હોમપેજરાજકારણટ્રમ્પના અસ્પષ્ટ નિવેદનને ઉઠાવીને સીધો દેશના વડાપ્રધાનને પૂછી લીધો સવાલ: પાકિસ્તાનને નહીં...

ટ્રમ્પના અસ્પષ્ટ નિવેદનને ઉઠાવીને સીધો દેશના વડાપ્રધાનને પૂછી લીધો સવાલ: પાકિસ્તાનને નહીં પણ વિપક્ષી નેતા રાહુલ ગાંધીને જાણવું છે ‘5 હવાઈ જહાજોનું સત્ય’

અહીં સ્પષ્ટ અને સરળ વાત એ છે કે, વિપક્ષને પક્ષ સામે સવાલ પૂછવાનો અધિકાર છે, પરંતુ જ્યારે સવાલ જ જુઠ્ઠા તથ્યો અને એજન્ડા આધારિત હોય, ત્યારે આ માત્ર એક રાજકીય પ્રોપગેન્ડાનો ભાગ બની જાય છે.

- Advertisement -

ઑપરેશન સિંદૂર (Operation Sindoor) સમયે મોદી સરકાર સાથે રહેવાનો દાવો કરનારા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) હવે ફરી પોતાની જૂની પરંપરાની ધૂણી ધખાવી દીધી છે. ઑપરેશન સિંદૂરને વિરામ આપ્યા બાદથી જ રાહુલ ગાંધી અને કોંગ્રેસે સતત સરકારને ટાર્ગેટ કરવા માટે નવા-નવા તૂત ચલાવવાનું ચાલુ રાખ્યું છે. આ જ ક્રમમાં હવે રાહુલ ગાંધીએ સેના પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના (Donald Trump) અસ્પષ્ટ નિવેદનને આધાર બાનવીને દેશના વડાપ્રધાનને (PM Modi) પ્રશ્નો પૂછીને સેનાનું મનોબળ તોડવા માટેના પ્રયાસો કર્યાં છે. રાહુલ ગાંધીએ ન માત્ર સવાલ પૂછ્યા પણ તેમણે જનતાને ઢાલ બનાવીને ‘સત્ય જાણવાની’ ઈચ્છા પણ વ્યક્ત કરી છે. 

વાસ્તવમાં સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદનના કારણે થઈ હતી. ટ્રમ્પે તાજેતરમાં ફરી એક વખત ભારત-પાકિસ્તાન સંઘર્ષને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે વ્યક્તિગત રાજકીય હિત સાધવા માટે એવો દાવો કર્યો હતો કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ તેમણે અટકાવ્યો છે અને આ સંઘર્ષ દરમિયાન 5 હવાઈ જહાજો તોડી પડાયા છે. જોકે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે, તે વિમાનો કયા દેશના હતા. પરંતુ, ટ્રમ્પના આવા ઉટપટાંગ નિવેદનોથી વિશ્વ આખું વાકેફ છે. 

જે રીતે ટ્રમ્પે પોતાના વ્યક્તિગત રાજકારણને સાધવા માટે આવા અસ્પષ્ટ નિવેદનો આપ્યા છે, એ જ રીતે રાહુલ ગાંધીએ પણ પોતાનું રાજકારણ સાધવા માટે તેમના નિવેદનોનો સહારો લઈને દેશના વડાપ્રધાનને સંબોધીને સેના પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને જહાજોને તોડી પાડવાની બાબતનું સત્ય જાણવાની વાત કરી છે. રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાનને આ રીતના પ્રશ્નો પૂછીને એ સાબિત કરવાનો વ્યર્થ પ્રયાસ કર્યો છે કે, આ હવાઈ જહાજો ભારતના જ હતા. 

- Advertisement -

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા X પર ડોનાલ્ડ ટ્રમ્પનું તે અસ્પષ્ટ નિવેદન પોસ્ટ કર્યું છે અને સાથે કેપશન પણ લખ્યું છે. કેપશનમાં તેમણે વડાપ્રધાન મોદીને સંબોધીને એક અતાર્કિક સવાલ પૂછ્યો છે. તેમણે પૂછ્યું છે કે, “મોદીજી, 5 જહાજોનું સત્ય શું છે?” અંતે તેમણે પોતે જ નક્કી કરીને કહી દીધું છે કે, “દેશને આ જાણવાનો અધિકાર છે.” વાસ્તવમાં જાણવું તો કોંગ્રેસના આ જાજરમાન નેતાને છે. તેઓ અહીં દેશ અને દેશની જનતાનો ઉપયોગ માત્ર એક ઢાલ તરીકે કરી રહ્યા છે.

ટ્રમ્પના અસ્પષ્ટ નિવેદનનો આધાર લઈને નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ

અહીં પ્રશ્ન એ છે કે, એક જવાબદાર વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી સંપૂર્ણપણે સભાન અવસ્થામાં ડોનાલ્ડ ટ્રમ્પના આવા અસ્પષ્ટ નિવેદનને લઈને દેશના વડાપ્રધાનને પ્રશ્ન કઈ રીતે કરી શકે. જોકે, ટ્રમ્પે પોતાના નિવેદનમાં એવું ક્યાંય કહ્યું પણ નથી કે, ભારતે પોતાના 5 હવાઈ જહાજો ગુમાવ્યા છે. આ ફોડ ન પાડ્યો હોવા છતાં રાહુલ ગાંધીએ દેશના વડાપ્રધાન પાસેથી સત્ય જાણવાની વાત કરી છે. રાહુલ ગાંધીના આ વર્તનના કારણે એ સ્પષ્ટ થઈ જાય છે કે, તેમણે જાણીજોઈને એક અસ્પષ્ટ અને પુષ્ટિ કર્યાં વગરના, પાયાવિહોણાં નિવેદનના આધારે નેરેટિવ સેટ કરવાના પ્રયાસો કર્યાં છે.

બીજું એ પણ ધ્યાને રાખવા જેવું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અંગત રાજકીય સ્વાર્થને સાધવા માટે આવા નિવેદનો આપતા રહ્યા છે. તાજેતરના દિવસોમાં તેમણે આવા અનેક નિવેદનો આપ્યા છે અને દુનિયાભરના રાજકીય પક્ષો તે અંગે જાણે પણ છે. તેમનો એક માત્ર સ્વાર્થ શાંતિ પુરસ્કારનો છે. તેઓ વારંવાર એ સાબિત કરવાના પ્રયાસો કરી રહ્યા છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને તેમણે જ અટકાવ્યો છે. જોકે, આ વખતે વાતને વધુ સારી રીતે રજૂ કરવા માટે ટ્રમ્પે હવાઈ જહાજોનો ઉલ્લેખ પણ કરી દીધો છે. 

એટલે પ્રશ્ન એ ન થવો કે કરવો જોઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા નિવેદનો કેમ આપે છે. પ્રશ્ન એ થવો જોઈએ કે, તમારી સેના અને તમારા નાયક કરતાં તમે એક વિદેશી નેતાની વાત પર કઈ રીતે વિશ્વાસ કરી શકો અને કઈ રીતે તેને ગળે ઉતારી શકો? આ બધા તારણોને જોતાં તો એ સ્પષ્ટ થઈ જાય છે કે, રાહુલ ગાંધીએ માત્ર પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે જ ટ્રમ્પના આવા અસ્પષ્ટ નિવેદનનો ઉપયોગ કર્યો છે. 

સેનાએ વારંવાર આપ્યા છે આધિકારિક નિવેદન

જોકે, રાહુલ ગાંધીએ એ પણ ધ્યાને રાખવા જેવું હતું કે, ભારતીય સેનાના અધિકારીઓએ અવારનવાર નિવેદનો આપીને જણાવ્યું છે કે, ભારતને થોડું નુકસાન થયું છે અને યુદ્ધની સ્થિતિમાં થવું સ્વાભાવિક પણ છે. પરંતુ પાકિસ્તાન દ્વારા ભારતના હવાઈ જહાજ તોડી પાડવાની બાબત સેનાએ પણ નકારી કાઢી છે અને અજીત ડોભાલે પણ નકારી કાઢી છે. આટલી સ્પષ્ટ સમજ આપી હોવા છતાં રાહુલ ગાંધીને માત્ર મોદી પાસેથી જવાબ જોઈએ છે. એકંદરે તો પોતાના અંગત રાજકીય હિતોને સાધવા અને સેનાનું મનોબળ તોડવા માટેનો આ સ્પષ્ટ પ્રયાસ લાગી રહ્યો છે.

આ ઉપરાંત રાફેટ ફાઇટર જેટનું નિર્માણ કરતી ફ્રાન્સની કંપનીના CEOએ પણ પુષ્ટિ કરી છે કે, પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતે એક પણ રાફેટ જેટ નથી ગુમાવ્યું. વાસ્તવિકતા એ છે કે, રાહુલ ગાંધી રાજકારણની આડમાં એ સાબિત કરવા માટે મથી રહ્યા છે કે, ભારતે 5 હવાઈ જહાજ ગુમાવ્યા છે. અગાઉ પણ રાહુલ ગાંધીએ આવું જ કારસ્તાન કર્યું હતું અને સેનાને સીધો સવાલ કરી દીધો હતો કે, ભારતે પાકિસ્તાન સાથેના સંઘર્ષ દરમિયાન કેટલા રાફેટ જેટ ગુમાવ્યા છે. જોકે, પ્રશ્ન કર્યાં બાદ તેમને જવાબમાં કોઈ રસ હોતો નથી. તેમનો આખરી ધ્યેય જવાબ નહીં પણ સસ્તું રાજકારણ હોય છે. 

રાષ્ટ્રીય સુરક્ષા પર તોળાતું રાજકારણ

આવા સંવેદનશીલ મુદ્દાઓ પર દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશના વિપક્ષના નેતા જ્યારે કોઈપણ ચકાસણી અને પુષ્ટિ વગર આરોપો લગાવવાનો કે પોતાના રાજકીય હિતો સાધવાનો પ્રયાસ કરે છે તો તે સેનાના મનોબળને પણ તોડે છે અને સેનાના પરાક્રમ પર સવાલ પણ ઉઠાવે છે. રાહુલ ગાંધીના આ જ નિવેદનનો ઉપયોગ એક સમયે પાકિસ્તાન કરશે અને તે અગાઉ કરી પણ ચૂક્યું છે. પાકિસ્તાન પોતે કહેશે કે, ભારતના વરિષ્ઠ નેતાઓ (વિપક્ષી) પણ સંદેહ વ્યક્ત કરી રહ્યા છે કે, ભારતે 5 હવાઈ જહાજો ગુમાવ્યા છે. તેવામાં પાકિસ્તાન માટે હાથો બનવું અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવવા કોઈપણ કાળે યોગ્ય સાબિત કરી શકાય તેમ નથી. 

રાહુલ ગાંધીના આ પગલાંના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારતની સ્થિતિ નબળી સાબિત થઈ શકે છે. એક તરફ દેશના વડાપ્રધાન ઑપરેશન સિંદૂર બાદ દેશનો પક્ષ અને વિપક્ષ એક હોવાની વાતો કરીને આતંકવાદ અને તેને સમર્થન આપનારા દેશ વિરુદ્ધ શંખનાદ કરે છે તો બીજી તરફ વિપક્ષના નેતા જ રાષ્ટ્રીય એકતાને તોડવાનું કામ કરી રહ્યા છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એ સંદેશ પહોંચે છે કે, વાસ્તવમાં ભારતમાં પક્ષ અને વિપક્ષમાં ખેંચતાણ જોવા મળી રહી છે. 

અહીં સ્પષ્ટ અને સરળ વાત એ છે કે, વિપક્ષને પક્ષ સામે સવાલ પૂછવાનો અધિકાર છે, પરંતુ જ્યારે સવાલ જ જુઠ્ઠા તથ્યો અને એજન્ડા આધારિત હોય, ત્યારે આ માત્ર એક રાજકીય પ્રોપગેન્ડાનો ભાગ બની જાય છે. સવાલ પૂછવાનો અધિકાર ન માત્ર વિપક્ષને પરંતુ સામાન્ય નાગરિકોને પણ છે. પરંતુ એનો અર્થ એ નથી કે, સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવવા કે અન્ય વિદેશી નેતાઓની વાતોને સત્ય માનીને દેશની સિસ્ટમ પર જ દોષ ઢોળવાનો પ્રયાસ કરવો.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં