ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં આવ્યો છે. તે અનુસાર, આતંકી સંગઠન હમાસના બંધકમાં રહેલા ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 મહિનાથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. ઇઝરાયેલી આંકડા અનુસાર, હમાસના હુમલામાં 1,200 ઇઝરાયેલી નાગરિકો મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ ગાઝાના સરકારી આંકડા અનુસાર, ઇઝરાયેલની જવાબી કાર્યવાહીમાં 46,000થી વધુ લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત ગાઝાને ફરીથી મૂળ સ્થિતિમાં લાવતાં હમાસને 21 વર્ષ જેટલો સમય લાગી જશે. એક રીતે ઇઝરાયેલની સળી કરવી હમાસ માટે ખૂબ ભયાનક સાબિત થઈ છે.
આ મહિને જ UNના ક્ષતિ આંકલન અહેવાલ અનુસાર, ઇઝરાયેલના હુમલા બાદ ગાઝામાં પથરાયેલા 50 મિલિયન ટનથી વધુના કાટમાળને (Debris) હટાવવામાં 21 વર્ષ લાગી શકે છે. આ ઉપરાંત તે માટેનો ખર્ચ પણ 1.2 બિલિયન ડોલર સુધીનો હોય શકે છે. યુદ્ધ દરમિયાન કેટલાક પ્રભાવિત શરણાર્થી શિબિરોના નિર્માણમાં એસબેસ્ટસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે કાટમાળમાં હોવાનું અનુમાન છે. આ ઉપરાંત શંકા એવી પણ છે કે, કાટમાળમાં માનવ અવશેષ પણ હોય શકે છે. પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલય અનુસાર, કાટમાળની નીચે હજારો લોકો દબાયેલા હતા.
69 વર્ષ પાછળ ધકેલાયું ગાઝા, 69% ઇમારતો પણ નષ્ટ અને 68% રોડ નેટવર્ક પણ તબાહ
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના એક અધિકારીએ રવિવારે જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે ગાઝાનો વિકાસ 69 વર્ષો સુધી પાછળ ધકેલાઈ ગયો છે. ગયા વર્ષે જાહેર થયેલા સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર, ગાઝાના ધ્વસ્ત થયેલા ઘરોનું પુનઃનિર્માણ ઓછામાં ઓછું 2040 સુધીમાં થઈ શકે છે. જોકે, તેમાં ઘણા દાયકા લાગી શકે તેવું પણ અનુમાન છે. UNOSAT અનુસાર, ગાઝામાં હમણાં સુધીમાં 170,000થી વધુ ઇમારતો ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અથવા તો ધ્વસ્ત થઈ ગઈ છે. આ ગાઝા પટ્ટીમાં આવેલી કુલ ઇમરાતોના 69% છે.
UN માનવીત સહાયતા દ્વારા જારી કરવામાં એક રિપોર્ટ અનુસાર, ઓછામાં ઓછું 68% રોડ નેટવર્ક ગાઝામાં તબાહ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત જળ સ્ત્રોતોમાં પણ 25%થી વધારેનો ઘટાડો થઈ ગયો છે. આ ઉપરાંત આ યુદ્ધમાં 800થી વધુ મસ્જિદો પણ જમીનદોસ્ત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. એકંદરે ઇઝરાયેલની સળી કરવા ગયેલું હમાસ હાલ સંપૂર્ણપણે પાયમાલ અને નાબૂદ થઈ જવાના આરે આવીને ઊભું છે.