અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) 5 માર્ચે એક મામલે સુનાવણી કરી હતી. જે અંતર્ગત શંકર પાર્વતી છાપ નામ અને લોગો સાથે બીડી (Shankar Parwati Chhap Beedi) બ્રાન્ડના માર્કેટિંગ અને વેચાણ સામે નિર્દેશ માંગતી જાહેર હિતની અરજી (PIL) કરવામાં આવી હતી. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આ મામલે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરુણ ભાસાલી અને જસ્ટિસ ક્ષિતિજ શૈલેન્દ્રની ડિવિઝન બેન્ચે સુનાવણી કરી હતી.
અરજદાર આદર્શ કુમારે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે દેવી-દેવતાઓના નામે બીડી વેચવાથી તેમની ધાર્મિક લાગણીઓ દુભાય છે. છેલ્લા ઘણા વર્ષોથી, ભદોહી જિલ્લાના સુરિયાવાન વિસ્તારમાં આ બ્રાન્ડની ‘બીડી’ બનાવવામાં આવી રહી છે. પેકેજિંગ પર ભગવાન શંકર અને પાર્વતીનું ચિત્ર છે. જેના કારણે તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે.
#AllahabadHighCourt Junks PIL Against Sale Of 'Shankar Parwati Chhap Beedi' For Hurting Religious Feelings | @ISparshUpadhyay https://t.co/OsfJ8x6Bnf
— Live Law (@LiveLawIndia) March 6, 2025
કોર્ટને અરજીમાં કરવામાં આવેલા દાવાઓના અવલોકન બાદ આ અરજી પર વિચાર કરવાનું કોઈ કારણ મળ્યું નહીં, તેથી કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે અરજદારને ઉપલબ્ધ કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાનો અધિકાર છે.
આ પહેલાં પણ હિંદુ દેવી-દેવતાઓના નામે વેચાતા હતા ફટાકડા
નોંધનીય છે કે હિંદુ દેવી-દેવતાઓ માટે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવો, ફટાકડા-તમાકુ જેવી ચીજ વસ્તુઓના નામ રાખવા, કે ફિલ્મો બનાવવી એ એક ફેશન બની ગઈ છે. આ પહેલાં પણ આવા મામલા સામે આવી ચૂક્યા છે. આપણે ઘણીવાર જોયું હશે કે દિવાળીના સમયે લક્ષ્મી બોમ્બ, કાન્હા ફૂલઝડી વગેરે જેવા ફટાકડા બજારમાં જોવા મળતા હતા.
જોકે આ મામલે ઘણા હિંદુ સંગઠનો વિરોધ ઉઠાવી ચૂક્યા છે. આ પહેલાં વર્ષ 2017માં મધ્યપ્રદેશના એક એક્ટિવિસ્ટ ચંદ્રશેખર તિવારીએ હિંદુ દેવી-દેવતાઓના નામવાળા ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. તેમણે આને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન ગણાવ્યું હતું. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ સહિતના હિંદુ સંગઠનો દર વર્ષે દિવાળી પર લોકોને એવી અપીલ કરતા હોય છે કે હિંદુ દેવી-દેવતાઓના નામવાળા ફટાકડા ન ખરીદવામાં આવે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે હિંદુ સંગઠનો દ્વારા થતી અપીલ અને વિરોધના પગલે હવે દિવાળી દરમિયાન આવા ફટાકડાઓ ઓછા થવા લાગ્યા છે. આ ઉપરાંત લક્ષ્મી બોમ્બ નામક ફટાકડો સાવ બંધ થઈ ચૂક્યો છે. નોંધવા જેવું છે કે મોટા ભાગના ફટાકડા તમિલનાડુ રાજ્યના શિવકાશીમાં બનતા હોય છે. ત્યારે વર્ષ 2015માં હિંદુઓના વિરોધના પગલે જિલ્લા અધિકારીઓએ એવો આદેશ આપ્યો હતો કે ફટાકડાઓ પર હિંદુ દેવી-દેવતાઓના ચિત્રો ન ચોંટાડવામાં આવે. જેના પરિણામ સ્વરૂપ ફટાકડાઓ પર મોર-પોપટ વગેરેના ફોટા લગાવવામાં આવે છે.