છેલ્લા કેટલાક સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કસ્ટમર ઓનલાઈન એપ (Online APP) પરથી વેજ ખાવાનું ઓર્ડર કરે અને નોનવેજ નીકળતું હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના (Ahmedabad) સાઉથ બોપલ (South Bopal) વિસ્તારમાંથી સામે આવી છે. જ્યાં એક વ્યક્તિએ ઓનલાઈન ફૂડ ડિલીવરી એપ પરથી વેજ બિરયાની મંગાવી હતી, જે નોનવેજ (Nonveg Biryani) નીકળી હતી.
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં ‘ધ બિરયાની લાઈફ’ નામની રેસ્ટોરન્ટ આવેલી છે જેમાંથી મેહુલ કુમાર નામક હિંદુ શાકાહારી ગ્રાહકે ઓનલાઈન ફૂડ એપ મારફતે વેજ બિરયાની મંગાવી હતી. પરંતુ રેસ્ટોરન્ટમાંથી નોનવેજ બિરયાનીની ડિલીવરી કરવામાં આવી હતી. જ્યારે ગ્રાહકે ઘરે મંગાવેલી બિરયાની ખાધી ત્યારે તેમને ખબર પડી કે, આ બિરયાની વેજ નહીં પણ નોનવેજ છે અને તેમને ઉલટી થવા લાગી તથા તબિયત ખરાબ થઈ ગઈ હતી.
પીડિત ગ્રાહકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું પોતે બ્રાહ્મણ છું. આજ દિન સુધી અમારા ઘરમાં કોઈએ નોનવેજ ખાધું નથી અને આ ઘટના બનતા અમારી લાગણી દુભાઈ છે. મને ખૂબ જ ખરાબ લાગ્યું છે અને હું ડિપ્રેસ થઈ ગયો છું કે, આવી ઘટનાઓ અવારનવાર બન્યા કરે છે અને કોઈ નિરાકરણ થતું નથી. આ મામલે ત્યાંના રેસ્ટોરન્ટના મેનેજર અને માલિકને પણ જાણ કરી છે. તેમજ ફૂડ વિભાગમાં પણ ફરિયાદ કરી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાના કારણે મારો ધર્મ ભ્રષ્ટ થયો છે.”
મેહુલ કુમારે આ મામલે AMC ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી. આ અંગેનો એક વિડીયો પણ સામે આવ્યો હતો, જેમાં આખા પેકેટ પર વેજ ફૂડ હોવાના માર્કો લગાવેલા હોવા છતાં અંદરથી નોનવેજ ખાવાનું નીકળ્યું હતું. તેમણે આ પેકેટ પણ ફૂડ વિભાગની ટીમને બતાવ્યું હતું. તથા કાર્યવાહીની માંગ કરી હતી.
તેમની ફરિયાદ પર ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને રેસ્ટોરન્ટમાં જઈને તપાસ આદરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ‘ધ બિરયાની લાઈફ રેસ્ટોરન્ટ’માં વેજ અને નોનવેજ બંને પ્રકારનું ભોજન એક જ જગ્યાએ બનાવવામાં આવે છે. તથા રેસ્ટોરન્ટે મેહુલ કુમારને ભૂલથી વેજની જગ્યાએ નોનવેજ બિરયાની ડિલીવર કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. ત્યારે AMC ફૂડ વિભાગે જ્યાં જમવાનું બનતું હતું એ એકમને સીલ કરી દીધું છે.