Friday, June 27, 2025
More
    હોમપેજદુનિયાબાંગ્લાદેશમાં તોડી પડાયું હિંદુ મંદિર, 2 દિવસ પહેલાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ આપી હતી...

    બાંગ્લાદેશમાં તોડી પડાયું હિંદુ મંદિર, 2 દિવસ પહેલાં ઇસ્લામી કટ્ટરપંથીઓએ આપી હતી ધમકી: હિંદુઓને મૂર્તિઓ ખસેડવા જેટલો પણ સમય ન અપાયો 

    ટોળાએ હિંદુઓને ધમકી આપીને કહ્યું હતું કે જો 24 જૂન સુધીમાં મંદિર હટાવવામાં નહીં આવે તો તેઓ જાતે તોડી પાડશે. ત્યારબાદ હિંદુઓ પોલીસ પાસે પણ ગયા, પરંતુ યુનુસ સરકાર હેઠળ કામ કરતી પોલીસ હિંદુઓને રક્ષણ આપવાના સ્થાને સરકારી જમીન પર હોવાનું કહીને મંદિર જ તોડી પાડ્યું.

    - Advertisement -

    એક તરફ જગતભરના હિંદુઓ રથયાત્રાની ઉજવણી કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓની સ્થિતિ કફોડી બની છે. બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં આવેલા એક પ્રાચીન મંદિર (Hindu Temple) પર યુનુસ સરકારના આદેશથી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. દાયકાઓથી ત્યાં મંદિર હતું, પરંતુ અચાનક સરકાર અને પ્રશાસને કહી દીધું કે તે ગેરકાયદેસર છે અને ત્યારબાદ તોડી પાડવામાં આવ્યું. આમાં એક એન્ગલ એ પણ છે કે માત્ર બે દિવસ પહેલાં જ ઇસ્લામી કટ્ટરપંથીઓની ભીડે મંદિર પર હુમલો કરીને ખાલી કરવા માટે ધમકી આપી હતી. 

    ઢાકાના ખિલખેટ વિસ્તારમાં એક દુર્ગા મંદિર આવેલું છે. બાંગ્લાદેશ રેલવેના ઢાકા ડિવિઝનના ડેપ્યુટી કમિશનર અને ડિવિઝનલ એસ્ટેટ ઑફિસર મોહમ્મદ નસીરુદ્દીન મહમૂદના આદેશથી ગુરુવારે (26 જૂન) સવારે આ મંદિર તોડી પાડવામાં આવ્યું. 

    જ્યારે કાર્યવાહી કરવા માટે અધિકારીઓ પહોંચ્યા તો મોટી સંખ્યામાં હિંદુઓ એકઠા થઈ ગયા હતા અને પ્રદર્શન કરીને વિરોધ નોંધાવ્યો હતો. અમુક મંદિરની સામે બેસી ગયા અને ડિમોલિશન રોકવાના પૂરતા પ્રયત્નો કર્યા, પરંતુ સેના અને પોલીસે બળપ્રયોગ કરીને તેમને હટાવીને કાર્યવાહી ચાલુ રાખી અને હિંદુઓના આક્રોશ અને વિરોધ વચ્ચે મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યાં. 

    - Advertisement -

    ફરિયાદ છે કે હિંદુઓને મંદિરમાંથી માતાજી અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિ અન્યત્ર ખસેડવા જેટલો પણ સમય આપવામાં ન આવ્યો અને કાર્યવાહી કરવામાં આવી, જેના કારણે મૂર્તિને પણ નુકસાન પહોંચ્યું. 

    સ્થાનિક હિંદુઓએ કહ્યું– મંદિર અહીં વર્ષોથી, અત્યાર સુધી ન થઈ કોઈ કાર્યવાહી 

    સ્થાનિક સનાતનીઓનું કહેવું છે કે આ મંદિર વર્ષોથી અહીં છે અને દુર્ગા પૂજા દરમિયાન રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે. અહીં મા કાલીની મૂર્તિ પણ છે, જેની નિયમિત પૂજા કરવામાં આવે છે. છતાં ગેરકાયદેસર હોવાનું કહીને હટાવી દેવામાં આવ્યું. પ્રશાસને કારણ આપ્યું કે મંદિર સરકારી જમીન પર બાંધવામાં આવ્યું છે, જ્યારે હિંદુઓ કહે છે કે મંદિર ઘણા સમયથી અહીં છે અને પ્રશાસનને પણ એ ખબર હતી, પરંતુ ક્યારેય અગાઉ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અમુક સ્થાનિકોનું એમ પણ કહેવું છે કે મંદિરને આ જમીન રેલવે દ્વારા જ દાન આપવામાં આવી હતી અને ત્યારબાદ જ તેનું નિર્માણકાર્ય કરવામાં આવ્યું હતું. 

    ઘટનામાં એક અગત્યનું પાસું એ પણ છે કે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું તેના માત્ર 2 જ દિવસ પહેલાં ઢાકાના આ જ મંદિરે ઇસ્લામી કટ્ટરપંથીઓનું એક ટોળું ધસી ગયું હતું અને હુમલો કરી દીધો હતો. મંદિરમાં તોડફોડ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને ખાલી કરવા માટે ધમકી આપવામાં આવી. દેવી-દેવતાઓને પણ ગાળો દેવામાં આવી અને પૂજારી વગેરેને પણ ધમકી આપવામાં આવી. 

    ટોળાએ હિંદુઓને ધમકી આપીને કહ્યું હતું કે જો 24 જૂન સુધીમાં મંદિર હટાવવામાં નહીં આવે તો તેઓ જાતે તોડી પાડશે. ત્યારબાદ હિંદુઓ પોલીસ પાસે પણ ગયા, પરંતુ યુનુસ સરકાર હેઠળ કામ કરતી પોલીસ હિંદુઓને રક્ષણ આપવાના સ્થાને સરકારી જમીન પર હોવાનું કહીને મંદિર જ તોડી પાડ્યું. રેલવે પ્રશાસને 1970ના એક અધ્યાદેશના આધારે કાર્યવાહી કરવામાં આવી હોવાનું કહીને હાથ ખંખેરી લીધા. 

    ભારત સરકારે નોંધાવ્યો વિરોધ, કહ્યું– કટ્ટરપંથીઓએ માંગ કરી અને યુનુસ સરકારે તોડી પાડ્યું મંદિર 

    આ સમગ્ર મામલે ભારત સરકારે પણ કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદનમાં કહ્યું કે, “અમને જાણવા મળ્યું છે કે કટ્ટરપંથીઓએ મંદિરના ડિમોલિશનની માંગ કરી હતી. વચગાળાની સરકારે મંદિરને સુરક્ષા આપવાના સ્થાને આખા કેસને ગેરકાયદેસર જમીનનો મુદ્દો બનાવીને મંદિરના ડિમોલિશનને પરવાનગી આપી દીધી.”

    વિદેશ મંત્રાલયે એ બાબત પર પણ ધ્યાન દોર્યું કે મંદિરને તોડવામાં પ્રશાસન એટલું ઉતાવળું હતું કે દેવતાઓને ખસેડવાની પણ તક આપવામાં ન આવી અને તેના કારણે મૂર્તિઓને નુકસાન પહોંચ્યું હતું. તેમણે ઉમેર્યું કે, “આ પ્રકારની ઘટનાઓ સતત બાંગ્લાદેશમાં બનતી રહે છે તે જોઈને અમે ચિંતિત છીએ.”

    તેમણે ફરી એક વખત બાંગ્લાદેશની યુનુસ સરકારને લઘુમતીઓની સુરક્ષા કરવા માટેની જવાબદારી યાદ કરાવી અને કહ્યું કે, “બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓની, તેમની સંપત્તિની અને તેમનાં ધાર્મિક સ્થાનોની સુરક્ષા કરવી એ ત્યાંની વચગાળાની સરકારની જવાબદારી છે.” 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં