Tuesday, April 22, 2025
More

    ‘દેશ ધર્મશાળા નથી કે કોઈ પણ આવીને રહી શકે’: ગૃહમંત્રી શાહ, લોકસભાએ પસાર કર્યું ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) 27 માર્ચે લોકસભામાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ 2025 (Immigration and Foreingners Bill 2025) પર થતી ચર્ચા પર જવાબ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે દેશમાં કોણ આવે છે અને કેટલા સમય માટે આવે છે તે જાણવાનો અધિકાર છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ દેશ કોઈ ધર્મશાળા નથી જ્યાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે આવીને રહી શકે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે, “દેશના ઘણા મુદ્દાઓ આ બિલ સાથે જોડાયેલા છે. હું આ ગૃહને ખાતરી આપું છું કે તેના દ્વારા ભારતમાં આવતા તમામ વિદેશી નાગરિકોના હિસાબ રાખવાનું કામ કરવામાં આવશે અને તેનાથી દેશનો વિકાસ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.”

    શાહે કહ્યું, “દેશની સુરક્ષા માટે, દેશની અર્થવ્યવસ્થા, ઉત્પાદન અને વેપારને મજબૂત બનાવવા માટે, દેશની શિક્ષણ પ્રણાલીને ફરી એકવાર વિશ્વમાં સ્વીકાર્ય બનાવવા માટે, આપણી યુનિવર્સિટીઓને વૈશ્વિક બનાવવાનો માર્ગ મોકળો કરવા અને 2047માં આ દેશને વિશ્વનો શ્રેષ્ઠ બનાવવા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બિલ છે.”

    ગૃહમંત્રીએ કહ્યું, “જે લોકો ભારતની વ્યવસ્થામાં યોગદાન આપવા આવે છે, વ્યવસાય અને શિક્ષણ માટે આવે છે, આવા બધા લોકોનું સ્વાગત છે, પછી ભલે તે રોહિંગ્યા હોય કે બાંગ્લાદેશી… પરંતુ જો તેઓ અહીં અશાંતિ ફેલાવવા આવે છે, તો આવા લોકો સાથે ખૂબ જ કડક વર્તન કરવામાં આવશે.” ચર્ચાને અંતે લોકસભાએ આ બિલ પસાર કરી દીધું હતું.