Tuesday, June 24, 2025
More
    હોમપેજગુજરાતકચ્છના લાખાપરમાં મળ્યા હડપ્પન સંસ્કૃતિના 5,300 વર્ષ જૂના અવશેષો, અન્ય પ્રદેશો સાથે...

    કચ્છના લાખાપરમાં મળ્યા હડપ્પન સંસ્કૃતિના 5,300 વર્ષ જૂના અવશેષો, અન્ય પ્રદેશો સાથે વેપારી સંબંધોના પણ પ્રમાણ: ખોદકામ દરમિયાન મળી આવી વસાહત

    ખોદકામમાં માટીના વાસણો ઉપરાંત અન્ય અનેક કલાકૃતિઓ પણ મળી આવી છે. આમાં અર્ધ-કિંમતી પથ્થરો જેવા કે કાર્નેલિયન, એગેટ, એમેઝોનાઇટ અને સ્ટીટાઇટથી બનેલા મણકા, શંખના ઘરેણાં, તાંબુ અને ટેરાકોટાની વસ્તુઓ તેમજ પથ્થરના સાધનોનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    કચ્છના (Kutch) લાખાપર (Lakhapar) ગામ પાસે ગાંડી નદીના કિનારે ચાલી રહેલા ખોદકામ દરમિયાન 5300 વર્ષ જૂના પ્રારંભિક હડપ્પન સંસ્કૃતિના (Harappa Remains) નોંધપાત્ર અવશેષો મળી આવ્યા છે. આ ખોદકામ, જે કેરળ યુનિવર્સિટીના (Kerala University) પુરાતત્વ વિભાગના ડૉ. અભયન જી.એસ. અને ડૉ. રાજેશ એસ.વી.ના નેતૃત્વ હેઠળ થયું. આ સ્થળ, જે ગદુલી-લાખાપર રોડની બંને બાજુએ લગભગ ત્રણ હેક્ટરમાં ફેલાયેલું છે, એક સમયે ગાંડી નદીની આસપાસ વસેલું હતું. 2022માં પ્રથમ ઓળખાયેલા આ સ્થળનું ખોદકામ હવે પૂર્ણ થયું છે.

    આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી ચાલી રહ્યો છે અને તે નજીકના જૂના ખાટીયા ખાતેના પ્રારંભિક હડપ્પન નેક્રોપોલિસના અગાઉના અભ્યાસ પર આધારિત છે. જૂના ખાટીયા, જે લાખાપરથી માત્ર 1.5 કિલોમીટર દૂર છે, ત્યાં 2019થી ત્રણ ખોદકામમાં 197 દફન સ્થળોનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું.

    ખોદકામમાં સ્થાનિક રેતીના પથ્થર અને શેલથી બનેલી દિવાલો અને અન્ય માળખાકીય અવશેષો મળી આવ્યા છે, જે સૂચવે છે કે આ વસાહતમાં સુયોજિત બાંધકામ પ્રવૃત્તિઓ થતી હતી. સૌથી નોંધપાત્ર શોધોમાં એક છે પ્રારંભિક અને હડપ્પન સમયના માટીના વાસણો, જે લગભગ ઇ.સ પૂર્વે 3300 વર્ષ જૂના સમયગાળાના છે. આમાંથી ખાસ કરીને પૂર્વ-પ્રભાસ વેર નામના દુર્લભ માટીના વાસણોનો સમાવેશ થાય છે, જે અગાઉ ગુજરાતના માત્ર ત્રણ સ્થળોએ જ મળી આવ્યા હતા. આ વાસણો લાખાપરમાં મળવું એ હડપ્પન સંસ્કૃતિની અંદર એક વિશિષ્ટ સાંસ્કૃતિક જૂથની હાજરી દર્શાવે છે.

    - Advertisement -
    Excavations unearth pottery and artefacts at Lakhapar in Gujarat
    (Photo: The Hindu)

    અનોખું દફન સ્થળ

    વસાહતની નજીક એક માનવ દફન સ્થળ પણ મળી આવ્યું છે, જે ખૂબ જ રસપ્રદ છે.  ખોદકામમાં માટીના વાસણો ઉપરાંત અન્ય અનેક કલાકૃતિઓ પણ મળી આવી છે. આમાં અર્ધ-કિંમતી પથ્થરો જેવા કે કાર્નેલિયન, એગેટ, એમેઝોનાઇટ અને સ્ટીટાઇટથી બનેલા મણકા, શંખના ઘરેણાં, તાંબુ અને ટેરાકોટાની વસ્તુઓ તેમજ પથ્થરના સાધનોનો સમાવેશ થાય છે. ખાસ કરીને, રોહરી ચેર્ટ બ્લેડની હાજરી સિંધ પ્રદેશ સાથેના વેપારી સંબંધો દર્શાવે છે.

    આ ઉપરાંત, ઢોર, ઘેટાં, બકરાં, માછલીના હાડકાં અને ખાદ્ય શંખના ટુકડાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ વસાહતના રહેવાસીઓ પશુપાલન અને જળચર સંસાધનો પર આધાર રાખતા હતા. આ ઉપરાંત, પ્રાચીન આહાર અને વનસ્પતિના ઉપયોગને સમજવા માટે પુરાવનસ્પતિ વિજ્ઞાનના નમૂનાઓ પણ એકત્ર કરવામાં આવ્યા છે.

    લાખાપરનું મહત્વ

    આ શોધ અંગે વાત કરતા પ્રોફેસર રાજેશે TOIને જણાવ્યું હતું કે, “હકીકતમાં, જુના ખાટિયા ખાતેની કબરો અમારા માટે એક એવી વસાહત શોધવાનો પ્રારંભિક બિંદુ હતી જ્યાં કદાચ વસાહતથી થોડા અંતરે મૃતકોને દફનાવવામાં આવ્યા હશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “લાખાપર સ્થળ એક નાળાની નજીક છે, જે વસાહતીઓને બારેમાસ પાણીનો સ્ત્રોત પૂરો પાડતું હશે.

    આ ઉપરાંત ડૉ. અભયને કહ્યું હતું કે, “ખાસ કરીને નોંધપાત્ર એ છે કે પૂર્વ-પ્રભાસ તરીકે ઓળખાતી એક વિશિષ્ટ પ્રારંભિક હડપ્પન સિરામિક પરંપરાની શોધ, જે અગાઉ ગુજરાતના ફક્ત ત્રણ સ્થળોએ નોંધાયેલી હતી: પ્રભાસ પાટણ, દાત્રાણા અને જાનન. આ દુર્લભ સિરામિક પ્રકાર, વિશિષ્ટ આકાર અને રચના દ્વારા વર્ગીકૃત થયેલ છે જે પ્રારંભિક હડપ્પન સમયગાળા દરમિયાન પ્રાદેશિક ચાલ્કોલિથિક સમુદાયોના પ્રભાવને દર્શાવે છે.”

    નોંધનીય છે કે, આ શોધો ન માત્ર ગુજરાતના પુરાતત્વીય ઇતિહાસને સમૃદ્ધ બનાવશે, પરંતુ હડપ્પન સંસ્કૃતિના વૈવિધ્યસભર અને જટિલ સ્વરૂપને વધુ ઊંડાણથી સમજવામાં પણ મદદ કરશે. લાખાપરની આ શોધ કચ્છના રણમાં છુપાયેલા ઇતિહાસનું એક નવો અધ્યાય ખોલે એવી સંભાવના છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં