
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલ ઇઝરાયેલ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તેમણે જાહેરાત કરી છે કે ગાઝા સંઘર્ષ હવે સમાપ્ત થઈ ચૂક્યો છે અને બંને પક્ષો વચ્ચે કેદીઓને મુક્ત કરવાની પ્રક્રિયા પર સહમતી બની ચૂકી છે. ટ્રમ્પની હાજરીમાં કેદીઓને છોડવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે. ઇઝરાયેલી સરકારના પ્રવક્તા શોશ બેડ્રોસિયને કહ્યું છે કે 13 સપ્ટેમ્બરની સવારે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલ જવા રવાના થઈ ચૂક્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, “યુદ્ધ હવે કાયમ માટે સમાપ્ત થઈ ચૂક્યું છે.” અહેવાલ અનુસાર હમાસ ઇઝરાયેલી બંધકોને 3 બેચમાં મુક્ત કરશે. બદલામાં ઇઝરાયેલ પણ હમાસના કેદીઓને મુક્ત કરવાનું છે.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ઇઝરાયેલની લગભગ ચાર કલાક લાંબી મુલાકાત કરવાના છે. આ દરમિયાન તેઓ બંધકોના પરિવારો અને નેતન્યાહુ સાથે મુલાકાત કરવાના છે. આ સિવાય તેઓ જેરુસલેમમાં નેસેટમાં ભાષણ પણ આપવાના છે. નેસેટના સ્પીકરે ટ્રમ્પને સંસદમાં ભાષણ આપવા ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.
નોંધનીય છે કે ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે 13 ઑક્ટોબરની સવારે જાહેરાત કરી હતી કે ઇઝરાયેલ ગાઝામાંથી બંધકોને મુક્ત કરાવવા અને સંઘર્ષનો અંત લાવવામાં ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાને લઈને તેમને ઇઝરાયેલનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપશે.

