7 ઓક્ટોબર, 2001ના દિવસે નરેન્દ્ર મોદીએ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે શપથ લીધા ત્યારથી લઈને આજદિન સુધી દેશના એક વર્ગને મોદી પસંદ આવ્યા નથી. મોદી બીજા રાજકારણીઓથી અલગ છે એટલે લોકોએ તેમને ભરપૂર પ્રેમ આપ્યો છે પણ બીજી તરફ જેમની દુકાનો બંધ થઇ ગઈ છે તેમણે મોદીને હરાવી દેવા માટે કે મોદીનું અસ્તિત્વ સાફ કરી નાંખવા માટે જે કંઈ પણ થઇ શકે એ બધું જ કરી જોયું છે.
વિરોધીઓના આટલા પ્રયાસો, કાવાદાવા અને ધમપછાડા પછી પણ મોદી 22 વર્ષે અજેય છે. 2001થી 2014 સુધી તેઓ ગુજરાતના સીએમ રહ્યા, 2014માં દિલ્હી આવ્યા, 2019માં ફરીથી જંગી બહુમતીએ ચૂંટણી જીતીને પીએમ બન્યા અને હવે આજની પરિસ્થિતિને જોતાં 2024માં તેમની જીત નિશ્ચિત છે.
અત્યારે 2023માં નરેન્દ્ર મોદીનું કદ એ કક્ષાનું થઇ ગયું છે કે ગમે તેટલા કાવાદાવા છતાં તેમની છબીને લેશમાત્ર ફેર પડતો નથી. લોકોને મોદીના કામ ઉપર વિશ્વાસ બેસી ગયો છે. ધીમે-ધીમે તેમના વિરોધીઓ પણ આ વાત જાણવા માંડ્યા છે. પણ થોડાં વર્ષો પહેલાં આ પરિસ્થિતિ ન હતી.
સતત મોદીની પડખે રહ્યા છે ગુજરાતીઓ
2001માં મોદી ગુજરાતના સીએમ બન્યાને થોડા જ મહિના થયા હતા અને ફેબ્રુઆરી, 2002માં ગોધરામાં હિંદુ હત્યાકાંડ થયો. મુસ્લિમોએ પૂર્વનિયોજિત કાવતરા હેઠળ કારસેવકોને લઈને આવતી ટ્રેનના ડબ્બા સળગાવ્યા અને જેમાં 59 હિંદુઓ માર્યા ગયા. આ ઘટના પછી ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યાં. આ રમખાણોમાં મોદીને સંડોવવા માટે ખૂબ પ્રયાસો થયા. મોદી સામે ખોટા આરોપો લગાવીને તેમને ફસાવવાના, તેમની સરકાર ઉથલાવવાના, તેમની રાજકીય કારકિર્દી ખતમ કરી નાંખવાના પ્રયત્નો થયા, પણ મોદી એ તમામમાંથી બહાર નીકળી આવ્યા.
ત્યારપછી પણ આ પ્રયાસો સતત ચાલુ રહ્યા. મોદી જ્યારે કેન્દ્રમાં આવ્યા તો આ પ્રયાસોમાં વધુ જોર લગાવાયું અને તેમની સામે એક આખી ઇકોસિસ્ટમ પડી ગઈ, જે આજે પણ એટલી જ સક્રિય છે. પરંતુ આજે હવે મોદીને કોઈ ફેર પડતો નથી.
આજે મોદીનું એક અલગ કદ બની ગયું છે પણ જે સમયે તેઓ આ ઈકોસિસ્ટમ સામે લડી રહ્યા હતા ત્યારે તેમના ગુજરાત અને ગુજરાતીઓએ તેમને એકલા પડવા દીધા ન હતા. વિરોધીઓના અનેક પ્રયાસો, અપપ્રચાર, દુષ્પ્રચાર છતાં ગુજરાત હંમેશા મોદીની પડખે રહ્યું છે, ગુજરાતીઓ મોદીની સાથે રહ્યા છે.
હમણાં ગુજરાતમાં કોંગ્રેસ સાફ થઇ ગઈ પણ એક દાયકા પહેલાં પાર્ટી ખાસ્સી સક્રિય હતી. તેમના આટલા વિરોધી પ્રચાર છતાં ગુજરાતે 2002, 2007, 2012 એમ ત્રણેય ચૂંટણીઓમાં મોદીને ભવ્ય બહુમતીએ જીત અપાવી. 2014માં મોદી દિલ્હી ગયા તો લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવી આપ્યો.
2017માં ભાજપ સીએમ તરીકે મોદીના ચહેરા વગર ચૂંટણી લડ્યું, આંદોલનો, પ્રદર્શનો સતત ચાલતાં હતાં, કોંગ્રેસ ફ્રન્ટફૂટ પર લડી રહી હતી, તેમ છતાં પાતળી તો પાતળી પણ ભાજપે બહુમતી સાથે જીત મેળવી. 2019ની લોકસભા ચૂંટણી આવી ત્યારે ફરી એક વખત ગુજરાતે તમામ 26 બેઠકો પર ભાજપને જીત અપાવી.
ઐતિહાસિક પરિણામ જોવા મળ્યું 2022માં. જે કામ મોદી સીએમ રહેતા નહતા કરી શક્યા તે તેમણે પીએમ રહેતાં પૂરું કર્યું. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી, જે આજ સુધીનો રેકોર્ડ છે. આ પરિણામમાં ગુજરાત સ્તરે પાર્ટીની મહેનત અને સરકારનાં કામોનો ફાળો ખરો પણ મોદીની છબી અને ગુજરાતીઓનો મોદી પ્રત્યેનો લગાવ પણ એટલો જ જવાબદાર.
આ કારણ છે કે એક મોદીના વિરોધીઓનો વર્ગ ગુજરાતીઓને હંમેશા દ્વેષની નજરથી જોતો રહ્યો છે. બહુ દૂર જવાની જરૂર પણ નથી. તાજેતરના જ બે-ત્રણ કિસ્સાઓ પરથી ખ્યાલ આવશે કે ગુજરાતદ્વેષ ક્યાં સુધી પહોંચ્યો છે.
રાહુલ ગાંધી અને તેમનો ગુજરાતદ્વેષ
આજે જ સુરતની કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમના એક વિવાદાસ્પદ નિવેદન બદલ માનહાનિના કેસમાં દોષી ઠેરવ્યા. રાહુલે એક ભાષણમાં નરેન્દ્ર મોદીને ઘેરવામાં ગુજરાતના આખા મોદી સમાજનું અપમાન કરી નાંખ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે?” પછી નિરવ મોદી, લલિત મોદી અને પીએમ નરેન્દ્ર મોદીનાં નામ લીધાં હતાં.
રાહુલ ગાંધીનો ગુજરાતદ્વેષ જૂનો અને જાણીતો છે. તેઓ ભારત જોડો યાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમણે ગુજરાત વિરુદ્ધ દુષ્પ્રચાર કરીને મહારાષ્ટ્રના લોકોને ગુજરાત વિરુદ્ધ ભડકાવવાના વ્યર્થ પ્રયત્ન કરી જોયા હતા. રાહુલે તમામ મોટા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રથી ગુજરાત લઇ જવામાં આવી રહ્યાના દાવા કરીને બે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાના પ્રયાસ કર્યા હતા.
ગુજરાત મૂળના જ બે ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામે તેઓ કાયમ તલવાર લઈને ઉભા જ હોય છે. તેમના સમર્થકો પણ તેમની પાસેથી શીખીને કોઈ આધાર-પુરાવા વગર આ બે ઉદ્યોગપતિઓ પર જાતજાતના આરોપો લગાવતા રહે છે અને મોદીને ઘેરવામાં તેમની ઉપર પણ આક્ષેપો કરતા રહે છે.
તાજેતરમાં પોતે પીએમઓ અધિકારી હોવાનું કહીને કાશ્મીરમાં જલસા કરી આવનાર અમદાવાદના ઠગ કિરણ પટેલની ધરપકડ પછી પણ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ ઇકોસિસ્ટમે ગુજરાતીઓ વિરુદ્ધ ખૂબ ઝેર ઓક્યું હતું અને આખા રાજ્ય અને તેના નાગરિકોને અપમાનિત કરવાના પ્રયત્નો કરી જોયા હતા.
રાહુલ ગાંધી કે કોંગ્રેસીઓ જ નહીં, ગુજરાતદ્વેષ એ તમામ પાર્ટીઓ અને નેતાઓ સુધી પ્રસરી ચૂક્યો છે, જેમની સીધી દુશમની નરેન્દ્ર મોદી સાથે છે. ભૂતકાળમાં મમતા બેનર્જીએ પણ ગુજરાતીઓ વિરુદ્ધ અપપ્રચાર કરીને ‘બંગાળને ગુજરાત નહીં બનવા દેવાની’ વાતો કરી હતી. અખિલેશ યાદવ પણ ગુજરાતીઓ વિરુદ્ધ અપપ્રચાર કરી ચૂક્યા છે.
અન્ય વિપક્ષી નેતાઓ પણ એ જ માર્ગે
હમણાં બિહારના ઉપ-મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવે પણ ગુજરાતીઓ વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેજસ્વીએ કહ્યું હતું કે, “આજની સ્થિતિએ માત્ર ગુજરાતીઓ જ ઠગ હોય શકે છે. તેમણે આ સાથે ભ્રષ્ટાચારની પણ વાત કરી હતી. જોકે, હાસ્યાસ્પદ બાબત એ છે કે તેમના પિતા લાલુ યાદવ ચારા કૌભાંડમાં સજા પામી ચૂક્યા છે અને તેજસ્વી પોતે પણ તેમના પિતાના લેન્ડ ફોર જોબ્સ સ્કેમમાં આરોપી છે અને તેમની સામે તપાસ ચાલી રહી છે.
પરંતુ વધુ ખતરનાક બાબત એ છે કે આ નફરત હવે સોશિયલ મીડિયા કે મીડિયામાં નિવેદનો આપવા પૂરતી રહી નથી. હવે જમીની સ્તરે પણ આ ગુજરાતદ્વેષ જોવા મળી રહ્યો છે. હમણાં જ એક વિડીયો સામે આવ્યો જેમાં વિદેશની ધરતી ઉપર એક ખાલિસ્તાનીને ગુજરાતી વ્યક્તિને ધમકી આપતો જોઈ શકાય છે.
ખાલિસ્તાનીઓએ ગુજરાતીને ધમકી આપી
યુકેમાં ખાલિસ્તાન સમર્થકોએ એક ગુજરાતી હિંદુ વ્યક્તિને ધમકી આપી હતી. વાયરલ વિડીયોમાં ખાલિસ્તાની ઝંડા લઈને નારાબાજી કરતા ખાલિસ્તાની સમર્થકોમાંથી એક વ્યક્તિ ગુજરાતી વ્યક્તિને ધમકીઓ આપતો સંભળાય છે અને ગૌમૂત્રને લઈને પણ અપમાજનક ભાષાનો ઉપયોગ કરે છે.
Watch: In a viral video today, a radical Khalistan extremist can be seen threatening a Gujarati passerby in foreign country pic.twitter.com/H48rUYRtEH
— DeshGujarat (@DeshGujarat) March 22, 2023
તેણે કહ્યું હતું કે, “ગુજરાતી..તું ફરી દેખાતો નહીં, નહીંતર તમાચો મારી દઈશ…લંગરમાં ખાવું હોય તો ચૂપચાપ ખાઈને નીકળી જાઓ. તમે ગૌમૂત્ર પીનારાઓએ બહુ નાટકો કર્યાં છે. તમામ ગુજરાતીઓને કહી દેજો..લડાઈ શરૂ થઇ ગઈ તો ગુજરાતમાં લડાઈ કરીશું અને તમારા ઘરમાં ધમાલ કરીશું. જાઓ અને ગાયનું મૂત્ર પીવો.”
રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ કે અન્ય વિપક્ષી નેતાઓએ રાજકીય ફાયદાના કારણે જે દ્વેષ ફેલાવ્યો છે તે હવે અલગ સ્વરૂપ ધારણ કરતો જોઈ શકાય છે. માત્ર એટલા માટે કે ગુજરાતીઓએ એક વિચારધારાને ક્યારેય જગ્યા આપી નથી, તેમની સામેનો દ્વેષ વધતો જાય છે અને હવે ખુલ્લેઆમ રસ્તા પર ઉભા રહીને ધમકાવવા સુધી આ નફરતનું સ્તર પહોંચી ગયું છે.
માત્ર મોદી સમર્થકો તરીકે ઓળખાવા બદલ અને સતત તેમની પડખે રહેવા બદલ ગુજરાતીઓએ આ ભોગવવું પડી રહ્યું છે. પહેલાં માત્ર રાજકારણીઓ તેમનાં નિવેદનોમાં ગુજરાતીઓને અપમાનિત કરતા હતા અને હવે ખુલ્લેઆમ તેમને ધમકાવવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓને માત્ર ગુજરાતી હોવાના કારણે નફરતનો ભોગ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતીઓ સામેની આ નફરતનો વહેલામાં વહેલી તકે અંત આવે તે જરૂરી છે.