેજ કરીને ફાર્મ હાઉસના મકાન વેરા પહોંચ મેળવી લીધા હતા. આ માટે તેણે ખોટા વેચાણ કરાર ઉભા કર્યા હતા. આ મામલે પણ હુસૈન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કુખ્યાત બુટલેગર મોહસીન ભાયાએ દબાવેલી 50,000 ફૂટ જગ્યા પણ કરાવાઈ ખાલી
હુસૈન સિવાય જામનગર તંત્રએ સુભાષ બ્રિજ નીચેના નદીના પટમાં કુખ્યાત બુટલેગર મોહસીન ભાયાના કબજામાં રહેલી કરોડોની કિંમતની 50,000 ફૂટ જગ્યા પણ ખાલી કરાવી હતી. મોહસીને અહીં ગેરકાયદેસર દબાણ કરીને બોક્સ ક્રિકેટ બનાવી દીધું હતું. પ્રશાસને પોલીસની હાજરીમાં જ કોર્ડન કરીને દબાણ કરેલી જગ્યા પર બુલડોઝર ફેરવીને જગ્યા ખુલ્લી કરાવી હતી. મોહસીને નદીના પટમાં જ કમ્પાઉન્ડ વોલ ઉભી કરીને કરોડોની કિંમતની સરકારી જમીન વાળી લીધી હતી. હાલ તંત્ર દ્વારા કરવામાં આવેલું બુલડોઝર એક્શન આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે.