Monday, February 24, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિમહાકુંભની ભવ્યતા જોઈને DU પ્રોફેસરને થઈ હિંદુત્વનાં મૂળ સ્વરૂપની ચિંતા, પાયાવિહોણી દલીલો...

    મહાકુંભની ભવ્યતા જોઈને DU પ્રોફેસરને થઈ હિંદુત્વનાં મૂળ સ્વરૂપની ચિંતા, પાયાવિહોણી દલીલો આપીને કર્યો કુંભ વિરુદ્ધ એજન્ડા ચલાવવાનો પ્રયાસ

    આ બધા વચ્ચે એક ટોળકી એવી પણ છે જે સતત કુંભનું મહત્વ ઓછું આંકવામાં વ્યસ્ત છે. તેમના પ્રયાસો એ દિશામાં જ રહ્યા છે કે કોઈ પણ રીતે કુંભના બદલાતા સ્વરૂપ વિશેના નરેટિવ પર પ્રહાર કરવામાં આવે.

    - Advertisement -

    હિંદુ આસ્થાના મહાપર્વ સમો મહાકુંભ હવે પૂર્ણતાને આરે છે. અત્યાર સુધીમાં પચાસ કરોડથી વધુ સનાતનીઓ કુંભમાં પવિત્ર સ્નાન કરી ચૂક્યા છે. વિશ્વમાં કુલ 195 દેશો છે. એમાંથી માત્ર 2 દેશ એવા છે, જેની વસ્તી પચાસ કરોડ કરતાં વધારે છે. એમાંથી એક સ્વાભાવિક ભારત છે અને બીજો છે ચીન. ત્રીજા ક્રમે અમેરિકા આવે છે, જેની વસ્તી માત્ર 33 કરોડની છે. એટલે દુનિયાના 193 દેશોની જેટલી વસ્તી નથી એટલા હિંદુઓ મહાકુંભમાં ભાગ લઈ ચૂક્યા છે! 

    મીડિયા, સોશિયલ મીડિયા….ઠેરઠેર મહાકુંભની ચર્ચાઓ જોવા મળી. જાણે હિંદુત્વ અને સનાતનની એક લહેર ઉઠી હોય તેવો માહોલ સર્જાયો હતો. દેશ-દુનિયામાંથી સનાતનીઓ પહોંચ્યા. પહેલાં કુંભનું જે આયોજન થતું હતું તેના કરતાં અનેકગણું ભવ્ય આયોજન આ વખતે થયું. એક મોટા સ્કેલ ઉપર, એક વિશાળ ફલક પર આ મહાપર્વ યોજાયો અને તેનાથી કુંભ વિશેની અમુક પ્રચલિત (ગેર)માન્યતાઓ, સુવ્યવસ્થિત ષડ્યંત્રના ભાગરૂપે સેટ કરવામાં આવેલા એજન્ડા પણ ધ્વસ્ત થયા. 

    આ બધા વચ્ચે એક ટોળકી એવી પણ છે જે સતત કુંભનું મહત્વ ઓછું આંકવામાં વ્યસ્ત છે. તેમના પ્રયાસો એ દિશામાં જ રહ્યા છે કે કોઈ પણ રીતે કુંભના બદલાતા સ્વરૂપ વિશેના નરેટિવ પર પ્રહાર કરવામાં આવે. તેના વિશે જે કાંઈ સારી બાબતો પ્રચલિત થઈ રહી છે તેને દબાવી દેવામાં આવે અને તેવું ન કરી શકાય તો અમુક એવી બાબતો હાઈલાઈટ કરવામાં આવે, જેનાથી આયોજન પર પ્રશ્ન ઉઠે. ભાગદોડની કમનસીબ ઘટના કે અમુક આગની છુટીછવાઈ ઘટનાઓને સતત હાઇલાઇટ કરીને તેઓ વ્યવસ્થા વિશે ચિંતા દર્શાવી રહ્યા નથી કે ન કુંભમાં આવનારાઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી રહ્યા છે, પણ આ બધાની આડમાં એજન્ડા સેટ કરવાનો મૂળ ઉદ્દેશ્ય છે. 

    - Advertisement -

    બીજી તરફ અમુક એવા છે જેમને આ કુંભથી બીજી જ તકલીફો શરૂ થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે આ કુંભના કારણે હિંદુ ધર્મનું જે મૂળ ચરિત્ર છે તે ખોવાઈ રહ્યું છે. ખાસ કરીને યુવાનો જે રીતે કુંભમાં ભાગ લઈ રહ્યા છે, જે રીતનો જુવાળ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે તેનાથી પણ તેમને વાંધો છે. તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટીનાં પ્રોફેસર સવિતા ઝાએ ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલો લેખ તેનો પુરાવો છે. 

    ‘રશ એટ મહાકુંભ શોઝ હાઉ હિન્દુઈઝ્મ ઇઝ લોઝિંગ ઇટ્સ પ્લુરલિસ્ટિક કેરેક્ટર’- શીર્ષક સાથેના લેખમાં તેમણે કુંભ અને ધર્મને સાંકળીને જે તૂત ચલાવ્યાં છે એને આમ જોવા જઈએ તો લીટી-લીટી કાઢીને કાઉન્ટર કરી શકાય એમ છે, પણ એવું કરવા જઈશું તો સમય અને જગ્યા બંને ખૂટશે, એટલે એક ઉડતી નજર કરીએ. 

    લેખની શરૂઆતમાં તેઓ કહે છે કે મહાકુંભમાં જે થઈ રહ્યું છે તેનાથી તેઓ વિચારવા માટે મજબૂર બન્યાં છે કે હિંદુત્વ (આ હિંદુઈઝમના ગુજરાતીના અર્થમાં છે. લેફ્ટિસ્ટો ઘણી વખત હિન્દુઈઝમ અને હિન્દુત્વને અલગ તારવીને એવું સાબિત કરવા મથે છે કે હિન્દુઈઝ્મ એટલે હિંદુ ધર્મને લગતું અને હિંદુત્વ એટલે પોલિટિકલ શાખા. વાસ્તવમાં જોકે આ બંને એક જ છે.) વધુ કોડિફાઇડ, પર્ફોર્મેટિવ અને મેન્ડેટરી ફોર્મમાં જઈ રહ્યું છે. 

    આ ત્રણ શબ્દો અંગ્રેજીમાં જ એટલા માટે લખ્યા કારણ કે તેનાથી લેખક ખરેખર શું કહેવા માંગે છે એ તારવી શકીએ. તેમનું કહેવું છે કે હિંદુ ધર્મ કોઈ એક સીધી રેખામાં ચાલતો ધર્મ નથી, પણ આપણે હવે એને કોડીફાઇડ કરી રહ્યા છીએ એટલે કે તેને નિયમો-કાનૂનમાં બાંધી રહ્યા છીએ. પર્ફોર્મેટિવ એ અર્થમાં કે લોકો હવે ધર્મ અને આસ્થાના પ્રદર્શનમાં વધુ ધ્યાન આપવા માંડ્યા છે. અને મેન્ડેટરી એટલે ફરજિયાતપણું. 

    ત્રણેય વાતો ખોટી છે. માત્ર કુંભમાં કરોડો લોકો જઈ રહ્યા છે તેનો અર્થ એ નથી કે ધર્મને નિયમો-કાયદામાં બાંધવામાં આવી રહ્યો છે. જો શંકરાચાર્યોએ કે સાધુઓએ એવું એલાન કર્યું હોત કે તમામ હિંદુઓએ ફરજિયાત કુંભમાં જવું જ, તો આ વાત લાગુ પડતી હોત. અહીં બધા પોતપોતાની શ્રદ્ધાએ જઈ રહ્યા છે. એમાં કોડિફાઇડ કરવાની વાત ક્યાં આવી? 

    વાત જ્યાં સુધી પર્ફોર્મેટિવ બનાવવાની છે, તો શું હિંદુ ધર્મમાં પહેલેથી જ આસ્થા કે શ્રદ્ધાને વ્યવસ્થિત રીતે દર્શાવવા માટેના માર્ગ નથી? ગરબા શું છે? ભક્તિનો એક પ્રકાર છે. ભજન શું છે? યોગ શું છે? તીર્થયાત્રાઓ શું છે? આ બધા ભક્તિ દર્શાવવાના જ પ્રકારો છે. આ ધર્મનો ભાગ વર્ષોથી રહ્યા છે. કુંભમાં ફેર માત્ર એટલો છે કે એ મોટાપાયે થઈ રહ્યો છે. 

    ફરજિયાતપણુંવાળી દલીલોનો છેદ તો પહેલાં જ ઉડી ગયો. કુંભમાં જનારો પણ એટલો જ હિંદુ છે અને ન જનારો પણ. આ આસ્થાનો વિષય છે. જઈ આવેલો માણસ ઘરે આવીને ન જનારાને એમ કહેતો નથી કે કાલથી તું હિંદુ મટી ગયો. એ પણ એટલો જ હિંદુ છે. 

    સવિતા ઝાની દલીલો છે કે હિંદુ ધર્મ પણ હવે અબ્રાહમિક પંથો (તેમણે રિલિજિયન શબ્દ વાપર્યો છે. ભાવાનુવાદમાં અર્થ ધર્મ નહીં પણ પંથ કરીએ એ વધુ યોગ્ય રહેશે) જેવી લાક્ષણિકતાઓ અપનાવતો જાય છે. જેમકે- કેન્દ્રીકરણ, સૈદ્ધાંતિક કઠોરતા, માસ મોબિલાઇઝેશન અને અમુક ફરજિયાત બાબતો પર જોર આપવું વગેરે. તેઓ કહે છે કે કુંભ મેળામાં આ બધું સ્પષ્ટ દેખાય છે અને તેના કારણે આપણે હિન્દુઈઝ્મના મૂળ રૂપથી અલગ જઈ રહ્યા છીએ જે વધુ કુદરતી, વૈવિધ્યપૂર્ણ હતું. 

    આ પણ બાલિશ દલીલો છે. હિંદુ ધર્મને અબ્રાહમિક પંથો સાથે સરખાવી જ ન શકાય. તેમાં પણ કુંભ સાથે સરખામણી કરીને તેની લાક્ષણિકતાઓ આ પંથ જેવી થતી જાય છે એવું કહેવું તો ખરેખર પાપ જ ગણવું જોઈએ. કારણ કે તેમાં તથ્ય કશું જ નથી. 

    કેન્દ્રીયકરણની જ્યાં સુધી વાત છે તો હિંદુ ધર્મમાં એ શક્ય જ નથી, કારણ કે તેની એક સહસ્ત્ર શાખાઓ છે. અનેક સંપ્રદાયો છે, અનેક પંથ છે, વિવિધ મતો છે, સાધુ-સંતોના પણ જુદા-જુદા અખાડા છે. દેવતાઓનાં અનેક રૂપો છે. ઈશ્વરના એક જ અવતારની પૂજા દેશમાં જુદા-જુદા ઠેકાણે જુદા-જુદા સ્વરૂપે થાય છે. આવા એક વિશાળ ધર્મનું કેન્દ્રીયકરણ ન થઈ શકે. અને કુંભનો ઉદ્દેશ્ય એવો છે પણ નહીં. કુંભ એક વિશાળ છત્ર છે, જેની નીચે આ તમામ એકઠા થયા છે. આ જ સંતાનની વિશેષતા છે. તેને કેન્દ્રીયકરણ ન કહી શકાય. કુંભ કોઈ મતમતાંતર ધરાવતી શિબિર નથી કે તેનાથી કોઈ નવા વિચારને પ્રસ્થાપિત કરવાના પ્રયાસ કરવામાં આવતા હોય કે કેન્દ્રીયકરણ કરવામાં આવતું હોય. 

    માસ મોબિલાઇઝેશનથી કોઈને તકલીફ શું કામ પડવી જોઈએ? શું જગતભરના સનાતનીઓ એક ઠેકાણે ભેગા થાય એ આનંદની વાત નથી? કોઈને તકલીફ ન પડે એ રીતે પોતાની આસ્થાના ભાગરૂપે, સનાતન પરંપરાનું પાલન કરવા માટે કરોડો લોકો એક ઠેકાણે એકઠા થતા હોય એ સારી જ વાત છે. મોબિલાઇઝેશન તો નકારાત્મક અર્થમાં વપરાયો છે. આ બધાને ઠેરઠેરથી ભેગા કરીને લાવવામાં આવ્યા નથી, પરંતુ સૌ પોતાની આસ્થાએ ત્યાં પહોંચી રહ્યા છે. 

    સૈદ્ધાંતિક કઠોરતા જેવી પણ કોઈ વાત નથી. અગાઉ કહ્યું એમ, કુંભમાં કોઈ કોઈની ઉપર પોતાનો મત થોપી બેસાડવા માટે જઈ રહ્યું નથી. ત્યાં દરેક મતનું સન્માન છે, દરેક સંપ્રદાય પોતાની રીતે આસ્થા પ્રગટ કરી રહ્યો છે. દરેક સાધુનું, દરેક ભાવકનું ત્યાં સમાન મૂલ્ય છે. 

    સવિતા ઝાની ચિંતા છે કે કુંભ મેળો પહેલાં મોટેભાગે વૃદ્ધો અને વડીલો સુધી સીમિત રહેતો હતો. દલીલ એવી પણ કરવામાં આવી છે કે આ ક્યારેય હિંદુ ધર્મમાં તીર્થયાત્રાનું અંતિમ સ્થાન રહ્યું નથી. જે ચાલાકીપૂર્વક કહેવામાં આવી છે. અબ્રાહમિક પંથોમાં આવી વ્યવસ્થા હશે, પણ ધર્મમાં ચારધામ યાત્રા, મહાકુંભ વગેરે તીર્થયાત્રાઓ જ છે. તેઓ કહે છે કે અગાઉ વૃદ્ધો જીવનના અંતિમ પડાવમાં આ શાંતિપૂર્ણ યાત્રાઓ કરતા અને પરત ફરવાની પણ ચિંતા રહેતી ન હતી અને જીવનનો અંત શાંતિપૂર્ણ રીતે આધ્યાત્મિક યાત્રા કરતાં થાય એવી તેમની માન્યતા રહેતી. 

    ‘પરંતુ આજની સ્થિતિ અલગ છે.’ સવિતા ઝા લખે છે. “હવે પાર્ટિશિપેશનનો સ્કેલ વધ્યો છે અને તેમાં ચિંતનનું આ ઊંડાણ જોવા મળતું નથી. જેના કારણે કોઈ પણ ભોગ કુંભમાં પહોંચવાની જીદના કારણે ટોળાં ભેગાં થઈ જાય છે અને આધ્યાત્મિક તૈયારીઓના અભાવના કારણે પછી ભાગદોડ જેવી ઘટના બને છે. ભૂતકાળની પેઢીઓમાં એક મર્યાદાની, શિસ્તતાની અને યાત્રાની સમજ હતી, જે હવે જોવા મળી રહી નથી. જે કાવડ યાત્રા વગેરેમાં પણ જોવા મળે છે.”

    આને થોડા સરળ શબ્દોમાં સમજીએ તો લેખિકા એવું કહેવા માંગે છે કે આજના જુવાનિયાઓ જેમ-જેમ આ બધી બાબતોમાં રસ લેતા થયા છે તેમ-તેમ ધાર્મિક બાબતોનું પ્રદર્શન વધતું જાય છે. પણ શું ખરેખર એવું છે? ના. દરેક માણસને પોતાની વિવેક-બુદ્ધિ છે. એ વાત સાચી કે યુવાનોમાં આ બધી બાબતોને લઈને જાગૃતિ આવી છે, પણ એ રાતોરાત આવી નથી. લોકો જાતે સમજતા અને જાણતા થયા, ધર્મને લઈને વધુ સંવેદનશીલ થયા, વધુ જોડાયા ત્યારબાદ આ પરિવર્તનો આવતાં જોવા મળે છે. 

    આગળ તેઓ લખે છે કે, સોશિયલ મીડિયા પણ આજે એક સિંગ્યુલર નરેટિવ બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેના કારણે સાંપ્રદાયિક વૈવિધ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે અને અમુક માન્યતાઓ અને પરંપરાઓ જ આગળ કરવામાં આવી રહી છે. સાથે તેમને ધર્મના ‘કમર્શિયલાઇઝેશન’ની પણ ચિંતા પેઠી છે. 

    વાત જ્યાં સુધી કમર્શિયલાઇઝેશનની છે, તો શું સરકાર આયોજન પણ ન કરે? કુંભનું મોટાપાયે આયોજન કમર્શિયલાઇઝેશન ન કહી શકાય, એને ભવ્યતા કહેવાય. સમય સાથે ચાલવું એ આપણી તાસીર રહી છે. બીજું, આ પર્વથી સમાજને, અર્થવ્યવસ્થાને કેટલો મોટો ફાયદો પહોંચશે. એ બધું વ્યવસાયિકીકરણ ન કહેવાય, પણ ધર્મનો સાચી દિશામાં, સમાજના ઉત્થાન માટે કરેલો ઉપયોગ કહેવાય. 

    વૈવિધ્યતાને જોખમમાં મૂકવાની વાત પણ સદંતર ખોટી છે. સોશિયલ મીડિયા નરેટિવ ક્યારેય એ દિશામાં રહ્યો નથી, જેનાથી સંપ્રદાયો કે પંથોનું મહત્વ ઓછું આંકવામાં આવે. આ નરેટિવના મૂળમાં કાયમ સનાતન એકતા જ રહી છે, જેનો મૂળ ભાવ એ છે કે હિંદુઓ અનેક પંથો, મતમતાંતરો અને સંપ્રદાયો હોવા છતાં એક રહે એ સમયની માંગ છે. કુંભમાં પણ એ જ વિચાર સાથે કરોડો સનાતનીઓ આવી રહ્યા છે. 

    અંતે તેઓ લખે છે કે, શ્રદ્ધા અંગત બાબત છે અને તેનું પ્રદર્શન ન હોય. શા માટે ન હોય? મારી શ્રદ્ધા પ્રભુ શ્રીરામમાં છે તો હું શું કામ અયોધ્યા ન જાઉં? કરોડો લોકો શું કામ ન જાય? સંગમ સ્નાન મારા પૂર્વજોથી ચાલતી આવતી પરંપરા છે તો તેનું પાલન કરવામાં ખચકાટ શેનો? શ્રદ્ધા અંગત બાબત છે જ, પણ ઉપર કહ્યું એમ તેને પ્રદર્શિત કરવાની પરંપરા ધર્મમાં જૂની રહી છે. તેમાં કોઈ પ્રોફેસરને કે લેખિકાને વાંધો હોય તેમાં એક હિંદુ શું કામ પોતાની શ્રદ્ધા પ્રદર્શિત ન કરે. 

    લેખ બીજું કશું નહીં પણ હિંદુઓને આવા મહાપર્વ સમયે અપરાધભાવ અનુભવ થાય તે માટેનો એક પ્રયાસમાત્ર છે. પણ તેમાં તથ્યો અને અન્ય બાબતોમાં એટલો ઝોલ છે કે વાત કોઈને પણ ગળે ઉતરે એમ નથી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં