વૈદિક પરંપરાથી લઈને પૌરાણિક અને મધ્યયુગ સુધી જેનો વૈભવ અમર રહ્યો, જે સનાતન સંસ્કૃતિનું પ્રથમ સ્થાન રહ્યું, જ્યાંથી જ્ઞાન અને ધર્મનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો, તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સ્વાભિમાન પર્વ ઉજવાય રહ્યું છે. ઉજવણી સનાતન સભ્યતાની નિરાંતરતાની છે, હિંદુઓની સહનશીલતાની છે અને 1000 વર્ષની સંઘર્ષપૂર્ણ યાત્રાની છે. વડા પ્રધાન મોદીએ સોમનાથમાં સભા દરમિયાન પોતાના ઐતિહાસિક ભાષણોમાં સોમનાથ વિશે ઘણું કહ્યું છે. તેમાં એક વાક્ય એવું પણ હતું કે સનાતન સંસ્કૃતિના શિખર સોમનાથને ખતમ કરવા આવેલા ઇસ્લામી આક્રાંતાઓને માત્ર ‘લૂંટારા’ કહીને વ્હાઇટવોશ કરવામાં આવ્યા છે.
મોદીએ કહ્યું કે ઇસ્લામી આક્રાંતાઓનાં આક્રમણોને દાયકાઓ સુધી ઇતિહાસમાં ‘લૂંટ’ અથવા ‘ધન-સપંતિની લાલચ’ સુધી સીમિત રાખીને રજૂ કરવામાં આવ્યાં, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ સભ્યતા, આસ્થા અને સાંસ્કૃતિક સ્મૃતિઓને નષ્ટ કરવાનો સંગઠિત મજહબી કટ્ટરવાદી પ્રયાસ હતો. ઇસ્લામી કટ્ટરપંથીઓને લૂંટારા કહીને મજહબી ઉન્માદ અને સભ્યતાવાદી વિધ્વંસ પર ચાદર ઢાંકી દેવામાં આવી. આ ઇતિહાસબોધ પર સીધો પ્રહાર હતો, જેને સ્વતંત્ર ભારતમાં યોજનાબદ્ધ રીતે ઘડવામાં આવ્યો હતો.
વડા પ્રધાનનું આ નિવેદન મહત્વપૂર્ણ એટલા માટે છે કે પહેલી વખત કોઈ સર્વોચ્ચ પદ પર આસીન વ્યક્તિએ આ વાત કરી છે અને આ વાત કરવા માટે દુર્ભાગ્યપૂર્ણ રીતે સ્વતંત્ર ભારતને 8 દાયકા જેટલો સમય લાગ્યો છે. આ ‘ઇતિહાસ’ને ભારત સ્વાધીન થયું ત્યારે જ ધરબી દેવાની જરૂર હતી, પણ ‘પ્રથમ વડા પ્રધાન’ નેહરુએ સોમનાથ પ્રત્યે ક્યારેય રસ દાખવ્યો નહોતો. ત્યારબાદ હવે જઈને ભારતને સર્વોચ્ચ પદ પર એવી વ્યક્તિ મળી છે જે સનાતન સંસ્કૃતિને શિર પર રાખીને વામપંથી પ્રોપગેન્ડાને એક-એક કરીને તોડી રહી છે.
‘લૂંટ’નો નેરેટિવ અને વામપંથી ઇતિહાસકારોની ભૂમિકા
સ્વતંત્ર ભારતમાં વિકસિત વામપંથી ઇતિહાસલેખને ઇસ્લામી આક્રમણોને એક ખાસ ફ્રેમમાં રજૂ કર્યાં. આર્થિક લૂંટ, રાજકીય વિસ્તાર અને તિજોરી ભરવાની જરૂરિયાત. આ વ્યાખ્યા મુજબ મંદિરો એટલા માટે તોડવામાં આવ્યાં કારણ કે ત્યાં ધન હતું, દેવાલયો તેથી ધ્વસ્ત કરવામાં આવ્યાં કારણ કે તે ‘ધનનો ભંડાર’ હતાં. પરંતુ જો ઉદ્દેશ્ય માત્ર લૂંટ જ હતો તો પ્રશ્ન ઉઠે છે કે સોમનાથ જેવાં મંદિરને વારંવાર કેમ તોડવામાં આવ્યું? એક જ સ્થળને, એક જ આસ્થાને, એક જ પ્રતીકને લક્ષ્ય બનાવવું શું સંયોગ હતો? હેતુ માત્ર લૂંટનો જ હતો તો ગઝનવીએ કેમ શિવલિંગનું અપમાન કર્યું, હથોડાના ઘા મારીને તેના ચાર ટૂંકડા કેમ કર્યા?
હકીકત એ છે કે ઇસ્લામી આક્રાંતાઓ પાસે ધન એકઠું કરવા ભારત સિવાયના અનેક વિકલ્પો હતા, પણ તેમણે ‘કાફિરોની ધરતી’ને પસંદ જ એટલા માટે કરી હતી કે સનાતન સભ્યતાને ખતમ કરી શકાય. હિંદુઓનાં ગૌરવ ગણાતા મંદિરોને ધ્વસ્ત કરીને તેમના સ્વાભિમાન, આત્મવિશ્વાસને કાયમ માટે ધરાશાયી કરી શકાય. તેમનો હેતુ માત્ર ‘લૂંટફાટ’ કરવાનો હોત તો ગઝનવી ભારત વિરુદ્ધ ‘પાક જેહાદ’ છેડવાની કસમ ન ખાત.
ઇસ્લામી આક્રાંતાઓએ પોતે તેમના કથિત ઇતિહાસકારો પાસે હિંદુઓના નરસંહાર અને મંદિર પરંપરાના નાશ વિશે અભિમાનથી લખાવ્યું હતું. તેમના પોતાના પુસ્તકોમાં સ્પષ્ટ લખેલું છે કે મહમૂદ ગઝનવીએ ભારત વિરુદ્ધ દર વર્ષે જેહાદ કરવાની કસમ ખાધી હતી. પુસ્તકોનાં પાનાં પર નોંધાયું છે કે ગઝનવી ભારતને માત્ર સમૃદ્ધ ભૂમિ જ નહીં, પરંતુ ‘દાર-ઉલ-હર્બ’ માનતો હતો, એટલે કે એવો વિસ્તાર જ્યાં ઇસ્લામી મજહબી યુદ્ધને વૈધ અને ‘પાક કામ’ ગણવામાં આવ્યું છે.
આ સંદર્ભમાં અભિયાનને ‘Only True Faith’ એટલે કે એકમાત્ર સત્ય મજહબના નામે લડાયેલું યુદ્ધ ગણાવવામાં આવ્યું છે. મંદિરોનો વિનાશ, મૂર્તિઓનું અપમાન અને આસ્થાઓનું અપહરણ, આ બધું યુદ્ધની રણનીતિ નહીં, પરંતુ મજહબી ઈરાદા હતા. અભિયાનને ઇસ્લામના લીલા ઝંડા હેઠળ કાફિરો અને મૂર્તિપૂજકો વિરુદ્ધ ગણાવવામાં આવ્યું હતું, જ્યાં લૂંટને જેહાદનો પુરસ્કાર માનવામાં આવ્યો હતો.
અહીં લૂંટ ઉદ્દેશ્ય નહોતો, પણ એક સાધન હતું. ઉદ્દેશ્ય હતો- સનાતન સભ્યતાનું દમન અને મજહબી વર્ચસ્વની સ્થાપના. ઇસ્લામી આક્રાંતાઓ માટે મંદિરોનો વિનાશ વૈચારિક વિજયનું પ્રતીક હતું, કરોડો સનાતનીઓને તે સંદેશ આપવા માટે કે પરાજિત માત્ર રાજા જ નહીં, આખી સભ્યતા છે.
માત્ર મંદિર પર નહીં, સનાતન ચેતના પર થયા હતા પ્રહાર
ઇસ્લામી આક્રાંતાઓ માટે સોમનાથ પર આક્રમણ એટલા માટે મહત્વનું નહોતું કે ત્યાં અપાર ધન હતું, પરંતુ એટલા માટે મહત્વનું હતું કે તે હિંદુ સભ્યતાનો આત્મવિશ્વાસ હતું. આરબ પ્રવાસીઓ, ઇસ્લામી ઇતિહાસકારો અને દરબારી લેખકોએ પોતે લખ્યું છે કે સોમનાથને ધ્વસ્ત કરવું ઇસ્લામી દુનિયામાં ઈમાનના વિજય તરીકે રજૂ કરવામાં આવ્યું.
જો ઉદ્દેશ્ય માત્ર સોનું-ચાંદી જ હોત તો મૂર્તિને ગઝની લઈ જઈને અપમાનિત કરવાની શું જરૂર હતી?
જો આ માત્ર રાજકીય યુદ્ધ જ હોત તો ધાર્મિક પ્રતીકોને નિશાન કેમ બનાવવામાં આવ્યા? ભારતના અનેક ઇતિહાસકારોએ ઇસ્લામી આક્રમણોને ‘સાંસ્કૃતિક આદાન-પ્રદાન’, ‘સંઘર્ષ અને સમન્વય’ જેવા શબ્દોમાં લપેટી દીધાં. જેહાદ શબ્દને ક્યારેક હટાવી દેવામાં આવ્યો અથવા તેને અપ્રાસંગિક બનાવી દેવામાં આવ્યો.
કારણ સ્પષ્ટ હતું. જો જેહાદને તેના મૂળ અર્થમાં સ્વીકારવામાં આવે તો એ સ્વીકારવું પડે કે હિંદુ સભ્યતાનો વિનાશ એક મજહબી લક્ષ્ય હતો, નહીં કે આકસ્મિક પરિણામ. આ સ્વીકારવાથી તે વૈચારિક ઢાંચો તૂટી જાય જેમાં ઇસ્લામી આક્રાંતાઓને તટસ્થ શાસક અને હિંદુઓને નિષ્ક્રિય દર્શાવવામાં આવ્યા છે.
મોદીનું વક્તવ્ય: ઇતિહાસનાં પુનર્ગઠનની જરૂરિયાત
વડા પ્રધાન મોદીનું વક્તવ્ય આ જ પૃષ્ઠભૂમિમાં મહત્વનું બને છે. તેઓ એમ નથી કહેતા કે ઇતિહાસ બદલવો જોઈએ, તેઓ કહે છે કે ઇતિહાસને તેના સંપૂર્ણ સત્ય સાથે રજૂ કરવો જોઈએ. સોમનાથ સ્વાભિમાન પર્વનો સંદેશ પણ સ્પષ્ટ છે કે સભ્યતા પર થયેલાં મજહબી આક્રમણોને લૂંટ કહીને નાના કે સંકુચિત ન કરી શકાય. જેહાદને આર્થિક અભિયાન કહીને ઢાંકી ન શકાય અને સનાતન ભારતના સંઘર્ષને મિથ્યા કહીને ભૂંસી ન શકાય.
સોમનાથ માત્ર એક મંદિર નથી. તે એ ઐતિહાસિક સંઘર્ષનું પ્રતીક છે, જ્યાં સનાતન સભ્યતાએ વારંવાર તૂટીને પણ હાર ન માની. આજે વડા પ્રધાન સોમનાથમાંથી ઇતિહાસના આ વ્હાઇટવોશને પડકારે છે તો તે એક સભ્યતાગત આત્મસ્વીકૃતિ છે. વામપંથી ઇતિહાસકારોએ જે ‘લૂંટ’ના પડદા પાછળ જેહાદને છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો, તે પડદો હવે હટી રહ્યો છે. અને કદાચ આ જ સોમનાથ સ્વાભિમાન પર્વનો સૌથી મોટો અર્થ છે.
આજે સોમનાથ ફરી અડીખમ ઊભું છે, તે જીત માત્ર પથ્થરોની નથી, પરંતુ સ્મૃતિનો વિજય છે. તે સ્મૃતિ, જેને દબાવવાનો પ્રયાસ વામપંથી ઇતિહાસકારોએ કર્યો, જેને ભૂંસવાનો પ્રયાસ આક્રાંતાઓએ કર્યો અને જેને જીવંત રાખી વીર હમીરસિંહજી, કુમારપાળ, રાણી અહિલ્યાબાઈ હોલકર જેવાં મહાન હિંદુ શાસકો અને સનાતન સભ્યતાના કરોડો શ્રદ્ધાળુઓએ.


