7 મે, 2025ની ઐતિહાસિક તારીખે ભારતે (India) ઑપરેશન સિંદૂર (Operation Sindoor) લૉન્ચ કરીને મધરાત્રે પાકિસ્તાનના (Pakistan) આતંકી ઠેકાણાં ધ્વસ્ત કરી નાખ્યા હતા. 7 જૂનના રોજ હવે ઑપરેશન સિંદૂરને એક મહિનો પૂર્ણ થયો છે. આ એક મહિના બાદ ઑપરેશન સિંદૂરને લઈને અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, ઑપરેશન સિંદૂર દરમિયાન 6 પાકિસ્તાની જેટ (6 Pakistani Jets) તોડી પડાયા હતા. તે સિવાય મહત્વનું તો એ છે કે, પહલગામ આતંકી હુમલાના વળતાં દિવસે જ મોદી સરકારે ટાર્ગેટ નક્કી કરી નાખ્યા હતા.
શીર્ષ રક્ષા સૂત્રોને ટાંકીને CNN-News18એ અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં કહેવાયું છે કે, પાકિસ્તાને 6 જેટ્સ અને એક મિલિટરી એરક્રાફ્ટ ગુમાવ્યું હતું. વધુમાં એવું પણ કહેવાયું છે કે, મોદી સરકારે 23 એપ્રિલે એટલે પહલગામ આતંકી હુમલાના એક દિવસ બાદ જ બહાવલપુર અને મુરીદકે સ્થિત આતંકી ઠેકાણાંઓને પોતાના મુખ્ય ટાર્ગેટ તરીકે પસંદ કરી લીધા હતા. આ ઉપરાંત સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, યુદ્ધવિરામ માટે અમેરિકાનું દબાણ હોવાની વાત તદ્દન ખોટી છે.
#Exclusive | India downed at least six Pakistani jets as well as a military transport aircraft during Operation Sindoor, top defence sources have told CNN-News18. @AmanKayamHai_ | #OperationSindoor #pakistan https://t.co/NVKhOMgQpU pic.twitter.com/CZuSRiOtVC
— News18 (@CNNnews18) June 7, 2025
અહેવાલ અનુસાર, ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નહોતી. ત્યાં સુધી કે, જેડી વેન્સે કૉલ કર્યો ત્યારે પણ પીએમ મોદી દ્રઢ હતા અને કાર્યવાહી બંધ ન કરવા માટે મક્કમ હતા. સાથે એ પણ નોંધવા જેવું છે કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત વડાપ્રધાન મોદીને આ મામલે નિશાન બનાવી રહ્યા છે. રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે કે, અમેરિકાના દબાણમાં મોદી સરકારે યુદ્ધવિરામ કર્યું છે. જોકે, એક શીર્ષ અધિકારીને ટાંકીને જણાવાયું છે કે, “રાહુલ ગાંધી પીએમ મોદીને નિશાન બનાવીને અપરિપકત્વતા દેખાડી રહ્યા છે અને આ સંસદ શરૂ થવા પર કોંગ્રેસ પર જ બેકફાયર થઈ જશે.”
23 એપ્રિલે જ પ્લાનિંગ થયું હતું, વડાપ્રધાનને કરાઈ હતી જાણ
અહેવાલ અનુસાર, મુરીદકે અને બહાવલપુર ભારતના મુખ્ય ટાર્ગેટ હતા. 23 એપ્રિલના રોજ યોજાયેલી બેઠકમાં જ આ વિશે નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે ત્રણેય સેના પ્રમુખો અને અજિત ડોભાલ સાથે મળીને આ વિશે નિર્ણય લઈ લીધો હતો. સેનાએ આ બેઠકમાં કહ્યું હતું કે, તેઓ પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ વિચારને 23 એપ્રિલના રોજ વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં પણ રાખવામાં આવ્યો હતો.
સૂત્રોને ટાંકીને કહેવાયું કે, ઑપરેશન સિંદૂર હેઠળ હુમલામાં ઘણી તારીખો પર વિચાર કરવામાં આવ્યો હતો અને સમય રાત્રે 12:30થી 2 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. વધુમાં તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે, કેમેરા રાત્રિના અંધકારમાં પણ ટાર્ગેટ પર થયેલો વિનાશ કેદ કરી શકે. જોકે, બેઠકમાં સ્પષ્ટ થયું હતું કે, LoCને પાર કરવામાં નહીં આવે, કારણ કે, હવે ભારત પાસે સરહદ પાર કર્યાં વગર જ પાકિસ્તાનમાં કોઈપણ સ્થળે હુમલો કરવાની ક્ષમતા હતી. તેનાથી ભારતીય સૈનિકોની સુરક્ષા પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
ઉપરાંત, ભારતે તે પણ પુષ્ટિ કરી છે કે, 7 અને 10 મેના રોજ સવારે ભારતીય હુમલામાં 6થી વધુ પાકિસ્તાની જેટ્સ તોડી પડાયા હતા. સાથે જ પાકિસ્તાની સેનાના એક C-130J સૈન્ય પરિવહન વિમાનને પણ તોડી પડાયું હતું. રક્ષા સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, તેમાં પાકિસ્તાની વાયુસેનાના F-16 અને JAF-17 ફાઇટર જેટ અને એક પાકિસ્તાની SAAB-2000 એવેક્સ સામેલ હતા. વધુમાં પાકિસ્તાનને તે ભય હતો કે, ભારતીય નૌકાદળ કરાચી પોર્ટ પર હુમલો કરી શકે છે. તે માટે જ તેમણે સફેદ ધ્વજ દર્શાવી દીધો હતો.