તાજેતરમાં ‘ધ વાયર’ પર એક રિપોર્ટમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજતક, ઝી ન્યુઝ, ABP સહિતની ચેનલોને એક નોટિસ પાઠવી હોવાનો દાવો કરવામાં આવ્યો. કારણ એ આપવામાં આવ્યું કે આ હિન્દી ચેનલો પ્રસારણમાં ઉર્દૂ શબ્દોનો ઉપયોગ વધુ પડતો કરી રહી હતી. સરકારે આ અહેવાલો અને દાવાઓ નકારી દીધા છે અને એક સ્પષ્ટતા રજૂ કરી છે.
‘ધ વાયર’ના રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો?
20 સપ્ટેમ્બરના રોજ પ્રકાશિત એક રિપોર્ટમાં વાયરે દાવો કર્યો કે 9 સપ્ટેમ્બરના રોજ દાખલ એક ફરિયાદના આધારે મંત્રાલયે પાંચ મોટી ન્યૂઝ ચેનલોને નોટિસ પાઠવી છે. થાણેની એક વ્યક્તિએ 9 સપ્ટેમ્બરના રોજ CPGRAMS પોર્ટલ પર ફરિયાદ દાખલ કરી હતી કે હિન્દી ન્યૂઝ ચેનલો ટીવી9 ભારતવર્ષ, આજતક, ABP ન્યૂઝ, ઝી ન્યૂઝ અને ટીવી18 પ્રસારણમાં લગભગ ત્રીસ ટકા ઉર્દૂ શબ્દોનો પ્રયોગ કરે છે.
રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ત્યારબાદ 18 સપ્ટેમ્બર રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલયે પાંચેય ચેનલોને અલગ-અલગ પત્રો મોકલીને જણાવ્યું કે તેમની વિરુદ્ધ ફરિયાદ આવી છે અને કેબલ ટેલિવિઝન નેટવર્ક (સંશોધન) નિયમો અનુસાર જરૂરી કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે. એવો પણ દાવો કરવામાં આવ્યો કે ચેનલોને પંદર દિવસની અંતર ફરિયાદ પર લેવામાં આવેલા નિર્ણયની જાણકારી મંત્રાલય અને ફરિયાદીને આપવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.
PIBએ કરી સ્પષ્ટતા
આ મામલે કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ એક સ્પષ્ટતા જાહેર કરી છે. PIB ફેક્ટચેકના એક્સ હેન્ડલ પરથી જણાવવામાં આવ્યું કે આ દાવો ભ્રામક છે અને માત્ર નિયમો અનુસાર ફરિયાદીની ફરિયાદ ફોરવર્ડ કરવામાં આવી હતી.
It is being claimed in certain media reports and social media posts that @MIB_India has issued notices to Hindi news channels for using excessive Urdu words in their broadcasts, and has directed them to appoint language experts.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) September 21, 2025
❌ This claim is #Misleading
▶️… pic.twitter.com/EHOvv9RMSN
PIBએ પોસ્ટમાં લખ્યું, “અમુક મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે અમુક હિન્દી ન્યુઝ ચેનલોને ઉર્દૂના વધુ પડતા પ્રયોગ બદલ નોટિસ પાઠવી છે અને ‘લેંગ્વેજ એક્સપર્ટ’ નીમવા માટે નિર્દેશ આપ્યા છે. આ દાવો ભ્રામક છે.”
આગળ જણાવવામાં આવ્યું કે મંત્રાલયે માત્ર એક દર્શકની ફરિયાદ જે-તે ચેનલોને મોકલી આપી હતી, જેવી કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટમાં જોગવાઈ છે. આ ચેનલોને ફરિયાદ પર જે કોઈ કાર્યવાહી કરવામાં આવે તે માટે મંત્રાલયને અને ફરિયાદીને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 21 સપ્ટેમ્બરના રોજ આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ પ્રકાશિત થયાની ક્ષણ સુધી ‘ધ વાયર’ના રિપોર્ટમાં PIBની સ્પષ્ટતા ઉમેરવામાં આવી નથી.


