Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતપરષોત્તમ રૂપાલાના વિરોધથી શરૂ થયેલું આંદોલન ભાજપવિરોધ પર આવીને અટક્યું: હવે પાછળ...

    પરષોત્તમ રૂપાલાના વિરોધથી શરૂ થયેલું આંદોલન ભાજપવિરોધ પર આવીને અટક્યું: હવે પાછળ જઈ શકાય એમ નથી, આગળ વધવાનો કોઇ અર્થ નથી

    ક્ષત્રિય સંકલન સમિતિ પાસે માફી માંગીને પોતાનો હાથ ઉપર રાખવાની એક તક હતી, અનેક કારણોસર એ ચૂકી જવાઈ. એમનો અફસોસ કરીને તો ફાયદો નથી, પણ શિખ મેળવવી જરૂરી છે. 

    - Advertisement -

    પૂરતી રાજકીય સમજનો અભાવ, નક્કર આયોજન કે બ્લુપ્રિન્ટ વગરની ચળવળ, અમુકની નેતા બનવાની મહત્ત્વકાંક્ષા, ઘણી બાબતોમાં અતિશયોક્તિ, અવળા સમયની પસંદગી અને આંતરિક વિખવાદના કારણે પરષોત્તમ રૂપાલા સામે શરૂ થયેલું ક્ષત્રિય આંદોલન એવા તબક્કે આવીને પહોંચી ગયું છે કે જ્યાંથી પરત ફરવું હવે શક્ય જ નથી અને આગળ વધવાથી કોઈ મોટો ફેર પડી જવાનો નથી. આંદોલન ભલે વિધિવત રીતે પૂર્ણ નથી થયું, પણ અત્યંત નબળું પડી ગયું છે અને જમીન સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યું છે. હવે કોઇ ચમત્કાર જ તેને પુનર્જીવિત કરી શકે છે અને આ કિસ્સામાં ચમત્કારની આશા નહિવત છે.

    સમગ્ર આંદોલનની માંગ શું હતી? પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની. શા માટે? કારણ કે તેમણે એક નિવેદન આપ્યું હતું જેને લઈને ક્ષત્રિય સમાજના એક વર્ગનું માનવું છે કે તે સમાજની વિરુદ્ધ હતું. જોકે, ચૂંટણી પંચ રૂપાલાને ક્લીનચિટ આપી ચૂક્યું છે, કારણ કે ન તો નિવેદનમાં કોઇ સમુદાયનું નામ લેવામાં આવ્યું હતું કે ન એ કોઇ રાજકીય કાર્યક્રમ હતો. રૂપાલાએ નિવેદનમાં રાજા-મહારાજાઓ વિશે કહ્યું હતું. 

    તેમ છતાં ક્ષત્રિય સમાજની લાગણી દુભાઇ ત્યાં સુધી પણ વાત બરાબર છે. નિવેદનોનાં અર્થઘટન પણ થતાં હોય છે. તેને સાદા-સરળ અર્થમાં ન લઇ શકાય. એટલે જ ક્ષત્રિય સમાજમાં વિરોધનો ગણગણાટ શરૂ થયો ત્યારે પરષોત્તમ રૂપાલાએ એક વિડીયો બાઈટ થકી માફી માંગી લીધી હતી. પણ પછી પણ વિરોધ ચાલુ રહ્યો તો ભાજપે મામલો ગંભીરતાથી લેવા માંડ્યો અને પહેલાં સી. આર પાટીલે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી અને પછી પણ નિરાકરણ ન આવ્યું તો ગોંડલના રાજપૂત અગ્રણી અને ભાજપ નેતા જયરાજસિંહ જાડેજાને કામ સોંપવામાં આવ્યું. 

    - Advertisement -

    જયરાજસિંહે પોતાના ફાર્મ હાઉસ પર એક બેઠક યોજીને મામલો થાળે પાડવા માટે આગેવાની લીધી. આ બેઠકમાં રૂપાલા પણ હાજર હતા ને ત્યાં તેમણે ફરી માફી માંગી. જયરાજસિંહ અને બેઠકમાં હાજર સમાજના આગેવાનોએ પણ રૂપાલાને માફી આપવાની ઘોષણા કરી. એક તબક્કે લાગ્યું કે મુદ્દો પૂર્ણ થઈ ગયો છે પણ પછી મહિલા અગ્રણીઓ આગળ આવી અને રૂપાલા સામે મોરચો માંડી દીધો. આ આંદોલને વેગ પકડ્યો ત્યારે પછી ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિ આગળ આવી અને આંદોલનની બાગડોર સમિતિના હાથમાં આવી ગઈ. 

    માફી માંગ્યા બાદ પણ આંદોલન ચાલુ રખાયું ને પાસાં અવળાં પડતાં ગયાં 

    માફી માંગી લીધા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું ને નવી માંગ રૂપાલાની ટીકીટ રદ કરવાની કરવામાં આવી. હવે સંકલન સમિતિ કે આગેવાનો ભલે કહેતા રહેતા હોય કે તેમનું આંદોલન રાજકીય નથી, પણ ટીકીટ રદ કરવાની માંગ આખરે રાજકીય જ થઈ કહેવાય. એ પાર્ટીનો વિષય છે અને પાર્ટીઓ સરળતાથી આવા મોટા નિર્ણયો લઇ શકતી નથી, તેમણે અનેક બાબતો વિચારવી પડે છે. સામી ચૂંટણીએ એક સમુદાયની માંગ સંતોષે તો બીજો સમુદાય નારાજ થાય કે પાર્ટીમાં આંતરિક વિખવાદ ઉભો થાય જેવી અનેક બાબતો પાર્ટીએ જોવી અને વિચારવી પડે છે. 

    ચૂંટણી સામું કોઇ પણ આંદોલન જાગે તો મીડિયા સ્વાભાવિક તેને ફૂટેજ આપે જ. આ આંદોલનમાં પણ એવું જ થયું, પણ તેમાં પછી અતિઉત્સાહમાં જોહર અને આત્મવિલોપનની વાતો થવા માંડી. જે એક ભૂલ હતી. ‘જોહર’ જેવા પવિત્ર શબ્દનો ઉપયોગ આ રીતે એક આંદોલનમાં કરવાથી પાસાં અવળાં પડ્યાં ને છેલ્લે સંકલન સમિતિએ પણ આવી બધી જાહેરાતોથી અંતર જાળવવું પડ્યું.

    બીજી તરફ, કરણી સેનાએ પણ વિરોધ ઉગ્ર બનાવ્યો ને રાજ શેખાવત પણ કૂદ્યા. તેમણે કમલમ પર ઝંડા અને દંડા લઈને પહોંચવાની ઘોષણા કરી દીધી હતી, પણ પોલીસે અટકાયત કરી. પછી પણ માહોલ બનાવવાના પ્રયાસ થયા પણ બીજા દિવસથી સોશિયલ મીડિયા પર તેમના હિંદુવિરોધી અને સનાતનવિરોધી વલણ માટે જાણીતા વામન મેશ્રામ સાથેના ફોટા ફરતા થઈ ગયા ને પછીથી સામે આવ્યું કે તેમણે 30 માર્ચે રૂપાલા વિવાદનું કારણ ધરીને ભાજપમાંથી રાજીનામું આપ્યું તે પહેલાં 27 માર્ચે જ વામન મેશ્રામના બામસેફ અને બહુજન મુક્તિ પાર્ટીમાંથી રાજસ્થાનની ઝુંઝુનુ બેઠક પર ફોર્મ ભરી દીધું હતું! પછી તેઓ પણ સોશિયલ મીડિયા પર બોલતા રહ્યા, પણ ગ્રાઉન્ડ પર હવે કોઇ ઉપસ્થિતિ નથી. હવે તેઓ પણ પ્રચારમાં ‘વ્યસ્ત’ થઈ ગયા છે. 

    સંમેલન પછી નબળું પડતું ગયું આંદોલન 

    આંદોલન ચરમસીમાએ ત્યારે પહોંચ્યું, જ્યારે રાજકોટમાં એક ક્ષત્રિય મહાસંમેલન યોજાયું. તેમાં સંખ્યા સારી થઈ હતી. સ્ટેજ પરથી ભાષણો કરવામાં આવ્યાં ને ભાજપને 19મી એપ્રિલ સુધીમાં પરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા માટે ‘અલ્ટીમેટમ’ આપવામાં આવ્યું. એવી પણ જાહેરાત કરવામાં આવી કે જો ભાજપ પાછળ નહીં હટે તો પછી પાર્ટ-2 શરૂ કરવામાં આવશે. આ આંદોલનને મીડિયાએ પણ ભરપૂર કવરેજ આપ્યું અને એક સમયે એવો માહોલ બનાવી દેવાયો કે ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. પણ ખરેખર સ્થિતિ એવી હતી નહીં. 

    આ સંમેલન પછી આશા હતી કે આંદોલન મજબૂત બનશે, પણ થયું ઊંધું અને ત્યારથી નબળું પડતું ગયું  છે અને હવે પુનર્જીવનની સંભાવનાઓ નહિવત પ્રકારની છે. તેનાં કારણો ઘણાં છે. 

    કોઇ પણ આંદોલનમાં વિરામ જેવું કશું હોતું નથી અને તેનો લય જળવાય રહે તે બહુ જરૂરી છે. 14 એપ્રિલના મહાસંમેલન બાદ સંકલન સમિતિ 19મી સુધી શાંત રહી, પણ તેમાં પરિસ્થિતિ તેમની વિરુદ્ધ જવા માંડી. એક તરફ આંતરિક વિખવાદ ચાલુ થઈ ગયો. આ જ આંદોલનનો ચહેરો રહેલાં પદ્મિનીબા વાળાનો એક ઑડિયો ફરતો થયો, જેમાં તેઓ સંકલન સમિતિ પર જ સવાલ ઉઠાવતાં અને તેમની ઉપર આંદોલનને ઠંડુ પાડવાના આરોપ લગાવતાં જોવા મળ્યાં. બીજી તરફ, સરકારે પણ તક ઝડપી લઈને વાટાઘાટો ચાલુ રાખી, પણ સમિતિ ટીકીટ રદ કરવાની માંગ પર અડગ રહી તેના કારણે વાટાઘાટો પણ નિષ્ફળ ગઈ. આ સિવાય પણ અંદરોઅંદર વિખવાદો શરૂ થઈ ગયા. 

    દરમ્યાન, રૂપાલા રાજકોટથી નામાંકન દાખલ કરી આવ્યા છતાં કોઇ વિરોધ ન થયો, પણ બીજી તરફ સંકલન સમિતિ અને અન્ય કેટલાક નેતાઓ વચ્ચે વિગ્રહ શરૂ થઈ ગયો અને પછીથી ખુલીને બહાર આવ્યો. આ વચ્ચે જ અમુક એવાં નિવેદનો આપવામાં આવ્યાં જેનાથી આંદોલનની છાપ ખરડાઈ. રૂપાલા જીવિત રહે કે નહીં રહે તેવી પણ વાતો થઈ ગઈ. વક્રતા એ પણ છે કે આ આંદોલન જ એક શબ્દોની મર્યાદાના વિષય સાથે શરૂ થયું હતું પણ અંત આવતાં સુધીમાં મર્યાદાનું આંદોલન કરનારાઓએ જ ઉલ્લંઘન કરવા માંડ્યું ને ધમકીઓ આપવાની શરૂ થઈ ગઈ. 

    હવે રાજપૂત સંકલન સમિતિએ આંદોલનના બીજા ભાગની જાહેરાત કરી છે, પરંતુ ન તો આંદોલનમાં ઉગ્રતા જોવા મળી રહી છે કે ન તેમની પાસે કોઇ નક્કર બ્લુપ્રિન્ટ છે. એમ કહી દેવું કે તમામ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિરોધ કરવામાં આવશે, સરળ બાબત છે, પણ તેના માટે આયોજનો પણ હોવાં જોઈએ. ભવિષ્યમાં કશુંક થાય તો ખબર નહીં, બાકી અત્યાર સુધી કોઇ આયોજન દેખાતું નથી અને આંદોલન હવે માત્ર ચલાવવા પૂરતું આગળ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. 

    ભાજપે જ્યારે આંદોલન ચરમસીમાએ હતું ત્યારે હોંશિયારી વાપરીને માત્ર સમય પસાર થવા દીધો અને ટીકીટ રદ ન કરી તો હવે તો મોટાભાગનાં પરિબળો તેમની તરફ થઈ ગયાં છે. હવે રૂપાલા જ રાજકોટથી લડશે તેવું લગભગ નક્કી છે. 22 એપ્રિલ ફૉર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ છે. હાલના તબક્કે તો રૂપાલા ફોર્મ પરત ખેંચે તેની શક્યતાઓ નહિવત છે, છતાં જો એવું કશુંક થાય તો સમિતિ કમસેકમ એવું કહી શકશે કે આ આંદોલનના કારણે નિર્ણય લેવો પડ્યો, પરંતુ તે શક્ય દેખાતું નથી. 

