શનિવારે (7 જૂન) કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં (The Indian Express) એક ભ્રામક લેખ લખ્યો હતો. જેમાં તેમણે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Elections) પાર્ટીની હારને ‘ઔદ્યોગિક સ્તરે ધાંધલી’નું પરિણામ ગણાવવાનો પ્રયાસ કર્યો હતો. લેખનું શીર્ષક હતું ‘મેચ-ફિકસીંગ મહારાષ્ટ્ર’ (Match-Fixing Maharashtra). લેખની શરૂઆતમાં જ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, ‘ધાંધલીનું સ્તર એટલું ભયાનક હતું કે, તેને છુપાવવાના તમામ પ્રયાસો છતાં કોઈપણ બિન-સત્તાવાર સ્ત્રોત પર આધાર રાખ્યા વિના, સત્તાવાર આંકડાઓથી સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે, જે દરેક પગલે ખેલ થયો હોવાનો ખુલાસો કરે છે.’
પોતાના ખોટા દાવાઓને સત્ય સાબિત કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કહ્યું છે કે, ભાજપ સરકારે ‘અમ્પાયરોની નિમણૂક માટે પેનલમાં ધાંધલી કરી હતી.’ તેમણે એવું પણ કહ્યું કે,ભાજપ સરકારે ચૂંટણી કમિશનરોની નિમણૂક માટે બનાવેલી પેનલમાંથી ભારતના મુખ્ય ન્યાયાધીશને (CJI) દૂર કર્યાં અને 2:1ની બહુમતી સુનિશ્ચિત કરી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, આ કોઈક રીતે ‘તટસ્થ મધ્યસ્થ’ને હટાવવાનો પ્રયાસ હતો.
How to steal an election?
— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu
હવે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, 1951-1952માં થયેલી પહેલી ચૂંટણીથી લઈને માર્ચ 2023 સુધીની તમામ ચૂંટણીઓમાં ચૂંટણી કમિશનરની નિમણૂક હંમેશા ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણ પર કરવામાં આવે છે. (100% સરકારી ભાગીદારી રહે છે.) 2023ના ચૂંટણી કમિશનર નિમણૂક અધિનિયમના અમલ પછી નક્કી થયું હતું કે, પસંદગી પેનલમાં ઓછામાં ઓછું 1/3 વિપક્ષી પ્રતિનિધિ હશે. (જે રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી દ્વારા જીતવામાં આવેલી તમામ ચૂંટણી દરમિયાન હાજર નહોતું.)
મોદી સરકાર દ્વારા રજૂ કરાયેલા આ કાયદાએ મનસ્વી ન્યાયિક સક્રિયતા પર રોક લગાવી દીધી છે. આ ઉપરાંત કારોબારી અને વિધાનસભામાં પણ નિહિત સત્તાઓને લઈને ન્યાયતંત્રને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. એટલું જ નહીં, મોદી સરકારે કરેલા સુધારાએ ચૂંટણી કમિશનરોની નિમણૂકમાં શાસક પક્ષ પાસે રહેલી ક્રૂર શક્તિનો અંત લાવ્યો હતો.કોંગ્રેસે દાયકાઓ સુધી સત્તામાં રહીને પોતાને આવી અમાપ શક્તિ આપી હતી. અગાઉ કેન્દ્રમાં સત્તામાં રહેલો પક્ષ મનસ્વી રીતે ચૂંટણી કમિશનરો નક્કી કરી શકતો હતો, પરંતુ તે મોદી સરકાર જ હતી, જેણે આ પ્રક્રિયામાં વિરોધ પક્ષના નેતાનો સમાવેશ કરીને પોતાની શક્તિ (એક શક્તિ જે કોંગ્રેસ સત્તામાં ભોગવતી હતી) ઓછી કરી દીધી હતી.
રાહુલ ગાંધી પ્રક્રિયાને ન્યાયી બનાવવા બદલ મોદી સરકારની ટીકા કરે છે, પરંતુ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે સુપર પીએમ સોનિયા ગાંધીએ કોઈ બંધારણીય પદ અને સત્તા ન હોવા છતાં ચૂંટણી કમિશનરોની નિમણૂક કરી હતી. એવું કહેવાય છે કે, જેમની પાસે છુપાવવા માટે ઘણું હોય છે, તેઓ બીજાઓ પર આરોપ લગાવે છે, જેના દોષિત તેઓ પોતે હોય છે- આ કહેવત રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ માટે યોગ્ય લાગે છે.
મતદાતા નોંધણીમાં વૃદ્ધિના ભ્રામક દાવા
રાહુલ ગાંધીએ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના વાચકોને ‘નવા મતદારાઓની નોંધણીમાં વધારો’ થવા અંગે પણ ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. તેમણે ભ્રામક દાવો કર્યો છે કે, 2024ની મહારાષ્ટ્રની ચૂંટણીમાં મતદારોની સંખ્યા રાજ્યના કુલ પુખ્ત લોકોની સંખ્યા કરતાં વધુ હતી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, “ચૂંટણી પંચના (EC) ડેટા દર્શાવે છે કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં નોંધાયેલા મતદારોની સંખ્યા 8.98 કરોડ હતી, જે પાંચ વર્ષ પછી મે 2024ની લોકસભા ચૂંટણીમાં વધીને 9.29 કરોડ થઈ ગઈ. પરંતુ માત્ર પાંચ મહિના પછી નવેમ્બર 2024ની વિધાનસભા ચૂંટણી સુધીમાં આ સંખ્યા 9.70 કરોડ થઈ ગઈ. પાંચ વર્ષમાં 31 લાખનો અને ત્યાર પછીના માત્ર પાંચ મહિનામાં 41 લાખનો વધારો થયો.”
જો આપણે છેલ્લી 5 લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે ઉમેરાયેલા મતદારોની સંખ્યાના ઐતિહાસિક ડેટા પર નજર કરીએ – પરિણામોને ધ્યાનમાં લીધા વિના, તો લોકસભા ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે મતદારોની સંખ્યામાં ટકાવારી વધારો ચાર ગણો, એટલે કે લગભગ 4% રહ્યો છે.

ઉપરોક્ત કોષ્ટકથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે, 2024માં 4.26% મતદારો વધ્યા, 2019માં 1.31%, 2014માં 3.48%, 2009માં 4.13% અને 2004માં 4.69% (2024થી વધુ) મતદારો વધ્યા હતા. આ રીતે રાહુલ ગાંધીનો મતદાતા નોંધણીમાં થયેલી વૃદ્ધિને ધાંધલી સાથે જોડવાનો પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થાય છે.
‘વધારે મતદાન’ થયું હોવાના દાવા સાથે વધુ એક જુઠ્ઠાણું
ગાંધી પરિવારના યુવરાજે ચૂંટણીના દિવસે મતદાનમાં ધાંધલી થઈ હોવાનો આરોપ પણ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે, “સાંજે 5 વાગ્યે મતદાન 58.22 ટકા હતું. વોટિંગ બંધ થયા પછી પણ મતદાન વધતું રહ્યું હતું. બીજા દિવસે સવારે જ અંતિમ મતદાન 66.05 ટકા નોંધાયું હતું. આ અભૂતપૂર્વ 7.43 ટકાનો વધારો 76 લાખ મતદાતાઓ બરાબર છે- જે મહારાષ્ટ્રમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ કરતાં તુલનામાં ખૂબ વધુ છે.”
ચૂંટણી પંચે નવેમ્બર, 2024માં કોંગ્રેસ પાર્ટીના આ ભ્રામક દાવાઓની પોલ ખોલી નાખી હતી. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. ચોકલિંગમે તે સમયે કહ્યું હતું કે, મતદાનના સમય પછી મતદાનમાં વધારો થવો અસામાન્ય નથી અને તે માનક પ્રક્રિયાઓ પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં ઘણા મતદાન મથકો પર સાંજે 6 વાગ્યાથી મતદારો કતારમાં હતા. 2019માં પણ ટકાવારી સાંજે 5 વાગ્યે 54.43% (આશરે) અને અંતિમ [ગણતરી] પર 61.10% હતી. શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં (જે મહારાષ્ટ્રમાં મોટો હિસ્સો ધરાવે છે) મોટી સંખ્યામાં મતદારો સાંજે જ મતદાન માટે આવે છે.”
In Maharashtra, Voters were in queue at 6 pm in many of the polling stations.
— ChiefElectoralOffice (@CEO_Maharashtra) November 28, 2024
In Jharkhand, there are less than thirty thousand polling booths. In Maharashtra there are more than one lac polling booths. (2/2)
મુખ્ય ચૂંટણી અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું કે, “તે ધ્યાન રાખવું જરૂરી છે કે, મતદાનના દિવસે સાંજે 5 વાગ્યા સુધી બે કલાકની મતદાનની માહિતી માત્ર મૌખિક ટેલિફોન સંચાર પર આધારિત હોય છે. બીજી તરફ મતદાન એજન્ટોને ‘મતદાન સમાપ્તિ’ના સમયે આપવામાં આવતા ફોર્મ-17C અંતિમ ટકાવારી અને મતગણના સાથે મેળ ખાય છે. ફોર્મ-17Cની માહિતી ઉમેદવારના ગણતરી એજન્ટો દ્વારા ગણતરી દરમિયાન મેળ ખાય છે.”
ઈરાદાપૂર્વક લોકસભા અને વિધાનસભાના પરિણામોને જોડે છે રાહુલ ગાંધી
ગાંધી પરિવારના ઉત્સાહી યુવરાજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શનને રાજ્યમાં 2024ની લોકસભા ચૂંટણીના પરિણામો સાથે જોડીને તર્કસંગત બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે એવા બુથોની પસંદી કરીને યાદી બનાવી હતી, જ્યાં કોંગ્રેસે ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે યાદીના આધારે તેમણે આરોપ લગાવી દીધો કે, “ભાજપે 2024ની વિધાનસભા ચૂંટણીમાં 149 બેઠકોમાંથી 132 બેઠકો જીતી છે, જે 89 ટકાનો સ્ટ્રાઇક રેટ છે, જે તેણે કોઈપણ સમયે અથવા કોઈપણ સ્થળે મેળવેલા સ્કોર કરતાં ઘણો વધારે છે. તેની તુલનામાં માત્ર પાંચ મહિના પહેલાંની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 32 ટકા હતો.”
હવે દેખીતી વાત એ છે કે, લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારો અલગ અલગ રીતે મતદાન કરે છે. ઓડિશામાં 2019ની લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી, જે એકસાથે હાથ ધરવામાં આવી હતી, તેમાંથી એક કેસ સ્ટડી લઈ શકાય તેમ છે.
ઓડિશાની બંને ચૂંટણીના પરિણામો તદ્દન અલગ હતા. ઓડિશામાં લોકસભા ચૂંટણીમાં ભાજપે 38% બેઠકો જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં તેને ફક્ત 15.6% બેઠકો મળી હતી. જેમ અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, મતદાન એકસાથે કરવામાં આવ્યું હતું. જોકે, મહારાષ્ટ્રના કિસ્સામાં બંને ચૂંટણીઓ વચ્ચે 5 મહિનાનો ફેર પણ હતો.
આમ રાહુલ ગાંધી દ્વારા બે અલગ-અલગ ચૂંટણીઓમાં વિભિન્ન મતદાન પેટર્નને ‘ધાંધલી’ના પુરાવા તરીકે દર્શાવવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
‘પુરાવા છુપાવવા’ને લઈને પણ ફેલાવ્યું જુઠ્ઠાણું
કોંગ્રેસ પાર્ટીને જુઠ્ઠાણું ફેલાવવાની અને પછી ટીકા અને તથ્યો સામે આવ્યા બાદ સરળતાથી પોતાના લક્ષ્યને બદલી કાઢવાની ખરાબ આદત છે. ગુજરાતીમાં આવા કારસ્તાન કરનારાઓને ‘તળિયા વગરના લોટા’ જેવાં શબ્દોથી નવાઝવામાં આવ્યા છે. કોંગ્રેસ પણ તે શબ્દોની હકદાર છે.
જુઠ્ઠાણાંની શરૂઆત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) વિશે શંકાઓ ફેલાવવાથી થઈ, પછી મતદાનની ટકાવારી અને મતદાર યાદીમાં નામ ઉમેરવા/કાઢવા સુધી પણ શંકા વ્યક્ત કરવામાં આવી. (જોકે, સમયે-સમયે ચૂંટણી પંચે કોંગ્રેસના આ દાવાઓને ફગાવી દીધા હતા.)
દરમિયાન, રાહુલ ગાંધીએ એવો દાવો કરીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો કે, “ચૂંટણી પંચે વિપક્ષના તમામ પ્રશ્નોનો મૌન અને આક્રમકતાથી જવાબ આપ્યો છે.” વાસ્તવમાં, નોડલ ચૂંટણી યુનિટે શરૂઆતથી જ મહારાષ્ટ્ર ચૂંટણી અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટેની કવાયત હાથ ધરી હતી.
ગાંધી પરિવારના યુવરાજે વધુમાં આરોપ લગાવ્યો છે કે, “તેણે 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ફોટાવાળી મતદાર યાદી ઉપલબ્ધ કરાવવાની વિનંતીઓને ફગાવી દીધી હતી.” હકીકતમાં, મહારાષ્ટ્રના દરેક મતવિસ્તારના મતદારોની વિગતવાર માહિતી મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મહારાષ્ટ્રની વેબસાઇટ પર જાહેરમાં ઉપલબ્ધ છે.
રાહુલ ગાંધી અહીં જ અટક્યા નહીં, પરંતુ તેમણે ‘પુરાવા છુપાવવા’ માટે શાસક ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વચ્ચે સાંઠગાંઠ હોવાનો પણ આરોપ લગાવી દીધો છે. ‘ ધ ઇન્ડિયન એક્સપ્રેસે’ કોઈપણ ચકાસણી કે તથ્યની તપાસ કર્યાં વિના તેમના આ જુઠ્ઠાણાંઓને પ્રકાશિત કરી દીધા છે.
નિષ્કર્ષ-
પોતાના દુર્ભાવનાપૂર્ણ, જુઠ્ઠાણાંથી ભરેલા લેખના અંતમાં રાહુલ ગાંધી, જેઓ પોતે ચૂંટણી પંચ પર શંકાઓ વ્યક્ત કરી રહ્યા છે, તેમણે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના સંચાલન અંગે ‘જાહેર આશંકા’ હોવાની વાત કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, “એવી આશંકા છે કે, ચૂંટણીમાં ધાંધલીની આ રમત વર્ષોથી ચાલી રહી છે. નિઃશંકપણે રેકોર્ડની તપાસથી કાર્યપદ્ધતિ અને તેમાં સંડોવાયેલા લોકો વિશે પણ માહિતી મળશે. જોકે, વિપક્ષ અને જનતાને દરેક તબક્કે આ રેકોર્ડ્સ સુધી પહોંચવાથી અટકાવવામાં આવે છે.”
આત્મનિરીક્ષણ અને સુધારો કરવાના બદલે કોંગ્રેસ તેની સામાન્ય દોષારોપણની યુક્તિઓ, કોન્સ્પિરસી થિયરી અને સંસ્થાકીય ભ્રષ્ટાચારના વિચિત્ર દાવાઓ (જ્યાં પણ તે ચૂંટણી જીતવામાં નિષ્ફળ જાય છે) પર પરત ફરી છે. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે ભારત પહલગામ આતંકી હુમલામાં નિર્દોષ નાગરિકોની (મુખ્યત્વે હિંદુઓ) હત્યાનો બદલો લેવા માટે ‘ઑપરેશન સિંદૂર’ના ભાગરૂપે પાકિસ્તાન સામે લડી રહ્યું છે.
જ્યારે મોદી સરકારે ભારતની વાતને આગળ વધારવા માટે બહુ-પક્ષીય પ્રતિનિધિમંડળો વિશ્વમાં મોકલ્યા છે, ત્યારે રાહુલ ગાંધી 2024ની મહારાષ્ટ્ર ચૂંટણીના મૃત ઘોડાને પિટવામાં વ્યસ્ત છે. જોકે, આનાથી એ સ્પષ્ટ છે કે, 7 મહિના પહેલાં યોજાયેલી મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહા વિકાસ આઘાડીને (જેમાં કોંગ્રેસ પાર્ટી સહયોગી છે) મળેલી કારમી હાર હજુ પણ ગાંધી પરિવારને સતાવે છે.