અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU) ફરી એક વખત વિવાદમાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, તાજેતરમાં જ AMUમાં એક નોટિસ (Notice) જારી કરવામાં આવી હતી. તે એક નોટિસના કારણે આખો વિવાદ ઊભો થયો છે. સુલેમાન હૉલ તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે, રવિવારના લંચ મેન્યૂમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. વધુમાં કહેવાયું હતું કે, માંગ અનુસાર, ચિકન બિરયાનીની જગ્યાએ બીફ બિરયાની (Beef Biryani) પીરસવામાં આવશે. સાથે એવું પણ કહેવાયું હતું કે, આ બદલાવ વિદ્યાર્થીઓની માંગના કારણે કરવામાં આવ્યો છે.
સુલેમાન હૉલ તરફથી શનિવારે (8 ફેબ્રુઆરી) આ નોટિસ જારી કરવામાં આવી હતી. નોટિસ પર સિનિયર ફૂડ ડાઈનિંગ હૉલના મોહમ્મદ ફૈઝુલ્લાહ અને મુઝાસ્મિન અહમદ ભાટીના નામનો પણ ઉલ્લેખ છે. શનિવારે આ નોટિસ જારી થયા બાદ રાતભરમાં જ તે નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ નોટિસ જેવી ભાજપના નેતાઓ પાસે પહોંચી કે તરત જ તેમણે પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને કાર્યવાહી કરવા માટેની અપીલ કરી હતી.
હિંદુ વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ
AMUની આ નોટિસ વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો. હિંદુ સંગઠનો અને હિંદુ વિદ્યાર્થીઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો અને કડક કાર્યવાહીની માંગણી કરી હતી. આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ પણ કડક કાર્યવાહીની માંગણી કરવાની શરૂ કરી દીધી હતી. ઘટનાને લઈને આખરે પોલીસે પોતે જ સંજ્ઞાન લઈને તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
प्रकरण को संज्ञान में लेकर ठोस विधिक कार्यवाही अमल में लाई जा रही है ।
— ALIGARH POLICE (@aligarhpolice) February 9, 2025
આ ઘટના બાદ દોદપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ જિતેન્દ્ર ધામાએ સામાન્ય લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપો હેઠળ સિનિયર ફૂડ ડાઈનિંગ હૉલના મોહમ્મદ ફૈઝુલ્લાહ અને મુઝાસ્મિન અહમદ ભાટી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વધુમાં તે પણ જાણવા મળ્યું છે કે, આ બંને આરોપીઓ વિદ્યાર્થી જ છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
યુનિવર્સિટીએ ગણાવી દીધી ‘ટાઈપિંગ મિસ્ટિક’
બીજી તરફ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરફથી પણ આધિકારિક નિવેદન જારી કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના જવાબદાર વ્યક્તિએ આ આખી ઘટનાને માત્ર ‘ટાઈપિંગ ભૂલ’ ગણાવી દીધી છે. AMUના પ્રોક્ટર વસીમ અહેમદે જણાવ્યું છે કે, સુલેમાન હૉલમાં સિનિયર ફૂડ તરફથી મેન્યૂમાં બદલાવ સંબંધિત એક સૂચના જારી કરવામાં આવી હતી.
તેમણે વધુમાં કહ્યું કે, “તે એક પ્રકારની ટાઈપિંગ ભૂલ હતી. મેન્યૂમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. ભોજન પહેલાં જે રીતે પીરસવામાં આવતું હતું, બસ તે જ રીતે પીરસવામાં આવશે.” સાથે તેમણે એવું પણ કહ્યું છે કે, “બંને સિનિયર ફૂડ હૉલના સભ્યોને હટાવી દેવામાં આવ્યા છે.”