    ભાજપે શા માટે ટીકીટ રદ ન કરી?

    પ્રશ્ન એવો પણ થાય કે ભાજપે આખરે શા માટે ટીકીટ રદ ન કરી? તો આ નિર્ણયમાં આશ્ચર્યજનક કશું જ નથી. ગુજરાતમાં ભૂતકાળમાં પણ આંદોલનો થયાં છે અને ત્યારે પણ સરકાર અને પાર્ટી ઝૂક્યાં ન હતાં. ભાજપ પ્રેશર પોલિટિક્સથી કામ કરતો પક્ષ નથી. નૂપુર શર્મા કે ટી રાજા સિંઘથી માંડીને એવાં અમુક ઉદાહરણો આપવામાં આવે છે, પણ તેમના કેસ જુદા હતા, આ વાત જુદી છે. સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવારો બદલવામાં આવ્યા તે પાર્ટીના આંતરિક વિષયના લીધે બદલાયા, કોઇ સમાજે આંદોલન કર્યુ હોય ને ભાજપે ટીકીટ ખેંચી લીધી હોય તેવો કિસ્સો આજ સુધી બન્યો નથી. 

    બીજું, સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઇ આંદોલન ચગે એટલે તેનો અર્થ એ ક્યારેય હોતો નથી કે જમીન પર પણ ચળવળ એટલી જ મજબૂત છે. જોકે, આ કિસ્સામાં મહાસંમેલનમાં સારી એવી ભીડ ભેગી કરવામાં આવી હતી, પણ તેમ છતાં ચૂંટણીની ગણતરીમાં આંકડાઓનું મહત્વ છે. વધુમાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે અન્ય જાતિગત સમુદાયો કાં તો ચૂપ રહ્યા, અથવા તો સમાજને સમર્થન આપ્યું. પણ હવે અવળું થવા માંડ્યું છે અને એ મત પ્રચલિત થઈ રહ્યો છે કે આ અતિશયોક્તિ થઈ અને જેની કોઇ જરૂર ન હતી. માફી માંગી લીધા બાદ આંદોલન પૂર્ણ કરી દેવું જોઈતું હતું. ગુજરાતમાં ભૂતકાળમાં પણ બન્યું છે કે કોઇ એક સમુદાય જો સરકારની સામે પડે તો બાકીના બધા એક થઈને સરકાર કે પાર્ટીને બચાવી લે છે. આ વખતે પણ એવું થાય તો આખરે ફાયદો ભાજપને જ છે. 

    જેમ-જેમ આંદોલન આગળ વધતું ગયું તેમ રાજપૂત સંકલન સમિતિ પર સવાલો એ પણ ઉઠવાના શરૂ થયા કે આખરે લાલબાપુ અને જામસાહેબ જેવા સમાજના વરિષ્ઠ અગ્રણીઓ સમાધાનનો મત ધરાવે છે તો આંદોલનને નાહક લાંબું શા માટે ખેંચવામાં આવી રહ્યું છે? પરંતુ ‘અસ્મિતા’ અને ‘સ્વાભિમાન’ની વાતો કરીને આંદોલન લંબાવવામાં આવ્યું, પણ આવા ભારે ભરખમ શબ્દો વાપરવાથી હકીકતો બદલાઈ જતી નથી. 

    આંદોલન નબળું પડવાનું એક કારણ એ પણ છે કે તેનો વિષય પણ સબળ ન હતો. કોઇ એક નિવેદન, જેમાં સમુદાયનું નામ જ લેવામાં નથી આવ્યું અને ચૂંટણી પંચ પણ ક્લીન ચીટ આપી ચૂક્યું હોય તેને લઈને આટલો હોબાળો મચાવવામાં આવે તો તે લાંબો સમય ન જ ટકે તે સ્વભાવિક વાત છે. પરિણામસ્વરૂપ શરૂઆતમાં જેઓ સોશિયલ મીડિયા પર ઝંડા લઈને આંદોલનમાં જોડાઈ ગયા હતા તેમણે પણ હવે ધીમેધીમે પાછીપાની કરવા માંડી છે, કારણ કે કાં તો વાસ્તવિકતાનું ભાન થયું છે અથવા તો હવે ભવિષ્ય દેખાવાનું બંધ થઈ ગયું છે. 

    આંદોલનને જનસમર્થનનો અભાવ 

    હવે આંદોલન એવા બિંદુ પર આવીને અટક્યું છે, જ્યાંથી પરત ખસી જવાનું શક્ય જ નથી કારણ કે આંદોલન કરનારાઓ અનેક વખત જાહેરમંચ પરથી પાર્ટીને લલકારી ચૂક્યા છે. તેમની પાસે એકમાત્ર રસ્તો છે આંદોલન આગળ ચલાવવાનો. પરંતુ હવે જનસમર્થન એટલું મળતું જણાય રહ્યું નથી. તેમની પાસે એટલા દિવસો પણ રહ્યા નથી કે એક ચોક્કસ પ્લાનિંગ સાથે ભાજપનો વિરોધ કરે. એક રાજકીય પાર્ટીને તમારે હરાવવું તો દૂરની વાત, નુકસાન પણ પહોંચાડવું હોય તો તેના માટે આયોજન જોઈએ. પાર્ટી છેલ્લા 2 વર્ષથી આયોજન કરી રહી છે, સંકલન સમિતિ પાસે જ્યારે માત્ર પંદર દિવસ રહ્યા છે. સંખ્યાબળની રીતે પણ પાછળ પડે તેમ છે અને જનસમર્થનની રીતે પણ. 

    આ પરિસ્થિતિમાં હાલના સંજોગોમાં એમ જ લાગે છે કે આંદોલન ચાલવા પૂરતું ચાલશે, પણ તેનો કોઇ ઝાઝો ફેર નહીં પડે. ન તો ચૂંટણીનાં પરિણામો ઉપર કે ન બીજી બાબતો ઉપર. એનું કારણ એ છે કે જ્યાં સુધી કોઇ આંદોલન સમાજકારણ સુધી સીમિત રહે ત્યાં સુધી તેને થોડોઘણો પણ ટેકો મળે છે, પણ એક વખત રાજકારણ પ્રવેશ્યા પછી તેની અસર પણ રહેતી નથી અને અસ્તિત્વ પર પણ જોખમ ઊભું થાય છે. આવું ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે. 

    પરિણામ બાદ જો ભાજપની 26માંથી 26 બેઠકો આવી (જેની સંભાવના હાલ પ્રબળ દેખાય છે) તો સંકલન સમિતિએ ‘અમે લીડ ઘટાડી’ એમ કહીને પૂર્ણવિરામ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. પણ લીડ ઘટાડવી કે ઈવન એક-બે બેઠકો પણ ઘટાડવી એને કોઇ સમાજની સફળતા ન કહેવાય. એ કામ તો રાજકીય પાર્ટીઓનું છે. બીજું કે લોકસભામાં મતદાનની પેટર્ન પણ થોડી અલગ હોય છે. જો વિધાનસભા હોત તો થોડોઘણું પણ ભાજપને નુકસાન થયું હોત. 

    ખાસ ધ્યાને લેવા જેવી બાબત એ પણ છે કે ગુજરાતમાં હજુ નરેન્દ્ર મોદીએ પ્રચાર શરૂ કર્યો નથી. અહીં મોદી અને ગુજરાત એકબીજાના પર્યાય બની ચૂક્યા છે. મોદીની વાત આવે ત્યાં ગુજરાતીઓ જાતિ પણ નથી જોતા અને સંબંધો પણ નહીં. ગુજરાતીઓના વિશ્વાસે મોદી મોદી બન્યા છે. મોદી આવીને ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે ત્યારે ગુજરાત મોદીમય બની ગયું હશે અને બીજા બધા મુદ્દાઓ ભૂલાઈ ગયા હશે. એક કારણ એ પણ છે કે ગુજરાતીઓ પાસે મોદી સિવાયના વિકલ્પો જ નથી. મત આપવાની વાત આવે ત્યારે મતદારો મોદીને જ જોતા હોય છે. 

    ક્ષત્રિય સંકલન સમિતિ પાસે માફી આપીને પોતાનો હાથ ઉપર રાખવાની એક તક હતી, અનેક કારણોસર એ ચૂકી જવાઈ. એમનો અફસોસ કરીને તો ફાયદો નથી, પણ શિખ મેળવવી જરૂરી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં