Tuesday, March 11, 2025
More
    હોમપેજરાજકારણ'હર સવાલ ઓ જવાબ યહીં હોગા, હર હિસાબ ઓ કિતાબ યહીં હોગા'

    ‘હર સવાલ ઓ જવાબ યહીં હોગા, હર હિસાબ ઓ કિતાબ યહીં હોગા’

    જનતાએ આ પરિણામ આપીને એક આખી ઇકોસિસ્ટમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, બસ.. હવે સહન નહીં કરી શકાય. હિંદુઓએ હવે સ્પષ્ટ મેસેજ પહોંચતો કરી દીધો છે કે, હિંદુઓના દર્દ અને લાચારી પર હસનારા લોકોની હાલત આખરે આવી જ કરવામાં આવશે.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભા ચૂંટણીનું (Delhi Assembly Elections) પરિણામ (Result) આવી ચૂક્યું છે અને ભાજપ (BJP) બહુમતી સાથે સત્તા પર પરત ફરી છે. 27 વર્ષ બાદ AAPના ગઢમાં ભાજપ જે સામર્થ્ય સાથે પરત ફરી છે, તે જ સામર્થ્ય સાથે એક સમયે કેજરીવાલે (Kejriwal) વિધાનસભામાં ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સની’ (The Kashmir Files) મજાક બનાવી હતી. પરંતુ જનતાએ આ વખતે જવાબ આપી દીધો છે. દિલ્હીની હાર બાદ એક તરફ ભાજપ ઉત્સવની તૈયારી કરી રહ્યું છે તો આમ આદમી પાર્ટીના નેતાઓથી લઈને કાર્યકર્તાઓ બધા જ ‘માયુસ’ છે. એક આતિશી માર્લેના થોડાં ખુશ પણ હશે, કારણ કે, મોવડી મંડળનું નાક તો રાખ્યું કમ સે કમ.

    દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની હાર બાદ સોશિયલ મીડિયા પર એક ફોટો ખૂબ વાયરલ થયો છે. તે ફોટોમાં કેજરીવાલ વિધાનસભામાં ભાષણ આપતા નજરે પડ્યા હતા અને તેમના મુખ પર અહંકારી હાસ્ય પણ દેખાયું હતું. તે સાથે તેમની પાછળ બેસેલી એક મહિલા પણ અટ્ટહાસ્ય કરી રહી હતી. આ ફોટો 24 માર્ચ, 2022ના રોજનો છે. પરંતુ હવે ત્રણ વર્ષે શા માટે તે વાયરલ થઈ રહ્યો છે અને કેમ લોકો તેને હિંદુઓની એકતા અને સફળતા સાથે જોડી રહ્યા છે, તે જાણવા માટે બે વર્ષ પાછળ જવું પડશે.

    વર્ષ 2022 અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’

    દેશભરમાં કાશ્મીરી હિંદુઓની પીડાની વાતો તો થવા લાગી હતી, પરંતુ તે પીડાને મોટા પડદા પર રજૂ કરીને વાચા આપવાનું કામ હજુ સૂધું કોઈ કરી શક્યું નહોતું. પરંતુ વર્ષ 2022માં તે કામ કર્યું વિવેક અગ્નિહોત્રીએ. માર્ચ 2022માં પ્રથમ વખત કાશ્મીરી હિંદુઓની પીડાને મોટા પડદા પર રજૂ કરવામાં આવી અને નામ આપવામાં આવ્યું હતું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’. પરંતુ તે પણ સરળ નહોતું. કારણ કે, ફિલ્મને લોકો સુધી પહોંચાડવા માટેનું બજેટ ન હતું અને ન હતો એક આખી ઇકોસિસ્ટમનો સપોર્ટ. પરંતુ, લોકોએ સ્વયંભૂ ફિલ્મનો પ્રચાર પોતાના ખભા પર ઉપાડી લીધો.

    - Advertisement -

    દેશના કરોડો લોકોએ ફિલ્મને પોતાના દર્દભર્યા ઇતિહાસ સાથે જોડી અને દેશભરમાં તેનો ખૂબ પ્રચાર કર્યો. અંતરિયાળ ગામડા સુધી આ ફિલ્મને પહોંચતી કરી અને દેશ સામે ઇતિહાસના એક કાળા અધ્યાયનું પાનું ખોલી નાખ્યું. તે સમયે દેશભરમાં એક આખો માહોલ બની ગયો હતો અને લોકો કોઈપણ સંજોગોમાં તે ફિલ્મને જોવા માંગતા હતા. આવી સ્થિતિમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની માંગ દરેક રાજ્યમાં થવા લાગી હતી અને ભાજપશાસિત રાજ્યોમાં તે થયું પણ હતું.

    કેજરીવાલનું વિધાનસભામાં ભાષણ અને કરોડો હિંદુઓના ઘા પર નાખેલું નમક

    એક તરફ લોકો સ્વયંભૂ ફિલ્મનો પ્રચાર કરી રહ્યા હતા અને ઘર-ઘર સુધી તેને પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો બીજી તરફ એક આખી ઇકોસિસ્ટમ તેના વિરોધમાં આવીને ઊભી રહી ગઈ હતી. કોઈ તેને પ્રોપગેન્ડા ફિલ્મ ગણાવી રહ્યું હતું તો કોઈએ દલીલ કરી હતી કે ભાજપને ચૂંટણીમાં ફાયદો પહોંચાડવા માટે ફિલ્મ લાવવામાં આવી છે. કોઈ ફિલ્મમાં દર્શાવવામાં આવેલી હકીકત પર ચર્ચા કરતું ન હતું, કારણ કે તેમ કરવાથી તેમના ભાઈઓની કરતૂતો ઉઘાડી થવાનો ડર હતો.

    24 માર્ચ, 2022ના રોજ દિલ્હીમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું હતું. તે જ સમયે ભાષણ આપતા કેજરીવાલે કરોડો હિંદુઓના દર્દ અને ઘા પર નમક નાખવાનું કામ કર્યું હતું. કેજરીવાલે વિધાનસભામાં ‘ધ કાશ્મીર ફાઇલ્સની’ મજાક ઉડાવી હતી.

    કેજરીવાલે તે ફિલ્મને યુ-ટ્યુબ પર અપલોડ કરી દઈને સાવ ફ્રી કરી નાખવાની સલાહો પણ આપી હતી. દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી જેવા જવાબદાર વ્યક્તિ તરીકે તેમણે લોકોની વેદના પર સહાનુભૂતિ આપવાની જગ્યાએ લોકોના તે દર્દ અને પીડા પર ઉઝરડા પાડવાનું કામ કર્યું હતું. તેમણે વિધાનસભામાં ફિલ્મની મજાક બનાવવા માટેની કોઈ કસર નહોતી છોડી અને તેમના સાથીઓ પણ અટ્ટહાસ્ય કરીને તેમને સહયોગ આપી રહ્યા હતા. એક રીતે આ કાશ્મીરી હિંદુઓની પીડાની મજાક હતી. તે મજાક ન માત્ર એક ફિલ્મની હતી, પરંતુ દેશની બહુમતી પ્રજાના કાળજામાં છૂપાયેલા એક ઘાની હતી.

    તે સમયે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ કેજરીવાલ અને તેમના સહયોગીઓનો તે જ ફોટો પોસ્ટ કર્યો હતો, જેની આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. લોકોએ પોસ્ટ કરીને તે સમયે માત્ર એટલું કહ્યું હતું કે, “આ ભુલાશે નહીં” અને ખરેખર તે દર્દ ભુલાયો નહીં. હવે સમયનું પાસું પલટાયું અને પરિણામ તે આવ્યું કે, ભાષણ આપનારા કેજરીવાલ અને તેમના ભાષણ પર રાક્ષસી અટ્ટહાસ્ય કરનારા તેમના બે સહયોગીઓને લોકોએ દિલ્હી વિધાનસભામાંથી ઉખેડી ફેંક્યા. સત્તા તો ગઈ, પરંતુ તેની સાથે પોતાની વિધાનસભા બેઠક પણ ગઈ.

    2025ની વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી બેઠક પરથી ઊભા રહેલા આમ આદમી પાર્ટીના કર્તાહર્તા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 4089 વૉટથી હાર્યા. તેમને હરાવનારા ભાજપ નેતા હતા પ્રવેશ સાહિબ સિંઘ વર્મા. તે ઉપરાંત કેજરીવાલના ભાષણ પર અટ્ટહાસ્ય કરનારાં દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી અને ડેપ્યુટી સ્પીકર રાખી બિરલા પણ માદીપુર બેઠક પરથી હાર્યા. ભાજપ નેતા કૈલાશ ગંગવાલે તેમને 10899 વૉટથી હરાવ્યા. કેજરીવાલના ભાષણ પર મંદ-મંદ મુસ્કાન વેરી રહેલા તત્કાલીન AAP નેતા અબ્દુલ રહેમાન, જેઓ પછીથી કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસની ટિકિટ પરથી સીલપમુર બેઠક પરથી લડ્યા, તેઓ પણ તે બેઠક પરથી હારી ગયા.

    હવે આ પરિણામ સાથે લોકો સોશિયલ મીડિયા પર કર્મનો સિદ્ધાંત યાદ અપાવી રહ્યા છે. માર્ચ 2024નો વિધાનસભાનો તે જૂનો ફોટો આજે પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે, તે સમયે કેજરીવાલે કરોડો હિંદુઓના ઘા પર જે નમક નાખ્યું હતું, તે જ પીગળીને દરિયાની જેમ કેજરીવાલની આખી સત્તાને ઉખાડી લઈ ગયું.

    વિવેક અગ્નિહોત્રી અને અનુપમ ખેરે પણ આપી પ્રતિક્રિયા

    એક સમયે કાશ્મીરી હિંદુઓની પીડા પર આસુરી અટ્ટહાસ્ય કરનારા આજે ત્યાં સુધી પહોંચી ગયા છે કે, વિધાનસભામાં પણ નથી બેસી શકવાના. પરિણામ આવ્યા બાદ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ કેજરીવાલના તે જ ભાષણનો ફોટો પોસ્ટ કર્યો છે, જે ભાષણ કેજરીવાલને અહીં સુધી લઈને આવ્યું છે.

    X પર કેજરીવાલ અને તેમના સહયોગીઓના અટ્ટહાસ્યના ફોટાની સાથે અગ્નિહોત્રીએ એક પંક્તિ પણ લખી છે. તેમણે લખ્યું છે કે, ‘હર સવાલ ઓ જવાબ યહીં હોગા, હર હિસાબ ઓ કિતાબ યહીં હોગા.’

    આ સાથે જ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના અભિનેતા અનુપમ ખેરે પણ કેજરીવાલના ભાષણનો તે જ ફોટો પોસ્ટ કર્યો છે. તેમણે લખ્યું છે કે, “એમ તો કોઈને પીડા પહોંચાડવી સારી નથી. પણ જેના પર ખૂબ અન્યાય થયો હોય, તેના પર હસવું, તેની પીડાની મજાક બનાવવી, તેની આત્માને દુઃખ પહોંચાડવું, તે માણસાઈની વધી હદો ઓળંગી જાય છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “અને પછી.. તે દુઃખી આત્મામાંથી અનૈચ્છિક રીતે એક ‘નિસાસો’ નીકળે છે અને તે જ નિસાસો પાછળથી ‘શાપ’નું સ્વરૂપ લે છે. આ તસવીરના લોકો સાથે કદાચ આવું જ થયું છે. આ વિધિનું વિધાન છે. જે દિવસે દિલ્હીની વિધાનસભામાં આ લોકોના અટ્ટહાસ્ય ગૂંજ્યા હતા, તે દિવસે લાખો કાશ્મીરી પંડિતોએ ખૂન અને લાચારીના આંસુ વહાવ્યા હતા.”

    આ પ્રતિક્રિયા સિવાય જનતાએ આ પરિણામ આપીને એક આખી ઇકોસિસ્ટમને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, બસ.. હવે સહન નહીં કરી શકાય. હિંદુઓએ હવે સ્પષ્ટ મેસેજ પહોંચતો કરી દીધો છે કે, હિંદુઓના દર્દ અને લાચારી પર હસનારા લોકોની હાલત આખરે આવી જ કરવામાં આવશે.

    શીર્ષક પંક્તિ- વિવેક અગ્નિહોત્રીની પોસ્ટ પરથી

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં