Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણખેલાડીઓનું રાજકારણમાં આવવું કોઇ નવી વાત નથી, પણ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવા...

    ખેલાડીઓનું રાજકારણમાં આવવું કોઇ નવી વાત નથી, પણ કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવા વિનેશ-બજરંગે જે રસ્તો અપનાવ્યો, તેનાથી સવાલો ઊઠવા સ્વભાવિક

    આ આંદોલન ચાલતું હતું ત્યારે ઘણાને પ્રશ્ન હતો કે આ બધું શું રાજકીય લાભો માટે થઈ રહ્યું છે? વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આખરે 6 સપ્ટેમ્બરે તેનો જવાબ આપી જ દીધો.

    - Advertisement -

    અભિનેતાઓ કે ખેલાડીઓનું રાજકારણમાં આવવું કોઇ નવી વાત નથી અને હવે આશ્ચર્યજનક પણ રહ્યું નથી. ભૂતકાળમાં અનેક આવા વ્યક્તિઓએ રાજકીય પાર્ટીઓનો ખેસ પહેર્યો છે અને ઘણા ધારાસભ્યોથી માંડીને સાંસદ પણ થયા છે. રાજકારણમાં આવવું સારી વાત છે, તેની ઉપર કોઇ રોક પણ નથી. એટલે હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલાં બે પહેલવાનો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી લીધો, તેમાં કોઇ આશ્ચર્ય પણ ન થવું જોઈએ અને કોઈને વાંધો પણ ન હોવો જોઈએ. 

    પણ એક રમતના મેદાનથી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવામાં આ ખેલાડીઓએ જે ‘ખેલ’ કર્યા અને રાજકારણની બહાર રહીને જે રાજકારણ કર્યું તેની ચર્ચા ચોક્ક્સ થવી જોઈએ. કારણ કે ભવિષ્યમાં જ્યારે-જ્યારે કોઇ ખેલાડી ‘ન્યાય’ માંગવાના નામે રસ્તા પર ઊતરશે ત્યારે પ્રજા આવા પહેવલાનોને યાદ કરીને એક ડગલું ભરતાં પહેલાં દસ વખત વિચારશે. 

    આપણે ત્યાં ક્રિકેટરોને જેટલું કવરેજ અને ફેમ મળે છે એવું બીજા ખેલાડીઓને મળતું નથી તેવી ફરિયાદો કાયમ થતી રહેતી હોય છે. તેમાં તથ્ય છે કે નહીં એ વાત બાજુ પર રાખીને વિષય પૂરતું જોઈએ તો વિનેશ અને બજરંગ તેમાંથી બાકાત છે. કારણ કે આ બંને (અને સાથે તેમના કેટલાક સાથીઓ)ને ભરપૂર મીડિયા કવરેજ પણ મળ્યું અને તેના કારણે જાણીતાં પણ થઈ ગયાં. એટલે હવે આ નામોથી કોઇ અજાણ હોય તેવું તો ભાગ્યે જ બને. 

    - Advertisement -

    બંને ઓલમ્પિક્સ સુધી જઈ આવ્યાં છે. વિનેશ ફોગાટ તો પેરિસ ઓલમ્પિક્સમાં પણ ભાગ લેવા ગયાં હતાં અને ફાઈનલ સુધી પણ પહોંચ્યાં. પણ ફાઇનલમાં જઈને વધુ વજન હોવાના કારણે ડિસ્કવોલિફાય થયાં ને આખરે મેડલ વગર જ ભારત પરત ફરવું પડ્યું. બજરંગ પુનિયાની પણ ગણતરી હતી, પણ મેમાં જ તેમને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે સસ્પેન્ડ કરી દીધા હતા. વિવાદ કંઈક ડોપિંગ ટેસ્ટને લઈને થયો હતો. 

    ખેલાડીઓ રમત માટે જાણીતા બને છે. પણ આ બે ખેલાડીઓ અન્ય એક બાબત માટે પણ બે વર્ષથી ચર્ચામાં રહ્યાં. એ છે- આંદોલન. ભારત ખેતીપ્રધાન દેશ ખરો. પણ સાથે આંદોલનપ્રધાન પણ છે. અહીં વારેતહેવારે આંદોલનો થતાં રહે છે. આવું એક આંદોલન જાન્યુઆરી, 2023માં પણ થયું હતું. સારું એવું ચાલ્યું, પણ જોકે પછી પૂરું થઈ ગયું. બાકી આપણે ત્યાં અરાજકતા અને અવ્યવસ્થા સર્જાય નહીં ત્યાં સુધી રસ્તા પર ડેરા નાખીને બેસી રહેવાનો આંદોલનકારીઓનો રેકોર્ડ છે. 

    જાન્યુઆરી, 2023માં ત્રીસેક પહેલવાનોએ મળીને દિલ્હીના જંતર-મંતર મેદાન પર ધરણાં શરૂ કર્યાં હતાં. આરોપ લગાવ્યો હતો તત્કાલીન રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ના અધ્યક્ષ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંઘ ઉપર. આરોપ હતો કે તેઓ મનમાની કરે છે ને મહિલા પહેલવાનોનું યૌન શોષણ પણ કર્યું હતું. આ મામલે આંદોલન શરૂ થયું અને બીજા જ દિવસે 19 જાન્યુઆરીએ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનોને મળવા માટે બોલાવ્યા અને પૂરતી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું, પણ ચર્ચાનો કોઇ નિષ્કર્ષ ન નીકળ્યો ને આંદોલન ચાલુ રહ્યું. 

    આ આંદોલન શરૂ થયું ત્યારે પહેલવાનોને દરેક છેડેથી સમર્થન હતું. તેઓ એ પહેલવાનો હતા, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હતા અને અમુકે મેડલ પણ જીત્યા હતા. બીજું, યૌન શોષણનું પીડિત કોઈ પણ હોય, તેમને ન્યાય મળવો જ જોઈએ. 

    એવું પણ નથી કે સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી. આંદોલન શરૂ થયાના એક જ અઠવાડિયામાં રમત મંત્રાલયે એક ઓવરસાઇટ સમિતિની રચના કરીને આરોપોની વિગતવાર તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યા હતા. પહેલવાનોએ ઇન્ડિયન ઓલમ્પિક એસોશિએશન પ્રમુખ પીટી ઉષાને પત્ર લખીને કાર્યવાહીની માંગ કરી તો બ્રિજભૂષણ સિંઘ સામેના આરોપોની તપાસ માટે તાત્કાલિક એક તપાસ સમિતિની રચના કરવામાં આવી. મંત્રાલયે WFIને તમામ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોક લગાવવા માટેના પણ આદેશ આપી દીધા હતા. 

    આ બધું જ બન્યું હતું આંદોલન શરૂ થયાના એક અઠવાડિયાની અંદર. પહેલવાનોએ જે માંગ અને આરોપો સાથે આંદોલન શરૂ કર્યું હતું તેની ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવ્યું અને તમામ જરૂરી પગલાં લેવાયાં. જોકે, શરૂઆતમાં 21 જાન્યુઆરીએ આંદોલન આટોપી પણ લેવામાં આવ્યું હતું, પણ થોડો સમય થયો નહીં કે ફરી સજીવન થયું અને ત્યારે તેમાં ઘૂસી ચૂક્યું હતું રાજકારણ. 

    ફરી શરૂ થયું તો રાજકારણ સાથે લઇ આવ્યું હતું આંદોલન 

    ઓવરસાઇટ સમિતિએ રિપોર્ટ સોંપી દીધા બાદ WFIએ 7 મેના રોજ ચૂંટણી જાહેર કરી દીધી. પણ બ્રિજભૂષણ શરણ સિંઘે જાહેર કર્યું કે તેઓ ચૂંટણી લડશે નહીં. 16 એપ્રિલે WFIની ચૂંટણી જાહેર થઈ અને 23 એપ્રિલે પહેલવાનો ફરી જંતર-મંતર પર પ્રગટ થયા અને કહ્યું કે, 7 મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ સિંઘ સામે યૌન શોષણની ફરિયાદ કરી છે, પરંતુ પોલીસ FIR નોંધી રહી નથી. બીજા દિવસે મંત્રાલયે ચૂંટણી સ્થગિત કરી દીધી. ત્યારબાદ પહેલવાનો FIR નોંધવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા. પણ પછીથી FIR નોંધાઈ ચૂકી હોવાના કારણે સુપ્રીમે કાર્યવાહી બંધ કરી દીધી હતી. 

    આ બધું થયું ત્યાં પછી એ શરૂ થયું જે દરેક આંદોલનમાં થતું હોય છે. ઉત્પાત. ત્રીજી મે, 2023ના દિવસે પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઘર્ષણ થયું અને પહેલવાનોએ મહિલા પહેલવાનો સાથે ગેરવર્તનનો આરોપ લગાવ્યો. બીજી તરફ, દિલ્હી પોલીસે પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી અને પહેલવાનોથી માંડીને બ્રિજભૂષણ સિંઘનાં નિવેદનો નોંધવામાં આવ્યાં. 

    અહીં 7 મે, 2023ના રોજ એન્ટ્રી થઈ પ્રોફેશનલ આંદોલનકારી રાકેશ ટિકૈતની. તેઓ પહેલવાનોના આંદોલનમાં પહોંચી ગયા અને એક પછી એક નિવેદનો આપી દીધાં અને ફલાણું કરી નાખીશું ને ઢીંકણું કરી નાખીશુંની વાતો થઈ. UP, હરિયાણા અને રાજસ્થાનથી ખાપ નેતાઓ પણ પહોંચ્યા અને સરકારને 15 દિવસનો સમય આપવામાં આવ્યો, બ્રિજભૂષણ સિંઘની ધરપકડ માટે. એક તરફ પહેલવાનો કહેતા રહ્યા કે આ આંદોલન બિનરાજકીય છે, પણ બીજી તરફ આંદોલન જે દિશામાં જતું હતું તે બિનરાજકીય તો ન જ હતી. કોંગ્રેસી નેતાઓ પણ પછીથી આવ્યા અને સામાજિક સંગઠનો પણ જોડાયાં. 

    ખેડૂત નેતાઓની પણ એન્ટ્રી, મોદી તેરી કબર ખુદેગીના નારા લાગ્યા 

    આ આંદોલનમાં પછીથી ‘ખેડૂત નેતાઓ’ની પણ એન્ટ્રી થઈ, જેમને ભૂતકાળમાં મહિનાઓ સુધી રસ્તા રોકીને બેસી રહેવાનો અને આંદોલન કરવાનો અનુભવ પણ ખાસ્સો હતો. 26 જાન્યુઆરી, 2021ના દિવસે જે રીતે લાલ કિલ્લા પર ધસી જઈને ઉત્પાત મચાવવામાં આવ્યો હતો, તેનું નાનું સ્વરૂપ આ પહેલવાન આંદોલનમાં પણ જોવા મળ્યું અને 8 મેના દિવસે પહેલવાન આંદોલનમાં ભાગ લેવા આવેલા ખેડૂત નેતાઓએ પોલીસ બેરિકેડ તોડીને ધમાલ કરી હતી. એટલું જ નહીં, અહીં નારા લાગ્યા હતા ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ના. હજુ પણ આ આંદોલનને બિનરાજકીય કહેવાતું હોય તો તેવા ભોળાજનોની દયા ખાવી જોઈએ. 

    આ બધું છેક મેના અંત સુધી ચાલ્યું ત્યાં 28 મે, 2023ના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો દિવસ આવ્યો. પહેલવાનોએ આમાં પણ દેશનું ધ્યાન ખેંચવાનો રસ્તો શોધી કાઢ્યો અને છેક નવા ભવન સુધી કૂચ કરવાનું એલાન કર્યું. સ્વાભાવિક રીતે દિલ્હી પોલીસ તેની પરવાનગી ન જ આપે. દેશના સંસદ  ભવનનું ઉદ્ઘાટન ચાલતું હોય ત્યાં કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જી શકાય. પણ પહેલવાનોએ આગળ વધવાનું ચાલુ રાખ્યું તો પોલીસે પણ બળપ્રયોગ કર્યો અને અટકાયત કરી લીધી. પછીથી જંતર-મંતર પરથી તંબૂ પણ હટાવવા માંડ્યા. 

    પહેલવાનો પર હવે રાજકારણ રમવાના સવાલો ઊઠવા માંડ્યા તો તેમણે વળી નવું તૂત ઉભું કર્યું. મેડલ ગંગામાં પ્રવાહિત કરી દેવાનું. આને ભાવનાત્મક બાબતો સાથે ભલે જોડવામાં આવતું હોય પણ નકરો ડ્રામા જ હતો, બીજું કશું નહીં. આખરે એ જ થયું, જે થવાનું હતું. ખેડૂત નેતાઓ પહોંચ્યા, તેમણે પહેલવાનોને મેડલ ન વહેવડાવવાની વિનંતી કરી અને પહેલવાનો માની ગયા. યાદ રહે, તેમણે મેડલો વહેવડાવવાની વાતો જ કહી હતી, જે ઇનામ રકમ મળી હતી તેને પરત કરવાની કે સરકારી નોકરી છોડવાની નહીં. 

    જૂનની શરૂઆતમાં પછીથી અનુરાગ ઠાકુરે ફરી એક વખત બેઠક કરીને મહિનાના અંત સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવાનું આશ્વાસન આપતાં પહેલવાનોએ આંદોલન મોકૂફ રાખ્યું. જોકે, આવું આશ્વાસન સરકારે આંદોલનની શરૂઆતમાં પણ આપ્યું હતું, પણ ત્યારે પહેલવાનો પર સવાલો ઉઠતા ન હતા. હવે પરિસ્થિતિ જુદી હતી એટલે તેમણે પણ આંદોલનનો વીંટો વાળી દીધો. બીજી તરફ, 9 જૂનના રોજ બ્રિજભૂષણ સિંઘ વિરુદ્ધ ફરિયાદ કરનાર એક સગીરના પિતાએ સ્વીકાર્યું કે તેમણે યૌન શોષણની ખોટી ફરિયાદ કરી હતી. જેને લઈને પણ પછીથી બહુ વિવાદ થયો. 

    આ આંદોલન પછી જ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ માટે કોઇ ટ્રાયલ વગર ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ. છતાં બજરંગે મેડલ વગર જ પરત ફરવું પડ્યું હતું. તે સમયે પણ બહુ ટીકા થઈ હતી અને લોકોએ કહ્યું હતું કે, રાજકારણ કરવા કરતાં રમત પર ધ્યાન આપવાની વધારે જરૂર હતી. બીજી તરફ, અનેક વખત વિલંબ બાદ આખરે ડિસેમ્બર, 2023માં WFIની ચૂંટણી થઈ તો બ્રિજભૂષણ શરણ સિંઘના જ નજીકના વ્યક્તિ સંજય સિંઘની જીત થઈ. પછી પહેલવાનો ફરી દેખાયા અને રેસલિંગ છોડવાનું એલાન કર્યું. બજરંગ પુનિયાએ ‘પદ્મશ્રી’ પરત કરવાની પણ વાત કહી. 

    આ સમગ્ર ટાઈમલાઈન જોશો તો એક વાત સમજાશે કે સરકારે આંદોલનને ગંભીરતાથી લઈને જે કંઈ કરવાની જરૂર પડે એ બધું જ કર્યું હતું. તે પણ કોઇ પણ પ્રકારના વિલંબ વગર. તેમ છતાં કોઈને કોઈ બહાને આંદોલન આગળ ખેંચાતું રહ્યું અને તેમાં પછી રાજકારણ પણ ભળતું ગયું. વગર કારણે વાત નરેન્દ્ર મોદી સુધી પણ પહોંચી અને તેનો લાભ પછીથી કોંગ્રેસીઓએ પણ ભરપૂર લીધો. બીજા આંદોલનકારીઓ પણ ઘૂસ્યા અને આખી વાત અવળે પાટે ચડી ગઈ. પહેલવાનો એવું કારણ આપી શકે કે તેમણે ન્યાય મેળવવા જ આંદોલન શરૂ કર્યું હતું પણ અન્ય તત્વોએ તેનો રાજકીય લાભ લીધો. પણ તેઓ આ બાબત શરૂ કરવા પહેલાં જ ન સમજે તેટલા નાદાન નથી ને આવી બાબતોને મૂકસમર્થન હોવું એ પણ અયોગ્ય જ છે. 

    કોઇ ખેલાડી રાજકારણમાં આવે તેનાથી સમસ્યા કોઇને નથી. પાર્ટીની ટીકીટ પર ચૂંટણી લડીને ધારાસભ્ય પણ બને તો સારી વાત છે. પણ જે રીતે આ પહેલવાનોએ એક આંદોલન કરીને તેનું રાજનીતિકરણ કરીને અહીં સુધીનો રસ્તો કર્યો તે રમત અને ખેલાડીઓ બંને માટે દુર્ભાગ્યપૂર્ણ હશે. હવે કાલે ઉઠીને કોઈ બીજા ખેલાડીઓ જેન્યુઇન માંગ સાથે પણ રસ્તે ઉતરશે તો લોકો તેમને શંકાની નજરથી જ જોવાના અને તેમાં કાયમ રાજકારણ ઘૂસી જવાનો ડર રહેવાનો. આ આંદોલન ચાલતું હતું ત્યારે ઘણાને પ્રશ્ન હતો કે આ બધું શું રાજકીય લાભો માટે થઈ રહ્યું છે? વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ આખરે 6 સપ્ટેમ્બરે તેનો જવાબ આપી જ દીધો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં