નાશિકના ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના BPO યુનિટમાં હિંદુ મહિલાઓના યૌન ઉત્પીડન અને ધર્માંતરણ માટે ચાર વર્ષથી ચાલતા રેકેટનો પર્દાફાશ થયા બાદ હવે આ મામલે નોંધાયેલી FIRની વિગતો સામે આવી રહી છે. આ મામલે પહેલી FIR નાશિકમાં નોંધાયા બાદ બાકીની મુંબઈ નાકા પોલીસ મથકે નોંધાઈ હતી, જે તમામ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં વિગતવાર જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે કંપનીના મુસ્લિમ કર્મચારીઓ હિંદુ મહિલાઓનું ઉત્પીડન કરતા હતા અને તેમને ધર્માંતરણ કરીને ઇસ્લામ કબૂલ કરવા માટે ઉશ્કેરતા હતા.
પોતાની ફરિયાદોમાં હિંદુ મહિલા કર્મચારીઓએ જણાવ્યું છે કે કઈ રીતે કાર્યસ્થળે તેમની સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવતો હતો અને હિંદુ રીતરિવાજોને ટાર્ગેટ કરીને દેવી-દેવતાઓ પર આપત્તિજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી હતી.
2 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલી એક ફરિયાદમાં 11 વર્ષથી કામ કરતાં એક ટીમ લીડરે શફી શેખ વિરુદ્ધ તેમની ઉપર કુદૃષ્ટિ નાખવાનો અને અભદ્ર વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. આ વાતની જાણ જ્યારે સિનિયર મેનેજરોને કરવામાં આવી તો તેમણે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી અને માત્ર બીજી ટીમમાં ટ્રાન્સફર કરીને સંતોષ માન્યો હતો. આરોપ છે કે ટ્રાન્સફર બાદ પણ શેખે મહિલાનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ રાખ્યા હતા.
સંતાનપ્રાપ્તિ માટે અજમેરના મૌલવીનો સંપર્ક કરવા કહ્યું
ફરિયાદ અનુસાર, 2026ની શરૂઆતમાં મિસકેરેજ બાદ તૌસિફે મહિલાને જણાવ્યું હતું કે તે અજમેરના એક મૌલવીનો સંપર્ક કરે જે ‘સંતાનપ્રાપ્તિ માટે મદદ કરશે.’ મહિલાએ આ ટિપ્પણી સામે પણ ફરિયાદમાં વાંધો ઉઠાવ્યો છે.
3 એપ્રિલના રોજ દાખલ અન્ય એક FIRમાં 23 વર્ષીય હિંદુ મહિલાએ રઝા મેમણ અને શાહરૂખ કુરેશી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું કે આ બંને કામ દરમ્યાન વારંવાર તેના ડેસ્ક પર કામના બહાને આવતા રહેતા હતા અને ત્યારબાદ અંગત જીવનને લગતી વાતચીતો શરૂ કરી દેતા હતા અને તેને રિલેશનશિપ અને બોયફ્રેન્ડ વિશે સવાલો કરતા હતા. આ સિવાય મહિલાએ બંને વિરુદ્ધ અમુક આપત્તિજનક ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.
ફરિયાદ અનુસાર રઝાએ કુરેશીને કહ્યું હતું કે, ‘ઇસકો (પીડિતાને) તેરે લિયે રેડી કર’. 19 માર્ચના રોજ ગુડી પડવા પર રઝાએ જાહેરમાં જ યુવતીને બોલાવીને તેના ડ્રેસ પર ટિપ્પણી કરીને હિંદુ રીતરિવાજોની મજાક ઉડાવી હતી. જોકે તેણે કહ્યું કે આરોપીઓ ઑફિસમાં સારું એવું વર્ચસ્વ ધરાવતા હોવાના કારણે પોતે ફરિયાદ કરી ન હતી.
દેવી-દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી
2 એપ્રિલ, 2026ના રોજ નોંધાયેલી ત્રીજી FIR પણ અન્ય એક 23 વર્ષીય હિંદુ યુવતીએ નોંધાવી છે, જેમાં પાંચ આરોપીઓનાં નામ છે. તેણે ફરિયાદમાં જણાવ્યું કે જૂન 2025માં ટ્રેનિંગ પીરિયડ દરમ્યાન શાહરૂખ કુરેશી અને રઝા મેમણે સતત તેને હનીમૂન, સેક્સ્યુઅલ લાઈફ અને પાછલી રિલેશનશિપને લઈને અભદ્ર સવાલો કર્યા હતા.
યુવતીએ આસિફ અન્સારી નામના એક કર્મચારી વિરુદ્ધ યૌન ઉત્પીડનના પણ આરોપ લગાવ્યા છે અને કહ્યું કે તે સતત તેના શરીર અને વસ્ત્રો પર આપત્તિજનક અને અભદ્ર ટિપ્પણીઓ કરતો રહેતો હતો અને બદઇરાદે સ્પર્શ પણ કરતો હતો. આ સિવાય અન્સારી પર હિંદુ દેવી-દેવતાઓ વિરુદ્ધ અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણીઓ કરવાનો પણ આરોપ છે. તેણે એક ટિપ્પણીમાં યુવતીને એમ પણ કહ્યું હતું કે હિંદુ સમુદાયમાં મહિલાઓનું શોષણ એટલા માટે થાય છે કારણ કે ત્યાં મહિલાઓ બુરખા પહેરતી નથી. એટલું જ નહીં, FIR અનુસાર અન્સારીએ યુવતી સાથેની વાતચીતમાં દેવી-દેવતાઓ પર પણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તમારા ભગવાન નિર્વસ્ત્ર ફરે છે, તમે આવા ભગવાનોની પૂજા કઈ રીતે કરી શકો?
તૌસિફ પર કામના અને ટ્રેનિંગ આપવાના બહાને વધુ નજીક આવવાનો પ્રયાસ કરવાનો અને શારીરિક અડપલાં કરવાનો પણ આરોપ યુવતીએ લગાવ્યો છે. તેણે આગળ જણાવ્યું કે ગુડી પડવાના દિવસે રઝા મેમણે યુવતીની સાડી ખેંચી હતી અને ત્યારે અત્તાર અને અન્સારીએ અભદ્ર ટિપ્પણીઓ કરતા હતા. યુવતીએ જણાવ્યું કે નોકરી ખોવાના ડરે તે ચૂપચાપ આ બધું સહન કરતી રહી હતી.
અન્ય એક ફરિયાદમાં પીડિત હિંદુ મહિલા જણાવે છે કે તૌસિફે તેની સાથેની વાતચીતમાં સતત હિંદુ દેવી-દેવતાઓ વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. જેમાં તેણે ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન ગણેશજી વિશે આપત્તિજનક અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તે મહિલાને એમ પણ પૂછતો કે તમને (હિંદુઓને) કઈ રીતે ખાતરી છે કે ભગવાન ગણેશ મહાદેવના જ પુત્ર છે. આ બધા ખેલ નાશિક TCSમાં ચાલતા હતા.
તમામ FIRમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો 74, 75, 79 અને 3(5) લગાડવામાં આવી છે. ત્રણેય FIR 48 કલાકના ગાળામાં નોંધવામાં આવી હતી. તમામ આરોપીઓ એક જ વિભાગના છે, જે દર્શાવે છે કે આ છૂટીછવાઈ ઘટના નથી પરંતુ હિંદુ મહિલાઓને ટાર્ગેટ કરવાનું આખું એક રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. ઉપરાંત સતત હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને યુવતીઓને ઇસ્લામ કબૂલ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. હાલ પોલીસ અને એજન્સીઓ આ સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ ચકાસી રહી છે કે તેના તાર અન્યત્ર જોડાય છે કે નહીં.


