તાજેતરમાં જ ઉદયપુરમાં એક ઘટના સામે આવી, જેમાં એક સરકારી શાળાની બહાર એક હિંદુ વિદ્યાર્થીને તેની સાથે જ ભણતા મુસ્લિમ વિદ્યાર્થીએ છરી મારી દીધી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ બાળકને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ચાર દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાધા બાદ આખરે તેણે દમ તોડી દીધો. તેના મૃત્યુથી ઉદયપુર સહિત સમગ્ર રાજસ્થાનમાં આક્રોશ છે ત્યારે બીજી તરફ વામપંથી પ્રોપગેન્ડા પોર્ટલ ‘ધ વાયર’ આ ઘટનામાં પણ બદમાશી કરતું પકડાયું છે.
પોર્ટલે 19 ઑગસ્ટે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. જેનું મથાળું છે- ‘ઈઝ ધીસ જસ્ટિસ?’: મુસ્લિમ ઓટો ડ્રાઈવર્સ હાઉસ બુલડોઝ્ડ આફ્ટર ટેનેટ્સ માઇનર સન ઇન્જરીસ ક્લાસમેટ.’ ગુજરાતીમાં આ પ્રમાણે કરી શકાય- ‘શું આ ન્યાય છે?’: ભાડુઆતના દીકરાએ સહપાઠીને ઈજાગ્રસ્ત કરી દીધા બાદ મુસ્લિમ રિક્ષાચાલકનું ઘર તોડી પડાયું.’
અહીં ખાસ ધ્યાન આપવા જેવો શબ્દ ‘ઇન્જરિસ’ છે. અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ થાય- ઈજા પહોંચાડવી. જ્યારે ખરેખર તો બાળકની હત્યા થઈ છે. જે દિવસે વાયરનો રિપોર્ટ પ્રકાશિત થયો તે જ દિવસે સમાચાર સામે આવ્યા હતા કે ઇજાગ્રસ્ત હિંદુ બાળક બચી શક્યો નથી. આટલી સારવાર બાદ પણ જો તે ન બચી શક્યો હોય તો કલ્પના કરવી કઠિન નથી કે કઈ રીતે તેની ઉપર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હશે. પરંતુ તેમ છતાં આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં વાયરે લેખ અપડેટ કરીને બાળક મૃત્યુ પામ્યો હોવાની જાણકારી આપી નથી.
ઉપરથી લેખના મથાળામાં માત્ર ‘ઇન્જરી’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ખરેખર તો આ એક જીવલેણ હુમલો હતો અને હવે તો હત્યા કહી શકાય. માની પણ લેવામાં આવે કે વાયરનો રિપોર્ટ લખતી વખતે બાળક હજુ સારવાર હેઠળ હતો, પરંતુ તેમ છતાં ‘ઇન્જરી’ શબ્દ સીધી રીતે ઘટનાની ગંભીરતા ઓછી કરી નાખે છે. વાંચીને લાગ્યા વગર રહે નહીં કે બે બાળકો વચ્ચેનો ઝઘડો હશે અને તેમાં નાની-મોટી ઈજા પહોંચી હોવી જોઈએ. ઉપરાંત લેખમાં શબ્દ વાપરવામાં આવ્યો છે ‘એલેજેડલી’, એટલે કે કથિત રીતે. જ્યારે હકીકતે તો આ ઘટના બની તે કેમેરામાં પણ કેદ થઈ હતી.
બીજી તરફ, આરોપી વિદ્યાર્થી જ્યાં રહેતો હતો તે મકાન પર બુલડોઝર કાર્યવાહી થયા બાદ વાયરે મુસ્લિમ મકાનમાલિકની ‘આપવીતી’થી લેખની અડધી જગ્યા ભરી દીધી છે. લેખની શરૂઆત જ એ રીતે થાય છે કે કઈ રીતે મુસ્લિમ વ્યક્તિએ લાખો રૂપિયા ખર્ચીને મકાન ખરીદ્યું હતું અને હવે તેને આંખ સામે ધ્વસ્ત થતાં જોયું. લેખમાં બુલડોઝર કાર્યવાહી સામે વાંધો ઉઠાવતાં મકાન માલિકનાં કથનો પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
હિંદુ સંગઠનો પર લગાવી દેવામાં આવ્યો આરોપ
આગળ લેખમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાને ‘સાંપ્રદાયિક સ્વરૂપ’ આપવાનો આરોપ હિંદુ સંગઠનો પર લગાવી દેવામાં આવ્યો છે. લેખમાં લખવામાં આવ્યું- ‘હિંદુ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો કર્યા બાદ સગીર આરોપી (મુસ્લિમ) અને સગીર પીડિત (હિંદુ)- બંને વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ સાંપ્રદાયિક સ્વરૂપ ધારણ કરી લીધું.’ આગળ એ જણાવવામાં આવ્યું કે કઈ રીતે આક્રોશિત ટોળાએ અનેક કારને આગ લગાવી દીધી અને માર્કેટ બંધ કરાવી દીધાં. જેના કારણે ઉદયપુર જિલ્લા તંત્રે વધુ લોકો એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવીને મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરવાની ફરજ પડી હતી.
આડકતરી રીતે બુલડોઝર એક્શન માટે દોષ હિંદુ સંગઠનો અને ભાજપ નેતાઓ પર પણ નાખવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે, હિંદુ સંગઠનો સહિતનાં આક્રોશિત જૂથોએ હૉસ્પિટલની બહાર એકઠા થઈને ‘બુલડોઝર એક્શન’ની માંગ કરી હતી અને ત્યારબાદ તેને જનપ્રતિનિધિઓ તરફથી પણ બળ મળ્યું. આગળ ધારાસભ્યોનાં કથન ટાંકવામાં આવ્યાં હતાં, જેમાં તેમણે બુલડોઝર કાર્યવાહીની માંગ કરી હતી.
શું બની હતી ઘટના?
નોંધનીય છે કે આ ઘટના રાજસ્થાનના ઉદયપુરની છે. અહીં ગત 16 ઑગસ્ટના રોજ એક મુસ્લિમ વિદ્યાર્થીએ સાથે ભણતા એક હિંદુ વિદ્યાર્થીને છરી મારી દીધી હતી. ત્યારબાદ તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ, લોહીલુહાણ હાલતમાં પીડિત વિદ્યાર્થીને હૉસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારબાદ આક્રોશિત હિંદુઓએ ન્યાયની માંગ સાથે પ્રદર્શનો પણ કર્યાં હતાં. જેના કારણે તંત્રએ અમુક કાર્યવાહી કરી હતી. પીડિત વિદ્યાર્થી ચાર દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ રક્ષાબંધનના દિવસે મૃત્યુ પામ્યો. તે પહેલાં આગલા દિવસે સ્થાનિક તંત્રે આરોપી વિદ્યાર્થી જ્યાં રહેતો હતો તે મકાન ગેરકાયદેસર અને સરકારી જમીન પર બનેલું હોવાનું સામે આવતાં બુલડોઝર ફેરવીને તોડી પાડ્યું હતું.