હોમપેજક્રાઈમTMC કાર્યકર્તાએ મિત્ર સાથે મળીને કર્યું યુવતીનું અપહરણ, આખી રાત ગોંધી રાખી...

TMC કાર્યકર્તાએ મિત્ર સાથે મળીને કર્યું યુવતીનું અપહરણ, આખી રાત ગોંધી રાખી બળાત્કાર ગુજાર્યાનો આરોપ: બંગાળના કોલકાતાની ઘટના

દેબાંશુ બિસ્વાસ TMCનો સક્રિય કાર્યકર્તા છે. તેની તસ્વીર જાહેર કરવામાં આવી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેની મમતા બેનર્જીનું સમર્થન કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે.

- Advertisement -

પશ્ચિમ બંગાળના કોલકાતામાં હરિદેવપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 20 વર્ષની યુવતી સાથે સામૂહિક બળાત્કાર થયો હોવાની ફરિયાદ દાખલ થઈ છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે TMC કાર્યકર્તા દેબાંશુ બિસ્વાસ અને તેના સાથી ચંદન મલિકના નામ સામે આવ્યા છે. બંને આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસ તેમની શોધમાં લાગી છે. પોલીસે બંને આરોપીઓની તસવીર પણ જાહેર કરી છે. આ ઘટનાએ સ્થાનિક વસ્તીમાં આક્રોશ ફેલાવી દીધો છે અને મમતા બેનર્જીની સરકારની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે.

ઘટનાની વિગતો

આ ઘટના 5 સપ્ટેમ્બર 2025ની રાત્રે બની હતી. અહેવાલો અનુસાર, આરોપીઓએ યુવતીને જન્મદિનની પાર્ટીમાં આવવા માટે આમંત્રિત કરી હતી. પરંતું, યુવતીએ જવાનો ઇનકાર કર્યો તો ચંદન મલિકે તેનું અપહરણ કરી લીધું હતું. આરોપીઓ પીડિતાને માલચા વિસ્તારમાં એક ખાનગી ઘરમાં લઈ ગયા હતા. આરોપ છે કે, ત્યાં લઈ જઈને આરોપીઓએ તેને ધમકાવી હતી અને સામૂહિક બળાત્કાર કર્યો હતો. તે સિવાય આરોપીઓએ દરવાજો બંધ કરી દીધો જેથી યુવતી ભાગી ન જાય. જોકે, યુવતી કોઈ રીતે ભાગવામાં સફળ રહી અને ઘરે પહોંચી પરિવારને સમગ્ર ઘટના જણાવી હતી.

ઘટનાની જાણ થતા જ પરિવારે 6 સપ્ટેમ્બરના રોજ હરિદેવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તુરંત તપાસ શરૂ કરી અને યુવતીના મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા છે. પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ કરી હતી. આરોપીઓની ઓળખ થયા પછી પોલીસે તેમની તસવીરો જાહેર કરી છે, જેથી સામાન્ય લોકોની મદદથી તેમને પકડી શકાય. યુવતી અને તેનો પરિવાર ન્યાયની માંગ કરી રહ્યા છે, જ્યારે સ્થાનિક વસ્તી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહી છે.

- Advertisement -

આરોપીઓનું રાજકીય જોડાણ

દેબાંશુ બિસ્વાસ TMCનો સક્રિય કાર્યકર્તા છે. તેની તસ્વીર જાહેર કરવામાં આવી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેની મમતા બેનર્જીનું સમર્થન કરતી પોસ્ટ વાયરલ થઈ રહી છે. બીજો આરોપી ચંદન સ્થાનિક વિસ્તારમાં દબંગ અને કુખ્યાત છે. તેનું બોડીબિલ્ડર જેવું શરીર છે અને સ્થાનિક વિસ્તારમાં તેનું ઘણું પ્રભુત્વ છે. તેના વિરુદ્ધ પહેલાંથી જ અનેક આરોપો છે. તેની તસવીર પણ જાહેર કરવામાં આવી છે.

બંને આરોપીઓ હાલ ફરાર છે અને પોલીસે તેમની શોધ માટે વિશેષ ટીમ બનાવી છે. તપાસમાં આગળ વધતા વધુ વિગતો સામે આવી શકે છે. આ ઘટનાએ કોલકાતામાં મહિલા સુરક્ષા અને અપરાધીઓના રક્ષણ પર ચર્ચા જગાવી છે. TMC કાર્યકર્તાની સંડોવણીને કારણે ભાજપે મમતા સરકારનો વિરોધ કર્યો છે. ભાજપ નેતાઓએ આ મામલે પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો છે.

ભાજપના મહિલા નેતા કેયા ઘોષે લખ્યું છે કે, “કોલકાતામાં ફરી એક ગેંગરેપ. અપેક્ષા મુજબ, આરોપીઓમાંનો એક TMC કાર્યકર દેબાંશુ છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે પશ્ચિમ બંગાળ સરકારમાં જમીન સુધારણા વિભાગમાં મહેસૂલ નિરીક્ષક છે.” તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે “TMCનું નેતૃત્વ બળાત્કારના આરોપીઓને નોકરી કેમ આપે છે?” તેમણે આગાઉની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું કે, “પહેલાં કસ્બા લૉ કોલેજના મોનોજીત અને હવે દેબાંશુ… આ TMCના ‘મા, માટી અને માનુષ’ મોડેલના શ્રેષ્ઠ ઉદાહરણો છે.”

અગાઉ પણ કોલકાતામાં આવા કેસોમાં TMC સાથે કનેક્શન ધરાવતા આરોપીઓ સામે આવ્યા છે, જેમ કે મોનોજીત મિશ્રા કેસ, જેમાં અભિષેક બેનર્જી જેવા પ્રભાવશાળી નેતાઓના નામ જોડાયા હતા. આ કેસનું પણ TMC સાથે જોડાણ હોવાથી તપાસમાં રાજકીય દબાણની આશંકા વ્યક્ત થઈ રહી છે.

પીડિત પરિવારે કહ્યું છે કે, “અમને ન્યાય મળવો જોઈએ અને આવા દુષ્કર્મીઓને કડક સજા મળવી જોઈએ.” પોલીસે જણાવ્યું કે, તપાસ ઝડપથી આગળ વધી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડવામાં આવશે. આ ઘટનાએ RG કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે થયેલ બળાત્કારની ઘટનાને ફરીથી ચર્ચામાં લાવી દીધી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં