અમરેલીના (Amreli) ધારીમાં (Dhari) વિશાલ મકવાણા નામના એક યુવકની હત્યાનો (Murder) મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, તેના લગ્ન થવા જઈ રહ્યાં હતાં અને લગ્નના એક દિવસ પહેલાં જ તેની મંગેતરના પ્રેમીએ હત્યા કરી નાખી. અગાઉ તેણે ધમકી પણ આપી હતી. આરોપીની ઓળખ શોએબ સમા તરીકે થઈ છે. ઘટનાને લઈને ધારી પોલીસ સ્ટેશનમાં આરોપી શોએબ અને તેના એક સાથી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.
ઘટનાની વિગતો અનુસાર, અમેરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર (નક્કી) ગામના 19 વર્ષીય વિશાલ મકવાણાની સગાઈ ધોકડવાની એક યુવતી સાથે થઈ હતી. શનિવારે (22 ફેબ્રુઆરી) બંનેનાં લગ્ન હતાં. ઘરમાં પણ લગ્નના માંડવા બંધાઈ ગયા હતા. પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ સમા નામના શખ્સને પ્રેમસંબંધ હતો. જેથી આરોપીને આ લગ્ન પસંદ ન પડતાં તેણે પીડિતને ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી. પરંતુ વિશાલે તે ઘટનાને હળવાશથી લઈને કોઈ કાર્યવાહી કરી નહોતી.
સીમમાં બોલાવી કરી હત્યા
ધમકી આપ્યા બાદ આરોપી શોએબે ગુરુવારે (20 ફેબ્રુઆરી) સાંજના સમયે વિશાલને દલખાણીયાની સીમમાં બોલાવ્યો હતો. ત્યાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું કહેવાય છે. જે બાદ શોએબ અને તેના મિત્રએ તીક્ષ્ણ હથિયારોથી વિશાલ પર હુમલો કરી દીધો હતો અને ઘટનાને અંજામ આપીને બંને ફરાર થઈ ગયા હતા. તેમણે મૃતકના શવની પાસે બાઇક રાખી દીધી હતી, જેથી તેવું દેખાય શકે કે આરોપીનું અકસ્માતમાં મોત થયું હતું. જોકે, પોલીસે મૃતકનો ફોન તપાસતા તેમાં શોએબનો કોલ દેખાયો હતો અને ઘટનાની વાસ્તવિકતા સામે આવી હતી.
હત્યાની જાણ થયા બાદ ઘટનાસ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી. મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક વિશાલના પિતાએ ધારી પોલીસ સ્ટેશનમાં શોએબ અને તેના સાથી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત મૃતકના પરિજનોને આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરી છે.
ઘટનાને લઈને ઇન્ચાર્જ DySP નયના ગોરડીયાએ જણાવ્યું છે કે, “ફરિયાદી મનોજભાઈના પુત્ર વિશાલના એક યુવતી સાથે લગ્ન નક્કી થયા હતા. આરોપી શોએબ ખાંભા તાલુકાના ખડાધારનો રહેવાસી છે. જેને યુવતી સાથે પ્રેમસંબંધ હતો. આરોપીને યુવતીના લગ્ન વિશાલ સાથે થવાના હતા તે નહોતું ગમ્યું. ત્યારબાદ તેણે તેના મિત્ર સાથે મળીને વિશાલની હત્યા કરાવી નાખી હતી. આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.”