ગત વર્ષ ચૂંટણીઓથી ભરેલું રહ્યું અને આ વર્ષમાં પણ દિલ્હી વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ગત વર્ષની ચૂંટણીઓના પરિણામોમાં કોઈક સ્થાને વિપક્ષનો વિજય થયો કોઈક સ્થાને સત્તાધારી પાર્ટી જીતી. જોકે જ્યાં જ્યાં વિપક્ષ હાર્યો ત્યારે તેમણે દર વખતની જેમ હારની દોષનો ટોપલો EVM પર ફોડ્યો. જોકે આ અંગે ચૂંટણી પંચના અધ્યક્ષ રાજીવ કુમારે સ્પષ્ટતા આપી હતી. તેમ છતાં વિપક્ષી દળોએ EVM પર નિશાનો સાધ્યો હતો. આવા મામલા લોકસભા, હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ સામે આવ્યા હતા. એક તરફ જ્યારે ભારતીય વિપક્ષી દળો EVMની નિંદા કરતા થાકતા નથી ત્યારે ભૂટાન ચીફ ઓફ ઈલેકશન કમિશનરે EVMનાં મોંફાટ વખાણ કર્યાં છે.
ભૂટાન મુખ્ય ચૂંટણી કમિશનર દાશો સોનમ ટોપગેએ 23 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા પૂરાં પાડવામાં આવેલાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોએ તેમના દેશમાં ચૂંટણીઓ યોજવામાં ખૂબ અસરકારક રીતે મદદ કરી છે. નોંધનીય છે કે તેઓ નવી દિલ્હીમાં ચૂંટણી પંચે આયોજિત કરેલ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન તેમણે કહ્યું હતું કે EVMએ ભૂટાનમાં લોકોનો વિશ્વાસ જીતી લીધો છે. તેમણે EVM આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે EVMની કાર્યદક્ષતાની પણ પ્રશંસા કરી હતી. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂટાન ઉપરાંત, નેપાળ અને નામિબિયામાં પણ ભારતીય EVMનો ઉપયોગ કરવામાં આવે છે.
EVM પર વિપક્ષની શંકા
વિદેશમાં પણ જે EVMનો ઉપયોગ કરવામાં આવે છે એ જ EVMની કાર્યક્ષમતા પર આપણે ત્યાંનાં વિપક્ષી દળો શંકા કરતાં હોય છે. ઑક્ટોબર 2024માં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આવો મામલો સામે આવ્યો હતો. હરિયાણા ચૂંટણી માટે કોંગ્રેસે પગની પાનીથી માથાના વાળ સુધીનું જોર લગાવ્યું હતું, ઉપરાંત ઓલિમ્પિક્સમાં વિનેશ ફોગટના ગેરકાયદે ઠરવા પર પણ રાજકારણ કરવામાં આવ્યું હતું.
બાદમાં વિનેશ કોંગ્રેસમાં સામેલ થઇ સીટ પણ જીતી હતી જોકે આ સમયે કોંગ્રેસને EVMનો વાંક નહોતો દેખાયો. પરંતુ જ્યારે ચૂંટણીના પરિણામ જાહેર થયાં ત્યારે EVMની બેટરી પર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આ સિવાય મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ આવું જોવા મળ્યું, જ્યારે સ્વરા ભાસ્કર અને NCPમાંથી (શરદ) લડતા તેમના પતિ ફવાદે હાર સામે દેખાતાં EVMની બેટરીને લઈને રોદણાં રડવાનાં શરૂ કર્યાં હતાં.
સ્વરાના શોહર ફહાદ અહેમદ 3378 મતોથી પાછળ ધકેલાઇ ગયા ત્યારે સ્વરા ભાસ્કરે X પર પોસ્ટ કરીને EVMના નામે રોદણાં રડવાના શરૂ કરી દીધાં હતાં. તેમણે લખ્યું, “આખો દિવસ મતદાન બાદ પણ EVM મશીન 99% ચાર્જ કઈ રીતે હોય શકે છે? ઇલેક્શન કમિશન જવાબ આપે. અણુશક્તિ વિધાનસભામાં જેવી 99% ચાર્જ મશીનો ખોલવામાં આવ્યાં કે તરત જ ભાજપ સમર્થિત NCPને મત મળવા લાગ્યા. આખરે આવું કેમ?”
पूरा दिन वोट होने के बावजूद EVM मशीन 99% कैसे चार्ज हो सकती है ? इलेक्शन कमीशन जवाब दे.. @ECISVEEP @SpokespersonECI
— Swara Bhasker (@ReallySwara) November 23, 2024
अणुशक्ति नगर विधानसभा में जैसे ही 99% चार्ज मशीने खुली उसके बीजेपी समर्थित एनसीपी को वोट मिलने लगे आख़िर कैसे ? @NCPspeaks
જ્યારે હાર ન પચાવી શકવાના પગલે વિપક્ષે બેટરી અંગે પ્રશ્નો કર્યા ત્યારે પણ ચૂંટણી પંચે જવાબ આપ્યો હતો કે EVMમાં દર્શાવાતો વૉટિંગ નંબર અને બેટરી ચાર્જ લેવલ વચ્ચે લિંક હોય છે. EVMના કંટ્રોલ યુનિટમાં આલ્કલાઇન બેટરીનો ઉપયોગ થાય છે તથા ચૂંટણી માટે EVMનો ઉપયોગ કરતા પહેલાં ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં તેની અંદર નવી બેટરી નાખવામાં આવે છે.
સામાન્ય રીતે બેટરી 7.5થી 8 વૉલ્ટ વચ્ચેનો વોલ્ટેજ પૂરો પાડે છે. જ્યારે વોલ્ટેજ 7.4 હોય ત્યારે બેટરી કેપિસિટી 99% દર્શાવવામાં આવે છે. EVMના ઉપયોગ સાથે બેટરી વપરાય તેમ-તેમ વોલ્ટેજ નીચે આવતો જાય છે. 5.8 વોલ્ટ સુધી EVM ત્યાં સુધી કામ કરે છે. પરિણામના દિવસે બેટરીની કેપેસિટી મૉકપોલ, પોલ અને બેટરીના શરૂઆતના વોલ્ટેજ પર પણ આધાર રાખે છે, જે 7.5થી 8 વૉલ્ટની વચ્ચે હોય છે.
નોંધનીય છે કે હરિયાણા-જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી અને મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના પરિણામો એક દિવસે જ આવ્યાં હતાં. હરિયાણામાં ભાજપની જીત થઇ તથા જમ્મુમાં NCની જીત થઇ હતી, ત્યારે વિપક્ષ જમ્મુ-કાશ્મીરમાં સાવ ચૂપ રહ્યો, પણ હરિયાણામાં ભાજપ જીત્યું એટલે ત્યાં EVMનો મુદો ફરી આવ્યો.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતીની જીત બાદ કોંગી અને લિબરલ ગેંગે સોશિયલ મીડિયા પર EVM હેક થયું તેથી તેઓ ચૂંટણી હાર્યા એવું નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જ સમયે ઝારખંડ વિધાનસભાનું પણ પરિણામ આવ્યું હતું જેમાં INDI ગઠબંધનની જીત થઇ જેને ‘લોકતંત્ર’ની જીત ગણાવવામાં આવી હતી.
આ દરમિયાન એવો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં સૈયદ શુજા નામના એક ઈસમને કહેતો સાંભળી શકાય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 288માંથી 281 બેઠકોના પરિણામોમાં ઘાલમેલ કરવા તે સક્ષમ છે. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે ‘ફ્રિકવન્સી આઇસોલેશન’ના માધ્યમથી EVMને ઑપરેટ કરી શકે છે. જોકે આ મામલે ચૂંટણી પંચે ફરી એક વાર સ્પષ્ટ કર્યું હતું કે EVMને હેક કરી શકાતું નથી.
कल से ये वीडियो गाँव गाँव तक में वायरल हो गया है. ये मुद्दा बहुत ही अलार्मिंग है. इसके बारे में फैक्ट चेक सबसे ज़्यादा ज़रूरी है. pic.twitter.com/gJG8EE9DAQ
— Wg Cdr Anuma Acharya (Retd) (@AnumaVidisha) November 30, 2024
ચૂંટણી કમિશનરે આપી હતી સ્પષ્ટતા
આવી ઘટના વારંવાર સામે આવી છે. 2024ની ચૂંટણીમાં વિપક્ષ હાર્યા પછી તેનો દોષ EVM પર ન નાખે એના માટે ચૂંટણી કમિશનરે પહેલાં જ સ્પષ્ટતા આપી દીધી હતી. તેમ છતાં INDI ગેંગ આદતાનુસાર EVMને દોષ આપવાનું ચૂકી નહોતી. ત્યારે CEC રાજીવ કુમારે સ્પષ્ટતા આપી હતી કે લગભગ ચાળીસ વખત આ દેશની હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ EVM પર સુનાવણી કરી ચૂકી છે અને EVM પર લગતા આરોપોને ફગાવી ચૂકી છે.
તેમણે કોર્ટના હવાલે કહ્યું હતું કે, “કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, તેમાં વાયરસ લાગવાની કોઈ સંભાવના નથી કે ચેડાં પણ થઈ શકે તેમ નથી. કોર્ટે પણ જણાવ્યું છે કે આ એક ફૂલપ્રૂફ ડિવાઇસ છે અને તમામ આરોપો પાયાવિહોણા છે. હવે તો કોર્ટે દંડ પણ લગાવવાના શરૂ કરી દીધા છે. વારંવાર વિલાપ શા માટે કરવામાં આવી રહ્યા છે? કોઇ વાતે મૂંઝવણ હોય તો અમને પૂછો.”
Parties that oppose EVMs have won elections. EVMs are 100% safe: Chief Election Commissioner Rajiv Kumar pic.twitter.com/clHYMIUiis
— OpIndia.com (@OpIndia_com) March 16, 2024
તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચની વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ છે એક વાર વાંચવાનું કષ્ટ કરવું જોઈએ. આ સિવાય તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો આવા દાવા કરે છે તેમની ડિગ્રી અને અભ્યાસ પણ તપાસવાની આવશ્યકતા છે. CECએ સ્પષ્ટ કર્યું કે EVM 100% સુરક્ષિત છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે છેલ્લાં 2 વર્ષમાં ચૂંટણી પંચે અનેક સુધારા કર્યા છે. એક-એક EVMને નંબર અપાય છે અને તે કયા બૂથ પર જશે તે ઉમેદવારોને આપવામાં આવશે. જેથી મશીન પર સવાલ ઉઠાવવાનો કોઈ પ્રશ્ન નથી.
EVM પર હવે INDI પાર્ટીઓમાં જ મતભેદ
નોંધનીય છે કે વિપક્ષના ગતકડાંથી હવે તેમની પાર્ટીના સદસ્યો પણ કંટાળવા લાગ્યા છે. ચૂંટણી પંચથી લઈને કોર્ટ સુધી બધા જ INDI ગઠબંધનને સલાહ આપી ચૂક્યા છે પણ છતાં પથ્થર પર પાણી ફેરવ્યા જેવું છે. EVM ગમે એટલું સારી રીતે કામ કરતું હોય છતાં વિપક્ષ માટે તો તે વાંદરાને નિસરણી આપ્યા બરાબર જ છે. જ્યારે વિપક્ષની હાર થાય ત્યારે EVM તેમના માટે નિસરણી સ્વરૂપ બની જતું હોય છે.
જોકે આ અંગે તેમનું જ સમર્થન કરતા અને લિબરલ ગેંગના જ વરિષ્ઠ સદસ્ય ઓમર અબ્દુલ્લાહ પણ સલાહ આપી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે, “મને ત્યાં સુધી EVMના મુદ્દે વાંધો નથી, જ્યાં સુધી તમે જીતીને પણ કહો કે તમને EVM સાથે વાંધો છે. તમે ચૂંટણી હારો ત્યારે જ EVMને દોષ ન આપી શકાય. જીતીએ ત્યારે ચૂપ બેસી રહીએ અને હારી જઈએ તો મશીનને દોષ આપીએ, આ ન ચાલે.”
હવે અહીં નોંધવું એ રહ્યું કે 2014માં કોંગ્રેસને કારમી હાર મળ્યા બાદ આ ગતકડાં શરૂ કરવામાં આવ્યાં હતાં, જે 2024 સુધી હજુ ચાલુ જ છે. સોશિયલ મીડિયાની યુનિવર્સિટીઓમાં ડિગ્રી મેળવી રહેલ ગેંગ હવે પોતે જ સમજે અને તેમની હારને ‘જસ્ટિફાય’ કરવા કંઇક નવું લાવે તો સારું છે. પાછલાં 10 વર્ષોમાં વિપક્ષ ‘EVMમાં છેડછાડ’ના મુદ્દા પર જ તેમની હાર પર પડદો નાખતો રહ્યો છે. જોકે હવે સામાન્ય જનતા પણ તેમના આ ગતકડાં સમજવા લાગી છે. કદાચ હવે વિપક્ષ સમજે અને આ બહાના આપવાના બંધ કરી તેમની હાર સ્વીકારીને આગામી સમયમાં જમીન સ્તરના મુદ્દાઓ સાથે સારું પ્રદર્શન કરવાનું નક્કી કરે તો સારું, નહીંતર આગામી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પણ જનતાને મનોરંજન મળી રહેશે.