ફરીદાબાદ આતંકી મોડ્યુલમાં ફંડિંગથી મહિલાઓની ભરતી સુધી: ધરપકડ કરાયેલી ‘ડૉક્ટર’ શાહીનને લઈને અનેક ઘટસ્ફોટ, ભાઈની પણ ધરપકડ

ડૉ. શાહીન સઈદ (ફોટો: News 18)

લાલ કિલ્લા પાસે થયેલ બ્લાસ્ટ મામલે મોટા ઘસ્ફોટ થઈ રહ્યા છે. આ કેસમાં પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (JeM) ફરીદાબાદ મોડ્યુલની લિન્ક હોવાનું કહેવાય રહ્યું છે. ફરીદાબાદ આતંકી મોડ્યુલની મુખ્ય આરોપી તરીકે લખનૌની મહિલા ‘ડૉક્ટર’ શાહીન શાહિદનું નામ સામે આવ્યું છે.

32 વર્ષીય ડૉ. શાહીન શાહિદ ઉત્તર પ્રદેશના લખનૌના લાલ બાગ વિસ્તારની રહેવાસી છે. તે પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદગી પામીને કાનપુરના ગણેશ શંકર વિદ્યાર્થી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બની હતી. વર્ષ 2013માં તે કોઈને જાણ કર્યા વિના કોલેજમાંથી ગાયબ થઈ ગઈ હતી, જેના કારણે 2021માં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. તેના પહેલા નિકાહ જફર હયાત સાથે થયા હતા, પરંતુ 2015માં તલાક લીધા હતા. તેના પિતાનું નામ સઈદ અંસારી છે અને તેનો ભાઈ ડૉ. પરવેઝ અંસારી ફરીદાબાદની ઈન્ટીગ્રલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

ડૉ. શાહીન શાહિદને જૈશ-એ-મોહમ્મદ માટે ભારતમાં ‘જમાત ઉલ-મોમિનાત’ નામની મહિલા વિંગ સ્થાપવાનું કામ સોંપાયું હતું. આ વિંગનું નેતૃત્વ જૈશના વડા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરે છે અને તેનો હેતુ શિક્ષિત તથા પ્રોફેશનલ મહિલાઓને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો છે. આ વિંગને ઑક્ટોબર મહિનામાં સ્થાપવામાં આવી હતી. ડૉ. શાહીન ‘વ્હાઇટ કોલર ટેરર ઇકોસિસ્ટમ’નો ભાગ હતી, જેમાં ડૉક્ટર્સ અને શિક્ષણવિદો પાકિસ્તાનથી સીધા આદેશ લઈને કામ કરે છે.

તેની ભૂમિકા ફરીદાબાદ મોડ્યુલને ફન્ડિંગ પૂરું પાડવાની અને મહિલાઓની ભરતી કરવાની હતી. તેણે પોતાના નેટવર્ક દ્વારા 35થી ₹40 લાખ એકત્ર કર્યા હતા. તે કશ્મીરના પુલવામાના ડૉ. મુઝમ્મિલ અહમદ ગનાઈ (ઉર્ફે મુસૈબ) સાથે સંકળાયેલી હતી, જેની પાસેથી ફરીદાબાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવ્યા હતા. ડૉ. શાહીનના નામે રજિસ્ટર્ડ સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી AK રાઇફલ, પિસ્તોલ અને કારતૂસો મળી આવ્યાં હતાં.

તે જમ્મુ-કશ્મીરની મુલાકાતો લઈને મહિલાઓની ભરતી કરતી હતી અને મેડિકલ વેલ્ફેયર તથા NGOના કવર હેઠળ એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન દ્વારા ફંડ ટ્રાન્સફર કરતી હતી. આ કેસમાં ડૉ. શાહીનની ધરપકડ કરવામાં આવી છે અને તેને વધુ પૂછપરછ માટે શ્રીનગર ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના ભાઈ ડૉ. પરવેઝના ફરીદાબાદ સ્થિત ઘર પર ઉત્તર પ્રદેશ ATS, જમ્મુ-કશ્મીર પોલીસ અને લખનૌ પોલીસે દરોડા પાડ્યા હતા અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. અલ-ફલાહ યુનિવર્સિટી સાથે પણ તેનું જોડાણ છે.

સુરક્ષા એજન્સીઓએ આને આતંકવાદનું નવું સ્વરૂપ ગણાવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે, “આરોપીઓ ડૉક્ટર્સ અને શિક્ષણવિદોના ‘વ્હાઇટ કોલર ટેરર ઇકોસિસ્ટમ’નો ભાગ છે, જે પાકિસ્તાનથી આદેશ લઈને કામ કરે છે.” આ તપાસ હવે NIAને સોંપાઈ છે. આગામી સમયમાં વિવિધ જગ્યાઓ પર દરોડા અને વધુ ધરપકડોની શક્યતા છે.