Saturday, November 23, 2024
More
    હોમપેજમંતવ્યગોપાલ ઇટાલિયાને ઓવરટેક કરી ઈસુદાન બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, ‘આપ’...

    ગોપાલ ઇટાલિયાને ઓવરટેક કરી ઈસુદાન બન્યા આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર, ‘આપ’ પ્રદેશ પ્રમુખને હિંદુવિરોધી નિવેદનો અને જૂના વિડીયો નડી ગયાં?- વિશ્લેષણ

    ગોપાલ ઇટાલિયા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હોવા છતાં અને સૌથી પહેલા પાર્ટીમાં આવ્યા છતાં ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ સીએમ ફેસ જાહેર કરતાં આશ્ચર્ય.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવાની અને જનતાનો અભિપ્રાય માંગવાની જાહેરાત કરી ત્યારે ત્રણ-ચાર નામો ચર્ચામાં હતાં. આમ આદમી પાર્ટીમાં આમ તો ગણ્યાગાંઠ્યા જ નેતાઓ જાણીતા છે એટલે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, અલ્પેશ કથીરિયા વગેરેનાં નામો પર અટકળો લગાવવામાં આવી રહી હતી. પણ આજે આખરે પાર્ટીએ પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. 

    ઈસુદાન હજુ પૂર્ણ રાજકારણી પણ બની શક્યા નથી. બે વર્ષ પહેલાં તેઓ સ્ટુડિયોમાં બેસીને નેતાઓને સવાલો કરતા હતા, હવે પોતે નેતા બની ગયા છે. બંને તદ્દન જુદાં ક્ષેત્રો છે. એક પત્રકાર તરીકે તેઓ જાણીતા હશે, પણ નેતા તરીકે હજુ લોકોમાં એટલા સ્વીકાર્ય બન્યા નથી. ભૂતકાળમાં તેમની સભાઓમાં કાગડા ઉડ્યા હોવાની પણ ઘટનાઓ બની છે. તેમ છતાં તેમને પાર્ટીએ સીએમ ઉમેદવાર બનાવી દીધા એ વાત કરતાં પણ તેમનાથી પહેલાં પાર્ટીમાં આવેલા અને તેમની સરખામણીએ લોકોમાં વધુ ઓળખીતા ગોપાલ ઇટાલિયાને સીએમ ઉમેદવાર કેમ ન બનાવવામાં આવ્યા તે વાતનું આશ્ચર્ય આ લખનાર સહિત ઘણાને છે. 

    ગુજરાતમાં પાટીદાર સમાજ કોઈ પણ ચૂંટણીમાં કિંગમેકર રહે છે. કોઈ પાર્ટીઓ આ 15 ટકા વસ્તી ધરાવતા સમુદાયને નારાજ કરતી નથી. સમાજના નેતાઓ માટે પાર્ટીઓમાં લાલ જાજમ પાથરવામાં આવે છે. આ બાજુ આમ આદમી પાર્ટી પણ ઘણા સમયથી ‘પાટીદાર કાર્ડ’ રમી રહી હતી અને એવી પણ વાતો વહેતી કરી હતી કે, ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. અને આ પાટીદાર સમાજના પાર્ટીમાં હાલ બે જ મુખ્ય ચહેરાઓ છે- ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથીરિયા.

    - Advertisement -

    અલ્પેશ કથીરિયા પણ પાટીદાર સમાજના યુવા અને જાણીતા નેતા છે. પણ તેમનું નામ જાહેર ન કરવા પાછળ સમજી શકાય તેમ છે કે તેમને આવ્યાને માત્ર ચાર-પાંચ દિવસ થયા છે, એમાં જો તેમને સીએમ ફેસ જાહેર કરી દેવાય તો પાર્ટીનું જે થોડુંઘણું સંગઠન બેઠું થયું છે એ પણ એક ઝાટકે પડી ભાંગે. પરંતુ ગોપાલ ઇટાલિયાના નામની ચર્ચા શરૂઆતથી ચાલતી હતી. પણ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ તેમને બાજુ પર મૂકીને ઈસુદાન ગઢવીના નામ પર પસંદગી ઉતારી છે, ત્યારે તેનાં કારણો શોધવાં જરૂરી છે. 

    અહીં એક સ્પષ્ટતા જરૂરી છે. આમ તો આમ આદમી પાર્ટીએ એક નંબર જાહેર કરીને લોકોના અભિપ્રાય માંગ્યા હતા અને આજે કેજરીવાલે એવો પણ દાવો કર્યો કે, 16 લાખ લોકોએ અભિપ્રાય મોકલ્યા અને તેમાંથી બહુમતી લોકોએ ઈસુદાન ગઢવીના નામ પર પસંદગી ઉતારી. આ દાવા પર પણ સંદેહ કરી શકાય તેમ છે કારણ કે પાર્ટીની આ જાહેરાત લોકોએ મજાક બનાવીને મૂકી દીધી હતી અને ભળતાં જ નામો મોકલ્યાં હતાં. 

    કેમ ગોપાલ ઇટાલિયાનું પત્તુ કપાયું?

    ગુજરાત હિંદુત્વની પ્રયોગશાળા કહેવાય છે. અહીં કોઈ પાર્ટી હિંદુઓને નારાજ કરીને સરકાર બનાવવાનાં સપનાં જોઈ શકે નહીં. અરવિંદ કેજરીવાલ પણ એ જાણે છે, તેથી જ તેમણે મુસ્લિમ તુષ્ટિકરણ બાજુ પર મૂકી દઈને ‘હિંદુવાદી’ દેખાવા માટે પહેલા દિવસથી જ પ્રયત્નો કરવા માંડ્યા હતા. એક સમયે ‘કોઈની મસ્જિદ તોડીને મારો રામ ન બેસી શકે’ તેમ કહેનાર કેજરીવાલ હવે રામમંદિરના દર્શન કરાવવાની વાત કરતા થઇ ગયા છે. સોમનાથથી માંડીને દ્વારકાધીશ સુધીનાં પ્રમુખ મંદિરોનો તેઓ ચક્કર લગાવી ચૂક્યા છે અને હિંદુ મતદારોને રીઝવવાના પૂરેપૂરા પ્રયત્નો કરી ચૂક્યા છે. રેલીઓમાં ‘જય શ્રીરામ’ના નારા પણ લગાવે છે અને ‘કૃષ્ણ અને કંસ’ને પણ ભાષણોમાં લઇ આવે છે. 

    કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુમાં વધુ મતો જોઈએ છે. અને અહીં મત મેળવવા હોય તો આગળ કહ્યું એમ, હિંદુઓ સામે એક શબ્દ પણ આમતેમ બોલી શકાય નહીં. બીજી તરફ, આ બાબતે ગોપાલ ઇટાલિયાનો ઇતિહાસ બહુ ખરાબ છે. ગોપાલ ભૂતકાળમાં હિંદુ આસ્થા, પરંપરાઓ, કથાઓથી માંડીને તહેવારો સુધી તમામ પર અત્યંત ખરાબ અને અશોભનીય ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. 

    ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં કથામાં તાળીઓ પાડનારાઓને ‘હિજડા’ કહ્યા હતા તો કથાકારો અને સંતો વિશે પણ ઘસાતું બોલી નાંખ્યું હતું. મકરસંક્રાંતિ જેવા તહેવારો અને ગૌરક્ષકો વિશે પણ તેઓ ભૂતકાળમાં ટિપ્પણી કરી ચૂક્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમનાં 100 વર્ષનાં માતા હીરાબા, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ વિશે તેઓ બહુ ખરાબ ભાષા પોતાના વિડીયોમાં વાપરી ચૂક્યા છે.

    ગોપાલ ઇટાલિયાનાં આ નિવેદનો અને વિડીયો પાર્ટી માટે માથાનો દુઃખાવો બનતાં જઈ રહ્યાં હતાં. આમ આદમી પાર્ટીએ શરૂઆતમાં બચાવ કરી જોયો પરંતુ ખાસ ફાવટ આવી નહીં. ‘ગોપાલ પાટીદાર હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવામાં આવે છે’ એ પ્રકારનો નરેટિવ પણ ચલાવ્યો, પણ પાટીદારો જ સાથે ન આવ્યા. બીજી તરફ, પાર્ટીમાં પણ નારાજગી શરૂ થઇ ગઈ હતી. બચાવ કરવા માટે કોઈ ઠોસ દલીલ પણ હાથમાં ન હતી. પાર્ટીએ થોડોઘણો માહોલ બનાવ્યો હતો એમાંથી પણ હાથ ધોવાનો વારો આવ્યો હતો.

    ગોપાલ ઇટાલિયાને સીએમ ઉમેદવાર સુધી પહોંચવામાં તેમનાં આ જૂનાં નિવેદનો અને હિંદુવિરોધી હરકતો જ નડ્યાં હોય તેમ લાગે છે. પાર્ટીને પહેલેથી જ નુકસાન જઈ રહ્યું છે ત્યારે તેને ઓછું કરવા માટે ઈસુદાન ગઢવીને વચ્ચે લાવવામાં આવ્યા હોય તે શક્યતાઓ નકારી શકાય નહીં. 

    શું માને છે રાજકીય વિશ્લેષકો?

    આ જ મત ગુજરાતના જાણીતા પત્રકાર, રાજકીય વિશ્લેષક અને આણંદથી પ્રકાશિત થતા અખબાર ‘નયા પડકાર’ના તંત્રી જશવંતભાઈ રાવલ પણ ધરાવે છે. ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેઓ કહે છે કે, “ગોપાલ ઇટાલિયાની છાપ તોફાની અને બિનવિશ્વાસુ નેતા તરીકેની છે. અને જ્યારે આવડા મોટા રાજ્યના મુખ્યમંત્રી તરીકે નામની પસંદગી કરવાની હોય તો સ્વભાવિક રીતે જૂતું ફેંકનાર વ્યક્તિને કોઈ પસંદ ન કરે.” 

    સીએમ ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની પસંદગી અંગે જશવંતભાઈ રાવલ જણાવે છે કે, “આમ આદમી પાર્ટી પાસે કોઈ બીજો વિકલ્પ જ ન હતો. તેમની પાસે જે નેતાઓ છે તેમાં પ્રમાણમાં છાપ ઈસુદાનની જ સારી છે. તેથી પહેલેથી જ અનુમાન હતું કે તેમને જ સીએમ ઉમેદવાર જાહેર કરશે.” જોકે, તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ઉમેદવાર જાહેર કરવાથી પાર્ટીને કોઈ બહુ મોટો ફેર પડશે નહીં, પરંતુ એટલું થશે કે પાર્ટીને ગોપાલના કારણે નુકસાન થઇ રહ્યું હતું, તેમાં થોડીઘણી રાહત મળશે.”

    આ અંગે વાત કરતાં જાણીતા રાજકીય વિશ્લેષક, પત્રકાર જયવંત પંડ્યા કહે છે કે ગોપાલ ઇટાલિયાની ઉંમર નાની છે, બીજું કે તેમની છાપ ‘અર્બન નક્સલી’ અને ‘હિંદુવિરોધી’ તરીકેની બની ગઈ છે. બીજી તરફ, ઈસુદાન ગઢવી નિર્વિવાદ ચહેરો છે. એથી તેમને બનાવવામાં આવ્યા હોય શકે. 

    તેમણે એમ પણ કહ્યું કે, સુરતમાં ગોપાલ ઇટાલિયાએ મહેનત કરીને પાર્ટીને મહાનગરપાલિકા ચૂંટણીમાં 27 બેઠકો અપાવી હતી. જેના કારણે જ પાર્ટી આજે આટલી હવે બનાવી શકી છે. પરંતુ તેમની બાદબાકી કરીને ઈસુદાન ગઢવીને બનાવવામાં આવ્યા એ પણ ચર્ચાનો વિષય છે. જોકે, તેમણે સરવેની પારદર્શિતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું કે, 16 લાખ લોકોએ અભિપ્રાય આપ્યા હોવાનું પાર્ટી કહે છે તો આ નામો પણ જાહેર કરવાં જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં