દિલ્હી વિધાનસભા ચૂંટણી-2025માં (Delhi Assembly Elections) અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દિલ્હીનાં હિંદુવિરોધી રમખાણોના મુખ્ય આરોપીઓ પૈકીના એક શાહરૂખ પઠાણને (Shahrukh Pathan) ઉમેદવાર ઘોષિત કરવા જઈ રહી હોવાના સમાચારો મળી રહ્યા છે. હજુ સુધી આ મામલે અંતિમ નિર્ણય થયો નથી, પણ ચૂંટણી પહેલાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.
ચર્ચાઓ વચ્ચે AIMIM દિલ્હીના પ્રમુખ શોએબ જમઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમણે શાહરૂખ પઠાણના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને સંકેત આપ્યો હતો કે પાર્ટી તેને સીલમપુર વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી શકે છે. જોકે, તેમનું કહેવું છે કે આ અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નોંધવું જોઈએ કે શાહરૂખ પઠાણ હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે અને દિલ્હીનાં 2020નાં રમખાણોના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહ્યો છે. 2020માં તેની ધરપકડ રમખાણો ભડકાવવા માટે અને પોલીસકર્મીઓ પર ગોળીબાર કરવા મામલે થઈ હતી. તેનો એક ફોટો વાયરલ થયો હતો, જેમાં તે એક પોલીસકર્મી સામે પિસ્તોલ તાંકતો જોવા મળે છે.
તેની સામે કુલ બે કેસ છે. જેમાં એકમાં 24 ફેબ્રુઆરી, 2020ના રોજ હેડ કોન્સ્ટેબલ દીપક દહિયા સામે બંદૂક તાંકવા મામલે તે આરોપી છે. તેનું નામ 24 ફેબ્રુઆરીના રોજ મૌજપુરમાં થયેલાં રમખાણોમાં પણ ખુલ્યું હતું, જેમાં તેની સામે ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે. આ તોડાંઓમાં બે પોલીસકર્મીઓ અને એક રાહદારીને ઈજા પહોંચી હતી.
એક તરફ AIMIM નેતાઓ તેના જામીન કરાવવા માટે મદદ કરવાની વાત કરી રહ્યા છે ત્યાં બીજી તરફ એ પણ જાણવું જોઈએ કે 2023માં દિલ્હીની ટ્રાયલ કોર્ટે એમ કહીને પઠાણના જામીન ફગાવી દીધા હતા કે આરોપીને મુક્ત કરવા માટે કોઈ વ્યાજબી કારણ જણાતું નથી.
24 ફેબ્રુઆરી, 2020ના દિવસની ઘટનાઓને વિગતે જોઈએ તો, જાફરાબાદ મેટ્રો સ્ટેશન અને મૌજપુર બ્રિજ વચ્ચે પાંચ હજાર લોકોનાં ટોળાં સામસામે આવી ગયાં હતાં. જેમાં CAAનો વિરોધ કરતું ઇસ્લામી ટોળું પથ્થરમારો કરવા માંડ્યું હતું, જેમાંથી અમુક પાસે બંદૂક જેવાં હથિયારો પણ હતાં. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, શાહરૂખ પઠાણ જ્યાં બંદૂક લઈને ફરી રહ્યો હતો ત્યાંથી પોલીસને 3 કારતૂસ મળી આવ્યા હતા.
શાહરૂખ પઠાણે પહેલાં ટોળા તરફ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોલીસ ત્યાં હાજર હોવા છતાં દાદાગીરી કરવા માંડ્યો હતો. ત્યારબાદ ટોળાને બચાવવા માટે પોલીસ અધિકારી શાહરૂખની આગળ આવીને ઊભા રહી ગયા. બીજી તરફ, શાહરૂખ પઠાણ પોલીસ તરફ આગળ વધતો હતો. લગભગ 9-10 ફિટના અંતરેથી તેણે પોલીસકર્મી તરફ ફાયરિંગ કર્યું હતું, પરંતુ સદનસીબે ગોળી વાગી ન હતી. જોકે તેમ છતાં પોલીસ અધિકારી ત્યાં જ ઊભા રહ્યા. જેથી શાહરૂખે અધિકારીને ધક્કો મારીને લમણે બંદૂક તાંકી દીધી હતી. જ્યારે અધિકારીએ ફરી તેને ચેતવણી આપી તો ટોળા તરફ ફાયરિંગ કરીને ભાગવા માંડ્યો હતો.
કોર્ટે પછીથી શાહરૂખ પઠાણ સામે FIR દાખલ કરવાના આદેશ આપ્યા હતા. તેને IPCની કલમ 147, 148, 149, 186, 188, 153A, 283, 353, 332, 323, 307, 505, 120B, 34 અને આર્મ્સ એક્ટની કલમ 27 હેઠળ આરોપી બનાવવામાં આવ્યો છે. જેમાંથી શરૂઆતની ત્રણ કલમો રમખાણોને લગતી છે, જ્યારે 307 હત્યાના પ્રયાસ મામલેની છે.
