દેશમાં, ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) છેલ્લા કેટલાક સમયથી મુસ્લિમ વસ્તીઓમાં અતિક્રમણ કરીને દાયકાઓથી બંધ મંદિરો ખોલાવવામાં આવી રહ્યા છે. સંભલ (Sambhal), કાશી/વારાણસી (Kashi), કાનપુર (Kanpur) બાદ હવે મુરાદાબાદમાં (Moradabad) 44 વર્ષથી બંધ ગૌરીશંકર મંદિરને (Gaurishankar Mandir) ખોલવામાં આવ્યું છે. આ મંદિર નાગફની વિસ્તારમાં આવેલું છે. જ્યાં આ મંદિર છે, તે વિસ્તાર માત્ર મુસ્લિમ વસ્તી ધરાવે છે. 1980માં થયેલા રમખાણો સમયે મુસ્લિમ ટોળાએ અહીના પૂજારીની હત્યા કરીને મંદિરની પ્રતિમાઓ ખંડિત કરી, મુખ્ય કપાટ સામે દીવાલ ચણી દીધી હતી. જોકે તે જ પૂજારીના પૌત્રએ પ્રસાશન પાસે માંગ કરતા મંદિર ફરી ખોલવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સેવારામ નામના એક વ્યક્તિએ સ્થાનિક પ્રશાસનને પત્ર લખીને માંગ કરી હતી કે નાગફની પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ઝબ્બુ નાલા વિસ્તારમાં પૌરાણિક મંદિર છે, જે વર્ષોથી બંધ છે અને એને પુનઃ ખોલવામાં આવે. સેવારામની માંગ પર જયારે પ્રશાસને તપાસ કરી તો વાસ્તવમાં અહીં દયનીય હાલતમાં મંદિર મળી આવ્યું. સોમવારે (30 ડિસેમ્બર 2024) પ્રશાસન મંદિર ખોલાવવા પહોંચ્યું, ત્યારે જાણવા મળ્યું કે મંદિરની સામે ગેરકાયદેસર બાંધકામ કરીને દીવાલ ઉભી કરી દેવામાં આવી છે.
મૂર્તિઓ મળી ખંડિત, શિવલિંગ ગાયબ
દીવાલ તોડીને જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા ત્યારે ત્યાની હાલત જોઈને હાજર સહુકોઈ ચોંકી ઉઠ્યા હતા. આસપાસમાં રહેતા લોકોએ અહીં અંદર ધૂળ અને કચરો ભરીને મંદિરની હાલત ખરાબ કરી રાખી હતી. થોડી ખોદકામ અને સાફસફાઈ કરતા જ અહીં ખંડિત પ્રતિમાઓ મળવાની શરૂ થઈ. ગર્ભગૃહમાં શિવલિંગની જગ્યા તો બનેલી છે, પરંતુ અહીં શિવલિંગ ગાયબ હતું. આ શિવાય માતા પાર્વતી, ભગવાન ગણેશ, કાર્તિકેય ભગવાન અને હનુમાનજી મહારાજની મૂર્તિઓ પણ દયનીય અને ખંડિત અવસ્થામાં મળી આવી. આ મંદિરની પ્રતિમાઓ અને નકશીકામ લગભગ 100 વર્ષથી પણ જૂનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મારા દાદાની લાશ પણ અમને નહોતી મળી: સેવારામ
પ્રાપ્ત માહિતી અનુસાર આ તમામ મૂર્તિઓ તે સમયે સ્થાનિક મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા ખંડિત કરી દેવામાં આવી હતી. પોલીસે આખા મંદિરને ઘેરીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો છે. બીજી તરફ અરજી કરનાર વ્યક્તિએ મંદિર ખુલ્યા બાદ જણાવ્યું હતું કે, આ પ્રાચીન ગૌરીશંકર મંદિર છે અને તેમના પરદાદા ભીમસેન અને દાદા ગંગાસરન અહીં મહાદેવની સેવા કરતા હતા. સેવારામે કહ્યું કે, “1980માં થયેલા રમખાણો સમયે મુસ્લિમ ટોળાએ દાદાની હત્યા કરી અને મંદિર પર કબજો કરી લીધો. અમને અમારા દાદાનો મૃતદેહ પણ નથી મળ્યો.”
સેવારામના જણાવ્યા અનુસાર તેમણે અને અન્ય સ્થાનિક લોકોએ અનેકવાર આ મંદિરને ખોલીને તેને પુનઃ શરૂ કરવા પ્રયાસ કર્યો, પરંતુ સ્થાનિક મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ તેમને ધમકી આપીને ભગાવી દીધા હતા. બીજી તરફ નજીકના હિંદુ સમુદાયે પણ આ મંદિર ખૂલવાથી રાજીપો જાહેર કર્યો છે. હિંદુઓ અને હિંદુ સંગઠનોનું કહેવું છે કે થોડા જ સમયમાં અહીં નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવશે અને મંદિરમાં પૂજા-પાઠ શરૂ કરી દેવામાં આવશે. હાલ મંદિર ખૂલવાથી સ્થાનિક હિંદુઓમાં હરખ જોવા મળી રહ્યો છે, પ્રશાસન ખડેપગે રહીને મંદિરને પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરી રહ્યું છે.