વિશ્વમાં ભારત (India) એક ઊભરતી મહાસત્તા તરીકે સતત આગળ વધી રહ્યું છે. અર્થતંત્રથી લઈને ઇન્ફ્રાસ્ટ્રકચર અને અન્ય પણ માળખાગત સુવિધાઓ આજે ભારતમાં તેજીથી વધી રહી છે. પરંતુ, આ સાથે જ ભારતને નીચું દર્શાવવાના અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને ઉતારી પાડવાના વ્યર્થ કાવતરા પણ વધી રહ્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવે છે વિદેશી તાકતોના મીડિયા સંસ્થાન. આ બધી ચર્ચા એટલા માટે કે, ફરી એક વખત ભારત અને હિંદુઓ વિરુદ્ધ સતત પ્રોપગેન્ડા (Propaganda) ફેલાવનારા ‘ ધ વોશિંગ્ટન પોસ્ટે’ (The Washington Post) દેશના સામાન્ય લોકો વચ્ચે એક ખાઈ પેદા કરવાનું કામ કર્યું છે.
આમ તો ‘વોશિંગ્ટન પોસ્ટ’ને કોઈ વ્યાખ્યાની જરૂર નથી. કારણ કે, તેના ભૂતકાળના કારસ્તાનો હવે જગજાહેર થઈ ગયા છે. પણ નવા હુમલામાં તેણે હિંદુઓ (Hindus) અને જનજાતિ સમુદાય (Tribal Community) વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસો આદર્યા છે. તે પરાણે એ સાબિત કરવા મથી રહ્યું છે કે, ભારતના કેટલાક રાજ્યોમાં જનજાતિ સમુદાયનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે અને તેમને હિંદુ બનાવવામાં આવી રહ્યા છે. જોકે, અહીં વાસ્તવિકતા એ છે કે, તેઓ પહેલાંથી જ હિંદુ છે અને વાત રહી ધર્માંતરણની તો તે સાચી છે, પરંતુ હિંદુઓ નહીં પણ મિશનરીઓ તે પ્રયાસો કરી રહ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટે હિંદુ સંગઠનો પર લગાવ્યા આરોપ
વોશિંગ્ટન પોસ્ટે શનિવારે (1 ફેબ્રુઆરી, 2025) આ મામલે એક લેખ પ્રકાશિત કર્યો છે. વોશિંગ્ટન પોસ્ટે આરોપ લગાવી દીધો છે કે, હિંદુ સંગઠનો ઝારખંડના જનજાતિ સમુદાયનું ‘સનાતન ધર્મ’માં ધર્માંતરણ કરાવવા માંગે છે અને તેના માટે આખું પ્રચાર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન પોસ્ટે અનેક હિંદુ સંગઠનો પર આ માટે આરોપો પણ લગાવી દીધા છે. વોશિંગ્ટન પોસ્ટે કહ્યું છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને અન્ય હિંદુ સંગઠનો જનજાતિ સમુદાયને તે વિશ્વાસ અપાવી રહ્યા છે કે, તેઓ ‘વૃહત્તર હિંદુ ધર્મ’નો જ એક ભાગ છે. વોશિંગ્ટન પોસ્ટે આરોપ લગાવ્યો છે કે, આવું કરીને હિંદુ સંગઠનો જનજાતિ સમુદાયની આખી ઓળખ છુપાવી રહ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટે આ દાવો તેવા સમયે કર્યો છે, જ્યારે ઝારખંડમાં ઈસાઈ મિશનરીઓ તેજીથી ઘૂસણખોરો વધારી રહ્યા છે અને સાથે જ નબળા વર્ગના લોકોને ઇસ્લામમાં ધર્માંતરિત કરવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. રાજ્યમાં આ સમયે બાંગ્લાદેશી ઘૂસણખોરી વધી છે અને તેની અસર જનજાતિ સમુદાય પણ પડી રહી છે. તેનું પરિણામ એ સામે આવ્યું છે કે, આજે જનજાતિ સમુદાય ઝડપથી ઘટી રહ્યો છે અને ઘટ્યો પણ છે.
વોશિંગ્ટન પોસ્ટે લખ્યું છે કે, “ત્યાં સુધી કે, ઘેરા જંગલોમાં પણ ભારતનું દક્ષિણપંથી હિંદુ આંદોલન ઐતિહાસિક રીતે સેક્યુલર દેશને હિંદુ રાષ્ટ્રમાં બદલવા માટેના પોતાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે અને તે લાંબા સમયથી મુખ્યધારાના ધર્મથી બહાર રહેલા લાખો જનજાતિ લોકોને તે વિશ્વાસ અપાવવાના પ્રયાસો કરી રહ્યું છે કે, તેઓ પણ હિંદુ જ છે.” અમેરિકી અખબારે જનજાતિ સમુદાયની પ્રથાઓ અને તેમના રિવાજોને બચાવવા માટે હિંદુ સંગઠનોના પ્રયાસોની મજાક પણ ઉડાવી છે. વોશિંગ્ટન પોસ્ટના પ્રોપગેન્ડાથી એવું લાગે છે કે, ઝારખંડમાં ઈસાઈ મિશનરીઓના દૂષપ્રચાર વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવાથી તે અકળાઈ ઉઠ્યું છે.
ધર્માંતરણને રોકવાને ‘મિશનરી અભિયાન’ ગણાવી રહ્યું છે વોશિંગ્ટન પોસ્ટ
ઝારખંડને બિહારથી અલગ કરીને બનાવવામાં આવ્યું હતું. અહીં રહેતા આદિવાસી સમુદાયનો વિકાસ થાય તે હેતુથી ઝારખંડની રચના કરવામાં આવી હતી અને ફેક્ટ વાત તે છે કે, 2011ની વસ્તી ગણતરી મુજબ, રાજ્યમાં રહેતા 67.8% લોકો (બહુમતી) હિંદુઓ છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના દાવાથી વિપરીત, અહીં કામ કરતા હિંદુ સંગઠનો કોઈને હિંદુ બનાવવા માટે આવ્યા નથી, કારણ કે, તથ્ય એ જ છે કે, આ રાજ્ય પહેલેથી જ હિંદુ બહુમતી છે. તેના બદલે, હિંદુ સંગઠનો અહીં તે મિશનરીઓને રોકવા અને ધર્માંતરણની સાંઠગાંઠ તોડવા માટે કામ કરી રહ્યા છે.
વોશિંગ્ટન પોસ્ટે કહ્યું એમ, હિંદુ સંગઠનો ઝારખંડમાં અભિયાન તો ચલાવી જ રહ્યા છે, પરંતુ તે માટે નહીં કે, જનજાતિ સમુદાયના લોકોને હિંદુ બનાવવામાં આવે, પરંતુ તે માટે કે, ધર્માંતરણના થઈ રહેલા પ્રયાસોને રોકવામાં આવે. ગરીબ આદિવાસી લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવનારા સંગઠનો વિરુદ્ધ હિંદુ સંગઠનો પણ રાજ્યમાં સતત અભિયાન ચલાવી રહ્યા છે. લાલચમાં ફસાયેલા લોકોને પરત પોતાના રસ્તા પર લાવવાનું કામ પણ હિંદુ સંગઠનો કરી રહ્યા છે.
‘વનવાસી કલ્યાણ આશ્રમ’ અને ‘વિકાસ ભારતી’ પર પણ સાધ્યું નિશાન
વોશિંગ્ટન પોસ્ટે તેના લેખમાં ઝારખંડમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે કામ કરતી સંસ્થાઓ ‘વનવાસી કલ્યાણ આશ્રમ’ અને ‘વિકાસ ભારતી’ને પણ નિશાન બનાવ્યા અને તેમના વિશે જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો. વોશિંગ્ટન પોસ્ટે આરોપ લગાવ્યો છે કે, વિકાસ ભારતી સંસ્થા આદિવાસી સમુદાયને પ્રકૃતિપૂજક, હિંદુ અને ખ્રિસ્તીઓમાં વહેંચી રહી છે.
વોશિંગ્ટન પોસ્ટે શિવરાત્રી પર વિકાસ ભારતી દ્વારા આયોજિત એક કાર્યક્રમને પણ નિશાન બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આદિવાસી સમુદાય પણ સામેલ હતો, એવો દાવો ‘ધ વોશિંગ્ટન પોસ્ટે’ કર્યો હતો કે, આ કાર્યક્રમ પ્રકૃતિપૂજકોને હિંદુ ધર્મમાં ફેરવવાનો પ્રયાસ હતો. વોશિંગ્ટન પોસ્ટે ઝારખંડમાં આદિવાસી સમુદાયના કલ્યાણ માટે કામ કરતા ‘વનવાસી કલ્યાણ આશ્રમ’ને પણ નિશાન બનાવ્યું હતું અને દાવો કર્યો હતો કે, તે ધર્મ પરિવર્તન માટે કામ કરે છે. વોશિંગ્ટન પોસ્ટે કહ્યું કે, વનવાસી કલ્યાણ આશ્રમ કથિત રીતે ‘હિંદુ ધર્મ’થી અલગ રહેલા આદિવાસી સમુદાયને હિંદુ ધર્મમાં ફેરવી રહ્યું છે.
સરના કોડની મદદથી વિવાદ ઊભો કરવાનો પ્રયાસ
વોશિંગ્ટન પોસ્ટે હિંદુઓ અને ‘પ્રકૃતિપૂજકો’ વચ્ચે ખાઈ મજબૂત કરવા માટે ‘સરના કોડ’ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેને RSS માટે ‘નવો વિવાદ’ અને ‘પડકાર’ ગણાવ્યો હતો. વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે, “છત્તીસગઢના જશપુર અને બિશુનપુરમાં હિંદુ સંગઠનો માટે કામ કરતા આદિવાસી લોકો પણ અલગ ધાર્મિક ઓળખ સરના કોડની હિમાયત કરી રહ્યા છે.”
વોશિંગ્ટન પોસ્ટે ‘વનવાસી કલ્યાણ આશ્રમ’ સાથે કામ કરતી એક ‘પ્રકૃતિપૂજક’ આદિવાસી નર્સનું ઉદાહરણ ટાંક્યું છે. ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ સાથે વાત કરતા, નર્સે કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે, તે ‘સરના’ ધર્મમાં માનતી હોવા છતાં પોતાને હિંદુ તરીકે ઓળખાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
પોતાના આ પ્રોપગેન્ડા લેખમાં વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો હતો કે, હિંદુઓ સરના કોડ ઈચ્છતા ન હતા કારણ કે, તેનાથી જનજાતિ માટેના વિદેશી મિશનરીઓના જોખમની વાત નબળી પડી જાય છે. જોકે, આ સાચું છે કારણ કે, ખ્રિસ્તી મિશનરીઓને આદિવાસી અને ગરીબ વર્ગોમાં વધુ સફળતા મળી છે અને મળતી રહી છે.
સરના કોડનો વિવાદ
ભારતનો કાયદો હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન એમ 6 ધાર્મિક સમુદાયોને માન્યતા આપે છે. આ સિવાય કોંગ્રેસ-JMM સરકારે સરના ધર્મ માટે ધાર્મિક સંહિતા લાગુ કરવાનું વચન પણ આપ્યું છે. નવેમ્બર, 2020માં, ઝારખંડની INDI ગઠબંધન સરકારે વિધાનસભામાં આ બાબતે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. ભાજપે પણ તેને સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રી હેમંત સોરેને આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાના ઘોષણપત્રમાં સરના કોડ પર વિચાર કરવાનું વચન આપ્યું હતું. ઝારખંડ ભાજપના ચૂંટણી પ્રભારી શિવરાજ સિંઘ ચૌહાણે અનેક પ્રસંગોએ આ વલણને પુનરાવર્તિત કર્યું હતું.
સરના કોડ આદિવાસી સમુદાયના સમાજને એક અલગ ધાર્મિક સમૂહ તરીકે ઓળખ આપે છે. ભાજપ તેનો જાહેરમાં વિરોધ કરતું નથી. ભાજપે જાહેરમાં તેનો વિરોધ ક્યારેય કર્યો પણ નથી. પરંતુ RSS આદિવાસી સમાજને હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ ભાગ માને છે. RSS વનવાસી કલ્યાણ આશ્રમ જેવી સંસ્થાઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં આ માન્યતા સાથે કામ કરે છે. RSS-સંલગ્ન આદિવાસી સુરક્ષા મંચના પ્રાદેશિક સંયોજક (બિહાર-ઝારખંડ) સંદીપ ઉરાંવે દાવો કર્યો છે કે, સરના કોડ લાગુ કરવાથી વિવિધ સ્તરે ઘણી સમસ્યાઓ સર્જાશે. જોકે, એક તથ્ય એ પણ છે કે, પ્રાચીન ભારતીય ગ્રંથોથી લઈને હમણાં સુધીના મોટાભાગના ઇતિહાસમાં પણ જનજાતિ સમુદાય હિંદુ ધર્મનો જ એક ભાગ રહ્યો હતો.