ગત ગુરુવારે (9 જાન્યુઆરી 2025) અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને (AMU) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (Bomb Threat) આપવામાં આવી હતી. આ ધમકી ઈમેલ મારફતે આપવામાં આવી હતી. ધમકી મોકલનારે યુનિવર્સિટી પ્રશાસન પાસેથી ₹2 લાખની ખંડણી માંગી હતી. કહેવામાં આવ્યું હતું કે જો રૂપિયા નહીં મોકલવામાં આવે તો બોમ્બથી હુમલો કરવામાં આવશે અને યુનિવર્સિટી હતી-નહોતી કરી દેવામાં આવશે. ત્યારે આ મામલે હવે ઉત્તર પ્રદેશ પોલીસે (UP Police) એક સગીર આરોપીની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ધમકી આપનાર વ્યક્તિ સાથે તેના સંબંધ છે અને તેણે તેને મદદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને અલગ અલગ ઈમેલ આઈડી પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી દેનારે મેલમાં એક UPI નંબર મોકલ્યો હતો અને કહ્યું હતું કે આ નંબર પર ₹2 લાખ રૂપિયા મોકલી દેવામાં આવે. આ સાથે જ ધમકીખોરે તેવી ધમકી આપી હતી કે જો 2 દિવસમાં તેની માંગ નહીં સ્વીકારવામાં આવે અને રૂપિયા નહીં આપવામાં આવે, તો યુનિવર્સિટી પર બોમ્બ એટેક કરવામાં આવશે. આટલું જ નહીં, ધમકી આપનાર વ્યક્તિએ તેવી પણ ધમકી આપી હતી કે વાત ન માનવા પર યુનિવર્સિટીની મેશમાં બનતા ભોજનમાં પ્રતિબંધિત સામગ્રી ભેળવી દેશે.
આ પ્રકારની ધમકીઓ મળ્યા બાદ યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાને લઈને તાત્કાલિક તપાસ આદરી હતી. યુનિવર્સિટી પ્રશાશનની ફરિયાદ બાદ પોલીસે કેમ્પસની સુરક્ષા વધારીને તપાસ આદરી હતી. જોકે તપાસ દરમિયાન કશું મળી નહોતું આવ્યું. દરમિયાન યુનિવર્સિટી પ્રશાસને ભોજનમાં ભેળસેળની વાતને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. લાંબી તપાસના અંતે ધમકી પોકળ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ મામલે કચાશ ન રાખતા UP પોલીસે તપાસનો મારો ચાલુ રાખીને ધમકી આપનાર સુધી પહોંચવા કવાયદ હાથ ધરી હતી.
ધમકી આપનારનું પગેરું શોધવા સગીર વિદ્યાર્થી સુધી પહોંચી પોલીસ
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેલ કરવાના મામલે ઉત્તર પ્રદેશ ATSએ તપાસ કરતા તેમને રાજસ્થાનના દેવરિયાના એક વિદ્યાર્થીનું પગેરું મળ્યું હતું. પોલીસે તરત જ એક્શન લઈને તેને ઉઠાવી લીધો હતો. દેવરિયાના ઉમાનગર ખાતે રહેતા આ સગીર વિદ્યાર્થિની ATSએ 12 કલાક સુધી પૂછપરછ કરી હતી. અત્યાર સુધીની પુછપરછમાં સામે આવ્યું છે કે આ મેલ તેણે તો નથી કર્યો, પરંતુ મોકલનાર વ્યક્તિ સાથે તેના સંબંધ છે. વિદ્યાર્થી કોટામાં રહીને ઈજનેરીનો અભ્યાસ કરી રહ્યો હતો.
અહેવાલોમાં જણાવ્યા અનુસાર જયારે તે ભણી રહ્યો હતો, ત્યારે તે એક ટેલીગ્રામ ચેનલ મારફતે ધમકી આપનાર લોકોના સંપર્કમાં આવ્યો હતો. સગીર પોતે હેકર છે અને તેણે તે લોકો પાસેથી જ હેકિંગ શીખ્યું છે જેમણે ધમકી આપી હતી. હાલ આરોપી કહી રહ્યો છે કે થોડા સમય પહેલા તેની તે લોકો સાથે પૈસાની લેવડ-દેવડ બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યારથી તે તેમની સાથે નથી. સગીરે આશંકા વ્યક્ત કરી છે કે, તે માથાકૂટની રીસ રાખીને જ તેના ગ્રુપના લોકોએ પ્રોક્સી સોફ્ટવેરથી નંબર અને આઈડી બનાવી ધમકી મોકલી અને તેને ફસાવવામાં આવ્યો છે. જોકે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હોવાના કારણે હાલ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધારા ધોરણ અનુસાર કાર્યવાહી શરૂ કરી છે.