Monday, January 20, 2025
More
    હોમપેજરાજકારણબિહાર ચૂંટણી પહેલાં જાતિનો જે ફુગ્ગો ફુલાવી રહ્યા હતા તેજસ્વી યાદવ, તેને...

    બિહાર ચૂંટણી પહેલાં જાતિનો જે ફુગ્ગો ફુલાવી રહ્યા હતા તેજસ્વી યાદવ, તેને રાહુલ ગાંધીએ કરી દીધો ફૂસ્સ: કોંગ્રેસ નેતાએ ‘સેલ્ફ ગોલ’ સેટ કર્યો કે પછી RJDનું પત્તું કાપવાનો પ્રયાસ?

    'સંવિધાન સુરક્ષા સંમેલન'માં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારની જાતિગત વસ્તી ગણતરી ખોટી છે અને તે લોકોને મૂર્ખ બનાવનારી છે. તેના કારણે રાજ્યની સાચી પરિસ્થિતિનું મૂલ્યાંકન થયું નથી અને જનતાને પણ કોઈ ફાયદો નથી થયો.

    - Advertisement -

    કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી શનિવારે (18 જાન્યુઆરી 2025) એક દિવસીય પ્રવાસ પર બિહારની રાજધાની પહોંચ્યા હતા. અહીં તેમણે એક કાર્યક્રમમાં ભાગ લીધો અને બિહારના મહાગઠબંધનના સૌથી મોટા સહયોગી એવા રાષ્ટ્રીય જનતા દળના (RJD) સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની રાબડી દેવી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક કાર્યક્રમમાં કંઈક એવું કહ્યું કે બિહારનું રાજકારણ ગરમાય ગયું છે.

    ‘સંવિધાન સુરક્ષા સંમેલન’માં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે, બિહારની જાતિગત વસ્તી ગણતરી ખોટી છે અને તે લોકોને મૂર્ખ બનાવનારી છે. તેના કારણે રાજ્યની સાચી પરિસ્થિતિનું મૂલ્યાંકન થયું નથી અને જનતાને પણ કોઈ ફાયદો નથી થયો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ દેશભરમાં જાતિગત વસ્તી ગણતરી કરવા માટે લોકસભા અને રાજ્યસભામાં કાયદા પસાર કરાવશે. તેમણે તેને દેશનો એક્સ-રે અને એમઆરઆઇ ગણાવ્યો હતો.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, આના આધારે રાજકીય, આર્થિક અને સામાજિક ભાગીદારી નક્કી થશે. હાલમાં કોની કેટલી ભાગીદારી છે તેનું મૂલ્યાંકન કર્યા પછી જ દેશનો વિકાસ શક્ય છે. તેમણે વસ્તીના પ્રમાણમાં હિસ્સેદારી આપવાની તરફેણ કરી હતી. રાહુલ ગાંધીએ અનામતની મર્યાદામાં 50 ટકાથી વધુનો વધારો કરવાની વાત પણ કરી હતી અને કહ્યું હતું કે, તેઓ ચોક્કસપણે આવું કરશે.

    - Advertisement -

    કાર્યક્રમમાં કર્યો હતો મોટો ફેરફાર

    રાહુલ ગાંધીએ બિહારની જાતિગત વસ્તી ગણતરીને નકલી ગણાવીને બિહારના રાજકારણમાં દબાણ ઊભું કર્યું છે. વાસ્તવમાં, આમ કરીને રાહુલ ગાંધીએ પટનામાં નિર્ધારિત કાર્યક્રમથી વિપરીત કાર્ય કર્યું. અગાઉ બાપુ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ ‘સંવિધાન સુરક્ષા સંમેલન’માં તેઓ બોલવાના હતા. ત્યારબાદ તેઓ આરજેડીના નેતાઓને મળવાના હતા, પરંતુ એરપોર્ટથી તેઓ સીધા જ મૌર્ય હોટલ પહોંચ્યા અને ત્યાં આરજેડી કારોબારીની બેઠકની વચ્ચે લાંબા સમય સુધી તેજસ્વી યાદવ સાથે બંધ બારણે વાતચીત કરી. જોકે, આ બેઠકનું કારણ શું હતું અને તે પણ આટલી ઉતાવળમાં, તે અંગે કોઇ સ્પષ્ટ વલણ નથી.

    જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, રાહુલ ગાંધીની આ બેઠક તેજસ્વી યાદવે થોડા દિવસો પહેલાં જ INDI ગઠબંધન અંગે આપેલા નિવેદનના સંદર્ભમાં હતી. વાસ્તવમાં બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે થોડા દિવસો પહેલાં જ કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોઈ ‘ખેલા’ નહીં થાય. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી માટે રચાયેલું ‘INDI’ ગઠબંધન હવે અસ્તિત્વમાં નથી. જોકે, તેમણે બિહારમાં ‘મહાગઠબંધન’ની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો.

    લાલુ યાદવ મમતા બેનર્જીના પક્ષે બોલ્યા હતા

    ભૂતકાળમાં INDI ગઠબંધનના અંત વિશે રોકકળ થતી આવી છે. આરજેડી સુપ્રીમોએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના એ નિવેદનનું સમર્થન કર્યું છે કે, જેમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીથી INDI ગઠબંધન હેન્ડલ નથી થઈ રહ્યું અને તેઓ તેનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે લાલુ યાદવે ખુલ્લેઆમ મમતા બેનર્જીનું સમર્થન કરતા કહ્યું હતું કે, તેમને તક આપવી જોઈએ.

    આવી સ્થિતિમાં રાહુલ ગાંધીના પટના પ્રવાસ દરમિયાન માનવામાં આવી રહ્યું છે કે, આ મુદ્દે તેજસ્વી યાદવ સાથે તેમની લાંબી ચર્ચા થઈ હતી. INDI ગઠબંધનના અસ્તિત્વને નકારવાની અને જરૂર પડ્યે ગઠબંધનનું નેતૃત્વ મમતા બેનર્જીને આપવાની પણ ચર્ચા છે. જાણકારોનું કહેવું છે કે, તેજસ્વી યાદવ પોતાના નિવેદન પર અડગ રહ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીને કોઈ સ્પષ્ટ આશ્વાસન ન આપ્યું અને સમગ્ર ધ્યાન બિહાર વિધાનસભા ચૂંટણી પર રહેશે તેમ કહ્યું હતું.

    જાતિગત વસ્તી ગણતરીનો મુદ્દો, તેજસ્વીને અઘરો પડશે?

    રાહુલ ગાંધીને આ વાત હજમ ન થઈ. ત્યાંથી રાહુલ ગાંધી સંવિધાન સુરક્ષા સંમેલનમાં પહોંચ્યા હતા અને તેજસ્વી યાદવના જાતિગત વસ્તી ગણતરીના દાવાની હવા કાઢી નાખી હતી. રાહુલ ગાંધીએ બિહારના જાતિ સર્વેક્ષણને નકલી ગણાવ્યું હતું. તેજસ્વી યાદવ આ જાતિગત વસ્તી ગણતરીનો સંપૂર્ણ શ્રેય લેવાનો પ્રયાસ કરતા આવ્યા છે. તેમણે ઘણા પ્રસંગોએ કહ્યું છે કે, તેમના દબાણમાં જ તત્કાલીન મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારમાં જાતિગત વસ્તી ગણતરી કરી હતી.

    બિહારની જાતિગત વસ્તી ગણતરીને નકલી ગણાવીને રાહુલ ગાંધીએ એક તીરથી બે શિકાર કરવાનો પ્રયાસ કર્યો છે. એક તરફ તેઓ દલિતો અને ઓબીસીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, નીતિશ કુમાર અને તેજસ્વીએ કરેલા જાતિ સર્વેક્ષણમાં જે આંકડા છે તે સાચા નથી અને બીજી તરફ આ ગણતરીનો શ્રેય લેવાના તેજસ્વી યાદવના પ્રયાસ પર પણ પાણી ફેરવી દીધું છે. સાથે જ નીતિશ કુમારના હાથેથી પણ આ મુદ્દાને છીનવી લીધો છે.

    વાસ્તવમાં જે સમયે નીતિશ કુમારની JDU અને તેજસ્વીની RJD પાર્ટીની ગઠબંધન સરકારે આ જાતિગત વસ્તી ગણતરી કરી હતી, તે સમયે રાહુલ ગાંધીની કોંગ્રેસ પણ તે સરકારમાં સહયોગી હતી. આમ છતાં તેમણે તેના પર સવાલ ઉઠાવ્યા છે. વાસ્તવમાં તેને રાહુલ ગાંધીની કોંગ્રેસના એક સમયના વોટર્સ રહી ચૂકેલા દલિતોમાં પાર્ટીની સ્વીકાર્યતા વધારવાનો પ્રયાસ અંતર્ગતની રણનીતિ પણ માનવામાં આવી રહી છે.

    એક તીરે બે નિશાન

    આવી સ્થિતિમાં પોતાની જ સરકારને કઠેડામાં મૂકીને, તેઓ તેમના બે મુખ્ય નેતાઓને નિશાન બનાવી રહ્યા છે. તેમનું પહેલું લક્ષ્ય નીતિશ કુમાર અને બીજું લક્ષ્ય તેજસ્વી યાદવ છે. અન્ય એક કારણ પર નજર મારીએ તો આ આગામી કેટલાક મહિનાઓમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી માટે દબાણ લાવવાની રાજનીતિ તરીકે પણ જોઈ શકાય. છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં સતત એવા અહેવાલો વહેતા થયા છે કે, કોંગ્રેસ બિહારની ચૂંટણીમાં વધુ બેઠકો આપવા માટે દબાણ કરી રહી છે.

    કદાચ INDI ગઠબંધનને નકારીને તેજસ્વી યાદવ પણ આજ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે, કોંગ્રેસ પાસે રાષ્ટ્રીય સ્તરે કોઇ સહયોગી નથી, પરંતુ તેમની જ પાર્ટી તેમનો બેડો પાર લગાવી શકે તેમ છે. તેથી તેમને જે બેઠકો ઓફર કરવામાં આવી રહી છે તેને શાંતિથી સ્વીકારી લેવી જોઈએ. જોકે, રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં મુખ્ય મુદ્દા પર પ્રહાર કરીને તેજસ્વી યાદવને રાજકારણના ક્ષેત્રમાં નિઃશસ્ત્ર કરી દીધા છે.

    નોંધનીય છે કે, તેજસ્વીએ કહ્યું હતું કે, બિહારની ચૂંટણીમાં જાતિગત વસ્તી ગણતરીને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું, “અમે વિકાસની સાથે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી હતી અને અનામતની મર્યાદા પણ વધારી હતી. અમે જે કહ્યું તે કર્યું.” વાસ્તવમાં ઉતાવળમાં પાછલી સરકારે બિહારમાં અનામતની મર્યાદા 50 ટકાથી વધારીને 65 ટકા કરી દીધી હતી, જેના પર પટના હાઇકોર્ટે રોક લગાવી દીધી છે.

    રાહુલ ગાંધીએ બિહારમાં જાતિગત વસ્તી ગણતરી વિશે ખૂબ જ કાળજીપૂર્વક અને સમજી-વિચારીને વાત કરી છે. તેઓ જાણે છે કે, બિહારમાં ચૂંટણીનું મુખ્ય કેન્દ્ર જાતિ આધારિત છે. જાતિગત ગોળબંધીના (એકત્રીકરણ) આધારે જ ટિકિટ વહેંચણીથી માંડીને ગઠબંધન સુધીનું રાજકારણ ચાલે છે. તેવામાં રાહુલે આ દાવ રમીને એક રીતે તેજસ્વી અને મહાગઠબંધન પર સન્માનજનક રીતે નૈતિક ભાર નાખી દીધો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં