તમિલનાડુ સરકારનો (Tamil Nadu Government) એક આદેશ સામે આવ્યો હતો જેનો ઉગ્ર માત્રામાં વિરોધ થયો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે મંદિરના પૂજારીઓએ (Temple Priests) પણ તેમની થાળીઓમાં આવતા સિક્કા સરકારી તિજોરીમાં જમા કરાવવા પડશે. સરકારી આદેશમાં, મંદિરના સુરક્ષા કર્મચારીઓને પૂજારીઓ પર નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હિંદુ સંગઠનોએ આ આદેશનો વિરોધ કર્યો હતો. આ હોબાળા બાદ સરકારે આદેશ પાછો ખેંચવો પડ્યો હતો.
અહેવાલ અનુસાર, તમિલનાડુના હિંદુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગે (HR&CE) 7 ફેબ્રુઆરી, 2025ના રોજ એક આદેશ જારી કર્યો હતો. આ આદેશ વિભાગની મદુરાઈ શાખા દ્વારા ધન્દાયુથાપાની મંદિરને (Dhandayuthapani Temple) જારી કરવામાં આવ્યો હતો. આ આદેશમાં લખ્યું હતું કે પૂજારીઓએ તેમની થાળીમાં ચઢાવેલો એક રૂપિયો પણ ન લેવો.
મંદિરને મળતું દાન સરકારી તિજોરીમાં જમા કરાવો..
આદેશમાં કહેવામાં આવ્યું હતું કે પૂજારીઓને સરકાર તરફથી પગાર મળે છે, તેથી મંદિરમાં મળતું દરેક દાન સરકારી તિજોરીમાં જમા કરાવવું જોઈએ. આ ક્રમમાં, મંદિરના ગાર્ડસને પૂજારીઓની ગતિવિધિઓ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી હતી. હવે હિંદુ સંગઠન, હિંદુ તમિલાર કાચીએ (HTK) આનો વિરોધ કર્યો હતો, તથા આદેશને અયોગ્ય જણાવ્યો હતો.
ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા, HTKના એક અધિકારીએ કહ્યું, “આ આદેશ અયોગ્ય અને નિંદનીય છે. ભક્તો સામાન્ય રીતે મંદિરના પૂજારીઓની થાળીમાં ₹1 અથવા ₹5ના સિક્કા ચઢાવે છે, આ સિક્કા ત્યાંના વિસ્તાર અને સ્થાનિક રિવાજો અનુસાર ચઢાવવામાં આવે છે.”
કોર્ટમાં લડીશું લડાઈ- હિંદુ સંગઠન
HTKએ કહ્યું કે ભગવાન પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવવા માટે સિક્કા ચઢાવવામાં આવે છે અને HR&CE આ નાના દાન પાછળ પડી જાય એ ખોટું છે. તે લોકો આ બાબતનો વિરોધ કરશે. તેમણે આ મામલે કોર્ટમાં લડાઈ લેવાની જાહેરાત કરી છે.
જોકે, ભારે વિરોધને કારણે, તમિલનાડુ સરકારના HR&CE વિભાગે આ નોટિસ પાછી ખેંચી લીધી છે. વિભાગે કહ્યું છે કે આ નોટિસ મંદિરના ટ્રસ્ટી સાથે વાત કર્યા વિના જારી કરવામાં આવી હતી. હવે વિભાગે કહ્યું છે કે નવો આદેશ જારી કરવાની કોઈ જરૂર નથી કારણ કે પૂજારીઓ સતત પૈસા જમા કરાવી રહ્યા છે.
પૂજારીઓ સામે આવી કાર્યવાહીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ એપ્રિલ 2024માં, તમિલનાડુ સરકારે મંદિરની અંદર આવતા થોડા પૈસા લેવાના આરોપસર 4 પૂજારીઓની ધરપકડ કરી હતી. તેમના પર પણ થાળીમાં આપેલા પૈસા લેવાનો પણ આરોપ હતો.