તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાએ બુધવારે (2 જુલાઈ) એક ઘોષણા કરી, જેની ચર્ચા વિશ્વભરમાં છે. 90મા જન્મદિવસના માત્ર થોડા દિવસ અગાઉ કરેલી ઘોષણામાં દલાઈ લામાએ (Dalai Lama) સ્પષ્ટ કર્યું કે સેંકડો વર્ષોની આ ધાર્મિક પરંપરા અને દલાઈ લામાનું પદ, બંને તેમના ગયા પછી પણ યથાવત રહેશે અને આગામી દલાઈ લામાની ઓળખ કરવાનું કામ 2015માં તેમણે સ્થાપેલું ટ્રસ્ટ કરશે. સાથે એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આગામી દલાઈ લામાની ઓળખ અને નિમણૂક પર માત્ર ટ્રસ્ટ જ નિર્ણય કરી શકશે અને બીજા કોઈને આ બાબતમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી.
દલાઈ લામાએ એક નિવેદનમાં જણાવ્યું કે, તિબેટીયન બૌદ્ધો, ધર્મસંસ્થાઓના વડાઓ, NGO, હિમાલયના બુદ્ધિસ્ટો, અન્ય દેશોના બૌદ્ધો, તિબેટીયન સંસદના સભ્યોથી માંડીને અનેક લકોએ તેમને દલાઈ લામાના પદની પરંપરા જાળવી રાખવા માટે વિનંતી કરી છે. તિબેટમાંથી પણ તેમને આવી અનેક રજૂઆતો મળી હોવાનું કહીને ઉમેર્યું કે આ તમામ પરથી હું નિર્ધાર કરું છું કે આ પરંપરા આગળ પણ ચાલુ રહેશે.
Statement Affirming the Continuation of the Institution of Dalai Lama
— Dalai Lama (@DalaiLama) July 2, 2025
(Translated from the original Tibetan)
On 24 September 2011, at a meeting of the heads of Tibetan spiritual traditions, I made a statement to fellow Tibetans in and outside Tibet, followers of Tibetan… pic.twitter.com/VqtBUH9yDm
દલાઈ લામાએ જણાવ્યું કે ભવિષ્યના દલાઈ લામાની ઓળખ કરવાનું કામ ટ્રસ્ટને સોંપવામાં આવશે. તેઓ જુદી-જુદી સંસ્થાઓના વડા, ધર્મગુરુઓ સાથે ચર્ચા કરીને પૂર્વની પરંપરા અનુસાર દલાઈ લામાની શોધ અને ઓળખ કરશે. સાથે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે ભવિષ્યના દલાઈ લામાની ઓળખ કરવાની એકમાત્ર સત્તા ટ્રસ્ટ પાસે જ હશે અને અન્ય કોઈને આમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મળશે નહીં.
આમ જોવા જઈએ તો આ ઘોષણા એકમાત્ર ધાર્મિક સંસ્થા ચાલુ રહેશે અને ભવિષ્યમાં પણ દલાઈ લામા હશે તે બાબતની છે, જે સામાન્યતઃ ઘણી ધાર્મિક સંસ્થા-પરંપરાઓમાં જોવા મળે છે. પરંતુ તિબેટનો ઇતિહાસ, દલાઈ લામાના જીવન અને ચીન સાથેના બૌદ્ધ સંસ્થાના સંબંધો વગેરેને જોતાં આ એકમાત્ર ધાર્મિક સંસ્થા બાબતની ઘોષણા ન રહેતાં ભૂરાજનીતિક દ્રષ્ટિએ પણ એક અગત્યનો મુદ્દો બની જાય છે. ભારત માટે વિશેષ એટલા માટે પણ કારણ કે દલાઈ લામા વર્ષોથી ભારતમાં રહે છે.
કોણ હોય છે દલાઈ લામા?
દલાઈ લામા એ વાસ્તવમાં એક પદ છે. તિબેટમાં બૌદ્ધ પરંપરાના મુખ્ય ચાર પંથ છે, જેમાંથી સૌથી પ્રભાવશાળી પંથ છે ગેલુગ અને તેના ધાર્મિક વડાને દલાઈ લામા કહે છે. માન્યતા અનુસાર દલાઈ લામા અન્ય ધર્માવલંબીઓને આધ્યાત્મિક માર્ગ દર્શાવવા માટે, માર્ગદર્શન કરવા માટે અવતાર ધારણ કરીને પૃથ્વી પર આવે છે. અત્યાર સુધી 14 દલાઈ લામા થઈ ગયા છે. હાલના દલાઈ લામા તેન્ઝીન ગ્યાત્સો 14મા ગુરુ છે. જોકે દલાઈ લામાના પદનું નામકરણ 16મી સદીમાં થયું, પણ પછીથી અગાઉના ધાર્મિક વડાઓને પણ એ નામથી ઓળખ આપવામાં આવી.
તેમનો જન્મ 1935માં ઉત્તરપૂર્વ તિબેટમાં. માત્ર 2 વર્ષની ઉંમરે તેમની ઓળખ 13મા દલાઈ લામાના નવા અવતાર તરીકે કરવામાં આવી હતી. તે સમયે દલાઈ લામા તિબેટના ધાર્મિક ઉપરાંત રાજકીય શાસક પણ હતા. 16મી સદીમાં પાંચમા દલાઈ લામાએ તિબેટમાં ધાર્મિક અને રાજકીય સત્તા એક કરી હતી, ત્યારથી ત્યાં દલાઈ લામા રાજકીય શાસક પણ રહેતા. પરંતુ 14મા દલાઈ લામાએ જ્યારે શાસન સંભાળ્યું ત્યારે ચીન સાથે તિબેટના સંઘર્ષના દિવસો હતા.
1959માં જ્યારે ચીને આક્રમણ કરીને તિબેટ પર કબજો મેળવી લીધો ત્યારે દલાઈ લામા શરણ લેવા માટે ભારત આવ્યા અને ધર્મશાળામાં નિર્વાસિત સરકાર બનાવી. જોકે 2011માં તેમણે રાજકીય સત્તા છોડી દીધી હતી, જેથી હાલ દલાઈ લામા માત્ર ધર્મસત્તા ધરાવે છે. રાજકીય સત્તા નિર્વાસિત તિબેટ સરકારની સંસદ પાસે છે.
દલાઈ લામાની પસંદગી કઈ રીતે થાય છે?
પરંપરા એવી છે કે નવા દલાઈ લામાની ઓળખ કરવાની પ્રક્રિયા પાછલા દલાઈ લામાના નિધન બાદ જ શરૂ થાય છે. ઉચ્ચસ્થ પદ ધરાવતા લામા, અન્ય ધાર્મિક વડા અને બૌદ્ધ સાધુઓ પ્રકૃતિમાંથી એવા કોઈક સંકેત મળે, જેનાથી એ ખબર પડી શકે કે નવા દલાઈ લામાનો જન્મ ક્યાં થયો છે. જેમાં નિવર્તમાન દલાઈ લામાના અંતિમ સંસ્કાર દરમિયાન તેમના મસ્તકની દિશા, મૃત્યુ સમયે તેમના જોવાની દિશા વગેરે જેવા સંકેતો પણ આમાં સામેલ છે. ક્યારેક પવિત્ર તળાવ વગેરેની પણ મદદ લેવામાં આવે છે.

સંકેત મળ્યા બાદ બૌદ્ધ સાધુઓનું જૂથ જુદા-જુદા વિસ્તારોમાં વિચરણ કરીને બાળકોની ઓળખ કરે છે, જેમનો જન્મ નિવર્તમાન દલાઈ લામાના નિધન બાદ થયો હોય. ત્યારબાદ જો કોઈ બાળક મળે તો તેને પૂર્વ દલાઈ લામા સંબંધિત ચીજો બતાવીને, અન્ય બાબતો વિશે પ્રશ્નો કરીને પરીક્ષણ કરવામાં આવે છે. જો સંતોષકારક જવાબ મળે, તમામ સંકેતો સાચી દિશામાં હોય તો સત્તાવાર રીતે નવા દલાઈ લામાના આગમનની ઘોષણા કરવામાં આવે છે. ત્યારબાદ તેમને ધાર્મિક પ્રશિક્ષણ આપવામાં આવે છે. વર્તમાન દલાઈ લામાની ઓળખ આ રીતે 2 વર્ષની વયે કરવામાં આવી હતી. જોકે આ પ્રક્રિયામાં વર્ષો લાગી જતાં હોય છે. તેની કોઈ ચોક્કસ સમયસીમા નથી.
વર્ષોથી આ પરંપરા આ જ રીતે ચાલતી આવતી હતી, પરંતુ હવે ચીને આમાં હસ્તક્ષેપ કરીને સમીકરણો બદલી નાખ્યાં છે. તિબેટ પર કબજો જમાવીને બેઠેલી ચીની સરકાર કાયમ એ બાબત ઉપર ભાર મૂકતી રહી છે કે દલાઈ લામાના નવા અવતારની ઓળખ કરવાની એકમાત્ર સત્તા ચીનની સરકાર પાસે છે. જે પરંપરા પહેલાં ધાર્મિક હતી, તેને ચીનની સરકાર રાજકીય બનાવવાના પ્રયાસ કરી રહી છે. જેના કારણે તિબેટના બૌદ્ધોને એ ડર છે કે ચીન પોતે દલાઈ લામાની નિમણૂક કરીને તેમનો ઉપયોગ રાજકારણ માટે , તિબેટમાં પોતાના કબજાને યોગ્ય ઠેરવવા માટે કરી શકે છે.
દલાઈ લામાએ તાજેતરની ઘોષણા કરીને એ સ્પષ્ટ કર્યું છે કે આ પરંપરા ન માત્ર ચાલુ રહેશે પણ તેમાં અન્ય કોઈનો અધિકાર નહીં રહે. તેમણે એ પણ જણાવ્યું છે કે જરૂરી નથી કે નવા દલાઈ લામાનો જન્મ તિબેટમાં જ થયો હોય. એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કે આગામી દલાઈ લામા મહિલા કે કોઈ વયસ્ક વ્યક્તિ પણ હોય શકે.
ચીન કેમ જોઈ રહ્યું છે તક?
વર્તમાન દલાઈ લામાને ચીનની સરકાર અલગાવવાદી ગણે છે અને તેમને પૂજવા પર પણ પ્રતિબંધ લાદી રાખ્યો છે. અહીં સુધી કે તેમની તસવીરો પણ દર્શાવી શકાતી નથી. કારણ એ છે કે ચીન આ સમગ્ર મામલાને એક તક તરીકે જોઈ રહ્યું છે, જેનાથી તે પોતાના દલાઈ લામાને નીમીને તિબેટમાં સત્તા પર સિક્કો લગાવવામાં મદદ મેળવી શકશે. એ જ કારણ છે કે દલાઈ લામાની ઘોષણાના થોડા જ કલાકમાં ચીનની સરકારે પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ઉત્તરાધિકારી ચીનની સરકાર દ્વારા માન્ય હોવો જોઈએ અને સમગ્ર પ્રક્રિયા ચીનના કાયદા-નિયમો અનુસાર થવી જરૂરી છે.
બીજી તરફ બૌદ્ધ સાધુઓ, તિબેટીયન સંસદ, દલાઈ લામાના અનુયાયીઓ કાયમ ચીની હસ્તક્ષેપ સામે અવાજ ઉઠાવતા રહ્યા છે અને તેમાં તેમની કોઈ ભૂમિકા ન હોવી જોઈએ એ સ્પષ્ટ કરતા રહ્યા છે. આવનારા દિવસોમાં ચીન વધુ કારસ્તાનો કરી શકે એ સંભવ છે.
બીજી તરફ, ભારત અને અમેરિકાએ દલાઈ લામાનું સમર્થન કર્યું છે. ભારતે કહ્યું કે ઉત્તરાધિકારીની પસંદગીનો અધિકાર દલાઈ લામા અને તેમની સંસ્થા પાસે છે. અમેરિકાએ પણ કહ્યું છે કે તેઓ દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગી પ્રક્રિયામાં ચીની હસ્તક્ષેપ ચલાવી નહીં લે અને તિબેટમાં માનવાધિકાર સુનિશ્ચિત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. જેથી આ ઘોષણા અને ત્યારબાદના ઘટનાક્રમો આવનાર સમયમાં ભૂરાજનીતિક રીતે પણ મોટી અસરો પાડશે.