Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબેરિકેડ તોડીને નવી સંસદ તરફ કૂચ કરવાના પ્રયાસ બાદ પહેલવાનોની અટકાયત: દિલ્હી...

    બેરિકેડ તોડીને નવી સંસદ તરફ કૂચ કરવાના પ્રયાસ બાદ પહેલવાનોની અટકાયત: દિલ્હી પોલીસે જંતર-મંતર ખાલી કરવા માંડ્યું, તંબૂઓ હટાવાયા

    પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, પ્રદર્શનકારીઓને સંસદ તરફ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણકે, તેમને ‘મહાપંચાયત’ માટે પરવાનગી આપવામાં નથી આવી.

    - Advertisement -

    દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોની કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયત કરવામાં આવી છે. દિલ્હી પોલીસે રવિવારે (28 મે, 2023) નવા સંસદ ભવન તરફ માર્ચ કરીને સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરવા બદલ વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા વગેરેને હિરાસતમાં લીધાં હતાં.

    દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા પહેલવાનોને બસમાં બેસાડીને તરત જ ગાદલા, કૂલરના પંખા, તાડપત્રી વગેરે સામાનને દૂર કરીને આંદોલન સ્થળની સફાઈ કરવાનું શરુ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારીઓએ પોતાના સમર્થકો સાથે પોલીસ બેરિકેડ તોડીને નવનિર્મિત સંસદ ભવન તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે પોલીસને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. સંસદ તરફ આગેકૂચ કરતી વખતે પોલીસે તેમને અધવચ્ચેથી જ રોકી લીધા હતા.

    ‘કુસ્તીબાજો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે’

    અહેવાલ અનુસાર, વિનેશ ફોગાટ ઉપરાંત તેની પિતરાઈ બહેન સંગીતા ફોગાટે બેરિકેડ સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. વિનેશે પોતાની અટકાયતનો વિરોધ કરતા સામો પ્રતિકાર કર્યો હતો. બાદમાં પોલીસ અધિકારીઓએ અન્ય પહેલવાનો અને તેમના સમર્થકોને ખેંચીને બસમાં બેસાડ્યા હતા. અહેવાલ અનુસાર, તેમને ટિકરી બોર્ડર તરફ લઈ જવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાનું ભંગ કરવા બદલ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું લૉ એન્ડ ઓર્ડરના સ્પેશિયલ CP દીપેન્દ્ર પાઠકે જણાવ્યું હતું.

    - Advertisement -

    ‘મહાપંચાયત’ને કોઇપણ ભોગે નવી સંસદ લઈ જવા માગતા હતા પહેલવાનો

    પહેલવાનોએ પોતાના વિરોધને આગળ વધારતા નવી સંસદ સામે ‘મહિલા સન્માન મહાપંચાયત’નું આયોજન કર્યું હતું. આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થવાનું હતું ત્યારે લ્યુટિયન્સમાં હજારો પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતા અને બેરિકેડ ગોઠવવામાં આવ્યા હતા. હાલ સંસદ ભવનથી લગભગ બે કિમીના અંતરે આવેલા જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ એવું કહ્યું હતું કે તેઓ કોઇપણ ભોગે તેની ‘મહાપંચાયત’ સાથે આગળ વધશે. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી હતી કે, પ્રદર્શનકારીઓને સંસદ તરફ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં કારણકે, તેમને ‘મહાપંચાયત’ માટે પરવાનગી આપવામાં નથી આવી અને તેઓએ કોઇપણ ‘રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ’માં સામેલ ન થવું જોઈએ.

    ઉલ્લેખનીય છે કે, અગાઉ પહેલવાનોના સમર્થનમાં આવેલા ભારતીય કિસાન યુનિયનના નેજા હેઠળ ખેડૂતોએ પણ જંતરમંતર પર બેરિકેડ તોડીને અંદોલન સ્થળે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

    કુસ્તીબાજોએ WFIના પ્રમુખ પર મૂક્યો છે જાતીય સતામણીનો આરોપ

    ગત 23 એપ્રિલ, 2023થી બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમણે બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો છે અને તેમને સજા આપવાની માંગણી કરી રહ્યા છે. બીજી તરફ, બ્રિજભૂષણ સિંહે આ તમામ આરોપો નકારી દીધા છે તેમજ તેમણે નાર્કો ટેસ્ટ માટેની તૈયારી પણ દર્શાવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં