પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે દુનિયાભરમાં ઓઇલ-ગેસનું સંકટ સર્જાયું છે. જોકે ભારત સરકારના નિયમન અને વિદેશનીતિના પરિણામે દેશમાં પુરવઠાની અછતના કારણે ઝાઝી અવ્યવસ્થા સર્જાઈ નથી. બીજી તરફ દુનિયાભરના ઓઇલ વ્યાપાર માટે અગત્યના માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર ઈરાને નાકાબંધી કરી રાખી છે પણ ભારતનાં જહાજોને નિયમિત પસાર થવા દેવામાં આવી રહ્યાં છે, એટલે અહીં પણ પુરવઠો પૂરતો પહોંચી રહ્યો છે. છતાં ઇકોસિસ્ટમને જ્યારે તક મળે ત્યારે ફેક ન્યૂઝ ફેલાવવાનું ચૂકતી નથી.
તાજેતરમાં અહેવાલ એવા વહેતા થયા હતા કે ઈરાનનું 6 લાખ બેરલ ક્રૂડ લઈને ગુજરાત આવી રહેલું જહાજ અંતિમ ઘડીએ ચીન જવા રવાના થયું છે અને તેનું કારણ પેમેન્ટની સમસ્યા જણાવવામાં આવ્યું.

4 એપ્રિલના અહેવાલમાં ‘ગુજરાત સમાચાર’ લખે છે કે ઈરાનથી રવાના થયેલું જહાજ ગુજરાતના વાડીનાર બંદરે આવવાનું હતું પરંતુ પેમેન્ટમાં સમસ્યા ઊભી થતાં તે ચીન તરફ આગળ વધ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ઈરાને ક્રૂડ ઓઇલ માટે 30થી 60 દિવસની ક્રેડિટ વિન્ડો આપવાના બદલે એડવાન્સ પેમેન્ટની માગ કરી હતી. ભારતીય રિફાઈનરીઓએ અમેરિકાના પ્રતિબંધોના ભયથી એડવાન્સ પેમેન્ટ કરવાનું ટાળ્યું અને સમસ્યા ઊભી થઈ. બીજી તરફ ચીન લાંબા સમયથી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાથી તેને પેમેન્ટની સમસ્યા નડે તેમ નથી, જેથી જહાજ ચીન તરફ રવાના થયું છે.
આગળ જણાવવામાં આવ્યું કે આવી જ સમસ્યા ઇરાનથી એલપીજી લઈને મેંગલુરુ પોર્ટ પર પહોંચેલા જહાજ સી બર્ડ સાથે પણ આવી છે. જહાજ 30 માર્ચના રોજ બંદરે આવી પહોંચ્યું પરંતુ પેમેન્ટની સમસ્યાના કારણે જહાજ પરથી માલ અનલોડ કરી શકાયો નથી તેવો ગુજરાત સમાચારના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો.
હકીકત શું છે?
આવા અહેવાલોનો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે રદિયો આપ્યો છે. મંત્રાલયે જણાવ્યું કે આ અહેવાલો તથ્યાત્મક રીતે ખોટા છે અને સાચી હકીકત શું છે એ પણ જણાવ્યું હતું.
મંત્રાલયે પોસ્ટમાં કહ્યું કે, ‘ઈરાનિયન ક્રૂડ કાર્ગોને પેમેન્ટ ઇસ્યૂના કારણે ભારતના વાડીનારથી ચીન ડાયવર્ટ કરવામાં આવ્યું હોવાના અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ તથ્યાત્મક રીતે ખોટાં છે.’
The news reports and social media posts of an Iranian crude cargo being diverted from Vadinar, India to China due to “payment issues” are factually incorrect. 🇮🇳India imports crude oil from 40+ countries, with companies having full flexibility to source oil from different sources…
— Ministry of Petroleum and Natural Gas #MoPNG (@PetroleumMin) April 4, 2026
આગળ જણાવવામાં આવ્યું કે ભારત લગભગ 40 કરતાં વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને કંપનીઓને જુદા-જુદા સ્રોત પાસેથી, ભૌગોલિક સ્થિતિના આધારે અને વ્યાવસાયિક રીતે સરળ પડે એ રીતે ઓઇલ ખરીદવાની પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે. વર્તમાન સ્થિતિમાં ભારતીય રિફાઇનરીઓ તેમની જરૂરિયાતના આધારે ઈરાન સહિતના દેશો પાસેથી ક્રૂડ ખરીદી રહી છે અને પેમેન્ટની પણ કોઈ સમસ્યા આવી રહી નથી, જેવું સોશિયલ મીડિયા અને મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે.
આગળ મંત્રાલયે ઓઇલ ટ્રેડ કઈ રીતે થાય એ પણ સમજાવ્યું. વાસ્તવમાં શિપિંગ ડોક્યુમેન્ટ્સ પર જે ગંતવ્યસ્થાન લખવામાં આવે એ અંતિમ જ હોય એ જરૂરી હોતું નથી. ઓઇલ કાર્ગોનું ખરીદ-વેચાણ જહાજની યાત્રા ચાલુ હોય ત્યારે પણ થતું હોય છે અને જો તેમ થાય તો જહાજ મધદરિયેથી માર્ગ બદલી નાખે છે. કંપનીઓ વધુ સારો ભાવ મેળવવા, માગ પ્રમાણે એડજસ્ટ કરવા અને લોજિસ્ટિક મેનેજ કરવા માટે આવું કરતી હોય અને એ સામાન્ય પ્રક્રિયા છે.
અર્થાત્ જો કોઈ જહાજ એક દેશમાંથી બીજા દેશમાં ડાયવર્ટ થાય તો દર વખતે તેની પાછળ કોઈ ‘સમસ્યા’ હોય કે ‘પેમેન્ટ ઇસ્યુ’ હોય એવું નથી, આ રૂટિન પ્રોસેસ હોય છે અને વૈશ્વિક વ્યાપાર આ જ રીતે ચાલે છે.
મેંગલુરુ પોર્ટ પર આવેલા જહાજમાંથી અનલોડિંગ ન થઈ શકવાના સમાચારો પણ મંત્રાલયે ફગાવી દીધા છે અને જણાવ્યું કે ‘સી બર્ડ’ નામનું આ LPG ટેન્કર મેંગલુરુ પોર્ટ પર આવી પહોંચ્યું હતું અને હાલ તેના અનલોડિંગનું કામ ચાલી રહ્યું છે. જેથી તેમાં પણ કોઈ પેમેન્ટની સમસ્યા નથી.


