તટસ્થ અને નિષ્પક્ષ હોવાનો દાવો કરતું મીડિયા આખરે તો પોતે જ પોતાની પોલ ખોલતું રહે છે. અનેક એવી ઘટનાઓ કે પ્રકાશિત કરેલી સામગ્રીઓથી તેની ‘તટસ્થતા’ સરળતાથી વળગીને આંખે આવે છે. વળી કેટલાક ‘પત્રકારો’ તો લાઈવ શોમાં હરખમાં આવીને કોઈ એક વિશેષ પક્ષ માટે અન્ય પક્ષને હારવા સુધી લઈ જાય છે અને પોતાની ‘મહાન તટસ્થતા’ દર્શાવે છે. આવું જ કારસ્તાન ‘તટસ્થ ચેનલ’ ‘જમાવટ’ના (Jamawat) ‘તટસ્થ પત્રકાર’ ‘દેવાંશી જોશી’એ (Devanshi Joshi) ર્ક્યું છે. દેવાંશી જોશીએ દાવો કર્યો છે કે, જનતા 2027ની ચૂંટણી જીતાડવા માટે નહીં, પણ હરાવવા માટે લડવાની છે!
વિગતે વાત કરીએ તો 29 જૂનના રોજ દેવાંશી જોશી ‘ધ લલ્લનટોપ’ના ‘નેતાનગરી’ કાર્યક્રમમાં ગયા હતા. અહીં તેમણે ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી હોવાનું એક નિવેદન આપ્યું હતું. તેમણે આવો દાવો કરવા માટે – વિસાવદરમાં AAPની જીત, ગુજરાતમાં ભાજપના નવા અધ્યક્ષ ન આવ્યા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક મંત્રીનો દીકરો હારી ગયો- જેવાં મુદ્દાઓનો આધાર બનાવ્યો હતો અને આ બધી બાબતોને લઈને બાલિશ દલીલો કરી હતી.
BJP का गुजरात में बुरा हाल है"
— लेखराज गुर्जर हिंडोली बूंदी (@LekharajaB76180) June 29, 2025
ग्राम पंचायत के चुनाव में मंत्री के बेटे सरपंच तक नहीं बन पाए!
करंट मिनिस्टर का बेटा सरपंच का चुनाव हार गया!
गुजरात की जनता 27 में जीताने के लिए नहीं हाराने के लिए रिजल्ट देगी!
~दिव्यांशी जोशी
Note~
राहुल गांधी BJP को हराएंगे गुजरात में इस बार! pic.twitter.com/5r13lpeh31
તે સિવાય તેમણે ગુજરાત ભાજપ પાસે નેતૃત્વનો અભાવ હોવાનો દાવો કર્યો છે અને કોંગ્રેસના આયાતી લોકો પર ભાજપની નિર્ભરતા હોવાની વાત કરી છે. તે સિવાય તેમણે એવું પણ કહ્યું છે કે, ભાજપને સત્તાનું અભિમાન આવી ગયું છે અને તેથી જ 2027ની ચૂંટણીમાં જનતા ભાજપને હાંકી કાઢશે. દેવાંશી જોશીએ આવી બાલિશ વાતો અને દલીલો કરીને 2027માં ભાજપ હારશે તેવી આગાહી કરી દીધી છે. ખેર, આવી વાતો આવા ‘તટસ્થ પત્રકારો’ 15 વર્ષથી કરે છે અને ગુજરાતની જનતા દર વખતે ભાજપને સત્તા સોંપી દે છે. અહીં આપણે આ બાલિશ દલીલોને તથ્યો સાથે તોડીશું.
વિસાવદરની વાત કરી પણ કડીને ભૂલી ગયા ‘તટસ્થ પત્તરકાર’
દેવાંશી જોશીએ માત્ર એક વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ દર્શાવીને એવો દાવો કરી દીધો કે, ગુજરાતમાં ભાજપના વળતાં પાણી થઈ ચૂક્યા છે. દેવાંશી જોશીએ માત્ર વિસાવદર બેઠકની વાત કરી હતી, જ્યાં 17 હજારની લીડથી આમ આદમી પાર્ટીના (AAP) ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી. પણ દેવાંશી જોશી કડી વિધાનસભા બેઠકનું પરિણામ કહવાનું ભૂલી ગયા, જ્યાં 40 હજારની લીડથી ભાજપ ઉમેદવારે ઐતિહાસિક જીત નોંધાવી હતી અને AAP ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થઈ હતી. તેમ છતાં આવા ઘણા ‘પત્તરકારો’ સહેજ પણ શરમ વગર પોતાને ‘તટસ્થ’ ગણાવી દે છે.
આ ઉપરાંત દેવાંશી જોશીએ તે સમજવાની પણ જરૂર છે કે, વિસાવદર બેઠક ભાજપનો ગઢ નથી. તે બેઠક પહેલાં પણ વિપક્ષ પાસે જ રહેતી હતી. 13 વર્ષથી ભાજપ વિસાવદર બેઠક નથી જીતી શક્યું. 2022ની વિધાનસભા ચૂંટણી સમયે 156ની સુનામીમાં પણ ભાજપ તે બેઠક નહોતું જીતી શક્યું. તેથી માત્ર વિસાવદરની વાત કરીને હવામાં ગોળીબાર કરવા કરતાં ઐતિહાસિક આંકડા અને તથ્યો ચકાસવા પણ ખૂબ જરૂરી છે.
સરપંચની ચૂંટણીમાં હાર્યો મંત્રીનો પુત્ર, દેવાંશી બેનને દેખાઈ ભાજપની હાર!
સૌરભ દ્વિવેદી સાથે વાત કરતા દેવાંશી જોશીએ ભાજપના પ્રદેશ પ્રમુખની ચિંતા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સ્થિતિ ખૂબ કથળેલી છે અને ખૂબ ખરાબ છે. તેથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ કેન્દ્રીય મંત્રી બનવા છતાં નેતૃત્વ બદલાયું નથી. ‘તટસ્થ પત્રકાર’ અહીં સીઆર પાટીલને ન બદલાવવા પર રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે. પણ ભાજપનો પ્રદેશ અધ્યક્ષ બદલાવવો કે ના બદલાવવો તે પાર્ટીની પોતાની સમસ્યા છે, તેમાં કોઈ બુદ્ધિજીવીએ દોઢ-ડાહપણ કરીને જુઠ્ઠા દાવા ઠોકવાની કોઈ જરૂર નથી.
અને એવું ક્યાં રાજ્યશાસ્ત્ર કે રાજનીતિના સિદ્ધાંતમાં લખ્યું છે કે, કોઈ પક્ષ પોતાનો પ્રદેશ અધ્યક્ષ ન બદલે તો તેનો અર્થ એ થાય કે, રાજ્યમાં તેની સત્તા નબળી પડી રહી છે અથવા તો નેતૃત્વ નથી મળી રહ્યું. જોકે, કોંગ્રેસમાં માત્ર એક પરિવારના સભ્યો જ જેને ઈચ્છશે તેને અધ્યક્ષ બનાવી દેશે અને આમ આદમી પાર્ટીમાં પણ કેજરીવાલ સિવાય કોઈ કન્વીનર બની નહીં શકે. પરંતુ બુદ્ધિજીવીઓને ચિંતા માત્ર ભાજપની છે.
ત્યારબાદ પંચાયતની ચૂંટણીનો તર્ક આપીને બાલિશપણું કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. દેવાંશી જોશીએ સરપંચની ચૂંટણીમાં મંત્રીનો દીકરો હારી જતાં તેને ભાજપના વળતાં પાણી ગણાવી દીધા હતા. આવી બાલિશ અને વાહિયાત દલીલનો તો કોઈ જવાબ પણ ન હોય શકે. પહેલી વાત તો એ સમજવું જરૂરી છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ જેવા કોઈ પક્ષો નથી હોતા. બીજી વાત એ ધ્યાને રાખવી જોઈએ કે, સ્થાનિક ચૂંટણીઓમાં સ્થાનિક મુદ્દાઓ અને સ્થાનિક ગતિવિધિઓના આધારે મતદાન થતું હોય છે.
તેવામાં મંત્રીનો દીકરો સરપંચની ચૂંટણી હારી ગયો તો ગુજરાતમાં ભાજપની સત્તા પર સંકટ કઈ રીતે તોળાય શકે? આવી બાલિશ દલીલો કરવાથી વાસ્તવિકતા ન બદલી શકાય. બે ઘડી માટે તમે વાતાવરણને પોતાના તરફી કરવા માટે આવા વાહિયાત ગપગોળા ન તો મારી શકો અને ન તો લોકો સાંભળી શકે. તેથી મંત્રીપૂત્ર સરપંચ બને કે ન બને પણ ભાજપને તેની સાથે કોઈ લાગતું-વળગતું નથી.
તટસ્થ પત્રકારિતાના નામે દંભ ફેલાવી રહ્યા છે બુદ્ધિજીવીઓ
આવા ‘પત્તરકારો’ તટસ્થ હોવાનો દાવો કરે છે. (માત્ર દાવો જ કરે છે.) વિસાવદરની ચૂંટણીમાં જોયું છે કે, વિસાવદરના પરિણામનું વિશ્લેષણ કરવાથી માંડીને નેતાનગરીના એપિસોડમાં નિવેદન આપતા સમયે ‘પત્રકાર’ના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો, જે દર્શાવે છે કે, આજનું પત્રકારત્વ કેટલું દંભી અને વાહિયાત બની ગયું છે. દંભી એટલા માટે કારણ કે, તે તટસ્થ હોવાનો દાવો કરે છે, પણ કેટલીક રાજકીય પાર્ટી માટે તેને ઊંડી લાગણી જોવા મળતી હોય છે અને વાતોમાં પણ આવી જતી હોય છે.
કેમરા સામે બેસી જઈને પોતાને રાજનીતિના ચાણક્ય સમજતા આ બુદ્ધિજીવીઓએ હવે સુધરવું જોઈએ. તટસ્થતાના ઓથા હેઠળ વિશેષ રાજકીય પક્ષને ખુલ્લુ સમર્થન આપે છે અને પોતે નિષ્પક્ષી હોવાનો દાવો કરીને જનતાને મૂર્ખ બનાવવાના પ્રયાસો કરે છે. દેવાંશી જોશીએ દાવો એવો પણ કર્યો કે, ભાજપ પર એટલો બધો ભાર થઈ ચૂક્યો છે કે, હવે તે જાતે જ નીચે આવી રહી છે અને તેના પગ નીચેની જમીન પણ ખસી રહી છે. આંકડાથી સમજીએ તો 162 બેઠકો સાથે ભાજપની જમીન ખસી રહી છે અને 5 બેઠકો ધરાવતી AAP તે જમીન ખસેડી રહી છે! ખેર, તટસ્થ હોવું અને દંભ કરવો, પત્રકાર હોવું અને રાજકારણ કરવું આ બંનેમાં ખૂબ અંતર છે.
બાકી તો ‘તટસ્થ પત્રકારે’ કહ્યું તેમ- 2027માં જનતા જીતાડવા માટે નહીં પણ હરાવવા માટે વોટિંગ કરશે. આ જ જનતા છેલ્લા બે-ત્રણ દાયકાથી વોટિંગ કરે છે અને આ જ જનતાએ દિલ્હીમાંથી પણ આમ આદમી પાર્ટીની સત્તાને ઉખેડી ફેંકી છે. એકલદોકલ સંખ્યાનું આંકલન કરીને મહાન ગણિતશાસ્ત્રી નથી થઈ શકાતું તેમ એક બેઠક પરની જીતનું વિશ્લેષણ કરીને ન તો તે પાર્ટી જીતી શકવા સક્ષમ થશે અને ન તો વિશ્લેષણ કરનારા રાજનીતિજ્ઞ થશે.