‘પ્રદર્શનકારીઓ’એ ફરી એક વખત પાડોશી રાષ્ટ્ર નેપાળને બાનમાં લીધું છે. થોડા સમય પહેલાં નેપાળમાં રાજાશાહી પરત લાવવા અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં પ્રદર્શનો થયાં હતાં. આ વખતે જોકે મુદ્દો અલગ છે. પ્રદર્શનો થઈ રહ્યાં છે સોશિયલ મીડિયા બૅન વિરુદ્ધ.
નેપાળની સરકારે સોશિયલ મીડિયા સાઇટો પર પ્રતિબંધ મૂકવાની ઘોષણા કરી પછી કાઠમંડુ સહિત અનેક શહેરોમાં પ્રદર્શનો ફાટી નીકળ્યાં. પછીથી પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ પકડી લીધું અને તેમાં 19નાં મોત થયાં. 300થી વધુ ઇજાગ્રસ્ત હોવાનું કહેવાય છે.
હિંસક પ્રદર્શનો પછી ગૃહ પ્રધાને રાજીનામું ધરી દીધું. સરકારે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી રહ્યા છે. આ બધાં આશ્વાસન પછી પ્રદર્શનો આમ તો અટકી જવાં જોઈએ, પણ તેમ થયું નથી. બીજા દિવસે પણ પ્રદર્શનો ચાલુ જ છે. પ્રદર્શનકારીઓની માંગ છે કે વડા પ્રધાન કે. પી શર્મા ઓલી રાજીનામું આપે. કારણ ભ્રષ્ટાચારનું જણાવવામાં આવી રહ્યું છે. હવે આગળ શું થાય એ જોવું રહ્યું.
આ પ્રદર્શનોમાં કેન્દ્રસ્થાને જેન ઝી (1997થી 2010-12 સુધી જન્મેલાઓ) છે. મીડિયામાં પણ પ્રદર્શન આ જ નામે ઓળખાવાનું શરૂ થઈ ગયું છે. નજીકના ભૂતકાળમાં જઈએ તો બાંગ્લાદેશમાં જે પ્રદર્શનોના કારણે શેખ હસીનાની સરકાર પડી ભાંગી તેમાં પણ કથિત વિદ્યાર્થીઓ જ કેન્દ્રસ્થાને હતા.
બાંગ્લાદેશમાં સરકારે અનામત મુદ્દે આશ્વાસન આપ્યા બાદ, પીછેહઠ કરી લીધા બાદ અને કોર્ટે પણ આદેશ આપી દીધા બાદ પણ પ્રદર્શનો ચાલુ રાખવામાં આવ્યાં અને મુદ્દાને અગાઉનાં પ્રદર્શનોમાં થયેલી હિંસા સાથે જોડીને વડાં પ્રધાનનું રાજીનામું માંગવામાં આવ્યું. આખરે હિંસક ભીડ ઢાકા પહોંચી, આર્મીએ પીએમને અલ્ટીમેટમ આપ્યું અને શેખ હસીનાએ દેશ છોડીને આવવું પડ્યું. ત્યારબાદ ત્યાં શું થયું એ સુજ્ઞ વાચક જાણે છે.
પ્રદર્શનો શ્રીલંકા અને પાકિસ્તાનમાં પણ થયાં છે. 2021માં લંકામાં પબ્લિક રસ્તા પર ઉતરી આવ્યું હતું. ત્યારબાદ ત્યાં ઘણી સરકારો બદલાઈ ગઈ. પાકિસ્તાનમાં પણ છાશવારે પ્રદર્શનો થતાં રહે છે. ત્યાં તો જોકે સરકાર અને સેના રીતસર પ્રજાને લૂંટવા બેઠાં છે એટલે લોકો રસ્તા પર ઉતરી આવે એ સ્વાભાવિક છે. પાકિસ્તાનની દુનિયા અલગ છે.
બાકીના દેશોની સ્થિતિ જોઈએ તો એક નિશ્ચિત પેટર્ન જોવા મળે છે. સત્તા સામે થતાં પ્રદર્શનો હવે હથિયારની જેમ વપરાતાં રહે છે. કોઈ એક વર્ગને, એક સમુદાયને, એક સમાજને સરકાર સામે મૂકી દેવામાં આવે છે અને પ્રદર્શનો શરૂ થાય છે. અરાજકતા અને અવ્યવસ્થાના વાતાવરણ વચ્ચે સરકારો વિમાસણમાં મૂકાય એ દેખીતી વાત છે. ‘રિજિમ ચેન્જ ઑપરેશન’ના સાધન તરીકે આ આંદોલનો અને પ્રદર્શનો જબરદસ્ત રીતે કારગત નીવડ્યાં છે.
આ દૂષણમાંથી ભારત પણ બાકાત રહી શક્યું નથી. ફેર એટલો કે અહીં ભરપૂર પ્રયાસો પછી પણ સરકારને આંચ આવી નથી. બાકી સીએએ વખતે મુસ્લિમોને સરકાર સામે કરવામાં આવ્યા હતા. મહિનાઓ સુધી રસ્તા રોકીને ચાલેલા ખેડૂત આંદોલન વખતે કથિત અન્નદાતાઓને આગળ કરવામાં આવ્યા. પણ ધારેલી સફળતા ન મળી તેનાં ઘણાં કારણો છે.
આપણી સરકાર મજબૂત છે. સરકારમાં બેઠેલા માણસોને કુનેહથી કામ લેતાં આવડે છે. દીર્ઘદ્રષ્ટિ અને કુનેહથી તેમણે ઘણી વખત સ્થિતિ સંભાળી લીધી છે. પારોઠનાં પગલાં ભરવાં પડે તો ભર્યાં છે. ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાના મોદીના નિર્ણય પાછળના ઘણા સવાલોના જવાબો આ ચર્ચામાંથી મળી શકે તેમ છે.
પણ વાંદરો ગુલાંટ મારવાનું છોડશે નહીં એટલે નચિંત રહેવાનું કોઈ કારણ નથી. ગ્લોબલ ઇકોસિસ્ટમને ભારતમાં સત્તા પરિવર્તન લાવવામાં જેટલો રસ છે તેટલો બીજે ક્યાંય નથી. આપણી અને આ ઇકોસિસ્ટમ વચ્ચે મોદી દીવાલ બનીને ઊભા છે. એ દીવાલ મજબૂત રહે એ જોવાની અમુક જવાબદારી આપણી પણ છે.


