દિલ્હી AAPના લીગલ સેલના અધ્યક્ષ અને વકીલ સંજીવ નાસિયાર (Sanjeev Nasiar) વિરુદ્ધ BCIની મોટી કાર્યવાહી સામે આવી છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાએ (BCI) તેમને બાર કાઉન્સિલ ઓફ દિલ્હીના (BCD) ઉપાધ્યક્ષ પદ પરથી હટાવી દીધા છે. આમ કરવા પાછળનું કારણ તેમની વકીલાતની ડિગ્રી છે. BCIએ CBI પાસે તેમની LLB ડિગ્રીની તપાસ કરવા માટે પણ માંગ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજીવ નાસિયાર વિરુદ્ધ BCIની મોટી કાર્યવાહી સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી પરી એક વાર રોકકળ કરવા પર ઉતરી આવી છે. બીજી તરફ BCIએ કડક પગલા લઈને તેમને BCDના ઉપાધ્યક્ષ પદથી હટાવીને તેમની ઇન્દોરની દેવી અહલ્યાબાઈ વિશ્વવિદ્યાલયથી મેળવેલી LLB ઓનર્સની ડિગ્રી પર શંકા વ્યક્ત કરી છે. ઇન્ડીયા ટીવીના અહેવાલ અનુસાર BCIએ આ મામલે CBI તપાસ કરવાની માંગ કરી છે.
CBI તપાસ કરાવવા માંગ
આ મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે, “BCI દ્વારા ગઠિત સમિતિ ઊંડી તપાસ બાદ તે નિષ્કર્ષ પર પહોંચી છે કે સંજીવ નાસિયારની LLB (ઓનર્સ)ની ડિગ્રીની પ્રમાણિકતા અત્યંત સંદિગ્ધ છે.” તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, BCI દ્વારા સામાન્ય પરિષદની સમિતિ રીપોર્ટને સ્વીકારીને તપાસના આદેશ આપ્યા છે. સાથ જ તેમાં BCI સચિવને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ CBIનો સંપર્ક કરીને ડિગ્રીની તપાસ કરવા માટે અનુરોધ કરે.
Bar Council of India has directed the immediate removal of Advocate Sanjeev Nasiar from his position as Vice Chairman of the Bar Council of Delhi. Additionally, the Secretary of the Bar Council has been instructed to request an investigation by the Central Bureau of Investigation… pic.twitter.com/gA4sDLNKGQ
— ANI (@ANI) December 8, 2024
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “7 ડિસેમ્બરના રોજ થયેલી બેઠકમાં ઇન્દોર સ્થિત દેવી અહિલ્યાબાઈ યુનિવર્સિટી દ્વારા દિલ્હી બાર કાઉન્સિલના ઉપાધ્યક્ષ સંજીવ નાસિયારને પ્રમાણિત કરવામાં આવેલી LLBની ડિગ્રીમાં અનિયમિતતાના આરોપોના સંબંધમાં તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 3 સપ્ટેમ્બર 2024ના સંકલ્પ અનુસાર ગઠિત ઉપ સમિતિ દ્વારા કરવામાં આવેલી તપાસ અને રીટ અરજીમાં દિલ્હી હાઈકોર્ટના નિર્દેશોના જવાબમાં લેવામાં આવ્યો છે.”
આગળ જણાવવામાં આવ્યું છે કે, “BCI કાયદાકીય વ્યવસાયની પ્રતિષ્ઠા અને સન્માનને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને તેને જાળવી રાખવા માટે દૃઢ સંકલ્પ સાથે કાર્યરત છે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે માત્ર નૈતિકતા અને યોગ્યતાના ઉચ્ચતમ માનકોને પૂર્ણ કરનાર લોકોને જ ભારતમાં વકીલાત કરવાની અનુમતી પ્રદાન કરવામાં આવે.” આ સત્તાવાર નિવેદન પત્રની નીચે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના સેક્રેટરી સ્રીમંતો સેનના હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા છે.
શા માટે કરવામાં આવી રહી છે તપાસ?
BCI દ્વારા જાહેર નિવેદનમાં આ તપાસ પાછળનું કારણ પણ જણાવવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ ટાંકવામાં આવ્યું છે કે AAPના સંજીવ નાસિયાર દ્વારા રજુ કરાયેલી ડિગ્રી સાથે સંકળાયેલા ડોક્યુમેન્ટમાં ખૂબ જ વિસંગતતા નજરે પડી રહી છે. ઇન્દોરની PMB ગુજરાતી આર્ટસ એન્ડ લો કોલેજ ખાતે તપાસ કરવામાં આવતા સંબંધિત કાર્યકાળ દરમિયાન LLB ઓનર્સના કોર્સ ચલાવીને ડિગ્રી આપવા માટે જે-તે સમયે કોલેજને પરવાનગી જ નહોતી. આથી જ તેમની ડિગ્રી શંકાના દાયરામાં આવી હતી.