જેલમાં ટોર્ચર થતું હોવાનું જૂઠાણું ચલાવ્યું હતું
આ પહેલાં એ પણ સામે આવી ચૂક્યું છે કે પોલીસ કસ્ટડીમાં શાહરૂખ પઠાણ તપાસ અને પૂછપરછમાં બિલકુલ સહયોગ આપતો ન હતો અને પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કર્યા હતા. તેણે રમખાણોમાં સામેલ અન્ય આરોપીઓનાં નામ કહેવાની પણ ના પાડી દીધી હતી.
જેલમાં તેણે પોતાની સાથે અત્યાચાર થતો હોવાની અને સુપ્રિટેન્ડન્ટે તેને ધમકી આપી હોવાની વાતો પણ ચલાવી હતી. તેણે દાવો કર્યો હતો કે જેલમાં અધિકારીઓએ તેને ટ્રાયલ પૂર્ણ થાય તે પહેલાં જ મારી નાખવાની ધમકી આપી હતી. તેના વકીલે શાહરૂખ જેલમાં ભય હેઠળ જીવતો હોવાનું તૂત પણ ચલાવ્યું હતું. જોકે, કોર્ટે આવી કોઈ વાતો માન્ય રાખી ન હતી.
શાહરૂખનો બાપ ડ્રગ પેડલિંગના કેસમાં ગુનેગાર, પાકિસ્તાનીઓ સાથે જોડાણ હોવાના પણ પુરાવા
ઉલ્લેખનીય છે કે શાહરૂખ પઠાણ જ નહીં પણ તેના બાપ સામે પણ દિલ્હી પોલીસે કેસ નોંધ્યો હતો. ઑગસ્ટ, 2016માં તેના બાપને દિલ્હીની કોર્ટે એક ગુનામાં ગુનેગાર ઠેરવ્યો હતો. આ કેસ જાન્યુઆરી, 2010નો છે. મેઘાલય પોલીસે દિલ્હીમાં એક ફરિયાદ નોંધાવી હતી કે, ત્રણ પાકિસ્તાની ઇસમોને ડિટેન્શન સેન્ટરથી ગુરુ નાનક આય હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ માટે લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણેય ભાગી છૂટ્યા હતા.
આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ આરોપીઓ અગાઉ દિલ્હીની જામા મસ્જિદમાં રોકાયા હતા અને તેમાંથી એક સીલમપુર પણ ગયો હતો. જેમાં પછીથી શાહરુખના બાપનું પણ નામ ખુલ્યું હતું, જેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જોકે, તેમાં તો તેને પૂછપરછ બાદ મુક્ત કરવામાં આવ્યો, પણ પછીથી મોબાઇલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે શાહરૂખના બાપ સહિતના આરોપીઓ ફેક કરન્સી અને ડ્રગ્સના વેપાર સાથે સંકળાયેલા હતા.
આ કેસમાં પછીથી તમામને NDPS એક્ટ હેઠળ આરોપી બનાવવામાં આવ્યા હતા. પછીથી કોર્ટે 2015માં શાહરૂખ પઠાણના બાપ સાબિર અલીને દોષી ઠેરવ્યો હતો. નોંધવું જોઈએ કે સાબિર જન્મે શીખ (બલદેવ સિંઘ) હતો અને લગ્ન પહેલાં ઇસ્લામ અપનાવી લીધો હતો. તેને 1 લાખના દંડ સાથે 10 વર્ષની સજા કરવામાં આવી હતી.
UAPA આરોપી તાહિર હુસૈન પણ AIMIMમાંથી ઉમેદવાર
AIMIM દ્વારા સીલમપુરથી શાહરૂખ પઠાણને ઉમેદવાર બનાવવાની ચર્ચા ચાલી રહી છે ત્યાં એ પણ નોંધવું જોઈએ કે આ પહેલાં પણ AIMIM ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમને ઉમેદવાર ઘોષિત કરી ચૂકી છે. જેમાં બીજું કોઈ નહીં પણ આમ આદમી પાર્ટીનો પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન છે, જેની ઉપર હિંદુઓને પાઠ ભણાવવાના ઇરાદે રમખાણો કરવાનો આરોપ છે. ગત 10 ડિસેમ્બરના રોજ AIMIMએ તાહિર હુસૈનને મુસ્તફાબાદ બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યો હતો.
હુસૈન અગાઉ આમ આદમી પાર્ટીમાં હતો. ગત વર્ષે માર્ચમાં કોર્ટે તેની વિરુદ્ધ આરોપો ઘડ્યા હતા. તે IB અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં પણ આરોપી છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ફેબ્રુઆરી, 2025માં વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થતો હોઈ તે પહેલાં ચૂંટણી યોજાશે.