Tuesday, March 31, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅયોધ્યાના દીપોત્સવ પર અખિલેશનું (અ)જ્ઞાન: માત્ર ઝગમગાટ નહીં સાંસ્કૃતિક અનુષ્ઠાનનું પર્વ છે...

    અયોધ્યાના દીપોત્સવ પર અખિલેશનું (અ)જ્ઞાન: માત્ર ઝગમગાટ નહીં સાંસ્કૃતિક અનુષ્ઠાનનું પર્વ છે દિવાળી

    અખિલેશે હમણાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અયોધ્યામાં આટલા બધા દીવા પાછળ પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી કે મીણબત્તી પાછળ પણ ખર્ચ કરવામાં મગજ દોડાવવા જેવું નથી. તેના કરતાં ક્રિસમસની ઉજવણી કરતા ખ્રિસ્તીઓ પાસેથી હિંદુઓએ શીખવું જોઈએ, જેઓ આખી દુનિયામાં શહેરોમાં ઝગમગાટ કરે છે.

    - Advertisement -

    એક સમય હતો જ્યારે દેશભરમાં દિવાળીની રંગેચંગે ઉજવણી થતી પણ જે અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમનથી આ પ્રકાશપર્વનો આરંભ થયો ત્યાં જ બધું સૂનું રહેતું. પ્રભુ શ્રીરામ તંબૂમાં બિરાજમાન હતા. મંદિર બનાવવા માટે હિંદુઓનો સંઘર્ષ ચાલુ હતો. ન્યાયાલયના આદેશની પ્રતીક્ષા હતી અને દિવાળી આવીને જતી રહેતી હતી. 2017માં યોગી આદિત્યનાથ આવ્યા પછી બધું બદલાઈ ગયું. મંદિરનો મામલો કોર્ટમાં હતો પણ તેમણે અયોધ્યામાં દિવાળીની ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી. સરયૂના તટ પર લાખો દીવડા પ્રગટાવીને રામનગરીમાં જાણે નવા પ્રાણનો સંચાર કર્યો. પછી આ પરંપરા બની, જે દર વર્ષે ચાલતી આવે છે અને દર વર્ષે આગલા વર્ષનો વિક્રમ તૂટે છે. હવે પ્રભુ શ્રીરામ મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, મંદિર પણ પૂર્ણતાને આરે છે. આ વર્ષની ઉજવણી વધુ ભવ્યતાથી થશે.

    જેમને ભૂતકાળમાં ઈફ્તાર પાર્ટીઓ સામે કોઈ વાંધો ન હતો, ક્રિસમસ પાર્ટીઓ રંગેચંગે કરવામાં કોઈ સેક્યુલરિઝમ નડતું ન હતું તેવાઓને આ દીપોત્સવ જોઈને દર વર્ષે ફાળ પડે છે. અમુક આડુંઅવળું બોલીને હતાશા દૂર કરે છે. અમુક બોલી શકતા નથી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવનો સમાવેશ પણ આ જ ટોળકીમાં કરવો જોઈએ. દર વર્ષે તેઓ આ દીપોત્સવ વખતે કંઈકને કંઈક ગતકડાં કરીને સરકારને ઘેરવાના પ્રયાસ કરતા રહે છે. આ વખતે તેઓ એક પગથિયું ઉપર ચડ્યા છે.

    અખિલેશે હમણાં એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે અયોધ્યામાં આટલા બધા દીવા પાછળ પૈસા ખર્ચવાની કોઈ જરૂર નથી કે મીણબત્તી પાછળ પણ ખર્ચ કરવામાં મગજ દોડાવવા જેવું નથી. તેના કરતાં ક્રિસમસની ઉજવણી કરતા ખ્રિસ્તીઓ પાસેથી હિંદુઓએ શીખવું જોઈએ, જેઓ આખી દુનિયામાં શહેરોમાં ઝગમગાટ કરે છે.

    - Advertisement -

    તેમનો કહેવાનો આશય એ હતો કે દીવડા પાછળ ખોટી માથાકૂટ કરવા કરતાં કૃત્રિમ લાઇટોથી શહેરો ચમકાવવાં જોઈએ. દીવા ને બધાની કોઈ જરૂર નથી. પૈસા, સમય અને શક્તિનો બગાડ છે. ઝગમગાટ જ કરવો હોય તો અન્ય રીતે પણ થઈ શકે.

    અખિલેશ યાદવ આમ તો ઘણાં વર્ષોથી રાજકારણમાં છે. સમાજની વચ્ચે પણ થોડાઘણા રહ્યા છે અને પાર્ટી અને સરકાર બંને ચલાવ્યાં છે એટલે રાહુલ ગાંધીની જેમ આ બધી બાબતોની તેમને સાવ સમજ ન હોય એવું ન બને. પણ તેમની વાત પરથી લાગે છે કે દિવાળીને લઈને, આ પર્વની ઉજવણીને લઈને આ ઉંમરે પણ તેમનામાં હજુ ઘણી ગેરસમજ છે.

    જો સમજ હોય અને છતાં આ ટિપ્પણી કરી હોય તો પછી એ બીજું કંઈ નહીં પણ દ્વેષ દર્શાવે છે અને તો બાબત વધારે ગંભીર કહેવાય. દ્વેષ યોગી આદિત્યનાથ અને સરકાર પ્રત્યે છે કે ધર્મ પ્રત્યે, તેની સંસ્કૃતિ પ્રત્યે અને પરંપરાઓ પ્રત્યે? સુજ્ઞ વાચક બધું જાણે છે.

    સપા અધ્યક્ષની વાત માત્ર હાસ્યાસ્પદ નથી પણ બાલિશ અને અપરિપક્વ પણ એટલી જ છે. તેમના વિધાનનો અર્થ એ થાય કે દિવાળી પર થતો આ દીપોત્સવ માત્ર દેખાડો કરવા માટે, ઝગમગાટ કરવા માટે કરવામાં આવે છે. જો એવું જ કરવાનું હોય તો આ બધી માથાકૂટ કરવા કરતાં કૃત્રિમ લાઇટો જ લગાવીને વધુ સારી રીતે રોશની, ઝગમગાટ થઈ શકે. પણ વાસ્તવિકતા એ છે કે આ તહેવાર, પર્વ પર દીવડા દેખાડો કરવા માટે કે સારું દેખાય એના માટે નથી પ્રગટાવવામાં આવતા. આટલી સામાન્ય વાત અખિલેશને ખબર હોવી જોઈએ. પણ નહીં હોય એવું લાગે છે.

    દિવાળી એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું પર્વ છે. દીવો એ તેનું પ્રતીક છે. ધર્મ, પૂજા-અર્ચનામાં દીવડાનું મહત્ત્વ છે. તેનું સ્થાન કોઈ કુત્રિમ લાઇટો કે અન્ય કોઈ વ્યવસ્થા કઈ રીતે લઈ શકે? ટેકનોલોજી અને જમાનો આગળ વધ્યાં છે, પણ એટલાં બધાં પણ ન વધારવાં જોઈએ કે આપણે દીવાનું પણ રિપ્લેસમેન્ટ શોધતા થઈ જઈએ. એ મૂર્ખામી કહેવાય. નાદાની કહેવાય.

    દુનિયા ભલે પોતાના પર્વ પર કુત્રિમ લાઇટોથી સજાવટ કરતી હોય. એ તેમને મુબારક. દિવાળીનો એકમાત્ર ઉદ્દેશ્ય સજાવટ કરવાનો, ઝગમગાટ કરવાનો નથી. બાકી બધું ગૌણ થયું, આ પર્વ સૌથી પહેલાં એક સાંસ્કૃતિક અનુષ્ઠાન છે. એ પ્રભુ ભક્તિ છે. એ પ્રભુના આગમનનું સ્મરણ કરવાનો પ્રસંગ છે. પ્રભુનું સ્વાગત દીવાથી જ થતું હતું, દીવાથી જ થાય છે અને દીવાથી જ થતું રહેશે. તેના વિકલ્પો શોધવા ન જવાય.

    હિંદુઓ ઘરે દીવડા પ્રગટાવે છે એ ‘સારું દેખાવા’ માટે નથી કરતા, તેની પાછળ મૂળ રીતે ધાર્મિક પરંપરા છે. એ દીવડાની પહેલાં પૂજા થાય છે. ઘરના આંગણે મૂકવામાં આવે છે તેનું પણ મહત્ત્વ છે. દીવડાનાં પણ ચોક્કસ સ્થાન હોય છે.  

    દિવાળી પર દીવડા પ્રગટાવવા એ ઈશ્વરની આરાધનાનો એક માર્ગ છે. એક ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરા છે. પરંપરાઓ એ જ રીતે જાળવી રખાય જે રીતે ચાલતી આવે છે, તો જ એને પરંપરા કહેવાય. બાકી કાલે ઊઠીને અખિલેશ એમ પણ કહી શકે કે મંદિરોમાં ચાલતા અખંડ દીવાના સ્થાને એક બલ્બ સળગાવી દેવો જોઈએ, પણ એવું ન કરાય. કેમ ન કરાય એની ચર્ચા ઉપર થઈ.

    દિવાળી અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું પર્વ છે. આ પર્વ પર પ્રભુ શ્રીરામ અખિલેશ યાદવને સદબુદ્ધિ આપે એવી સામૂહિક પ્રાર્થના કરીએ.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં