Wednesday, April 1, 2026
More
    હોમપેજદેશજાણો ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી વિશે, જેની ઉપર દિલ્હી કાર બ્લાસ્ટ કેસ બાદ...

    જાણો ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી વિશે, જેની ઉપર દિલ્હી કાર બ્લાસ્ટ કેસ બાદ ઉઠ્યા છે પ્રશ્નો: ઑપઇન્ડિયાએ કેમ્પસમાં શું જોયું– વાંચો

    અનેક સ્ટાફ અને ડૉક્ટરોને પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા છે અને કેમ્પસ પર પોલીસ ટીમ હજુ તૈનાત છે. NIA પણ વિદેશી ફન્ડિંગના સંબંધોની તપાસમાં જોડાઈ છે. હાલમાં એજન્સીઓની દરેક ગતિવિધિ પર નજર છે. ફરીદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્ર કુમાર ગુપ્તાએ મીડિયા સમક્ષ કહ્યું કે આટલો મોટો વિસ્ફોટક જથ્થો મળવો એ આતંકી હુમલાની તૈયારી દર્શાવે છે. યુનિવર્સિટીની લેબોરેટરીઓ અને કેમિકલ સ્ટોરેજનું ફોરેન્સિક ઓડિટ ચાલુ છે.

    - Advertisement -

    10 નવેમ્બર, 2025ના રોજ કાશ્મીર અને હરિયાણાની પોલીસે વિશાળ માત્રામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરીને અનેક ડૉક્ટરોની ધરપકડ કર્યા બાદ ફરીદાબાદની અલ‑ફલાહ યુનિવર્સિટી તપાસના કેન્દ્રમાં આવી ગઈ હતી. આ કાર્યવાહીના થોડા જ કલાકો બાદ પાટનગર દિલ્હીના લાલ કિલ્લા પાસે એક કારમાં બૉમ્બ બ્લાસ્ટ થયો, જેમાં 8થી 12 લોકો માર્યા ગયા. આ મામલે તપાસ આગળ વધતાં યુનિવર્સિટી વધુ વિવાદમાં ઘેરાતી જાય છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા ડૉક્ટરો પાકિસ્તાન સમર્થિત જૂથો સાથે જોડાયેલા હોવાના આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ખાનગી સંસ્થાને ગલ્ફમાંથી ફન્ડિંગ મળે છે.

    અલ‑ફલાહ યુનિવર્સિટીની સ્થાપના 2014માં થઈ હતી. 2015માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને (UGC) તેને માન્યતા આપી હતી. યુનિવર્સિટી અલ‑ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ ચાલે છે. તે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોમર્સ, લૉ, શિક્ષણ, હ્યુમેનિટીઝ અને મેડિકલ સાયન્સમાં અન્ડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડૉક્ટરલ પ્રોગ્રામો ચલાવે છે. તેના સ્કૂલ ઑફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ સેન્ટર હેઠળ 650 બેડની ચેરિટેબલ હૉસ્પિટલ પણ ચાલે છે. NAACએ યુનિવર્સિટીને ‘A’ ગ્રેડ આપ્યો છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે અલગ‑અલગ હોસ્ટેલ, સ્ટાફ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ છે અને ભારત તથા વિદેશના વિદ્યાર્થીઓ પણ અહીં ભણે છે.

    યુનિવર્સિટીના સ્થાપક અને ચાન્સેલર જાવેદ અહેમદ સિદ્દીકી છે. પ્રો. (ડૉ.) ભૂપિન્દર કૌર આનંદ વાઇસ ચાન્સેલર છે અને ડૉ. મોહમ્મદ પરવેઝ રજિસ્ટ્રાર છે.

    - Advertisement -

    ઘટનાની શરૂઆત અને અત્યાર સુધીની કાર્યવાહી  

    જમ્મુ‑કાશ્મીર પોલીસ અને હરિયાણા પોલીસના સંયુક્ત ઑપરેશનમાં 2,900 કિલો વિસ્ફોટક બનાવવાની સામગ્રી, હુમલાખોર રાઇફલો, પિસ્તોલ, ડિટોનેટર્સ અને અદ્યતન બૉમ્બ બનાવવા માટેના ઘટકો ઝડપાયા હતા. ત્યારપછી તપાસ સીધી અલ‑ફલાહ યુનિવર્સિટી સુધી લઈ ગઈ જ્યાં કાશ્મીરી મેડિકલ પ્રોફેસર ડૉ. મુજમ્મિલ શકીલ ત્રણ વર્ષથી વધુ સમયથી ભણાવતો હતો. શકીલ ‘વ્હાઇટ‑કોલર ટેરર મોડ્યુલ’ના ઝડપાયેલા આતંકીઓમાંનો એક હતો. તેને ફરીદાબાદના ધૌજથી પકડવામાં આવ્યો હતો.

    પોલીસના નિવેદન મુજબ યુનિવર્સિટીથી થોડા મીટર દૂર શકીલના ભાડાના મકાનમાંથી પણ વિસ્ફોટક મળ્યા, જેમાં અમોનિયમ નાઇટ્રેટ, AK સિરીઝની રાઇફલો, 20 ટાઇમર, બેટરી અને રિમોટ‑કંટ્રોલ સિસ્ટમ સામેલ છે. અમોનિયમ નાઇટ્રેટ ખાતર તરીકે પણ વપરાય છે પણ તેનાથી ખતરનાક બૉમ્બ પણ બની શકે છે. 11 નવેમ્બરે અહીં વ્યાપક સર્ચ ઑપરેશન ચલાવાયું અને 7 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. આ સિવાય RDX જેવા વિસ્ફોટકોના સંશ્લેષણ કે પરીક્ષણ માટે લેબોરેટરીઓનો ઉપયોગ થયો કે નહીં તેની તપાસ શરૂ કરી હતી.

    આ તપાસ માટે સવારથી જ લગભગ 800 પોલીસકર્મીઓ તહેનાર કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે યુનિવર્સિટીના લગભગ 60 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આસપાસની તમામ મસ્જિદોને પણ તપાસના ઘેરામાં લેવાઈ છે. આસપાસનાં ગામોના મૌલાના, મૌલવીઓની પૂછપરછ કરવામાં આવી છે. અત્યાર સુધી 4 ઇમામોની પણ પૂછપરછ થઈ છે.

    અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઈ છે, જેમાં સહારનપુરથી ઝડપાયેલા ડૉ. આદિલ અને ફરીદાબાદથી ઝડપાયેલા ડૉ. મુજમ્મિલ તથા તેની ગર્લફ્રેન્ડ ડૉ. શાહીનનો સમાવેશ થાય છે. શાહીન શકીલની નજીકની સહયોગી માનવામાં આવે છે અને તેને જૈશ‑એ‑મોહમ્મદની મહિલા વિંગ જમાત‑ઉલ‑મોમિનાતની ભારતીય શાખા સ્થાપવાની જવાબદારી સોંપાઈ હતી. આ ત્રણેય ડોક્ટરો જૈશ‑એ‑મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત‑ઉલ‑હિન્દને (AGuH) લોજિસ્ટિક સપોર્ટ આપવાના આરોપી છે.

    અનેક સ્ટાફ અને ડૉક્ટરોને પૂછપરછ માટે અટકાયતમાં લેવાયા છે અને કેમ્પસ પર પોલીસ ટીમ હજુ તૈનાત છે. NIA પણ વિદેશી ફન્ડિંગના સંબંધોની તપાસમાં જોડાઈ છે. હાલમાં એજન્સીઓની દરેક ગતિવિધિ પર નજર છે. ફરીદાબાદના પોલીસ કમિશનર સતેન્દ્ર કુમાર ગુપ્તાએ મીડિયા સમક્ષ કહ્યું કે આટલો મોટો વિસ્ફોટક જથ્થો મળવો એ આતંકી હુમલાની તૈયારી દર્શાવે છે. યુનિવર્સિટીની લેબોરેટરીઓ અને કેમિકલ સ્ટોરેજનું ફોરેન્સિક ઓડિટ ચાલુ છે.

    ઑપઇન્ડિયા પહોંચ્યું અલ-ફલાહ કેમ્પસમાં

    આ મામલે વધુ માહિતી મેળવવા ઑપઇન્ડિયાની ટીમ અલ-ફલાહ કેમ્પસમાં પહોંચી હતી. પત્રકારો અલ‑ફલાહ યુનિવર્સિટી પહોંચ્યા ત્યારે ગેટ પર જ રોકી દેવામાં આવ્યા. પરંતુ પત્રકારો કોઈક રીતે ઓળખ છુપાવીને ગેટની અંદર પ્રવેશવામાં સફળ રહ્યા હતા. અંદર પહોંચીને જોયું કે કેમ્પસ એટલું મોટું હતું કે દિલ્હી NCRમાં પણ કદાચ આટલું મોટું કેમ્પસ કોઈ બીજી ખાનગી યુનિવર્સિટીનું નહીં હોય. કેમ્પસમાં ઘણી અવર-જવર હતી. વિદ્યાર્થીઓનું ટોળું હતું અને શિક્ષકો પણ આમ-તેમ જતા દેખાતા હતા. દૂરથી જોતાં એવું લાગતું હતું કે ડૉ. મુજમ્મિલની ઘટનાથી આ લોકો અજાણ છે. ડૉ. મુજમ્મિલ આ જ કેમ્પસમાં આવ‑જા કરતો હતો. અહીં તે વિદ્યાર્થીઓને ભણાવતો પણ હતો.

    કેમ્પસની ખુલ્લી જગ્યાએ કેટલાક લોકો નમાજ પઢી રહ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે સ્પષ્ટ કહ્યું કે તેઓ કોઈ મુજમ્મિલને ઓળખતા નથી. તેણે કહ્યું, “સવારથી લોકો ચર્ચા કરે છે પણ અમને ખબર નથી.” ઑપઇન્ડિયાની ટીમ જ્યારે આગળ વધી તો એક મોટી હૉસ્પિટલ દેખાઈ. અહીં દર્દીઓના સંબંધીઓ અને બીજા લોકોની અવરજવર ચાલુ હતી. મોટી સંખ્યામાં મેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓ બુરખામાં અવર-જવર કરતી દેખાતી હતી.

    ટીમે તેમાંથી કેટલાક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેમણે ડૉ. મુજમ્મિલ અને ડૉ. શાહીન વિશે વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. કેટલાકે માત્ર એટલું જ કહ્યું કે ન્યૂઝ જોઈને તેઓ આશ્ચર્યચકિત છે કારણ કે ડૉ. મુજમ્મિલને તેમણે એક ડોક્ટર અને પ્રોફેસર તરીકે જ જોયો છે. એક મેડિકલ વિદ્યાર્થીએ જણાવ્યું, “અમારા માટે ખૂબ આશ્ચર્યની વાત છે, કારણ કે ડૉ. મુજમ્મિલ અમને ભણાવતા હતા.”

    ઑપઇન્ડિયા સાથે એક આસિસ્ટન્ટ હિંદુ પ્રોફેસરે નામ ન આપવાની શરતે કહ્યું, અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ જમ્મુ‑કાશ્મીર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે. મુસ્લિમ વધુ છે. બીજા ધર્મના વિદ્યાર્થીઓ પણ છે. શરૂઆતમાં જ્યારે તેમણે યુનિવર્સિટીમાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે તેમને પોતાની સુરક્ષા અંગે ચિંતા થતી હતી અને થોડું વિચિત્ર વાતાવરણ લાગતું હતું. અહીં તેમણે જોયું કે ઘણા પ્રોફેસર લાંબી દાઢી અને મુસ્લિમ ગેટઅપમાં કેમ્પસમાં આવતા હતા. ડૉ. મુજમ્મિલ તેમાંનો જ એક હતો, જે અવારનવાર પીળા રંગની બાઇક પર કેમ્પસમાં આવતો. ડૉ. મુજમ્મિલ ઘણાં વર્ષોથી અહીં ભણાવતો હતો.

    ઘટના પછી ડૉ. શાહીનની ચર્ચા પણ ખૂબ થઈ રહી હતી. મહિલા પ્રોફેસરે જણાવ્યું કે ડૉ. શાહીનની ધરપકડથી દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. કારણ કે તે અમારી વચ્ચે સૌથી વધુ સમય વિતાવતી હતી. વિદ્યાર્થી‑પ્રોફેસર અલગ‑અલગ પોતાના ગ્રુપ સાથે વાતચીત કરી રહ્યા હતા. પરંતુ અજાણ્યા લોકો સાથે આ મુદ્દે વાત કરતા નહોતા. ડૉ. શાહીન એ મહિલા છે જેની કારમાંથી ગેરકાયદેસર હથિયારો મળી આવ્યાં હતાં. તે આ યુનિવર્સિટીમાં ભણાવતી હતી. મહિલા પ્રોફેસરના જણાવ્યા મુજબ ડૉ. શાહીન પહેલાં સ્વિફ્ટ કારમાં આવતી હતી, પરંતુ થોડા દિવસો પહેલાં તેણે નવી બ્રેઝા ખરીદી હતી.

    અલ‑ફલાહ યુનિવર્સિટીની ડાબી બાજુએ થોડે દૂર મુજમ્મિલનું એ ઠેકાણું છે જ્યાંથી 360 કિલો ગ્રામ અમોનિયમ નાઇટ્રેટ મળી આવ્યું હતું. યુનિવર્સિટીની જમણી બાજુએ લગભગ 2 કિલોમીટર આગળ જતાં ફતેહપુર તગા નામનું ગામ આવે છે. જ્યાં નાનકડું મકાન છે. આ મકાનમાં ડૉ. મુજમ્મિલ રહેતો તો નહોતો પણ ભાડે લીધેલું હતું. અહીં તેણે લગભગ 2,500 કિલો અમોનિયમ નાઇટ્રેટ એકઠું કરી રાખ્યું હતું. યુનિવર્સિટીની બંને બાજુએ જિહાદી પ્રોફેસર ડૉ. મુજમ્મિલના બે ઠેકાણાં હતા. ત્યાં પણ ઑપઇન્ડિયાની ટીમ પહોંચી અને જગ્યાનું નિરક્ષણ કર્યું.

    દિલ્હીથી થોડે જ દૂર આવેલ ફરીદાબાદની આ યુનિવર્સિટી દરેક રીતે આતંકીઓનું મજબૂત આશરો બની ગઈ હતી. સુરક્ષિત હોવાની સાથે શિક્ષણ કાર્ય સાથે જોડાયેલા હોવાથી આતંકીઓ પર નજર પણ નહોતી પડતી. આ બધું જાણ્યા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે શું વાસ્તવમાં યુનિવર્સિટી વ્યવસ્થાપનને પોતાના પ્રોફેસરોની કરતૂતની જાણકારી નહોતી કે યુનિવર્સિટી વ્યવસ્થાપને જાણીજોઇને અહીં આ ડૉક્ટરોને રાખ્યા હતા જેથી તેમના પર કોઈની નજર ન પડે કે આ ડૉક્ટરોએ યુનિવર્સિટીનો ઉપયોગ એક આશરા તરીકે કર્યો હતો.

    આ બધાની વચ્ચે અલ-ફલાહ યુનિવર્સિટીએ નિવેદન પણ જારી કર્યું છે. વાઇસ-ચાન્સેલર પ્રો. ડૉ. ભૂપિન્દર કૌર આનંદે જણાવ્યું છે કે બંને પકડાયેલા ડૉક્ટરો સાથે તેમના વ્યાવસાયિક સંબંધો માત્ર હતા અને સંસ્થાકીય જોડાણ કોઈ નથી. કેમ્પસમાં કોઈ વિસ્ફોટકો કે રસાયણનો સંગ્રહ કરવામાં ન આવતો હોવાનું પણ યુનિવર્સિટીએ કહ્યું છે.

    તેમણે વધુમાં કહ્યું કે સખત સુરક્ષા પ્રોટોકોલ સાથે લેબોરેટરીઓ ફક્ત MBBS અને અધિકૃત કોર્સ માટે વપરાય છે. આગળ આરોપો ખોટા ગણાવીને જમ્મુ-કાશ્મીર પોલીસ, હરિયાણા પોલીસ, UP એટીએસ અને એજન્સી NIAને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં