Friday, November 22, 2024
More
    હોમપેજમંતવ્યMSUમાં હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો બનાવનાર રમે છે વિકટીમ કાર્ડ; અન્યાયનું રોદણું...

    MSUમાં હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો બનાવનાર રમે છે વિકટીમ કાર્ડ; અન્યાયનું રોદણું રડતાં વડાપ્રધાનને મળવાનો સમય માંગ્યો

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાંથી હિંદુ દેવીઓના ખરાબ ચિત્રણને કારણે કાઢી મુકવામાં આવેલા વિદ્યાર્થીએ હવે વિકટીમ કાર્ડ રમવાનું શરુ કર્યું છે તેના પર એક ખાસ મંતવ્ય.

    - Advertisement -

    વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીમાં યોજાયેલા પ્રદર્શન દરમિયાન હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને કટિંગ્સ બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમારને યુનિવર્સીટીએ હાંકી કાઢ્યા પછી હવે તેની શાન ઠેકાણે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેણે મળવા માટેની વિનંતી કરી છે તેમજ તેની સાથે અન્યાય થયો હોવાનું કહ્યું છે. 

    પોતાને સાંભળવામાં ન આવ્યો હોવાનું કહીને કુંદને વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તેના આર્ટ વર્કનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું અને તેનો ઈરાદો ધાર્મિક લાગણીઓ દુભાવવાનો ન હતો. તેણે તેના શિક્ષણના અધિકાર પર હુમલો થયો હોવાનું કહીને ઉમેર્યું કે તેણે કોઈ ગુનો કર્યો નથી અને તેને સાંભળવામાં આવ્યો નથી. 

    તેણે માતા-પિતાની આર્થિક સ્થિતિ ઠીક ન હોવાનું પણ તેણે પત્રમાં જણાવ્યું હતું. સાથે એમ પણ દાવો કર્યો કે તેણે ચિત્રો અને કટ-આઉટ થકી મહિલાઓ સાથે થતી હિંસા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો. આગામી 18 જૂને વડાપ્રધાન વડોદરા આવતા હોઈ તેણે પીએમને મળવા માટે સમય માંગ્યો છે. 

    - Advertisement -

    બીજી તરફ, સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ પણ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં જણાવ્યું કે, વિદ્યાર્થીએ ઇરાદાપૂર્વક હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો બનાવ્યાં હતાં અને જેથી તેને રસ્ટીકેટ કરવાનો યુનિવર્સીટીનો નિર્ણય એકદમ યોગ્ય છે. તેમણે કહ્યું કે, આ નિર્ણય સમાજમાં દાખલો બેસાડનારો છે અને જેથી તેને બદલવામાં નહીં આવે તેવી અપીલ કરી હતી.

    અહીં ઉલ્લેખનીય છે કે ગત મે મહિનામાં એમએસ યુનિવર્સીટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટી ખાતે યોજાયેલા વાર્ષિક ચિત્ર પ્રદર્શનમાં હિંદુ દેવી-દેવતાઓના અભદ્ર ચિત્રો અને કટ-આઉટ પ્રદર્શનમાં મૂકાતાં ભારે વિવાદ સર્જાયો હતો. એબીવીપી અને અન્ય હિંદુ સંગઠનોએ વિરોધ કર્યા બાદ આ મામલે પગલાં લેવાયાં હતાં અને આ ચિત્રો બનાવનાર વિદ્યાર્થી કુંદન કુમારને યુનિવર્સીટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો

    જે કટ-આઉટ માટે કુંદન કુમારે દાવો કર્યો છે કે તે ‘મહિલાઓ સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાના પ્રયત્નો’ કરી રહ્યો હતો, તે હિંદુ દેવતાઓના કટ-આઉટ હતાં, જે છાપાંના કટિંગમાંથી બનાવવામાં આવ્યાં હતાં. અને આ કટ-આઉટ બનાવવા માટે જે કટિંગ્સનો ઉપયોગ થયો હતો એ તમામ ગેંગરેપ અને રેપની ઘટનાઓના સમાચારના કટિંગ્સ હતાં. જેને લઈને વિરોધ થયો હતો. 

    અવાજ ઉઠાવવા સારી વાત, પણ એક જ ધર્મને સાંકળીને કેમ?

    કુંદન કુમારે વડાપ્રધાનને લખેલા પત્રમાં કહ્યું કે, તેનો આશય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટેનો ન હતો અને તેણે ‘મહિલાઓ સાથે થતી હિંસા અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ન’ કર્યો હતો. કુંદન કુમારનો આશય બહુ સારો છે, મહિલાઓ સાથે સમાજમાં અન્યાય ન થતાં હોય એવું પણ કહી ન શકાય, પણ તે માટે હિંદુ દેવતાઓના કટિંગ્સ બનાવવાં અને તેને પ્રદર્શિત કરવાં તેનો સીધો અર્થ એ થાય કે આ ઇરાદાપૂર્વકનું જ કૃત્ય હતું અને તે નકારી શકાય તેમ નથી.

    મહિલાઓ માટે અવાજ ઉઠાવવા માટે હિંદુ દેવતાઓ વચ્ચે લાવવાની જરૂર પડતી નથી. ધર્મોને જ સાંકળવા હોય તો માત્ર એક જ ધર્મ હોય અને માત્ર એક જ ધર્મમાં મહિલાઓ સાથે અત્યાચાર થતા હોય તેવું પણ નથી. પરંતુ કુંદન કુમાર (કે આ પ્રકારના કૃત્યો કરતા કોઈ પણ) બહુ સારી રીતે જાણે છે કે અન્ય ધર્મો વિશે ચિત્રો બનાવવાં તો દૂર, બોલવાથી જ શું પરિણામો આવે છે!

    આ જ ધર્મનિરપેક્ષતાનો ઝંડો લઈને ફરતા અને અન્યાયો સામે નીડરતાથી બોલવાની વાતો કરનારાઓ અન્ય ધર્મો, મઝહબોની વ્યાજબી ટીકા કરવાની વાત આવે ત્યારે મોં પર આંગળી મૂકીને બેસી જાય છે. કારણ કે તેમ કરવાથી શું પરિણામો ભોગવવાં પડે છે તે તેઓ પણ જાણે છે. ત્યાં કાયદેસર કાર્યવાહી કરવાની, માફી મંગાવવાની કે સ્વીકારવાની વાતો જ આવતી નથી, ત્યાં વાત સીધી હત્યા સુધી પહોંચી જાય છે અને બીજા દિવસથી ‘સર તન સે જુદા’ની ધમકીઓ મળવા માંડે છે. 

    વર્ષોથી એક જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી રહી છે. હિંદુ આસ્થા, પરંપરા કે દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, વિરોધ થાય છે, ક્યારેક વાત FIR સુધી પહોંચે છે અને માફી માંગી લેવામાં આવે છે અને ઉપરથી સહાનુભૂતિ ઉઘરાવવામાં આવે છે. કુંદન કુમારનો કિસ્સો આવું જ એક તાજું ઉદાહરણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં