Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલેખક સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી, હાથ પણ કામ કરતો બંધ થઇ...

    લેખક સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી, હાથ પણ કામ કરતો બંધ થઇ ગયો: ઇસ્લામી કટ્ટરપંથીએ કર્યો હતો હુમલો

    લેખક સલમાન રશ્દીના એજન્ટે એક ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી, ઓગસ્ટ મહિનામાં લેખક પર થયો હતો હુમલો.

    - Advertisement -

    ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી ઉપર બે મહિના પહેલાં અમેરિકાના ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થયા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. હવે જાણવા મળ્યું છે કે સલમાન રશ્દીએ એક આંખ ગુમાવી દીધી છે, તેમજ એક હાથ પણ કામ કરવાનો બંધ થઇ ગયો છે. સલમાન રશ્દીના એજન્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. 

    એક ઇન્ટરવ્યૂમાં સલમાન રશ્દીના એજન્ટ એન્ડ્રૂ વાયલીએ કહ્યું કે, તેમને ગંભીર ઘા વાગ્યા હતા. તેઓ એક આંખની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા છે. ગાળામાં ત્રણ ગંભીર ઘા વાગ્યા હતા. હાથની નસ કપાઈ ગઈ હોવાના કારણે એક હાથ પણ કામ કરવાનો બંધ થઇ ગયો છે. તેમની છાતી અને ધડમાં અલગ-અલગ 15 જેટલા ઘા વાગ્યા હતા. તે ખરેખર એક ઘાતકી હુમલો હતો.

    જોકે, તેમણે એ જણાવ્યું ન હતું કે સલમાન રશ્દી હોસ્પિટલમાં દાખલ છે કે તેમને રજા આપી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ હજુ જીવશે. 

    - Advertisement -

    વાયલીએ એમ પણ જણાવ્યું હતું કે, તેમણે ભૂતકાળમાં પણ સલમાન રશ્દી સાથેની ચર્ચામાં આ પ્રકારના હુમલા અંગે સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “(તેમની સામે) ફતવો જારી થયા બાદ આટલા વર્ષો સુધી એ જ જોખમનો સામનો કરતા રહ્યા કે ક્યાંકથી કોઈ વ્યક્તિ આવીને તેમની ઉપર હુમલો ન કરી દે.”

    વિશ્વવિખ્યાત પુસ્તક ‘ધ સેટેનિક વર્સીસ’ લખ્યા બાદથી જ સલમાન રશ્દીને દુનિયાભરના ઇસ્લામી કટ્ટરપંથીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી. ઈરાનમાં તેમની વિરુદ્ધ ફતવો પણ જારી કરવામાં આવ્યો હતો. 1988માં ઈરાન સહિતના ઘણા દેશોએ પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 

    આ પુસ્તકમાંની કેટલીક સામગ્રીને મુસ્લિમો ‘ઇશનિંદા’ માનતા હતા. જેના એક વર્ષ બાદ ઇરાનના આયાતુલ્લાહ રૂહોલ્લાહ ખુમૈનીએ રશ્દી વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો અને રશ્દીને મારનારને 30 લાખ ડોલર આપવાની ઘોષણા કરી હતી. જોકે, ઈરાને ત્યારબાદ આ ફતવાથી પોતાની અલગ કરી લીધું હતું, પરંતુ રશ્દી વિરોધી ભાવના યથાવત રહી. 

    આખરે ગત 12 ઓગસ્ટના રોજ રશ્દી ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં સંબોધન કરવા ગયા ત્યારે હાદી મતાર નામનો એક કટ્ટરપંથી સ્ટેજ પર ચડી ગયો હતો અને પાછળથી સલમાન રશ્દી પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. ત્યારબાદ તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. સલમાન રશ્દીને ત્યારબાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં