Tuesday, March 31, 2026
More
    હોમપેજરાજકારણનરેન્દ્ર દામોદરદાસ મોદી: ન ભૂતો, ન ભવિષ્યતિ

    નરેન્દ્ર દામોદરદાસ મોદી: ન ભૂતો, ન ભવિષ્યતિ

    મોદીને દેશના સામાન્ય માણસની ક્ષમતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. સામાન્ય માણસને મોદીના નેતૃત્વ પર અપાર વિશ્વાસ છે. આ પરસ્પર વિશ્વાસ જ્યાં સુધી ટકેલો રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત મોદીને હરાવી શકે તેમ નથી. 

    - Advertisement -

    (તંત્રીલેખ, 17 સપ્ટેમ્બર)

    કોઈ નેતાનો જન્મદિવસ રાષ્ટ્ર માટે, જનતા માટે ઉત્સવ બની જાય, દેશભરમાં ઉજવણી થાય એવું આપણે છેલ્લે ક્યારે જોયું હતું? ભૂતકાળમાં નેતાઓના જન્મદિવસો આવતા હતા, સરકાર સ્તરે થોડીઘણી ઉજવણી થતી અને વહી જતા હતા. કોઈ પણ મિશનને જનઆંદોલનમાં ફેરવી નાખવાની નરેન્દ્ર મોદીની તાસીર રહી છે. જોકે તેમના જન્મદિવસની ઉજવણીમાં દેશ સ્વયંભૂ આગળ આવે છે, મોદીએ પોતે કશું કરવું પડતું નથી. સરકાર અને ભાજપ મોદીના જન્મદિવસની ઉજવણી રાષ્ટ્રવ્યાપી બનાવવા માટે પ્રયાસો કરતાં હશે તેવું માની પણ લઈએ તોપણ, મોદીના જન્મદિવસે જેવો માહોલ દેશમાં સર્જાય છે તે જ્યાં સુધી લોકો સ્વયંભૂ ન જોડાય ત્યાં સુધી સર્જી શકાતો નથી. 

    આજના દિવસે થતો શુભેચ્છાનો વરસાદ, ભાવવિભોર પોસ્ટ્સ, ઠેરઠેર થતાં સામાજિક કામો અને જનતાનું તેમાં હોંશભેર જોડાવું– આ બધું પુરવાર કરે છે કે મોદી ખરા અર્થમાં ‘પીપલ્સ લીડર’ બનીને રહ્યા છે. એ જ કારણ છે કે એક ગ્લોબલ ગેંગને તેઓ આંખમાં કણાની જેમ ખૂંચતા હોવા છતાં, માર્ગમાં આટલી અડચણો અને પડકારો આવ્યાં છતાં તેઓ અડગ રહ્યા છે, અઢી દાયકાથી સત્તામાં છે. જ્યારે તમે છેવાડાના માણસ સાથે એક સંબંધ બનાવી લો છો, જોડાણ સ્થાપિત થઈ જાય છે પછી ગમે તેટલાં મજબૂત મૂળિયાં ધરાવતી ઇકોસિસ્ટમ પણ તમારું કશું બગાડી શકતી નથી એ મોદીએ આટલાં વર્ષોના શાસનમાં સાબિત કર્યું છે. 

    - Advertisement -

    મોદીએ કરેલાં કામો, મોદીની ઉપલબ્ધિઓ અઢળક છે. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા ત્યારથી આ યાદી લાંબી બનતી જાય છે. આવનારાં વર્ષોમાં મોદીના હાથે એવાં અનેક પવિત્ર કામો થવાનાં છે, જેનાથી આ રાષ્ટ્રનું, રાષ્ટ્રના લોકોનું ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે. છતાં મોદીની સૌથી મોટી ઉપલબ્ધિ જોઈએ તો એ એ છે કે તેમણે સામાન્ય માણસના મનમાં એક આત્મવિશ્વાસ પેદા કર્યો છે. જે સંભવતઃ બીજો કોઈ નેતા ન કરી શક્યો હોત. 

    મોદીએ 2014માં જ્યારે સત્તાની બાગડોર સંભાળી ત્યારે અનેક અડચણો હતી. પડકારો હતા. અગાઉનાં વર્ષોમાં જે પ્રકારનું શાસન જોયું તેનાથી દેશના સામાન્ય માણસનો સરકાર પ્રત્યેનો, શાસન વ્યવસ્થા પ્રત્યેનો વિશ્વાસ તો ડગુમગુ થયો જ પણ એક નાગરિક તરીકે પણ તે પોતાના પ્રત્યેનો વિશ્વાસ પણ ગુમાવતો જતો હતો. આવા સમયે એક એવા નેતાની રાષ્ટ્રને જરૂર હતી, જે દેશનો આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકે. મોદીએ આવીને એ કામ કર્યું. 

    સર્વાંગી વિકાસ ખરેખર કોને કહેવાય તે મોદીએ કરીને બતાવ્યું છે. મોદીએ માનકો સ્થાપિત કર્યાં. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ માત્ર કાગળ પર ન રહે અને અમલમાં મૂકાય, જડબેસલાક રીતે અમલમાં મૂકાય અને તેનાં દુરોગામી પરિણામો આવે તે માટે મોદીએ આવીને પહેલા દિવસથી કામ શરૂ કરી દીધું હતું અને એક દાયકા પછી પાછળ જોઈએ છીએ તો સમજાય છે કે તેમાં મોદી સંપૂર્ણ સફળ રહ્યા છે. 

    મોદીએ આવીને બુનિયાદી ઢાંચાને મજબૂત બનાવવાથી કામ શરૂ કર્યું. પ્રાથમિકતાઓ નક્કી કરી. તેમને ખબર હતી કે મજલ લાંબી કાપવાની છે, પણ અમુક કામો સૌથી પહેલાં કરવાં જરૂરી હતાં. કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની છે કે પછી અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું ભવ્ય મંદિર બાંધવાનું હોય, મોદીને પહેલા દિવસથી ખબર હતી કે આ કામો કરવાનાં છે, પણ તેનો સમય આવવાનો બાકી હતો. જ્યારે જેનો સમય હતો એ કામ મોદીએ પાર પાડ્યાં છે. એટલે આપણી અપેક્ષાઓ ભલે વધારે હોય અને ક્યારેક એમ લાગતું હોય કે આટલાં વર્ષોની સત્તા પછી પણ આ કેમ નથી થયું અને પેલું કેમ નથી થયું, પણ મોદીને રાષ્ટ્રની પ્રાથમિકતાઓ વિશે જેટલી ખબર છે એટલી બીજાને નથી. બાકીનાં કામો સમય આવ્યે પૂરાં થઈ જશે એવો વિશ્વાસ રાખીએ. 

    2014માં આવીને મોદીએ સૌથી પહેલું કામ શૌચાલય બનાવવાનું કરવું પડ્યું, તો તેમણે એ પણ કર્યું. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ કરવું હોય તો પહેલાં દેશના તમામ નાગરિકોનાં ખાતાં ખોલવાં પડે, તો તેના માટે જનધન યોજના આવી. સ્વાસ્થ્યની ચિંતા પરિવારોના માથેથી દૂર થાય એ પણ પ્રાથમિકતા હતી તો આયુષ્માન યોજના આવી. બીજાં અનેક કામો હતાં, જે 2014 સુધીમાં થઈ જવાં જોઈતાં હતાં. પણ ન થયાં તો બહુ ફરિયાદો કરવાની જગ્યાએ મોદીએ ચૂપચાપ શરૂ કરી દીધાં. 

    સાથે-સાથે સ્પેસથી માંડીને, અર્થવ્યવસ્થા અને ડિજિટલ ક્રાંતિ જેવાં ક્ષેત્રોમાં પણ મોદીએ કામ ચાલુ રાખ્યાં. તેનાં પરિણામો વર્ષો પછીથી મળવાનાં શરૂ થયાં. સામાન્ય કામોથી લઈને સ્પેસ સુધી એકસાથે, એક સમયે, એક લયમાં કામ કરીને સર્વાંગી વિકાસ કોને કહેવાય એ મોદીએ કરીને બતાવ્યું. અમુક કઠોર નિર્ણયો લેવા પડે તો લીધા. ક્યારેક પીછેહઠ કરવી પડે તો વ્યક્તિગત છબીની ચિંતા કર્યા વગર એ કર્યું. કારણ કે રાષ્ટ્રહિત સર્વોપરિ હતું. 

    મોદીની આ રાજનીતિક યાત્રા દેશની ચેતનાના સામૂહિક જાગરણની પણ યાત્રા રહી છે. મોદીએ દ્રઢ સંકલ્પશક્તિ, સખત પુરુષાર્થ અને સબળ નેતૃત્વ થકી દેશને તેનો આત્મવિશ્વાસ પરત અપાવવાનું પુણ્યકર્મ કર્યું છે. 

    મોદીને દેશના સામાન્ય માણસની ક્ષમતા પર પૂરેપૂરો વિશ્વાસ છે. સામાન્ય માણસને મોદીના નેતૃત્વ પર અપાર વિશ્વાસ છે. આ પરસ્પર વિશ્વાસ જ્યાં સુધી ટકેલો રહેશે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત મોદીને હરાવી શકે તેમ નથી. 

    મોદીની ઉપલબ્ધિઓમાં શીર્ષસ્થ સ્થાન કોને આપીશું? આ લખનારે પસંદ કરવાની હોય તો કહીશું કે રામ મંદિર નિર્માણને. આમ તો અનેક મહાનુભાવોએ, રામભક્તોએ આ પાંચસો વર્ષના સંઘર્ષમાં યોગદાન આપ્યું, પણ આ યાત્રાને અંતિમ પડાવ સુધી પહોંચાડવાનું કામ નરેન્દ્ર મોદીના હાથે થયું. કદાચ એ જ થવાનું હશે. રામ મંદિર માટે, પ્રભુ રામલલાને ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં પરત લઈ જવા માટે જગતભરના હિંદુઓ નરેન્દ્ર મોદીના ઋણી રહેશે. 

    નરેન્દ્રભાઈ આજે 75 વર્ષ પૂરા કરી રહ્યા છે. પ્રભુ શ્રીરામ તેમને સો વર્ષનું આયુષ્ય આપે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં