ગુજરાતી સોશિયલ મીડિયામાં પાંચ-છ મહિને એક વખત સરકારી કર્મચારીઓના ફિક્સ પેનું (Fix Pay) ભૂત નહીં ધૂણે કે કેમ્પેઈન ન ચાલે ત્યાં સુધી બધું ઠીકઠાક ચાલતું હોય એવું લાગતું હોતું નથી. કોઈ મુદ્દે સરકાર થોડીઘણી બેકફૂટ પર દેખાય એટલે મુદ્દાને રમતો મૂકી દેવાય છે. મોટેભાગે સોશિયલ મીડિયા પર હૅશટેગ ચલાવવા પૂરતી ચળવળ સીમિત રહે છે, ક્યારેક વળી ગાંધીનગર પહોંચી જાય.
વિપક્ષો માટે કર્મચારીઓના ખભે સરકાર સામે બંદૂક ફોડવાની આ સારી તક હોય છે અને ઘણાં વર્ષોથી તેઓ તેનો ઉપયોગ પણ કરતા રહ્યા છે. વિપક્ષ આમ કરે એ જોકે સ્વાભાવિક છે. ગુજરાતમાં વિપક્ષની સ્થિતિ વિશે જેટલી ચિંતા પાર્ટીઓ અને તેના નેતાઓને નથી તેટલી મીડિયાના એક વર્ગ અને ખાસ કરીને વિપક્ષી નેતાઓની છબી ચમકાવવા યુટ્યુબ પર દુકાનો ખોલી બેઠેલા અમુક સ્વઘોષિત પત્રકારોને રહે છે. એટલે તેઓ પણ આવા બધા મુદ્દાઓ પર ઠીકઠાક મહેનત કરે છે ને આખરે એક રાજ્યવ્યાપી મુદો બનાવી દેવામાં આવે છે.
હમણાં પણ બ્રિજ તૂટવાની ઘટના અને બીજાં એક-બે કારણોસર સરકાર થોડી બેકફૂટ પર ધકેલાઈ પછી સોશિયલ મીડિયા પર આ ફિક્સ પેવાળું ફરી ચાલુ થયું છે.
હવે આમાં અજાણ હોય તેમના માટે એક નાનકડી જાણકારી.
સરકારી કર્મચારીઓના વર્ગ હોય છે. ગુજરાતમાં ફિક્સ પેની પ્રથા એ છે કે ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ નોકરીએ વળગ્યાનાં પાંચ વર્ષ સુધી દર મહિને એક નિશ્ચિત વેતન પર કામ કરે છે. પાંચ વર્ષ પછી તેમને નિયમિત ગ્રેડમાં સમાવી લેવામાં આવે અને ભથ્થાં વગેરે ઉમેરાય. શિક્ષકો, ક્લાર્ક, પ્યુન, કોન્સ્ટેબલ, પીએસઆઈ, વર્ક આસિસ્ટન, ડેપ્યુટી સેક્શન ઑફિસર અને અન્ય અમુક વ્યવસાયો આ શ્રેણીમાં આવે.
ફિક્સ પેની રકમ પણ વર્ગ-સંવર્ગ પ્રમાણે હોય. ઑક્ટોબર 2023માં છેલ્લી વખત સરકારે વેતનમાં સુધારો કર્યો ત્યારે જેમને મહિને ₹16,224 મળતા હતા તેમનો પગાર ₹21,100 થયો. જેમનો ₹19,950 હતો તે વધીને ₹26,000 થયો અને ₹31,340 મેળવતા કર્મચારીઓનો પગાર ₹40,800 તેમજ ₹38,090વાળાનો પગાર વધીને ₹49,600 કરવામાં આવ્યો. આ પહેલો સુધારો નથી. સમયાંતરે ફિક્સ પેમાં સુધારા થતા રહ્યા છે. પણ ફિક્સ પે મેળવનારા અમુક કર્મચારીઓની માંગ છે કે આ પ્રથા જ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે.
પ્રથા લાવવાનું મૂળ કારણ સરકાર પર આર્થિક ભારણ ઘટાડવાનું હતું. રેગ્યુલર પે સ્કેલ પર નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તિજોરી પર ખાસ્સું ભારણ વધે એ વાસ્તવિકતા છે. ફિક્સ પે જેવી કોઈ સિસ્ટમ હોય તો શરૂઆતના સમયમાં ખર્ચ પર કાબૂ રાખી શકાય. આ સિસ્ટમથી એક તો સરકાર જગ્યાઓ વધુમાં વધુ ભરી શકે અને બીજી તરફ આર્થિક ભારણ થોડું હળવું થઈ શકે. બીજી તરફ, સિસ્ટમની વિરુદ્ધમાં જેઓ છે તેમની દલીલો એવી છે કે ફિક્સ પે સિસ્ટમના કારણે એક રીતે કર્મચારીઓનું શોષણ થાય છે, કારણ કે કામ તેઓ અન્ય (રેગ્યુલર) કર્મચારીઓ જેટલું જ કરે છે, પણ વેતનમાં મોટું અંતર છે.
પણ વાસ્તવિક પરિસ્થિતિ ક્યારેય આદર્શ હોતી નથી. ફિક્સ પે દૂર કરવાની માંગણી કરનારાઓ કાયમ હાસ્યાસ્પદ દલીલો આપતા હોય છે, જેના કારણે તેમના મુદ્દાને ગંભીરતાથી લેવાતો નથી અને કાયમ વળાંક લઈ લે છે. હમણાં પણ મોટેભાગનાની દલીલો એ જ છે કે આટલા પગારમાં તેમને ‘પોસાતું’ નથી. એટલે સામી દલીલો મળે છે કે તો પછી જે કામથી ‘પોસાતું’ હોય એ કરાય.
ફિક્સ પગાર + તમામ જાહેર રજા + બીજો ચોથો શનિ + તમામ રવિવાર + ૧૨ પરચુરણ રજા + ૧૫ ખાસ રજા + ૧૦ medical leave + TA/ DA + ( મહિલા હોઈ તો ૬ માસની માતૃત્વ રજા )…. કોઈક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા વ્યક્તિને પૂછજો એમને આટલું મળી જાય તો એ આખી જિંદગી એક પણ ટ્રેન્ડમાં ભાગ નઈ લ્યે. ?
— Rupal ahir ?? (@RupalAhir2) July 14, 2025
આ વાત સાવ કાઢી નાખવા જેવી નથી. હકીકત એ છે કે સરકારના માણસો તમને ઘરેથી ઘસડીને લઈ ગયા ન હતા. જ્યારે નોકરી માટે કાગળ હાથમાં લીધો હશે ત્યારે તેમાં લખ્યું હશે કે પાંચ વર્ષ સુધી ફિક્સ પગારે કામ કરવાનું રહેશે. આ હવે કોઈ ઓછી જાણીતી વાત નથી. સરકારી નોકરીની તૈયારી કરતો હોય એને સ્વાભાવિક ખબર હોય કે આ સિસ્ટમ આજથી નહીં પણ વર્ષોથી લાગુ છે. જો લાગતું હોય કે આ વેતનથી પરવડે એમ નથી તો એ સમસ્યાનું સમાધાન નોકરી સ્વીકારી લીધા બાદ શોધવા ન જવાય. એ પહેલાં કરાય.
કામ કરવું હોય તેને મળી જ રહે છે, પણ શરત એટલી કે ઘસાવાની અને તનતોડ મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. સમસ્યા ત્યાં છે કે આપણે સરકારી નોકરી પણ મૂકવી નથી, સાથે સુખ-સાહ્યબી પણ ભરપૂર જોઈએ છે. એક માનસિકતા એવી બની ગઈ છે કે સરકારી નોકરી એક વખત મળી જાય પછી કોઈ માથાકૂટ હોતી નથી અને આજીવન જલસા જ હોય છે. બીજાં કામો કરવા જઈએ તેમાં મહેનત પડે છે, રિસ્ક ફેક્ટર પણ વધારે હોય છે.
સરકારી નોકરી મેળવેલો શિક્ષક કે ફોર ધેટ મેટર કોઈ પણ કર્મચારી નોકરી મળ્યાના દિવસથી એક કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે, જે તેની નિવૃત્તિ સુધી યથાવત રહે છે. મોટાભાગના કર્મચારીઓના કિસ્સામાં જોવા મળ્યું છે કે ત્યારપછી ન તેઓ અપડેટ થવાની તસ્દી લે છે કે ન બીજી કોઈ માથાકૂટમાં પડે છે. સરકારી નોકરીઓમાં કામનું મૂલ્યાંકન થતું પણ હોય તો એ ‘સરકારી’ રીતે જ થાય છે, જેમાં ખાસ ભલીવાર રહેતો નથી.
બીજી બાજુ ખાનગી નોકરીઓ સાથે સરખામણી કરો તો ઘણી બધી નોકરીઓમાં પગારધોરણ સરકારી નોકરીઓ જેટલાં હોતાં નથી. કામનું ભારણ પણ વધુ હોય છે, મૂલ્યાંકનની પદ્ધતિ પણ અનેકગણી વધારે કઠિન હોય છે અને પરિણામો અને દુષ્પરિણામો પણ ભોગવવાં પડે છે. ટાર્ગેટ પૂરા કરવા, સેલ્સ વધારવા માટે કર્મચારીઓ તનતોડ મહેનત કરે છે અને બીજી તરફ ખાનગી ક્ષેત્રમાં માણસ પર કાયમ છૂટા થવાની તલવાર લટકતી રહે છે, જે સરકારી નોકરીના કિસ્સામાં હોતું નથી.
#Remove_Fixpay_in_gujarat
— जाविंत्री? (@chemistaatma) July 13, 2025
હા કરી જ દેવાય remove
પણ
આવવા જવા ન સમય માટે ફેસ સ્કેનર,
ઓફિસિયલ રીતે ન આવ્યા હોય એ દિવસે રજા મૂકવાની
નવું કામ જે કઈ આપે એ શીખવાની તૈયારી રાખવાની.
સમયસર આપેલું કામ પૂરું કરવાનું.
જાહેર જનતા ને સપોર્ટીવ બનવાનું વગેરે…
આવી બાહેંધરી લઈને…
એટલે આમાં ‘નથી પોસાતું’વાળી દલીલો બાલિશ છે. ન પોસાય તો નોકરી નહીં કરવાની. કોઈ ફરજ પાડી રહ્યું નથી. રાજીનામું મૂકી દો, બીજા માટે જગ્યા કરી આપો અને એ કામ કરવા માંડો જેનાથી તમારી અને પરિવારની જરૂરિયાતો સંતોષાતી હોય. પણ તેમાં પણ સમસ્યા એ જ છે કે બીજાં કામો કરવામાં ઘસાવું પડે છે. આપણે ઘસાવું પણ નથી, સરકારી નોકરીનું કમ્ફર્ટ પણ જોઈએ છે અને સાથે રોદણાં પણ રડવાં છે– આ બધું એકસાથે શક્ય નથી.
આવી ફરિયાદો કરનારાઓને બહુ ગંભીરતાથી લેવામાં નથી આવતા તેનું કારણ એક એ પણ છે કે લોકો સરકારી નોકરીવાળી માનસિકતાથી પૂરેપૂરા વાકેફ છે. તેઓ એ પણ જાણે છે કે દુનિયામાં કેટલાય લોકો આનાથી ઓછા વેતનમાં, બમણી મહેનત સાથે કામ કરે છે અને ફરિયાદો કરતા નથી, કારણ કે તેમની પાસે ફરિયાદ કરવા જેટલી સાહ્યબી હોતી નથી. એવું પણ નથી કે આ વેતન સદંતર ઓછાં અને ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડથી સાવ જાય એવાં છે. અહીં ફરી એ જ વાત આવીને ઊભી રહે છે કે તેમ છતાં પણ જો આટલું વેતન પરવડતું ન હોય તો નોકરી ન લેવાય.
કહેવાની વાત એટલી છે કે મુદ્દો સાવ એકપક્ષીય નથી, જેમાં સરકાર વિલન હોય અને સામે પક્ષે પીડિતો. સરકારે સમયાંતરે ફિક્સ પેના પગારોમાં વધારા કર્યા છે અને બહુ મોટા સ્તરે અને સારી ટકાવારી સાથે કર્યા છે. પાંચ વર્ષ સુધી કર્મચારીઓને પ્રોબેશન પર રાખવાનાં વ્યાજબી કારણો સરકાર પાસે પણ છે. પ્રથાની વિરુદ્ધમાં થોડીઘણી વ્યાજબી દલીલો કર્મચારીઓ પાસે પણ હશે, પણ સંતુલન જાળવવું જરૂરી છે. કર્મચારીઓ ઈચ્છતા હોય કે પ્રથા નીકળી જાય અને તેઓ તેમની ટિપિકલ ‘સરકારી’ માનસિકતામાંથી બિલકુલ બહાર નહીં આવે, એ શક્ય નથી.
વેતનવધારો સરકાર સતત કરતી જ રહે છે. કાલે ઉઠીને પ્રથા નાબૂદ પણ કરી દે તો એ નિર્ણય આવકાર્ય જ હોવાનો. પણ પછી તેનો લાભ મેળવતા કર્મચારીઓએ પણ એ સમજવું પડશે કે તેમના પક્ષેથી પણ એટલી પ્રોડક્ટિવિટી, કામમાં એફિશિયન્સી દેખાય આવે, જે કમનસીબે હમણાં મોટાભાગનાં સરકારી કામોમાં જોવા મળતું હોતું નથી. કર્મચારીઓ સમજતા નથી કે તેઓ પહેલેથી બહુ સારી સ્થિતિમાં છે, પણ માણસજાતનો સ્વભાવ છે કે તેને ક્યારેય સંતોષ થતો નથી. એક વખત સરખામણી ખાનગી ક્ષેત્રો સાથે કરવા માંડશે એટલે મોટાભાગની સમસ્યાઓ ઓછી થવા માંડશે.


